આ માસમાં ૧૮૭૩ ની ર૭ મી તારીખ – ર૭ સપ્ટેમ્બર, ૧૮૭૩ દેશના રાજકીય-સામાજીક ઇતિહાસમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આ દિવસે વીર વિઠ્ઠલભાઇનો જન્મ થયો હતો. ૧૯૩૩ માં વિઠ્ઠલભાઇએ વતનથી દૂર આ ફાની દૂનિયાનો ત્યાગ કર્યો. જીવનમાં જે છ દાયકા મળ્યા તેની દરેક ક્ષણ આ મહામાનવે જીવી જાણી. વિચારોમાં પોતાના કાળથી ઘણાં આગળ તથા દૂરનું પણ સ્પષ્ટ જોવાની શક્તિવાળા આ વીર પાટીદારે દેશમાં આધુનિકતાનો પાયો નાખવાના કામમાં મહત્વનું યોગદાન આપ્યું. તેઓ પ્રથમ કક્ષાના સાંસદ હતા. ભારતના સંસદ ભવનને તેનો યોગ્ય મોભો મળે અને મળ્યા પછી જળવાય તેવી કામગીરી વિઠ્ઠલભાઇના યોગદાનનું મોટું જમાપાસુ છે. શ્રી એચ.એમ.પટેલે વિઠ્ઠલભાઇ વિશે મહત્વની વિગતો લખીને સમાજ પર રૂણ ચડાવ્યું છે. વિઠ્ઠલભાઇની કામગીરી ધારાસભા (કાઉન્સીલ) તથા સંસદ (એસેમ્બલી) ના ક્ષેત્રમાં વિશેષ રહી. આ કામગીરી આજે પણ દિશાસૂચક બની શકે તેવી છે. વિઠ્ઠલભાઇ નિડરતાથી તથા સંપૂર્ણ તર્કબધ્ધ રીતે પોતાની વાત અંગ્રેજ શાસકોને કહેતા તથા તેમના ગળે ઉતરાવતા. વિઠ્ઠલભાઇના વિચારો સરદાર પટેલની જેમ સ્પષ્ટ હતા. સચોટ હતા. ગાંધીજી માટે વિઠ્ઠલભાઇને પૂરો આદર હતો. આમ છતાં જ્યાં ગાંધીજી સાથે વિચારભેદ ઊભો થાય ત્યાં પણ તેમની વાત સ્પષ્ટપણે રજૂ કરવામાં ખચકાતા નહતા. કેન્દ્રીય સંસદમાં જયારે મોતીલાલ નહેરૂ, મહમંદઅલી ઝીણા તેમજ પંડિત મદનમોહન માલવીયા જેવા દિગ્ગજો હાજર હોય ત્યારેતે સંસ્થાના પ્રમુખ તરીકે વિઠ્ઠલભાઇની વરણી કરવામાં આવે તે ઘટનાજ બતાવે છે કે તેમની પ્રતિભા રાટ્રીય સ્તરે કેવી જવલંત હશે ! સંસદના પ્રમુખ (સ્પીકર) તરીકે તેમનું હેતુલક્ષી તથા નિષ્પક્ષ વલણ સતત માર્ગદર્શક બનતું રહ્યું.
વિઠ્ઠલભાઇ પટેલે હાઇસ્કૂલનો અભ્યાસ નડિયાદ જઇને કર્યો. તે વખતે મેટ્રિક પછી એડવોકેટની પરિક્ષા પસાર કરીને વકીલ થઇ શકાતું હતું. તેથી તેમણે તે રસ્તો પસંદ કર્યો. વલ્લભભાઇ પણ આ બાબતમાં તેમને જ અનુસર્યા. એ ખૂબ જાણીતો અને રસપ્રદ પ્રસંગ છે કે ઇંગ્લાંડ જઇ બેરિસ્ટર થવા માટેનો પ્રયત્ન તથા પત્ર વ્યવહાર જે વલ્લભભાઇ કરતા હતા અને બન્ને ભાઇઓના નામ વી. જે. પટેલ હોવાથી તેનો જ લાભ લઇ વિઠ્ઠલભાઇ વિલાયત ગયા અને તેમના નાનાભાઇ વલ્લભભાઇએ આ બાબતે સંમિત આપીને મોટાભાઇની તમામ જવાબદારી સ્વેચ્છાએ ઉપાડી. સખત પરિશ્રમ કરવાનો સ્વભાવ હોવાથી પ્રથમ વર્ગ સાથે તેમણે પદવી પ્રાપ્ત કરી અને ૧૯૦૮ માં સ્વદેશ પરત આવ્યા. મુંબઇમાં જ સ્થાયી થઇને વકીલાત શરૂ કરીને અને થોડા સમયમાં જ આ વ્યવસાયમાં તેમનું નામ જાણીતું થઇ ગયું.
વિઠ્ઠલભાઇ એક સુપ્રસિધ્ધ અને સફળ વકીલ તરીકે સ્થાપિત થયા બાદ લાંબા સમય સુધી એ જ વ્યવસાયમાં રહીને આગળ વધી શકયા હોત. પુષ્કળ નાણાકીય લાભો અને તેના પરિણામે સુખ-સુવિધાઓ મેળવી શકયા હોત. પરંતુ દેશની પરાધિન સ્થિતિએ તેમને નિરાંતનો શ્વાસ લેવા ન દીધો. લગભગ ચાર વર્ષના ટૂંકા ગાળામાં તેમણે વ્યવસાય છોડીને લોકસેવાના કાર્યમાં જંપલાવવાનું નક્કી કર્યું.
આફત સામે તથા સત્ય અને ન્યાય માટે ઝઝૂમવાની વિઠ્ઠલભાઇની શક્તિના દર્શન કરવા ગુજરાતના યુવાનોએ તેમનું પ્રેરણાદાયક જીવન જાણવા જેવું છે. બ્રિટીશ શાસનકાળમાં મોર્લી-મિન્ટો સુધારાના કારણે ચૂંટાયેલા સભ્યોનો ધારાસભાના પ્રવેશનો માર્ગ સરળ બન્યો હતો. વિઠ્ઠલભાઇનો ધારાસભા પ્રવેશ એક ઐતિહાસિક ઘટના હતી. જો કે વિદેશી સરકારે એ બાબતની પૂરી તકેદારી રાખેલી કે ચૂંટાયેલા સભ્યો આ માળખામાં વિશેષ અસરકારક ન બની શકે. પરંતુ આ પડકાર વીઠ્ઠલભાઇએ ઝીલ્યો અને થોડા જ સમયમાં સમાજને અને સરકારને તેની પ્રતિતિ થવા લાગી. ધારાસભાના નિયમો અને કાર્યપધ્ધતિને સંપૂર્ણપણે આત્મસાત કરીને ચરોતરના આ વીર પુરૂષે બ્રિટીશ સત્તાને બરાબર હંફાવી. ધારાસભામાં પ્રશ્નો પૂછીને, ઠરાવો લાવીને પ્રજાના પ્રશ્નોને વાચા આપી. વિગતોની ચોકસાઇ તથા છટાદાર દલીલોને કારણે લોકહિતના પ્રશ્નો અંગે ઉપેક્ષા કરવાનું સરકારને અઘરૂં પડતું હતું તેમની દીર્ધદ્રષ્ટિને કારણે પ્રાથમિક શિક્ષણનો વ્યાપ સરકાર વધારે તેવો ખરડો તે જમાનામાં લાવ્યા અને પસાર કરાવી શકયા. પરંપરાગત ચિકિત્સા પધ્ધતિઓ જેમાં આયુર્વેદ તથા યુનાની પધ્ધતિનો સમાવેશ થાય છે તે કાયદાથી અટકાવવાનો સરકારનો પ્રયાસ તેમણે નિષ્ફળ બનાવ્યો. મુંબઇ ધારાસભાનો તેમનો આ અનુભવ તેમને દિલ્હીની ઇમ્પીરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય તરીકે પણ ઉપયોગી થયો. ત્યાં પણ તેઓ પ્રથમ કક્ષાના સાંસદ-પર્લામેન્ટેરિયન પુરવાર થયા. તેમની આ ક્ષમતાના કારણે જ તેઓ સંસદના પ્રમુખ (સ્પીકર) તરીકે ગૃહના બધા સભ્યોના ટેકાથી ચૂંટાયા. ભારતમાં સંસદ સંચાલનની જયારે કોઇ પધ્ધતિ-પ્રણાલિકા નહતા ત્યારે તેમણે નવી કેડિઓ અંકિત કરી. નિષ્પક્ષ અને વસ્તુલક્ષી વલણને કારણે સભ્યોમાં પણ ખૂબ લોકપ્રિય રહયાં. સંસદને તેમજ ધારાસભાઓને આજે જે ગરીમા પ્રાપ્ત થઇ છે તેમાં પાયાની ઇંટ મૂકવાનું પવિત્ર કાર્ય આ ગુજરાતી વીરે કરેલું છે. પંડિત શામજી કૃષ્ણવર્માની જેમ વિદેશી ધરતી પર જિનીવા પાસે ૧૯૩૩ માં આ ભારતમાતાના વીર સપુતે આખરી શ્વાસ લીધા.
તેજ – તણખો
સપ્ટેમ્બર, સરદાર તથા મિશન હૈદરાબાદ
આઝાદી મળ્યા બાદ કાશ્મિરની જેમ હૈદરાબાદ રાજયનું કોકડું પણ ગૂંચવાતું હતું. સરદાર પટેલના શિરે રાજયોના પ્રશ્નો નિપટાવવાની જવાબદારી હતી. સરદારે હૈદરાબાદનો પ્રશ્ન ઉકેલવાના કપરા કામ માટે ક.મા.મુનશીની પસંદગી કરી. મુનશીની આ કામ માટે થયેલી પસંદગીને ગાંધીજીની સ્વીકૃતિ મળી. મુનશીને ભારત સરકારના ‘‘એજન્ટ જનરલ’’ બનાવી હૈદરાબાદ મોકલવામાં આવ્યા. નિઝામ વાસ્તવિકતા સ્વીકારે અને ભારત સાથેનું હૈદરાબાદનું જોડાણ માન્યરાખે તેવા સમજાવટના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા. હૈદરાબાદ રાજયની નિર્દોષ પ્રજા પર થતા હિંસક હુમલાઓ સામે રાજય લગભગ નિષ્ક્રિય રહ્યું. ક.મા.મુનશીએ સરદાર સાહેબને આ બાબતથી વાકેફ કર્યા. હવે જે પગલાં ભરવાનાં હતાં તે અંગે અલગ અલગ મંતવ્ય હતા. છેવટે સરદારે ઐતિહાસિક નિર્ણય કરીને તેમજ કેન્દ્રિય મંત્રીમંડળને વિશ્વાસમાં લઇને ભારતીય સૈન્યને હૈદરાબાદમાં ઉતાર્યું. ગણતરીના દિવસોમાં જ જનરલ રાજેન્દ્રસિંહની દોરવણી હેઠળ મીશન હૈદરાબાદ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું. ભારતીય સૈન્યે વીરતાપૂર્વક હૈદરાબાદનો કબજો લીધો. સપ્ટેમ્બર-૧૯૪૮ માં એક જવલંત ઇતિહાસ રચાયો. ઇતિહાસ ઘડનારા તથા તેને મૂર્ત સ્વરૂપ આપનારાઓમાં સિંહફાળો ગુજરાતના સપુતોનો ! સરદાર પટેલ, ક.મા.મુનશી, એચ.એમ.પટેલ (તત્કાલિન સંરક્ષણ સચિવ) તથા જનરલ રાજેન્દ્રસિંહ (જામનગર) નું તેમાં પાયાનું યોગદાન હતું. ગૂંચવાયેલા પ્રશ્નો ઉકેલવામાં યોગ્ય વ્યક્તિઓની પસંદગી તથા સમયસરના પગલાં એ સરદાર સાહેબની સીકસ્થ સેંસ હતી ! મિશન હૈદરાબાદ સમયસર તથા સફળતાપૂર્વક પાર પાડયા બાદ સરદાર સાહેબે કેન્દ્રિય મંત્રીમંડળની બેઠકમાં યાદગાર શબ્દો કહ્યાં : ‘‘ નિઝામ ખતમ થયો છે. દેશની છાતીમાં કેન્સરને આપણે ચાલુ રાખી શકીએ નહિ.’’
***
Leave a comment