અંબાલાલ સારાભાઇ, તેમના ધર્મપત્ની સરલાદેવી તથા અનસૂયાબેન સારાભાઇને ત્યાં મહેમાનોની ખોટ ન હતી. દેશભરમાંથી અનેક મહાનુભાવોને અમદાવાદના સારાભાઇ કુટુમ્બના મહેમાન થવાનું ગમતું હતું. ૧૯૨૪ માં ગુરૂદેવ ટાગોર સારાભાઇ કુટુમ્બના મહેમાન થયેલા. તે વખતનો એક પ્રસંગ નોંધાયો છે. યજમાન અંબાલાલભાઇના પાંચ વર્ષના પુત્ર વિક્રમને જોઇને કહ્યું : ‘‘આ બાળક અસાધારણ મેઘાસંપન્ન છે.’’ ગુરૂદેવની ભવિષ્યવાણી સાચી પડી. ડૉ. વિક્રમ સારાભાઇમાં સમગ્ર વિશ્વને એક હોનહાર વૈજ્ઞાનિકના દર્શન થયા. પરિવારમાં આવા મોંઘેરા મહેમાનોના સંપર્કથી બાળક તથા કિશોર વિક્રમનું ઘડતર થયું. આ શ્રેષ્ઠિ પરંપરાના કુટુમ્બમાં આવતા મહેમાનોના ઉજળા જીવનમાંથી વિક્રમભાઇને સતત પ્રેરણા મળતી રહી. આ અતિથિઓમાં ડૉ. સી. વી. રામન, જગદીશચંદ્ર બોઝ, ચિત્તરંજન દાસ તથા કાકાસાહેબ કાલેલકર જેવા મહાનુભાવોનો સમાવેશ થતો હતો. પંડિત નહેરૂ સાથે પણ આ કુટુમ્બને એટલોજ ધરોબો હતો. આઝાદી મળી તે પહેલાના કાળમાં નજર દોડાવીએ તો ગાંધીની આકાશગંગામાં અનેક તેજસ્વી તારકોનું દર્શન થાય છે. ૧૯૧૯ ની ૧૨મી ઓગસ્ટે ડૉ. વિક્રમ સારાભાઇનો જન્મ થયો. આ માસમાંજ તેમની જન્મજયંતિ નિમિત્તે તેમને અનેક લોકો – સંસ્થાઓ આદર સાથે યાદ કરે છે.
કુટુમ્બ પ્રથાનો જે વિકાસ આપણાં સમાજમાં થયો તેનો મોટો ફાયદો વ્યક્તિગત તેમજ સામુહિક રીતે સૌને થયો છે. તેનું એક મૂલ્ય હતું. સંયુક્ત કુટુમ્બ પ્રથાનો જે વિચ્છેદ આપણે ત્યાં જીવનશૈલિમાં બદલાવ આવતા થયો તેના કેટલાક માઠા પરિણામો પણ ભોગવવા મળ્યા છે. સંયુક્ત કુટુમ્બ પ્રથામાં દરેક સભ્યને એકબીજાની હૂંફ રહેતી હતી. વિક્રમભાઇના પિતા અંબાલાલ સારાભાઇ માત્ર પાંચજ વર્ષના હતા ત્યારે તેમના પિતાશ્રીનું અવસાન થયેલું. પરંતુ અંબાલાલભાઇના કાકા ચીમનલાલભાઇએ બાળકોની માવજત તેમને પિતાતુલ્ય વાત્સલ્ય આપીને કરી. બાળકોને શ્રેષ્ઠ કેળવણી તથા સંસ્કાર મળે તેવી વ્યવસ્થા તો ગોઠવીજ પરંતુ તેમની અઢળક સંપત્તિનું પણ કાળજીપૂર્વક જતન કર્યું. બાળકોમાં આ સંસ્કાર સ્વાભાવિક રીતેજ રેડાયા. અંબાલાલભાઇના બહેન અનસૂયાબહેન પણ ગર્ભશ્રીમંત તથા મિલોના માલિકના દીકરી પરંતુ તેમના હૈયામાં મજૂરો તરફ અપાર ભાવ હતો. મજૂરોના પ્રશ્ને તેઓ ખૂબજ સંવેદનશીલ હતા. શિક્ષણ એ આ કુટુમ્બની અગ્રતાનો વિષય હતો. ડૉ. વિક્રમ પણ અમદાવાદની સુપ્રસિધ્ધ ગુજરાત કોલેજમાં ભણ્યા બાદ કેમ્બ્રિજ જઇને ભણેલાં હતા. બેંગલોરમાં પણ તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સમાં ભણ્યાં અને અહીંજ તેઓ સર સી. વી. રામનના પરિચયમાં આવ્યા હતા. ડૉ. હોમી ભાભા સાથે પણ તેમને ઘનિષ્ઠ પરિચય થયો. આ ત્રિપુટીનું યોગદાન દેશના વૈજ્ઞાનિક વિકાસમાં અજોડ છે.
તાજેતરમાં ડૉ. વિક્રમ સારાભાઇની ૯૫મી જન્મજયંતિ નિમિત્તે છ વૈજ્ઞાનિકોને સન્માનિત કરીને તેમને એવોર્ડ આપવામાં આવ્યા. ડૉ. વિક્રમ સારાભાઇ રીસર્ચ એવોર્ડ દર વર્ષે આપવામાં આવે છે. સુખદ આશ્ચર્ય એ છે કે આ એવોર્ડઝ હરિઓમ આશ્રમ પ્રેરિત છે. આપણાં સંત શ્રી મોટાની પણ કેવી પ્રગતિશીલ દ્રષ્ટિ હશે કે તેમણે શિક્ષણ તથા વિજ્ઞાન જેવા સામુહિક પ્રજાકલ્યાણના ક્ષેત્રોમાં પણ ધ્યાન આપીને સંપૂર્ણ બળ તથા પ્રોત્સાહન પૂરા પાડ્યા. પ્રો. યુ. આર. રાવે આ પ્રસંગે વૈજ્ઞાનિક ક્ષેત્રમાં ઇનોવેશનની બાબત પર વિશેષ ભાર આપ્યો.
ડૉ. રામનના માર્ગદર્શન હેઠળ ડૉ. વિક્રમભાઇએ બ્રહ્માંડ કિરણો આકાશમાંથી પૃથ્વી પર આવે છે તે વિષય પરનું સંશોધન કર્યું હતું. (COSMIC RAY INTENSITY IN TROPICAL LATITUDE) વાતાવરણમાં આ કિરણો પ્રવેશ કરે ત્યારબાદ આ કિરણો વિવિધ અસરો પેદા કરે છે તે અંગેનો આ મહાનિબંધ અમૂલ્ય દસ્તાવેજ ગણાય છે. વિક્રમભાઇની જન્મજયંતિના દિવસે તેમની સ્મૃતિ તથા યોગદાનને આ દિવસે પુન: યાદ કરવામાં આવ્યા. વિજ્ઞાનની જેમ કલાઓના વિકાસમાં પણ તેમનું યોગદાન રહ્યું. વિક્રમભાઇના અર્ધાંગના તથા સુપ્રસિધ્ધ નૃત્યાંગના મૃણાલિનીબહેનને વિક્રમભાઇ સાથેના લગ્ન બાદ કુટુમ્બમાં આવકાર તો મળ્યોજ પરંતુ તેમની નૃત્ય સાધનામાં સંપૂર્ણ સહયોગ પણ આપવામાં આવ્યો. ‘‘દર્પણ અકાદમી’’ આજે પણ કલા સાધનાના ક્ષેત્રમાં શહેરની શોભા સમાન છે. રાજ્યના ઔદ્યોગિક વિકાસમાં પણ ડૉ. વિક્રમભાઇનું મહત્વનું યોગદાન રહ્યું. ઉદ્યોગોમાં જે જૂની પધ્ધ્તિઓ હતી તેની સામે તેમણે નવી પધ્ધતિઓ તથા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ ઉત્પાદન વૃધ્ધિ માટે કર્યો. રાજ્યના ઉદ્યોગોને ઉત્પાદકીય કાર્યક્ષમતાના માપદંડોથી તેમણે આંતરરાષ્ટ્રીય કક્ષાના બનાવ્યા.
ડૉ. વિક્રમ સારાભાઇએ સતત કૌશલ્ય વર્ધનના પ્રયાસો કર્યા. અમદાવાદના કાપડ ઉદ્યોગના વિકાસમાં પૂરક બને તે માટે અટીરા (અમદાવાદ ટેકસ્ટાઇલ ઇન્ડસ્ટ્રીયલ રીસર્ચ એસોસીએશન) નું નિર્માણ કરવામાં મહત્વનું યોગદાન આપ્યું. શ્રી કસ્તુરભાઇની પ્રેરણા પણ આ કાર્યમાં મળી. સંસ્થાઓ ચલાવવામાં તેમનો સંપૂર્ણ માનવીય અભિગમ હોવાના કારણે સાથી કર્મચારીઓમાં પણ વિશ્વસનિયતા ઊભી થઇ અને ટકી રહી. સ્વદેશીનો અભિગમ તેમના પર જે ગાંધીજીની અસર થઇ તેના કારણે સ્પષ્ટ જોઇ શકાતો હતો. સંસ્થાઓ સારી રીતે ચાલે અને સ્પર્ધાત્મક યુગમાં ટકી રહે તે માટે સારા મેનેજરોની જરૂરિયાત અનિવાર્ય છે. આઇ.આઇ.એમ. (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ) સ્થાપવામાં પણ કસ્તુરભાઇ લાલભાઇની સાથે તેમનો સિંહફાળો રહ્યો. શિક્ષણક્ષેત્રમાં ગુણવત્તા એ તેમની અગ્રતા હતી. આજના સંદર્ભમાં પણ આ વાત એટલીજ યથાર્થ તથા આવશ્યક છે. ભારતના અવકાશયુગના જનક સમાન આ મહામાનવે સિધ્ધિઓના અનેક સોપાન સર કર્યા. એક વૈજ્ઞાનિક હોવા ઉપરાંત શિક્ષણ તથા કલાઓમાં પણ સરખોજ રસ ધરાવનાર લોકો ઓછા જોવા મળે છે. વિક્રમ સારાભાઇ અંતરિક્ષ સંશોધન કેન્દ્ર જેવી સંસ્થાઓએ આધુનિક ભારતના તીર્થસ્થાનો છે. ડૉ. વિક્રમ સારાભાઇના જીવંત અને ધબકતા સ્મારકો પણ આજ છે.
આ સંસ્કાર પુરૂષ વિશે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ પ્રકાશિત ડૉ. પ્રહલાદ પટેલના પુસ્તકમાં એક પ્રેરણાદાયક ઘટના નોંધવામાં આવી છે. પોતાની લારી ઠાંસોઠાંસ ભરીને પી.આર.એલ.ના રસ્તે (નવરંગપુરા–અમદાવાદ) જતાં એક મજૂરને માલસામાનથી લદાયેલી લારીને ઢાળ ચડાવવામાં તકલીફ પડતી હતી. તેની મથામણ તથા મૂંઝવણ નરી આંખે જોઇ શકાય તેવા હતા. ડૉ. વિક્રમભાઇએ પણ આ જોયું. તેઓએ પોતાની વૈભવી ગાડી બાજુ પર મૂકાવીને મજૂરને લારી ચઢાવવાના કામમાં મૂંગા મોઢે મદદ કરવા લાગ્યા. વિવેક તથા માનવતાએ જાણે સ્વયં દેહ ધારણ કર્યો હોય તેવું દ્રશ્ય ઊભું થયું ! ૧૮ થી ૨૦ કલાક સુધી સતત કામ કરનાર માટે કોઇ ના કામ નાનુ કે મોટું ન હતું. મહાવીર સ્વામી તથા ગાંધીજીના દયા તથા સંવેદનશીલતાના ગુણોનો વાસ્તવિક જીવનમાં અમલ કરનાર આ મહાનુભાવ દેશનું ગૌરવ હતા. આજે પણ છે. ૧૯૭૧ના ડિસેમ્બરમાં તેઓએ તો કાર્ય કરતા કરતાજ મહાપ્રયાણ કર્યું પરંતુ ભવિષ્યની પેઢીઓ માટે જ્ઞાન અને સંસ્કારનો ઉજળો વારસો મૂકતા ગયા. ૧૯૭૨માં ભારત સરકારે તેમને પદ્મવિભૂષણથી નવાજ્યા. ડૉ. વિક્રમ સારાભાઇના જીવનની પ્રેરણાદાયક વાતો યુવાનો સુધી પહોંચાડવા જેવી છે.
***
Leave a comment