: સંતવાણી સમીપે :: નાથ! તમે નિર્ધનિયાનું નાણું : ત્રિકમ સાચવે ટાણું :

       એક પ્રસિધ્ધ તથા પ્રાચીન દૂહો છે.

              મોતીકણ મોંઘોકિયો સોંઘો કિયો અનાજ,
              તબ તુને મેં જાણીયો, તુ હૈ ગરીબ નવાઝ.

       ઇશ્વરની અસીમ કૃપા જગતના તમામ જીવ તરફ વાત્સલ્યભાવથી વહી રહી છે. પરંતુ આ વ્યાપ્પક જીવસૃષ્ટિમાં પણ છેલ્લામાં છેલ્લા જીવને નજરમાં રાખીને પ્રભુકૃપાનો પ્રસાદ સહજ રીતે પહોંચેછે. આ વાત શાસ્ત્રોએ કહી છે. ભક્ત કવિઓએ આવી ભગવતકૃપના જ ઓવારણા લીધા છે. ઉપરના દૂહામાં લોકકવિ કહે છે કે અમારા માટે જે સૌથી આવશ્યક – અનિવાર્ય ચીજ હતી તે તમામ જીવોને સહેલાઇથી મળે તેવી કુદરતની વ્યવસ્થા છે. હીરા-મોતીના ભંડાર માત્રથી જીવન ટકી શકત નહિ. આથી સામાન્ય જનની અન્નની જરૂરિયાતને ધ્યાને લઇ કુદરતે તેની ઉપલબ્ધિ વિપુલ તથા સુલભ બને તેવી રીતે કરેલી છે. અન્ન થકી જ પ્રાણ- અન્નૈવ પ્રાણા: ની પૂરી પ્રતિતિ કરુણાનિધાનને છે.

 પૃથ્વી પવનને પાણી આપ્યા સૌને ઉલટ આણી
 કોઇ દિ ન માંગ્યું એનુ નારાયણે નાણું ….
 હરિની હાટડીએ મારૂં કાયમ હટાણું.

       ઉપરના શબ્દોમાં કવિ શ્રી પિંગળશીભાઇ લીલાએ કુદરતની આ અસીમ કૃપાના જ ગુણ ગાયા છે. આપણાં સંતવાણીના સાહિત્યકારોની આકાશગંગામાં કેટલાંક કવયિત્રિઓનો દબદબો રહેલો છે. મધ્યકાલિન યુગ આમ તો રાજકીય તથા સામાજિક રીતે ઘટનાપૂર્ણ હતો. વિદેશી શાસકો તથા રુઢિવાદીઓની બેવડી પકડથી સમાજ જીવનનો તાણોવાણો ગૂંચવાયો હોય તેમ પણ લાગે. છતાં આ યુગમાં અનેક સંતોએ પ્રગટ થઇ સમાજને પથદર્શન કરાવવાનું યજ્ઞકાર્ય કર્યું તેનો ઉજળો ઇતિહાસ છે. આ સંતોનું દર્શન સ્પષ્ટ હતું. તેમની ‘‘બાની’’ કોઇ સંપ્રદાય કે વિધિવિધાન તરફ નહિ પરંતુ સર્વજન હિતાય- સર્વજન સુખાયને કેન્દ્રમાં રાખીને અસ્ખલિત રીતે વહેતી હતી. મેવાડની મીરાં હોય, રણની કાંધીએ જાગતી જયોત જેવું જીવન જીવનાર સતી તોરલ હોય કે ‘‘કાશ્મીરની મીરાં’’ લલ્લેશ્વરી હોય – આ તમામ સાધિકાઓએ જગતને કલ્યાણ તથા કરૂણાના માર્ગે દોરેલું છે. તેમની સરળ વાણીની અપીલ જનજનને સ્પર્શી છે. જયાં પણ આડંબર કે ભેદભાવનું અસ્તીત્વ જોયું ત્યાં તેને મૂળમાંથી જ પડકારવાની આત્મશક્તિ આ વિદુષિઓના વાણી વર્તન તથા વિચારમાંથી પ્રગટ થઇ હતી. જગતમાં પ્રેમ તથા નિર્ભેળ આનંદનો સંદેશ તેમની વાણીમાં પાવક જયોતની જેમ ઝળહળ્યો છે.

ભાઇ રે આઠે પહોર રહેવું આનંદમાંને,
       વધુ જાગે જેથી પ્રેમ રે,
       .. ગંગાસતી એમ બોલીયાં ને,
                     પછી ચડે નહિ દૂજો રંગ રે ..

                     ગંગાસતીની વાણીની જેમ જ મધ્યકાળના સંત સાહિત્યમાં સતી લોયણની રચનાઓ સરળ તથા સત્વપૂર્ણ છે. દુર્ગાપુજાના તથા શક્તિ ઉપાસનાના આ પવિત્ર માસમાં સતી લોયણની રચના વાંચવી કે સાંભળવી વિશેષ અર્થસભર તેમજ આકર્ષક લાગે છે. લુહાર કુટુંબમાં ધનજી ભગત તથા રૂડીમાના સંસ્કારી ઘરમાં તેમનું પ્રાગટ્ય થયું. સંવત ૧૪૪૮ નો આ સમયગાળો માનવમાં આવે છે. વિહાર કરતા કૃપાળુ સંતોના પૂરા આશીર્વાદ ફળ્યાં ત્યારે આ પુત્રીરત્નની પ્રાપ્તિ થયેલી છે તેની પ્રતિતિ માતાપિતાને પૂરેપૂરી છે. અનેક સંતોના આગમનથી તેમજ તેમની વાણીના પ્રભાવથી સતી લોયણનું ઘડતર થયેલું છે. આથી સંતોની વાણીનો પ્રસાદ સતીની કાવ્યવાણીમાં ભલીભાંતી ઉતર્યો છે. આ દયાળુ તથા જ્ઞાની સંતો જ સતીના જીવનમાં ગુરુપદે સ્થપાયેલા છે. બાહ્ય આચાર કે દેખાવ નહિ પરંતુ ભીતરના ભાવનું જ આ સંતોને મન મોટું મૂલ્ય છે.

       ભગવા ધર્યાને કર્યા તિલક તરકટના ભાઇ,
       તંબુરો વગાડી કર્યો મિથ્યા તે લવારો ….
       ગુરુના શરણ વિના નહિ આવે આરો .

              જેમ સતી તોરલે જેસલ જાડેજાને સત્યના તથા સદાચારને માર્ગે દોર્યા છે તેમજ સતી લોયણે પણ રાજવી લાખાજીને કલ્યાણના માર્ગનું દર્શન કરાવ્યું છે. સતીની વાણીથી પારસમણીના સ્પર્શની જેમ રાજવીની વૃત્તિઓમાં પરિવર્તન આવ્યાનું નોંધ્યું છે. રાજવીનું પરિવર્તન થયા પછી તેની વાણીમાં પણ સંતવાણીના દર્શન થાય છે.

નાથ ! તમે નિર્ધનિયાનું છો નાણું
ભાસો અખૂટ હીરાની ખાણું ….. નાથ તમે ….
કુંવરબાઇનું આવ્યું સીમંત ત્યારે
નરસિંહ પાસે નહોતું નાણું.
મામેરું લઇને પ્રેમે પધાર્યા
ત્રિકમે સાચવ્યું ટાણું …. નાથ તમે …
મીરાંબાઇ પર મહેર કરી ઘણી
ઝેર જે વખતે પીવાણું
ઘટઘટમાં ગોવિંદ દેખાણાં
ઠાલુ રહયું ન ઠેકાણું … નાથ તમે ….
મુકતાફળ બહુ મોંઘા કીધાં,
ને સોંઘુ કીધું અતિ દાણું,
હરિ ગુરુ વચને લાખો બોલે,
આખી ઉંમરમાં જણાણું ..
નાથ ! તમે નિર્ધનિયાનું છો નાણું.

સંતોએ શાસ્ત્રોમાં જ પ્રબોધાયેલી શ્રધ્ધાનું અદકેરૂં મૂલ્ય આંકેલું છે. જેમણે શ્રધ્ધા રાખી છે તેમની લાજ હરિએ સાચવી છે તે વાત સંતકવિઓએ ઉદાહરણો આપીને રજૂ કરી છે. શ્રધ્ધાનું આ બળ આજે પણ એટલું જ પ્રસ્તુત અને પ્રાસંગિક છે. વ્યક્તિગત અને સામુહિક શ્રધ્ધા જો જીવનના ઉચ્ચ મૂલ્યો તરફ હોય તો તેનો લાભ અચૂક થાય છે. આપણી શ્રધ્ધા અને વિશ્વાસ જ જીવનમાં આજે પ્રસંગોપાત અનુનભવીએ છીએ તે શુષ્કતા, રિક્તતાના માહોલમાંથી બહાર નીકળવાનો ઠોસ માર્ગ છે. આપણી વિશ્વાસ અને શ્રધ્ધની મૂડી ખોવા જેવી નથી. તોફાની સમુદ્ર ભલે ઘૂઘવતો હોય પરંતુ નાની નાવડીના અને નાખુદાના બળે તરી જવાનો મકરંદી મીજાજ સાચવી રાખવા જેવો છે.

       ભલે હો નાવડી નાની, સમંદર હો તુફાની,
       અમારો નાખુદા આલા જિગર છે આસમાની.

***

Leave a comment

Blog at WordPress.com.

Up ↑