: સંતવાણી સમીપે : : આતમની એરણ પરે જે દી અનુભવ પછડાય જી :

માનવ માત્રનો આખરી મુકામ એ ઇશ્વરનું આંગણું છે. એ મહાપ્રયાણની તૈયારી કરો કે ન કરો તો પણ તેની ગતિ નિશ્ચિત છે. કવિગુરૂ ટાગોરની પ્રયાણની કલ્પના મધુર છે. સમર્પણનો એક અસામાન્ય સૂર તેમાંથી છેડાય છે.

નીરવ જિનિ
તાહાર પાયે
નીરવ વીના દિવો ધરી.

કવિવર કહે છે કે બધા ગાનો ખતમ કરીને મારી નિ:શબ્દ વિણાને હું એ નીરવને ચરણે ધરી દઇશ. ‘‘ માલિકને ચરણે એકતારો ’’ મૂકવાની આ વાત છે. સંત સાહિત્યમાં ડૂબકી મારી ન મારી ત્યાંજ મર્મી મેઘાણીભાઇએ પાથરણું ઉઠાવીને ધણીના દ્વાર તરફ પ્રયાણ કર્યું. સોરઠી સંતવાણીનું થોડું ભાથું ભેગું કર્યું ત્યાંજ ૧૯૪૭ની નવમી માર્ચે સંતોના મલકમાં સામેલ થવા આલોકને ઓચિંતી અલવિદા કરી. હજી તા.૦૪/૦૩/૪૭ ના દિવસે જે લખ્યું છે તેની સાહી પણ સૂકાઇ નથી. લખ્યું હતું :

પંથ નિહારું ડગર બહારું ઊભી મારગ જોય,
મીરા કે પ્રભુ કબ રે મિલોગે, તુમ મિલિયા સુખ હોય.

પછી ઉમેરે છે : ‘‘ આ ભજનનો હું સારો વટાવ મેળવીશ ! પારસમણિનો સ્પર્શ કેટલો પ્રાણદાયી છે ! ’’ માલિકને ચરણે એકતારો મૂકવાની આટલી ઉતાવળ !

કબીરની જેમ ‘‘ જ્યું કી ત્યું ધરદીની ચદરીયા ’’ ની વાતનું જાણે કે અનુસંધાન પકડીને કબીર સાહેબની પંગતમાં જઇને બેસી ગયા. આ માસમાં (ઓગસ્ટ) કવિનો જન્મ પાંચાળની લીલીછમ્મ વનરાજી વચ્ચે થયો. આથી મેઘાડંબરની આ રળિયામણી ઋતુની સુગંધી ભીનાશમાં લોકકવિ – સાહિત્યકાર – સંપાદક તથા સમર્થ અનુવાદક મેઘાણીભાઇનું સ્મરણ થવું સ્વાભાવિક છે. ભજનની વાણીમાં – સંતોના પ્રદેશમાં પ્રવેશ કર્યા પછી કવિને આ વાણીમાં કલ્યાણમય માર્ગની પ્રતિતિ થયેલી છે. ભજનના આ શબ્દબ્રહ્મની સહજ સાધનાજ ઉત્કટ પ્રેમ તથા ભક્તિના માર્ગે આગળ ખેંચનારી શક્તિ હશે.

હૈડા કેરી ધારણે, તારે ઉર ઊઠે જે સૂર જી
એજ સૂરોના ઇમાની ભાઇ ! ગાયા કર ચકચૂર
જી…જી… શબદના વેપાર
આતમની એરણ પરે જે દી અનુભવ પછડાય જી
તે દી શબદ – તણખા ઝરે, રગ રગ કડાકા થાય
જી…જી… શબદના વેપાર
શબદ – તણખે સળગશે સૂની ધરણીના નિ:શ્વાસ જી
તે દી શબદ લય પામશે હોશે આપોઆપ ઉજાસ
ચલ મન શબદને વેપાર
જી…જી… શબદના વેપાર

અંતરના અમી ઠાલવીને કોઇ સંત જગત વાસીઓ પર કૃપા કરે તેમ શબદ – તણખા રેલાવીને મેઘાણીભાઇએ સૌને ન્યાલ કર્યા. ઇમાની થઇને, ઇમાની રહીનેજ આ ધારાના વાહક બની શકાય. ઇમાનને ખોઇ નાખનાર પર સરસ્વતીની કૃપા શે હોય ? દર્શક દાદા ચોટીલામાં મેઘાણીભાઇને શ્રધ્ધાંજલિ આપતા કહે છે તેમ મેઘાણીને મન આ ઇમાન વિનાનું ગાણું તે હાથ ચાલાકીનો ખેલ હતો. આથીજ હૈયામાં ઊઠેલા સૂરોનેજ જગતના ચોકમાં રમતા મૂકવાના હતા. ઉપરના ભજનમાં શબદના સોદાગરોને સંબોધીને કહેવાયેલા ચિરંજીવી શબ્દો છે. શબ્દના સાધક તથા ઉપાસકને શબ્દનુંજ સૌથી વિશેષ મહત્વ છે. શબ્દબ્રહ્મની નિર્ભેળ ઉપાસનાનો રણકો મેઘાણીભાઇના શબ્દોમાં સંભળાય છે. આ શબ્દની પ્રતિતિ આપોઆપ થાય છે. કારણ કે તેઓ સ્વપ્રકાશિત છે. આ શબ્દો લખાતા નથી પરંતુ જાણે કોઇ મર્મીના અંતરમાં પ્રગટીને મોતીરૂપે વેરાઇ જતા હોય છે. મધ્યકાળના એક સંત કવિ મોરાર સાહેબના શબ્દોનો પણ આવોજ મિજાજ છે.

લાવો લાવો કાગળિયો ને દોત લખીએ હરિને રે
એવો શો છે અમારો દોશ (કે) નાવ્યા ફરીને રે.

પરમ તત્વ તરફની આવી ઉત્કટતા જ્યાં પ્રગટ થાય ત્યારે શબદ–તણખા આપોઆપ પ્રગટે છે. આ ઉદભવેલા શબ્દોનો ઉજાસ પણ સ્વત: પ્રગટી જતો હોય છે. મેઘાણીભાઇની હેતુપૂર્ણ રઝળપાટને કારણે જે સાહિત્ય આપણને પ્રાપ્ત થયું તેને આજે પણ એટલીજ લોક સ્વીકૃતિ તથા લોકાદર પ્રાપ્ત થાય છે. આ કોઇ સામાન્ય ઘટના નથી. લોકસાહિત્ય એ લોકોનાજ જીવનમાંથી તેમની પરંપરાઓમાંથી પ્રગટેલું સાહિત્ય છે. લોક થકીજ આ સાહિત્ય જીવ્યું છે અને સદાકાળ મહોરતું રહેલું છે. મેઘાણીભાઇએ એક સમર્થ સંપાદક તરીકે ધૂળધોયાનું જે કામ કર્યું છે તેનું મૂલ્ય તો હમેશા અદકેરુંજ રહેશે. સમાજમાં જે સમુલ્લાસની આંતરિક શક્તિ પડેલી છે તેના મેઘઘનુષ્ય જેવા ભવ્ય સ્વરૂપની ઓળખ મેઘાણીભાઇ થકી પ્રાપ્ત થઇ. મહાત્મા ગાંધીએ ભણેલા લોકોને લોકાભિમુખ થવા માટે પ્રેરણા આપી. ભણેલા અને અભણને જે સાંકળી શકે તેજ આપણો રાષ્ટ્રીય શાયર  હોયને ? એ વાતજ મેઘાણીએ લલકારી.

હે જી ભેદની ભીંતુંને આજ મારે ભાંગવી,
મનડાની આખરી ઉમેદ.

મેઘાણીભાઇએ સામાન્ય માણસોની સારપનો ભારો બાંધીને જગતના ચોકમાં મૂક્યો. કવિ દાદે આ વાત થોડા શબ્દોમાં સુંદર રીતે મૂકી આપી છે.

કાજળ કેરા કાળજામાં તેં તેજની જોઇ લકીર,
જુલમી નરમાં માનવતાના હૈયે દીઠાં હીર,
અંતરના લોઢ ઉછાળ્યા, સમદરમાં વીરડા ગાળ્યા,
ગાજે સમદરના પાણી, ઘટોઘર એમ મેઘાણી.

વર્ષા અને શ્રાવણના આ સુયોગે મેઘાણીભાઇની પાવન સ્મૃતિને વંદન કરીએ..

***

Leave a comment

Blog at WordPress.com.

Up ↑