હૈયા કેરી ધારણે તારે ઉર ઊઠે જે સૂર જી
એજ સૂરોના ઇમાની ભાઇ ! ગાયા કર ચકચૂર
જી – જી શબદના વેપાર
આતમની એરણ પરે જે દી અનુભવ પછડાય જી
તે દી શબદ તણખા ઝરે રગ રગ કડાકા થાય
જી – જી શબદના વેપાર
શબદ – તણખે સળગશે સૂની ધરણીના નિ:શ્વાસ જી
તે દી શબદ લય પામશે હોશે આપોઆપ ઉજાસ
ચલ મન શબદને વેપાર
જી – જી શબદના વેપાર
ઉપરના શબ્દો વાંચ્યા પછી, ધીરજથી તેની પ્રતિતિ કર્યા પછી જરૂર લાગે કે કોઇ સર્જક પોતાના સર્જનની અમૂલ્ય સંપત્તિનું ભાથું લઇને નીકળે તો તેની યાત્રાના ઉડાણ આભને પણ ઓળંગી જાતાં હશે. વિશ્વના સર્જક સાથે શબ્દનો આ સર્જક એકતારાના ઘેરા સ્વર સાથે એકાકાર થયો હશે. મેઘાણીભાઇની આ શબ્દશક્તિની સમૃધ્ધિ પારખીનેજ કવિ શ્રી દુલા ભાયા કાગે લખ્યું હશે :
લેખક સઘળા લોકની ટાંકું તોળાણી
વધી તોલે વાણીયા (તારી) લેખણ મેઘાણી.
જીવનની પહેલી પચીસીના છેલ્લા થોડા વર્ષ કલકત્તામાં પસાર કરનાર આ યુવકના ભાથામાં વિધિએ માત્ર બીજી એક પચીસીથી પણ થોડું ઓછું આયુષ્ય મૂકેલું હતું અને તે સમયેજ કચ્છ – સૌરાષ્ટ્રના કોઇ ઠાકર મંદિરની ઝાલરનો રણકો આ યુવાનના મનમાં પડઘાતો રહે છે. ધરતીનો સાદ સાંભળીને પોતાની જાતને રોકી ન શકનાર આ યુવાનુનં નિજ ધરતી પર પરત આવવું એ કેવી મોટી તથા મહત્વની ઘટના હતી તેની સમજ તો જગતને ધીમે ધીમે પડી. કવિ શ્રી ઉમાશંકર જોશી મેઘાણીભાઇની પત્ર લખ્યા બાદ નીચે સહી કરવાની અદ્વિતિય અને અર્થપૂર્ણ શૈલી બાબત લખે છે :
‘‘ લિ. હું આવું છું સહી કરવાની આવીય તે રીત હશે ?
પરંતુ આ ભર્યા ભાદર્યા કવિ – સર્જક માટીની સુંગધ લેવા કલકત્તાથી વતનમાં પાછા આવ્યા. એટલુંજ નહિ પરંતુ અઢી દાયકાની જિંદગીમાં અઢી સૈકામાં પણ ભાગ્યેજ થાય તેવું ચિંરજીવ કાર્ય કરીને ગયા. મેઘાણીજી જેમને પોતાના મુરશિદ કહેતા તે દરબાર શ્રી વાજસૂર વાળા (હડાળા) પાસેથી વાતો સાંભળીને શરૂ થયેલી તેમની સાહિત્યયાત્રા અવિરત ચાલી. જગતમાં માટીના સાહિત્યની એક નૂતન સૌરભ તેઓએ પ્રસરાવી. અમૃતલાલ શેઠ જેવા હીરાના પારખુએ કાળજી તથા સ્નેહથી મેઘાણીભાઇના સાહિત્યને સમૂહ માધ્યમોની મદદથી જગતના ચોકમાં મૂકવાનું ડહાપણયુક્ત કાર્ય એકનિષ્ઠાથી કર્યું.
મેઘાણીભાઇએ લોક હ્રદયમાં પ્રવેશીને લોકોમાં પડેલું પ્રગટ કે અપ્રગટ સાહિત્ય એક મીશનરી સ્પીરીટથી શોધ્યું. જરૂર હોય તે મુજબ મઠાર્યું અને લોકના ચરણેજ સંપૂર્ણ વિનય – વિવેકથી તેનું અર્પણ કર્યું. કાકાસાહેબે ખૂબજ યથાર્થ મૂલ્યાંકન કરતા કહ્યું કે મેઘાણીની કેટલીક કૃતિઓ વિશ્વસાહિત્યમાં સ્થાન પામશે તેમ કહેવામાં જરાયે અતિશયોક્તિ નથી.
મેઘાણીની દ્રષ્ટિ વેધકતા તથા વિશાળતા પણ કેવા હશે ? સમાજ જેમનો આદર કરતા અચકાય છે અને શાસન જેમને ગુનેગાર માનીને ચાલે છે તેવા મહીકાંઠાના મોટાભાગના ભલા ભોળા માનવીઓના ઊંચા જીવનમૂલ્યોની પિછાણ મેઘાણીભાઇએ મહારાજની આંખોએ કરી. રવિશંકર મહારાજની તટસ્થ તેમજ નિરક્ષિર તારવીને કહેવાયેલી વાતો એકચિત્તે સાંભળીને તેમણે તેનું જીવતું-જાગતું ચિત્રણ જગતને આપ્યું. સામાન્ય માણસોના – અદના તે આદમીઓના – જીવનની નક્કર તથા ઉજળી વાતોનો આ એક અમૂલ્ય ખજાનો છે. આથીજ ‘‘ માણસાઇના દીવા ’’ નું ભાષાંતર દેશ – વિદેશની ભાષાઓમાં થાય તેવી લાગણી કાકાસાહેબ કાલેલકરની હતી. જ્યાં જેવું જોયું તેનું આવું ખામી રહીત શબ્દ ચિત્ર દોરનાર આ ચિતારો આપણી સ્મૃતિમાં કાયમી વાસ કરવા હક્કદાર છે.
સર્જનશક્તિ તથા સ્નેહના ઉછળતા સાગર જેવા મેઘાણીભાઇને ગુરૂદેવ ટાગોર તરફ અનન્ય સ્નેહાદર હશે તેમ લાગે છે. કવિગુરૂની સિત્તોતેરમી જન્મજયંતિ પ્રસંગે (૧૯૩૭) મેઘાણીભાઇ લખે છે :
‘‘ હે ત્રિકાલના કવિ !
તમારા ભાલ પર કાળની કંકાવટીની સિત્તોતેર સિંદૂરરેખાઓ દોરાઇ ચૂકી. નશ્વર રચનાઓમાં રમનારા અમ સરખાનું અક્કેક વર્ષ ઉઠાવીને મહાકાળ તમને આપે. તમે રાષ્ટ્રના શાયર, વિશ્વપ્રેમી કવિ, ઓજસના કવિ, મુત્યુના કવિ, તમે એ અંધારી રાતના જીવત તારલા બતાવી ‘‘અભય’’ ના નામે ગગન છાયું છે.
શતં જીવ શરદ : ’’
કવિગુરૂની જન્મતિથિએ આવો ઊર્મિ – ઉછાળ તો વાગદેવીની કૃપાના ચારે હાથ શિર પર હોય તેના થકીજ થઇ શકે. ગુરૂદેવ પરત્વેનો સ્નેહ વ્યક્ત કરવામાં પણ વિચારશીલતાના મૂલ્યવાન મોતીઓના થાળની કવિએ શગ ચડાવી હોય તેમ લાગે. ક્રાંતદર્શિતાના આ લોકમાન્ય કવિના કવિત્વનું પાન આજે પણ જગત એટલાજ ઉમંગ – ઉત્સાહથી કરે છે.
એકમાંથી અનેક કણ પેદા કરનાર જગતના તાતની જેમ મેઘાણીભાઇ ગમતાનો ગુલાલ કરીને ગયા. કવિત્વ જીવતા આ લોકકવિ હમેશા લોકહ્રદય પર રાજ્ય કરશે તે નિ:શંક છે.
સહુથી મીઠું નામ તારું હો સુંદર અનામી !
બજ્યો ઘંટ – ગૂંજારશો તારો સ્વર, ઓ અનામી !
તેજ – તણખો
દિશા-સૂચક કામ
આપણી જાહેર સંસ્થાઓ કેટલીક બાબતોમાં સક્રિય રીતે વિશિષ્ટ કામગીરી કરતી હોય છે તેનો ખ્યાલ ઓછા લોકોને હોય તેવું બનતું હોય છે. એક પ્રદર્શન જોવા માટે એમ.જે.લાઇબ્રેરી અમદાવાદમાં જવાનું થયું ત્યારે આ બાબત ધ્યાનમાં આવી. સામાન્ય રીતે શારીરિક રીતે કોઇક કુદરતી ક્ષતિ ધરાવતા આપણાં જ ભાઇઓ માટે અમૂક સવલતો મેળવવી મુશ્કેલી હોય છે. આવા લોકોને જ લક્ષમાં રાખીને અમદાવાદ મહાનગરપાલિકાએ માર્ચ-૨૦૧૩ થી પ્રજ્ઞાચક્ષુ નાગરિકો માટે વાચનાલયમાં જ એક ઓડિઓ સીડીની લાઇબ્રેરી શરૂ કરવામાં આવી. પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ ઉપયોગ કરી શકે તેવા કોમ્પ્યૂટરની પણ સવલત દરેક પ્રજ્ઞાચક્ષુ માટે નિ:શુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવી. ૨૫૦૦ જેટલા પુસ્તકોની ઓડિઓ સીડી સુવ્યવસ્થિત રીતે જાળવવામાં આવે છે. ૨૫૦૦ સીડીની આ વિશિષ્ટ લાઇબ્રેરીમાં ૫૦૦ થી વધારે સીડી તો માધાપર (કચ્છ) અંધજન મંડળ તરફથી પૂરી પાડવામાં આવી છે. અમદાવાદ અંધજન મંડળ (વસ્ત્રાપુર) નો સંપૂર્ણ સહયોગ આ કાર્યમાં મળેલો છે. દર વર્ષે ર૫૦ થી ૩૦૦ પુસ્તકોની સીડી તેમાં ઉમેરવાનો પણ નિર્ણય થયો છે. ગાંધીજીએ જે ગ્રંથાલયનું ભૂમિપૂજન-૧૯૩૩માં કર્યું હોય તેવા આ ઐતિહાસિક ગ્રંથાલયનું આ કાર્ય પ્રશંસા મેળવે તેવું તો છે જ પરંતુ ગાંધીજીને પણ ગમે તેવું છે. શહેરની શોભા માત્ર સારા રસ્તાઓ કે ભવ્ય બિલ્ડીંગોજ નથી હોતા. આ ઉપરાંત સારા ગ્રંથાલયો એ શહેરની સુંદરતામાં મહત્વનું ઉમેરણ કરે છે.
***
Leave a comment