: ભગવત ગુણ ભંડાર : સુકૃત્યોનું ગિરી શ્રુંગ : લોકહૃદયના સિહાસને બીરાજતા રાજવી

સાહિત્યની એક જાણીતી ઉક્તિનો પ્રયોગ કેટલાક વિદ્વાનોએ ડૉ. રાધાક્રિષ્નન, રાષ્ટ્રપતિ તરીકે પસંદગી પામ્યા ત્યારે કરી હતી. આ ઉક્તિ પ્રમાણે એવા દેશોનો વિકાસ થાય છે જ્યાં રાજા ફિલોસોફર હોય અને ફિલોસોફર રાજા હોય. આ વાત ડૉ. રાધાક્રિષ્નનના કિસ્સામાં જેમ યથાર્થ હતી તેજ રીતે આપણી માટીમાંથી પ્રગટેલા અને મહોરેલા રાજવી ભગવતસિંહજીને બરાબર બંધ બેસતી આવે છે. કોઇ રાજવી માત્ર પ્રજાના કલ્યાણને લક્ષમાં રાખીને રાજ્યનો વહીવટ ચલાવે અને તેમાં કોઇપણ deviation સ્વીકારે નહિ તે અનન્ય ઘટના છે. તમામ અંગત હેતુઓ કે સુવિધાઓ પ્રજાના ભલા માટે ન્યોછાવર કરે તેને એક અજોડ ઘટના ગણી શકાય. આવા રાજવીનીજ ૧૫૦મી જન્મજયંતિ ધામધૂમથી ઉજવાય.  બાકી તો કાળના પ્રવાહમાં બહુ ઓછા શાસકો ટકે છે, સ્મૃતિમાં રહે છે. ભગવતસિંહજીના કીર્તિના કોટ આજે પણ આદરમાન સહિત ઉન્નત મસ્તકે ઊભા છે. પ્રતાપી શાસક ભગવતસિંહજી, પૂ. નાથાભાઇ જોશી કે કવિ શ્રી મકરંદ દવેનું ગોંડલ તથા ગોંડલ રાજ્યના ધોરાજી સહિતના તમામ વિસ્તારના લોકો આવી વિભૂતિઓને કારણે શોભાયમાન છે, વિભૂષિત થયેલા છે. 

નામ રહંતા ઠક્કરા નાણાં નવ રહંત

કીર્તિ કેરા કોટડા પાડ્યા નવ પડંત.

ધોરાજી શ્રી અરવિંદભાઇ પટેલની આગેવાની હેઠળની સંસ્થા લેઉવા પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટ તરફથી ગોંડલના આ નરેશની ૧૫૦મી જન્મજયંતિનો ઉત્સવ તાજેતરમાંજ થયો ત્યારે આ વાતની પુન: પ્રતિતિ થઇ. આ રાજવી લોકોના દિલ પર શાસન આજે પણ કરે છે. આ શાસન કાયદાનું નહિ પરંતુ સ્નેહનું છે. તેથીજ તે ચિરકાલિન છે. કાર્યક્મમાં હાજર રહેલા લોકોની આંખોમાંથી તેમના પોતાના રાજા તરફનો આદર છલકતો હતો. ૧૯૩૪ માં મહારાજા ભગવતસિંહજીએ કરેલ પ્રવચનના કેટલાક અંશ મહારાજાની વાણીમાંજ સાંભળવાનો લહાવો મળ્યો તે દિવાળીનું બોનસ મળ્યું હોય તેવીમધુર અનુભૂતિ થઇ. 

ભગવતસિંહજીએ ગોંડલ રાજ્યના શાસનની ધૂરા સંભાળી ત્યારે તેમની ઉંમર માત્ર ૧૮ વર્ષની હતી. રાજ્ય સંભાળવાના મહત્વના તથા ઐતિહાસિક સમયે તેમણે રાજ્યની પ્રજાને કેટલાક વચન આપ્યા. આજના સંદર્ભમાં કહીએ તો મહારાજાએ પોતાનું Vision document પ્રજા સમક્ષ રજૂ કર્યું. રાજ્યની અગ્રતા કેવી હશે અને કઇ કઇ બાબતોમાં હશે તેનું સુરેખ ચિત્ર જાહેર કર્યું. આ તમામ વાયદાઓનો સરવાળો કરીએ તો તેમાંથી પ્રજા કલ્યાણનો બળકટ સૂર નીકળતો હતો. એટલુંજ નહિ પરંતુ તેના અમલ માટે રાજ્યની તૈયારી તથા સંપૂર્ણ પ્રતિબધ્ધતા વ્યક્ત થતા હતા. આ બાબત ‘‘વચનેશુ કિમ્ દરિદ્રતા’’ જેવી ન હતી. વચન નિભાવીને જીવવાનો ઉજળો સંદેશ હતો. આ વાત તેમના શેષ જીવનમાંથી તથા વહીવટમાંથી સ્પષ્ટ રીતે પુરવાર પણ થઇ. શાસકની વાતમાં રહેલો સચ્ચાઇનો રણકોપ્રજાએ ઝીલ્યો તથા વધાવ્યો.ગોંડલ રાજ્યના તમામ વિસ્તારમાં થયેલો વિકાસ આજે પણ આ રાજવીના સુઘડ વહીવટની શાક્ષી પૂરે છે. કરકસરયુક્ત વહીવટની વાત પર મહાત્મા ગાંધી હમેશા ભાર મૂકતા હતા. ગોંડલ નરેશે આવાતનો અમલ કરી બતાવ્યો. પોતાના અંગત હેતુ કે વપરાશ માટે રાજ્યની તિજોરીમાંથી જેટલા નાણાં રાજ્યાભિષેક વખતે લેતા હતા તેમાએક પણ પાઇનો વધારો પોતાના ૬૦ વર્ષના સુદીર્ઘ શાસનમાં એક પણ વખત તેમણે કર્યો નહિ તે ઘટનાજ અસાધારણ લાગે છે. જો કે આજ ગાળામાં ગોંડલની આવકમાં સુવહીવટને કારણે અનેક ગણો વધારો થયો હતો. 

આપણાં સાહિત્યકારો ગંગા નદી તથા પિતામહ ભીષ્મના સંદર્ભમાં એક વાત વખતો વખત કહે છે કે ગંગામૈયાએ માત્ર ભીષ્મને જન્મ આપવાનું એકજ કાર્ય કર્યું હોત તો પણ માનવસમાજ આ પવિત્ર નદીનો ઉપકાર કદી ભૂલી શકત નહિે. આ વાત મહારાજા ભગવતસિંહજી તથા ભગવદ્ ગો મંડળના સંદર્ભમાં પણ એટલીજ પ્રસ્તુતછે. મહારાજાએ માતૃભાષાની ઉત્તમ સેવાનું આ એકજ કાર્ય કરીને ભાષા ઇતિહાસમાં જૂદી ભાત પાડીછે. તેમની યુરોપની પ્રવાસકથા વાંચીએતો પણ તેમા ઉત્તમ કક્ષાના ગદ્યલેખનનું દર્શન થાય છે તે વાત સાક્ષરો પણ સ્વીકારે છે. આથી મહારાજાનું માતૃભાષામાં એક સર્વગ્રાહી કોશ આપવાનું કામ એ ભાષાની સેવાના એક જ્વલંત ઉદાહરણ સમાન છે. આ કાર્ય માટે ચંદુલાલ બેચરદાસ પટેલની પસંદગી એ પણ મહારાજાની પરખશક્તિની ખાતરી કરાવે છે. શ્રી ચંદુલાલ પટેલ જેવા બહુશ્રૂત વિદ્વાન તથા નિષ્ઠાવાન વ્યક્તિ રાજ્યનું શિક્ષણનું કામ સંભાળે અને મહારાજા તેમનામાં સંપૂર્ણ શ્રધ્ધા ધરાવે તે શાસકની વિચક્ષણતા તથા સંદેવનશીલતાની ખાતરી સમાન છે. કોશની રચનાનું કાર્ય શરૂ થયું અને કાર્ય પરિપૂર્ણ થાય તે પહેલાજ મહારાજા ભગવતસિંહજીની વિદાય પછી પણ તેઓશ્રીનાજ સ્વપ્ન અનુસાર કાર્ય સંપન્ન થયું તે શ્રીચંદુલાલ બેભરદાસ પટેલની કાર્યનિષ્ઠા તથા રાજ્યનિષ્ઠા બતાવે છે. મહાત્મા ગાંધી પણ આ કાર્યથીપોતે મુગ્ધ થયા છે તેવા આશીર્વાદ તથા ઉજળો પ્રતિભાવ પોતેલખેલા એક પત્રથી આપે છે. 

કન્યાઓની કેળવણીનો પ્રશ્ન આજની સરકારોને પણ અકળાવે છે અને તેના નિરાકરણ માટે અનેક પ્રયાસો થાય છે. આ બાબતની ગંભીરતાનો ખ્યાલ મહારાજાના મનમાં સ્પષ્ટ હતો. તેના કાયમી નિરાકરણ માટેની સુરેખ યોજના પણ તેમણેજ કરી તથા અસરકારક રીતે અમલમાં મૂકી. સુવિખ્યાત કેળવણીકાર શ્રી ગીજુભાઇ બધેકાના મતે ગોંડલ રાજયમાં કેળવણીના નૂતન સૂર્યનો ઉદય થયો હતો. મહારાજા ભગવતસિંહજીએ લગભગ એક સદી પહેલા કન્યાઓની કેળવણીનો પ્રશ્ન હાથ ઉપર લીધો. મહારાજાની આ ક્રાંતદર્શિતાનો ખૂબ મોટો લાભ પણ ગોંડલની પ્રજાને અને વિશેષ રીતે મહિલાઓને મળ્યો. કન્યાઓ માટે તેમણે મફત તથા ફરજિયાત કેળવણીની વ્યવસ્થા રાજ્યમાં દાખલ કરી. તે સમયના સંદર્ભમાં જોઇએ તો આ એક ખૂબજ વિચારયુક્ત પગલું હતું. પરીણામ પણ નોંધપાત્ર મળ્યું. ગોંડલની દીકરી દૂર સુદૂરના સ્થળે પરણીને જાય તો પણ તેની આ શૈક્ષણિક સજ્જતાને કારણે જૂદી ભાત પાડતી હતી. મહારાજાની આ વિશિષ્ટ પહેલનો ઉલ્લેખ કરીને દેશના અગ્રણી અખબારોએ તેની ભરપેટ પ્રશંસા કરી હતી. રાજ્યની મહિલાઓના મનમાં પણ પિતા સમાન રાજવી અને શિક્ષણની આ યોજના માટે અનહદ આદર હતો. તેમણે તેની અભિવ્યક્તિ પણ મહારાજાને સન્માનપત્ર આપીને કરી હતી. 

લીંબડી કવિરાજ શંકરદાનજી દેથાએ રાજવીઓના સંદર્ભમાં એક દૂહો લખ્યો છે. 

છે વાંચો કવિતા સરળ રાજહિતની રાય,

પાળો રૈયત પુત્રવત રાખો નીતિ ન્યાય.

મહારાજા ભગવતસિંહજી ઉપરની પંકિતઓમાં જણાવ્યું છે તેમ ‘‘ગોંડલ ફર્સ્ટ’’ ની વિચારધારા અમલમાં મૂકીને ગયા તેમનો વહીવટ એ કોઇપણ સમયના સંદર્ભમાં પ્રસ્તુત તથા પ્રાસંગિક છે. તેમના વહીવટની વાતો પુરાતન નથી પરંતુ સનાતન છે. પુત્રના લગ્ન પ્રસંગે મર્યાદા બાંધીનેજ ખર્ચ કરનાર રાજવીનું સ્વંશિસ્ત કેવું હશે ! આજે ઘણાં કિસ્સાઓમાં શ્રીમંત કુટુંબોમાં થતા લગ્ન પ્રસંગોમાં દેખાદેખીથી થતા લખલુટ ખર્ચા આ સંદર્ભમાં મૂલવવા જેવા છે. પાઇ પાઇનો હિસાબ રાખનાર રાજવી કોઇનામાં ધરતીકંપ થાય તો ગોંડલના પ્રમાણમાં મોટા રજવાડાઓ પણ ન આપે તેવી મોટી રકમની સખાવત આપત્તિગ્રસ્ત ભાંડુઓ માટે કરે તે ટ્રસ્ટીશીપના ગાંધી પ્રેરીત વિચારથી સહેજ પણ ભિન્ન લાગતુંનથી. લોર્ડ વિલિંગ્ડન જેવા બ્રિટીશ હિન્દના વાઇસરોયને નિવૃત્તિ પછી ગોંડલમાં રહેવું ગમે તેવી સ્થિતિનું નિર્માણ આ પ્રતિભાસંપન્ન રાજવીએ કરી હતી. તે સંદર્ભમાંજ લોર્ડ વિલિંગ્ડને આવી લાગણી જાહેરમાં વ્યક્ત કરીને ગોંડલના વહીવટને વિશિષ્ટ રીતે વધાવ્યો હતો. શાસનમાં સર્વોદયનુંજ લક્ષ લઇને ચાલનારા આ વીરલરાજવી આજના શાસનમાં વૈશ્વિક સ્તરે પણ પથદર્શક બને તેવા ખમીરવંતા છે. તેમની ૧૫૦મી જન્મજયંતિએ આપણે જ્યાં હોઇએ ત્યાં વિશાળ જનસમૂદાયના સામુહિક હિત માટે વિચારતા થઇએ તેમજ તે દિશામાં એક નાનું પરંતુ નક્કર પગલું ભરીએ તો એ નિ:શંક ભગવત કાર્ય છે. દિપોત્સવના આ પાવન પર્વે મહારાજા ભગવતસિંહજીની સ્મૃતિનો દીપ અંતરમાં પ્રગટાવીને આ મહારાજાને તેમની ૧૫૦મી જયંતી પ્રસંગે વંદન કરીએ.

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑