મીરાં, કબીર, તુલસી કે સૂરદાસની કૃતિઓ કાળના પ્રવાહ સામે જીવતી જાગતી ઊભી છે. આ વાણીના પાણીનો પ્રતાપ એવો છે કે તે નિત્ય નૂતન ભાસે છે. તેમની વાણીમાં તેમની ‘કરણી’ ની સુવાસ ભળેલી છે. જો કરણીની સુવાસ તેમાં ભળી ન હોત તો આ વાણીની અસરકારકતા કદાચ જેટલી છે તેટલી તથા તેવી ન પણ હોત. મનુભાઇ ત્રિવેદી ‘‘સરોદ’’ આ વાત સુંદર શબ્દોમાં પ્રગટ કરે છે.
જેડી કરણીની હોય કમાઇ,
મેરે ભાઇ ! હેડો શબદ નીસરે ધાઇ રે હો જી.
આ બધા ભક્ત કવિઓએ લખવા ખાતર લખ્યું નથી. તેમના તો જીવનમાંથી તેમજ તેમના આચાર વિચારમાં જે વણાયેલું છે તેજ સહજ રીતે તેમની વાણીમાં પ્રગટ થયું છે. અનાયાસે તો ખરુંજ પરંતુ તેમાં અનાસક્તિનું પણ મેળવણ ઉમેરાયેલું છે. જેને સત્ ની અનુભૂતિ થયેલી છે તે સંત છે. સંતનુ આચારણ પણ સત્યમય તથા સ્નેહમય છે. તેને બાહ્ય દેખાવ કે વિધિવિધાન સાથે ભાગ્યેજ કશી નિસ્બત છે. તેમના જીવનમાંથી પ્રગટ થતા નિજાનંદનીજ પ્રતિતિ જગતને થાય છે. સંતનો માર્ગ એ શૂરાનો માર્ગ છે અને અહંકારરહીત તથા વાણી વિવેકથી શોભાયમાન છે. રામચરિત માનસની એક ચોપાઇ છે.
બન્દૌ, સંત સમાન ચિતુ
હિત-અનહિત નહિ કોઇ,
અંજલિગત સુભ સુમન જિમિ,
સમસુગન્ધકર હોઇ.
તુલસીદાસજી સંતોના જીવનને અંજલિમાં ધરીને રાખેલા પુષ્પો સમાન ગણાવે છે. આ પુષ્પોની સુગંધ સર્વવ્યાપી છે. તેમાં કોઇના પણ તરફ શત્રુ-મિત્રતાનો ભાવ નથી. ‘‘ ફુલતો એની ફોરમ ઢાળી રાજી ’’ એવા મકરંદભાઇના શબ્દોની અહીં સ્મૃતિ થાય છે.
મીરાં હોય કે તુલસીદાસ હોય પરંતુ તેવા દરેક સંતકવિને જગતના બંધનો તથા દુનિયાદારીની વ્યવહારૂતા સામે લડવું પડ્યું છે. આ સંઘર્ષ જે તે સમયની સ્થિતિના સંદર્ભમાં અનિવાર્ય હતો. તુલસીદાસે ‘રામચરિતમાનસ’ લખવાનો પ્રારંભ અયોધ્યામાં કર્યો તેમ માનવામાં આવે છે. ત્યારબાદ આ પવિત્ર માનસગ્રંથ પૂર્ણ રીતે લખાયો કાશીમાં તેમ કહેવામાં આવે છે. તુલસીદાસજીને અયોધ્યા છોડીને કાશી જવું પડ્યું તે અંગેના પણ કેટલાક અનુમાનો કે માન્યતાઓ છે. તુલસીદાસજીના સ્વભાવમાં સંત સહજ સહિષ્ણુતા તેમજ ઉદારતાના ગુણો હતા. તેઓની વિચારધારા સાંપ્રદાયિક બંધનોથી બંદિ થયેલી ન હતી. વિચારધારાની આ મુક્ત તથા પવિત્ર ગંગોત્રીનો પ્રવાહ કેટલાક સ્થાનિક વૈરાગીઓને પસંદ પડે તેવો ન હતો. બીજી તરફ તુલસીદાસજી પણ કેટલાક વૈરાગીઓના જીવનના બેવડા ધોરણો તથા મંદિરોની પવિત્રતા જાળવવાની બાબત અંગે સ્થાનિક વાસ્તવિકતાથી સંતુષ્ટ ન હતા. ભગવા વસ્ત્રો ધારણ કર્યા હોય પરંતુ જેમના જીવન ત્યાગ તથા વૈરાગ્યથી રંગાયેલા ન હોય તેવા લોકો તરફ તેમને જરાપણ માન ન હતું. સામા પક્ષે આવા લોકો પણ તુલસીદાસજીના સાંપ્રદાયિકતા મુક્ત અભિગમ તરફ અવિશ્વાસ તથા શંકાની નજરે જોતાં હતાં. આથી પણ તેઓએ અયોધ્યાથી કાશી તરફ પ્રયાણ કર્યું હોય તેમ માનવામાં આવે છે. કાશી તથા ભાગીરથીનો કિનારો એ તેમના પ્રિય સ્થાન હતા. અહીંજ ગંગાના સાનિધ્યમાં તેમણે વિનયપત્રિકાના સુવિખ્યાત પદોની રચના કરી. તુલસીદાસજીના સમકાલિન સંત કવિઓમાં જેમનો ઉલ્લેખ કરવામાં આવે છે તેમાં ભક્તકવિ સૂરદાસ તથા મીરાંબાઇ અને રસખાનનો પણ સમાવેશ થાય છે. કાશીમાંજ રાચરિતમાનસ લખવાનું ધન્યકાર્ય સંપન્ન થયું તેમ માનવામાં આવે છે. અનેક પ્રચલિત તેમજ લોકપ્રિય છંદોમાં તુલસીદાસજીની રચનાઓ મહોરી ઊઠી છે.
સંત તુલસીદાસજીની લોકહૈયે રમતી રચનાઓમાં ‘વિનયપત્રિકા’ ની રચનાઓનો સમાવેશ થાય છે. વિનયપત્રિકાના કાવ્યો ભક્તિરસપૂર્ણ તો છેજ પરંતુ પરમતત્વ સાથેની આત્મીયતા તેમજ ભાવોની તીવ્રતાને કારણે આ રચનાઓમાં વિશિષ્ટ ચમક છે.
યહ બિનતી રઘુવીર ગુસાઇ
ઔર આસ વિશ્વાસ ભરોસો હરૌ જીવ જડતાઇ..
ચહૌન સુગતિ સુમતિ સંપતિ કછુ રિધ્ધિ સિધ્ધિ વિપુલ બઢાઇ,
હેતુરહિત અનુરાગ રામપદ બઢૈ અનુદિત અધિકાઇ..
યહ બિનતી રઘુવીર ગુસાઇ.
સંત કવિ મનુષ્ય જીવન સાથે જોડાયેલી જડતાને હરવાની વિનંતી કરે છે. કરૂણાનિધાન શ્રી રામ સાથે કોઇપણ પ્રકારના હેતુ કે સ્વાર્થ સિવાયની નિર્ભેળ ભક્તિની યાચના કરે છે. જીવનો વિશ્વાસ હરિમાં સ્થિર થાય તેવી મનોકામના પૂરી કરવાની આ કલાત્મક તથા ભાવસભર અભિવ્યક્તિ છે. ગંગાસતી કહે છે કે જેણે ભક્તિ કરવી હોય તેણે ચિત્તના વિકાર તજવા પડે છે. અંતરનું અભિમાન અળગું કરવું પડે છે. ‘‘ભક્તિ કરવી એણે રાંક થઇને રહેવું’’ એ શબ્દોજ તુલસીદાસની ઉત્કટ અભિવ્યક્તિમાં પણ જોવા મળે છે. વિવેકનો આવો સહજ ઊભરો તો તુલસીદાસ જેવા સંત કવિમાંજ જોવા મળે. અનાથોના નાથમાં તેમને ઊંડો ભરોસો છે. પ્રભુ વિઘ્નહર્તા છે તેની સંતને મજબૂત પ્રતિતિ છે.
કવિ ન હૅૂ મૈં ન ચતુરકહાઉ,
મતિ અનુરૂપ રામગુણ ગાઉ
નાથ તુ અનાથ કે અનાથ કૌન મો સો ?
મોં સમાન આહત નહિ, આરતહર તો સો.
રામચરિતમાનસનો જેટલો પ્રભાવ વિશાળ માનવ સમૂદાય પર છે તેવો પ્રભાવ ભાગ્યેજ બીજા કોઇ ગ્રંથનો હશે. જીવનમૂલ્યોની આવી સરળ તથા કથામય રજૂઆત અનન્ય છે. મૂલ્યો શાશ્વત છે તેથી તે આજે પણ પ્રસ્તુત – માર્ગદર્શક બની શકે તેવા છે. ગાંધીજી જેવા અનેક કર્મયોગીઓ માટે રામાયણ એ હમેશા પ્રેરણા સ્ત્રોત સમાન રહેલું છે. જીવનમાં કલ્યાણકારી વિચાર પ્રગટ કરી શકે તેવો આ આપણો સામુહિક વારસો છે. તેનું મૂલ્ય અમૂલ્ય છે.
***
Leave a comment