ક્રાંતિવિર કેશરીસિંહજી બારહઠ તથા તેમના લધુબંધુ જોરાવરસિંહજીની પંગતમાં અધિકારપૂર્વક બેસી શકે તેવા નિરૂભાઇ-નિરંજન વર્મા (નાનભા બારહઠ) ઇતિહાસનું એક વિસ્મૃતિ પામેલું પણ પ્રાણવાન પાત્ર છે. દેશની મુક્તિ માટે સર્વસ્વ ન્યોછાવર કરવાની તેમની જીવનગાથા અજર-અમર રહેવા સર્જાયેલી છે. સાડાત્રણ દાયકાના ટૂંકા છતાં ઘટના સભર જીવનમાં તેઓ સાડાત્રણ સૈકાઓની સુગંધ પ્રસરાવીને ગયા. જામનગર જીલ્લાના રાજડા ગામે બાદાણી શાખાના ચારણ પરિવારમાં તેમનો જન્મ થયો હતો. દેશની મુક્તિ માટેના અનેક સંગ્રામમાં તેઓએ સક્રિય ભૂમિકા નિભાવી.
નિરંજન વર્માના નિધન પ્રસંગે ફુલછાબ તરફથી પોતાના તંત્રીમંડળમાં રહેલા આ ઓજસ ભરી યુવાની જીવનાર વ્યક્તિને ભાવપૂર્વક યાદ કરવામાં આવ્યા. ફુલછાબે તંત્રી લેખમાં લખ્યું કે નિરંજન વર્માનો ફુલછાબના વિકાસમાં ફાળો મહત્વનો હતો.આઝાદીની લડતમાં પણ તેમના યોગદાની વાતો ફુલછાબ સહીત અનેક પત્રો વિચારકોએ આદરપુર્વક લખી. ઘૂમકેતુએ નિરંજન વર્માનું મૂલ્યાંકન એક સાહિત્યકાર-સર્જક તરીકે કરીને તેમનું અકાળ અવસાન સાહિત્ય જગતને સાલશે તેમ ઉમેર્યું.
શ્રી નિરંજન વર્માના અકાળ અવસાન પછી ઇશ્વરભાઇ દવેએ ઊર્મિ-નવરચનામાં લખ્યું કે અમારી ત્રણ મિત્રોની ત્રિપુટી ખંડિત થઇ. આ ત્રણ મિત્રોમાં ઇશ્વરભાઇ દવે ઉપરાંત જયમલ્લભાઇ તથા નિરૂભાઇ હતા. નિરુભાઇના ભવ્યોદાત્ત જીવનના પ્રાણ ધબકાર આલેખવા કલમ ચાલતી નથી તેવા વેદનાના શબ્દો જયમલ્લભાઇની કલમે તે સમયે પ્રગટ્યા હતા. ઊર્મિ-નવરચનાનો વિશેષાંક નિરંજન વર્માની સ્મૃતિમાં બહાર પાડવામાં આવ્યો હતો.
કેટલાંક લોકો જે સમયમાં જીવતા હોય તે સમયથી તથા તે સમયની પરંપરાઓથી, રીતિ-રીવાજોથી ધણાં આગળ હોય છે. આથી તેવા લોકો જે વાત સમાજમાં તેમની હયાતીમાં કરે તે વાત કે વિચાર સમાજના ગળે મોટાભાગે ઉતરતો નથી. નરસિંહ મહેતા સામે કે મીરાં તથા કબીર સામે પણ રુઢિવાદી લોકોએ થઇ શકે તેટલો સંધર્ષ કર્યો હતો.
નરસિંહ મહેતાના ચિંધેલા માર્ગે ઠક્કરબાપા, રવિશંકર મહારાજ તથા નિરંજનવર્મા જેવા વિચારકો ચાલ્યા. નાત-જાતના, ઊંચ-નીચના ભેદભાવને ડામવા ઉપદેશ નહીં પરંતુ આચરણના શસ્ત્રને તેમણે વિશેષ અસરકારક તથા પ્રભાવી ગણ્યું. ગાંધી વિચારની પણ આ અસર હતી. ભાવનગરના તખ્તસિંહજી હિન્દુ સેનેટોરિયમમાં ચાલતા છેવાડાના વર્ગના બાળકો માટેના ઠક્કરબાપા આશ્રમમાં નિરંજન વર્માએ ગૃહપતિ તરીકે તે કાળે કરેલું કાર્ય જોઇને અચરજ તથા અહોભાવ થાય તેવું છે. નિરુભાઇની આશ્રમના વિદ્યાર્થીઓ તરફથી પિતા તુલ્ય પ્રીતીની વાત હરિભાઇ રાણાભાઇ ભાસ્કર નામના આશ્રમના જ એક વિદ્યાર્થીએ સુંદર તથા સહજ રીતે લખી છે. જયમલ્લભાઇ પરમાર તથા નિરંજન વર્મા આ આશ્રમમાં આવ્યા અને રહ્યાં. આશ્રમમાં તેમણે ગ્રામોદ્યોગ શરૂ કરાવ્યો. વિદ્યાર્થીઓની નિરુભાઇ તરફની લાગણી તથા આદરને કારણે તેઓએ નિરુભાઇને આશ્રમના ગૃહપતિ તરીકે મૂકવા માટે વિનંતી કરી. આ વિનંતીનો સ્વીકાર થયો. ત્યારબાદ આશ્રમ જીવનમાં પરિવર્તન અસામાન્ય હતું. જયમલ્લભાઇ તથા નિરુભાઇના માર્ગદર્શન હેઠળ આશ્રમમાં નવા પ્રાણના સંચાર થયા. ભજનમંડળી, વાચન અને ચર્ચા વિચારણા, હસ્તલિખીત માસિક, લેખન, પ્રવાસ જેવી વિદ્યાર્થીઓના જીવનની સર્વાંગી વિકાસની પ્રવૃત્તિઓએ જોર પકડયું. ગૃહપતિ તરીકે નિરુભાઇના જીવનની દરેક ક્ષણની મથામણ એ વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખીને જ થતી હતી. ભાગવતમાં ઋષિ સાંદિપની તથા કૃષ્ણ-સુદામા વચ્ચેના સંબંધની, ઉષ્માની લાગણીનું વર્ણન છે તેનું જ પ્રતિબિંબ ભાવનગરના આ નાના આશ્રમના પછાતવર્ગના બાળકો તથા નિરુભાઇ વચ્ચેના સ્નેહમાં ઝીલાય છે. નિરુભાઇ બાળકોને પ્રવાસે લઇ જાય અને કુદરતના વિવિધ સ્વરૂપોના ભાતીગળ રંગોનો પરિચય કરાવે. નિરંજન વર્માનો મૂળ ક્રાંતિકારી જીવ અને તેથી આવા પ્રવાસો દરમિયાન કોઇ જગાએ બાળકોને મંદિરમાં જતાં કોઇ રોકે તો સંઘર્ષમાં ઉતરવાની પણ પૂરી તૈયારી ! અને આવા દરેક નાના મોટા સંઘર્ષને અંતે આશ્રમના વિદ્યાર્થીઓને મંદિરમાં પ્રવેશ અપાવીને જ રહે. ચારણો-રબારીઓના નેસમાં એ સમયે (૧૯૩૬) દૂધપાક અને બાજરાના રોટલાના જમણની મહેમાનગતી કરાવી શકનાર આ મહામાનવ સામા પૂરે જ તર્યા હશે! નિરુભાઇની નિર્ભયતા તથા ભોળા તથા મહેમાનપ્રિય નેસવાસીઓની નિર્દોષતા એ બન્નેનું તેમાં દર્શન થાય છે. જયાં પડાવ હોય ત્યાં ભજનની રમઝટ તો ખરી જ. આશ્રમના એક બાળકને સર્પદંશ થતા તેનું માથું ખોળામાં લઇ સમગ્ર રાત ચાકરી કરનાર નિરુભાઇ જયારે બાળક દેહ મૂકે છે ત્યારે જનેતા જેવું આક્રંદ કરે છે તે વાત આ સંબંધોની પરાકાષ્ટા રૂપ છે. સમાજમાં જ્ઞાતિ આધારીત ભેદભાવ નાબૂદ કરવાના યશકાર્યમાં આ ક્રાંતિકારીએ એ કાળમાં પણ ઠોસ કામ કરી બતાવ્યું.
કરાંચીની શ્રી શારદા મંદિરની બાલસંસ્થા શિશુકુંજ સાથે જોડાયેલા ઇન્દુભાઇ જીવનલાલ દવેએ નિરુભાઇના સાહિત્યકાર તરીકેના વ્યક્તિત્વનો અનોખો પરિચય કરાવ્યો છે. કરાંચીની એચ. વી. કારિયા શાળામાં નિરુભાઇના સત્કાર સમારંભની વાત સાંભળી તેઓ કાર્યક્રમમાં ગયા તેમને નિરુભાઇ કેવા લાગ્યા ?
‘‘મોં પર યુવાનીનું પ્રતિભા તેજ. વાળના ઝુલફા કપાળ પર ધસી આવેલા. ભીની લાગણીસભર આંખો’’ આવા નિરુભાઇએ મેઘાણીને યાદ કરી દર્દભર્યા કંઠે ગીત ઉપાડયું.
વનરા તે વનની કાંટ્યમાં રે રાતા ફુલડાં
હા રે બાઇએ પધરાવ્યા પેટના બાળ
નરામાં ગલ રાતા ફુલડાં.
ગીત આગળ ચાલ્યું તેમ કરુણાના ભાવોએ વાતાવરણ બાંધી લીધું.
જમણે તે હાથે મીંચી આંખડી રે રાતાં ફુલડાં
હાં રે બાઇએ ડાબે તે હાથે દબવી છે ડોક
વનરામાં ગલ રાતા ફુલડાં.
નિરુભાઇના ભાવ તથા કંઠની કરૂણતાએ શ્રોતાઓ હિબકે ચડયા. મેધાણીભાઇની બીજી અનેક વાતો કરીને કરાંચીમાં રહેતા ગુજરાતીઓને મંત્રમુગ્ધ કર્યાં. ઇન્દુભાઇ લખે છે કે મેધાણીભાઇની કોઇ પણ રચના જયારે વાંચું છું ત્યારે નિરુભાઇનો તેજ તથા વેદના સભર ચહેરો નજર સમક્ષ તરવરે છે.
જીવનના છેલ્લા દિવસોમાં પણ જયારે તેઓ આરોગ્યવરમ સેનિટોરિયમમાં (મદ્રાસ) સારવાર લેતા હતા અને ત્યાં જ તેમનો દેહ છોડયો ત્યારે એ સંસ્થાના સુપ્રિટેન્ડન્ટ ડૉ. મૂલરે ‘‘ઊર્મિ-નવચરના’’ ને લખ્યું તે કદાચ નિરુભાઇની અનોખી પ્રતિભાના પ્રતિબિંબ સમાન છે.
‘‘ જયારે સારા માણસોની આ જગતમાં ખોટ પડી રહી છે ત્યારે આવા પ્રતિભાવંત યુવાનના જવાથી દેશને ન પુરાય તેવી ખોટ પડી છે. એમને અમે જીવાડી શકયા હોત તો સંસ્થા માટે ગૌરવની ઘટના ગણાત. તેઓ અનેકને પ્રેરણા પાઇને જીવનનો આદર્શ ઊભો કરતા ગયા છે ’’
જીવનની છેલ્લી ક્ષણોમાં પણ આ ક્રાંતિકારી કેવા ઝળક્યા હશે ! મા-ભોમની મુક્તિ માટે જીવ્યા ત્યાં સુધી સક્રિય રહ્યાં. દરેક લડતમાં જાતને હોમી. સરકારી વોરન્ટની અવગણના કરીને ક્રાંતિના બીજને અમૃતજળ સિંચ્યાં. ભગતસિંહ કે રામપ્રસાદ બિસ્મીલની જેમ છાતી કાઢીને જ જીવ્યા અને એજ ખૂમારીથી જગતને અલવિદા કરી. સ્વાતંત્રય પ્રાપ્તિના મહાપર્વ પ્રસંગે નિરંજન વર્માને યાદ કરી તેમના યોગદાનનું મૂલ્યાંકન કરીએ તો આ પ્રેરણાના સ્થાયી સ્ત્રોત સમાન જીવનનો અનુભવ થશે.
જલતે ભી ગયે, કેહતે ભી ગયે આઝાદી કે પરવાને,
જીના ઉસી કા જીના હૈ, જો મરના વતન પે જાને.
*****
Leave a comment