: સંતવાણી સમિપે : : ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું :

           કવિ શ્રી નાનાલાલે રાજ્ય કવિ શ્રી પિંગળશીભાઇ પાતાભાઇ નરેલા (૧૮૫૬-૧૯૩૯)ના અવસાનના સમાચાર સાંભળીને પિંગળશીભાઇના પુત્ર શ્રી હરદાનભાઇને સાંત્વના આપવા માટે એક પત્ર લખ્યો. નાનાલાલ લખે છે કે ‘‘પિંગળશીભાઇના અવસાનથી ભાવનગરની કાવ્યકલગી ખરી પડી છે. ભાવનગર મહારાજાના મુગટમાંથી એક હીરો ખરી પડ્યો છે. ગુજરાતની જૂની કવિતાનો છેલ્લો સિતારો આજે આથમ્યો ’’ આવા કવિશ્રીનો જન્મ ભાવનગર જિલ્લાના સિહોર ગામમાં થયેલો. તેમના પિતા શ્રી પાતાભાઇ નરેલા પણ ભાવનગર રાજ્યના સુપ્રસિધ્ધ કવિ હતા. શ્રી ચંદ્રવદન મહેતાએ લખ્યું છે કે ભક્તિનો જે દોર નરસિંહ, મીરાં, ભોજલરામ ધીરા તથા દયારામની રચનાઓમાં વણાયેલો હતો એજ દોરમાં પરોવાયેલા હોય તેવા કાવ્યો પિંગળશીભાઇના છે. ઉપરાંત તેઓ પોતાની વાણીના અસ્ખલિત પ્રવાહથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરતા હતા તેનું સંભારણું પણ સ્વાનુભવેજ ચંદ્રવદન મહેતાએ લખેલું છે. પિંગળશીભાઇની કવિતાઓ શબ્દાડંબર વાળી નહિ પરંતુ મહદ અંશે સરળ ભાષામાં લખાયેલી હતી. કાવ્યની સરળતા તથા વિષય વૈવિધ્યતાને કારણે તેમની ઘણી રચનાઓ લોકપ્રિય થઇ છે. આવી રચનાઓ પાઠ્ય પુસ્તકોના માધ્યમથી આવતી પેઢી સુધી પહોંચી છે.

ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું ?
મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું ?
દુ:ખી વખતે નહિ દીધું પછી ખોટી દયાથી શું ?
સુકાયા મોલ સૃષ્ટિના પછી વૃષ્ટિ થયાથી શું ?
વિચાર્યું નહિ લઘુવયમાં પછી વિદ્યા ભણ્યાથી શું ?
જગતમાં કોઇ નવજાણે જનેતાના જણ્યાથી શું ?
સમય પર લાભ આપ્યો નહિ પછી તે ચાકરીથી શું ?
મળ્યું નહિ દૂધ મહિષીનું, પછી બાંધી બાકરીથી શું ?
ના ખાધું કે ન ખવડાવ્યું દુ:ખી થઇને રળ્યાથી શું ?
કવિ પિંગળ કહે પૈસા મુઆ વખતે મળ્યાથી શું ?

             કવિ ખૂબ સરળ છતાં માર્મિક રીતે યોગ્ય સમયે કે સમયસર નિર્ણય કરવામાંજ માનવજીવનની યથાર્થતા છે તે તરફ ધ્યાન દોરે છે. ગંગાસતી પાનબાઇને કહે છે તેમ વીજળીના ચમકારે મોતી પરોવી લેવાની સલાહ કવિશ્રીએ દાખલા – દલીલ સાથે આપી છે. જો સમય ચૂકી જવાય તો કરેલા કાર્યનું મૂલ્ય કે મહત્વ રહેતું નથી. જીવતર જીવવામાં જો સહાનુભૂતિ કે સંવેદનાને બદલે સંઘર્ષ કે પરપિડન વૃત્તિને તાબે થઇને જીવન વ્યતિત કર્યું હોય તો પછી કાશીની યાત્રા કરવી નિરર્થક છે. મધ્યયુગના કવિઓની જેમ કવિ પિંગળશીભાઇએ કથની નહિ પરંતુ કરણી ઉપર વિશેષ ભાર મૂક્યો છે. કવિનો પોતાનો આવકાર પણ ખૂબ ઉજળો હતો. મેઘાણીભાઇએ લખ્યું છે તેમ ભાવનગરની ડેલી (કવિનું રહેવાનું મકાન) કદી સુની જોવા મળતી ન હતી. કવિ હમેશા મહેમાનોની વચ્ચેજ જીવતા હતા, શોભતા હતા. સમાજ દ્વારા કવિને તેમના કાવ્ય સર્જન ઉપરાંત એક ઉદાર તથા સાધુ ચરિત માનવી તરીકે સ્નેહ તથા આદરથી નવાજવામાં આવતા હતા. જો સમાજને ખપમાં ન આવે તેવું સ્વકેન્દ્રી જીવન જીવાય તો પછી જનેતાએ જન્મ આપ્યો તે સાર્થક થતું નથી. તે સાથેજ કવિને લાગે છે કે પરોપકારનું કોઇપણ કૃત્ય તેની જરૂર હોય તે સમયેજ કરવામાં આવે તો હેતુસચવાયછે. એકવાર ખેતરોમાં મોલ (પાક) સુકાઇ જાય તો પછી અતિવૃષ્ટિ થાય તો પણ તેનો અર્થ સરતો નથી. સૃષ્ટિના ક્રમ અનુસાર ઋતુ પ્રમાણે મેઘસવારી આવે તોજ તે પૂર્ણત: ઉપયોગી છે. દરેક બાબતને પોતાના નિશ્ચિત ક્રમ હોય છે અને તેથી તે ક્રમ અનુસારજ સૃષ્ટિનું ચક્ર ચાલે તો સૌનું શ્રેય છે, કલ્યાણ છે. જીવન જીવાય તે ‘‘ ઘસાઇને ઉજળા થવાની ’’ રવિશંકર મહારાજની કલ્પના મુજબનું ઉજળું હોય તથા કોઇ નાલેશીયુક્ત ન હોય તેની કવિને ખેવાના છે. એકવાર જો બદનામી કે નાલેશી થાય તો પછી દૂર જવાથી કે નાસી જવાથી પ્રતિષ્ઠા સાચવી શકાતી નથી. કવિએ ઉજળા જીવતર તેમજ સમયના મહત્વની વાત સહેલાઇથી ગળે ઉતરે તેવા દ્રષ્ટાંતો આપીને આ કાવ્યમાં કરી છે. કવિની આ એક લોકપ્રિય રચનાઓ પૈકીની રચના છે અને આપણાં પાઠ્ય પુસ્તકોમાં પણ તેને સમાવી લેવામાં આવી છે.
મધ્યયુગની આપણી સંતવાણીમાં કરણીના તત્ત્વ ઉપરજ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ બધા કવિઓ – સર્જકોના જેવા ઉજળા શીલ હતા તેવીજ પ્રભાવી તેમની શૈલી હતી. કથની અને કરણીમાં અંતર ન હતું. ‘‘ શિર સાટે નટવરને ભજીએ ’’ તેવી ખુમારી તેમની રચનાઓમાંથી નિતરતી રહેતી હતી. જીવન પણ તેઓ આવીજ ખુમારીથી જીવતા હતા. આથીજ તેમનો પ્રભાવ આજે પણ આકર્ષક તથા અકબંધ રહેવા પામ્યો છે. કવિ શ્રી પિંગળશીભાઇ રચિત રળિયામણી ઋતુ-કાવ્યોમાં પણ એક અનોખી છટાનું દર્શન થાય છે. વર્ષાઋતુમાં પણ શ્રાવણ માસ હોય તો તે રમણિય માહોલમાં કવિ ગિરધારી ગોપાલને લાગણીના હક્કથી નિમંત્રણ પાઠવે છે. વર્ષાકાળમાં ગોપીભાવની મધુર અભિવ્યક્તિ સાથેના ત્રિભંગી છંદના બંધારણમાં કવિની આ ખૂબ જાણીતી રચના છે.

શ્રાવન જલ બરસે, સુંદર સરસે,
બદ્દલ બરસે અંબરસે
તરૂવર ગિરિવરસેં લતા લહરસે
નદિયા પરસે સાગરસે
દંપતી દુ:ખ દરસે સેજ સમરસે
લગત જહરસે દુ:ખકારી
કહે રાધે પ્યારી, હું બલિહારી
ગોકુળ આવો ગિરધારી !

****

Leave a comment

Blog at WordPress.com.

Up ↑