: સંતવાણી સમીપે : દિલમાં દીવો કરો રે : દિલમાં દીવો કરો :

  નૂતન વર્ષને આવકારવાનો સમય છે. ભર્તુહરી મહારાજ કહે છે તેમ કાળ પસાર થતો નથી. આપણે જ પસાર થઇ રહ્યા છીએ.  (કાલો ન યાતા વયમેવ યાતા) આપણું દૈનિક જીવન અનેક પ્રકારની વ્યસ્તતા વચ્ચે જોતજોતામાં પસાર થાય તે સ્વાભાવિક છે. આમ છતાં દરેક દિવસને એક નવી તાજગી હોય છે. કવિ શ્રી મકરંદ દવે કહે છે તેમ સૂર્યની મહોરથી અધિકૃત થયેલું એક પત્તુ – એક પ્રભાત આપણને રોજ સાંપડે છે એટલે આમ તો જીવનનું દરેક પરોઢ એ નૂતન પરોઢ છે. છતાં દિવાળીના ઉલ્લાસમય તહેવારો બાદ આવતું નવું વર્ષ પરંપરાથી એક વિશેષ ભાવ સાથે આપણે વધાવીએ છીએ. અનેક પ્રકારે ઉજવીએ છીએ. રોશનીની બાહ્ય ઝાકઝમાળ વચ્ચે આપણી અંદર શ્રધ્ધા, સ્નેહ તથા વિશ્વાસનો દિવો પણ નૂતન વર્ષના શુભારંભે પ્રગટાવીએ તો આવનારા દિવસો વિશેષ રમણીય તેમજ હેતુપૂર્ણ બની શકે. દિલમાં દીપ પ્રગટાવવાનું આ પાવન પર્વ છે. મધ્યકાલીન ગુજરાતી ભક્ત કવિ રણછોડનું ચિરંજીવી કાવ્ય પ્રકાશના આ પાવન પર્વે ફરી યાદ કરવા જેવું છે. 

દિલમાં દીવો કરો રે

દિલમાં દીવો કરો

કુડા કામ ક્રોધને પરહરો રે

દિલમાં દીવો કરો રે.

દયા – દિવેલ પ્રેમ પરણાયું લાવો.

માહી સુરતાની દિવેટ બનાવો,

મહીં બ્રહ્મ અગનિ ચેતાવો રે

દિલમા દિવો કરો રે

દીવો અણભે પ્રગટે એવો

તનના ટાળે તિમિરના જેવો

એને નયણે તો નરખીને લેવો રે

દિલમાં દીવો કરો રે.

દાસ રણછોડે ઘર સંભાળ્યું.

જડી કૂંચીને ઊઘડયું તાળું

થયું ભોમંડળમાં અજવાળું રે

દિલમાં દીવો કરો રે.

ડાકોરના ઠાકોર તરફ જેમનો વિશેષ પ્રીતિભાવ છે તેવા આ મધ્યયુગના તથા મધ્ય ગુજરાતના કવિએ દિલમાં દીવો પ્રગટાવવાની શીખ આપી છે. જેણે શાસ્ત્રો પચાવ્યા હોય તેની કલમમાંથી જ આવા નરસિંહ-મીરાંના સર્જનોની સમકક્ષ મૂકી શકાય તેવી સુંદર રચના પ્રગટ થઇ શકે. દિલમાં દીવો પેટાવવા માટે કવિએ જે બાબતો કરવાની સૂચવી છે તેનો બાહ્ય જગત કે વ્યક્તિના બાહ્ય  વ્યક્તિત્વ સાથે ભાગ્યે જ કશો સબંધ છે. અનેક ઇચ્છાઓ-મહત્વકાંક્ષાઓનું વળગણ તેમજ ચિત્તવૃત્તિમાં રહેલ ક્રોધને  નિયંત્રિત કરવાનું કામ તો અંતરના નિરધારથી જ થઇ શકે. કવિશ્રીએ કામ તથા ક્રોધને છોડવાની વાત કરી છે તે જ વાત તમામ ધર્મશાસ્ત્રોએ એક અથવા બીજા સ્વરૂપે કરી છે. શંકરાચાર્ય કહે છે તેમ અંગ ગળી જાય તથા શરીર જીર્ણ થતા સાથ આપવાનું છોડે તો પણ ઇચ્છા-મહેચ્છા જીર્ણ થતી નથી. કેટલીકવાર તો શરીરના બાકીના અંગો ક્ષિણ થવા લાગે ત્યારે કવિ શ્રી કાગ કહે છે તેમ તૃષ્ણાને જોબન (યુવાની) બેસે છે. બનાસકાંઠાના કવિ શ્રી મોડજી કલહટ્ટના શબ્દો પણ આ વાતનો જ પ્રતિસાદ આપે છે.  

છોડયો સગે સ્નેહ, દેહે બંધન છોડીયા 

કાળપ છોડે કેશ, (૫ણ) મમત મરી ન મોડિયા.

  દયા-દિવેલમાં સુરતાની દિવેટ પ્રગટાવવાનો પ્રયાસ કરીએ તો જ મનની આ ચંચળ વૃત્તિઓને નિયંત્રિત કરી શકાય. સાચી સમજનો તેમજ જ્ઞાનનો જયારે ઉદય થાય ત્યારે દિલનો આ દીવો પ્રગટે છે. દિલમાં દીવો પ્રગટવાની શક્તિ તો છે જ પરંતુ જરુર માત્ર એક પ્રયાસ કરવાની છે

કોડિયુ તારું કાચું માટીનું 

તેલ દિવેલ છૂપાયા, 

નાની શી સળી અડી ન અડી, 

પરગટશે રંગ માયા …. ઓ રે! ઓ રે! ઓ ભાયા .

આવા ઉજળા દીવાના પ્રાગટ્યથી સ્વાભાવિક રીતે જ અંદરના તિમિરનો નાશ થશે. વ્યક્તિના મનમાં રહેલા તિમિરની ચિંતા કવિને સકારણ છે. બાહ્ય જગતમાં દીવા પ્રગટાવવા સહેલા છે પરંતુ કવિ સમજે છે કે બાહ્ય રોશનીની ગમે તેવી ચકાચોંધ હોય પણ અંદરના અંધકારને ભેદી શકશે નહિ. આ માટે તો અંદરનો અગ્નિ જ ચેતાવીને તેનો ધૂણો ધખેલો રાખવો પડશે. અંતરની લગની હોય તો જ આ કામ થઇ શકે. કોઇ બાહ્ય દબાણ કે દેખાવથી સુરતાની દીવેટ પ્રગટી શકે નહિ. આ દિવેટની મૂળ જરૂરિયાત તો દયા તથા પ્રેમની છે. ભક્ત કવિ દાસ રણછોડને જો આ કૂંચી (key) મળતી હોય તો પ્રયાસ કરે તે સૌને માટે તે ઉપલબ્ધ છે. 

નવા વર્ષને વધાવીએ ત્યારે દિલમાં દીવો પગટાવવાનો વિચાર કે તેવી સમજ કેળવવા માટેનો એક નાનો પ્રયાસ પણ અંદરની જડતાને દૂર કરવામાં ઉપયોગી થશે. આ માટેના પ્રયાસો જાતે જ કરવા પડશે. શાસ્ત્રો તથા ભક્ત કવિઓ પથદર્શન કરાવી શકે પરંતુ પગલાં તો આપણે જ માંડવા પડશે. એકવાર આ શુભ સંકલ્પને પાર પાડવાનો નિર્ણય કરીને પગલાં માંડીએ તો તેના સમર્થનમાં હરિકૃપા હોય જ. આ નિરધાર માટે શુભસ્ય શિઘ્રમ જરૂરી છે. દરેક બાબતમાં જે રાહ તત્કાલ છે તેને જ પસંદ કરવાની વૃત્તિ આ યુગમાં છે. જો એમ હોય તો અંદર અજવાળુ કરવાના પ્રયાસ શરૂ કરવામાં પણ વિલંબ હોવો જોઇએ નહીં. કવિગુરુ ટાગોરે અંતર વિકસિત કરવાની માગણી કરુણાનિધાન પાસે કરી છે. કવિગુરુના આ અમરશબ્દો કવિ શ્રી ઉમાશંકર જોશીના અર્થપૂર્ણ અનુવાદથી આપણી ભાષામાં ઉતર્યા છે. આ શબ્દો પણ પ્રકાશ પાથરે તેવા હોવાથી દીપોત્સવના પર્વે માણવા જેવા છે. 

અંતર મમ વિકસિત કરો અંતરતર હે –

નિર્મલ કરો, ઉજ્જવલ કરો, સુંદર કરો હે.

જાગ્રત કરો, ઉદ્યત કરો, નિર્ભય કરો હે, 

મંગલ કરો, નિરલસ નિ:સંશય કરો હે.

યુક્ત કરો હે સબાર સંગે, મુકત કરો હે બંધ,

સંચાર કરો સકલ કર્મે શાંત તોમર છંદ 

ચરણ પદ્મે મમ ચિત્ત નિસ્પંદિત કરો હે, 

નંદિતકરો, નંદિત કરો, નંદિત કરો હે.

નૂતન વર્ષની શુભકામનાઓ

(વી. એસ. ગઢવી)

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑