: સંતવાણી સમીપે :: વચનના પૂરા ઇ તો નહિ રે અધૂરાં…:

મીરાંની મહેક આજે પણ એવીને એવીજ આકર્ષક તથા તરોતાજા લાગે છે. ગિરિધર ગોપાલ સાથે નાતો અનેક સંત – મહંતોએ જોડ્યો પરંતુ મીરાંની વાણીમાં આ અલૌકીક સંબંધ વિશેષ ઝળકી ઊઠ્યો. આ મહાસતી મીરાંની મધુર વાણીમાં અનેક ભક્તજનોને પોતાનીજ લાગણીનું પ્રતિબિંબ ઝીલાતું હોય તેમ લાગ્યું. જન-જનને મીરાંના પદો શ્લોક – મંત્રો આદિથી પણ વધારે સુલભ થયા ભજન કે સંતવાણીનો ખરો પ્રતાપ કદાચ આજ હોઇ શકે છે. ભજન એ આત્માની ક્ષુધા સંતોષે છે. ભજનના શબ્દોનું નાભિમાંથી પ્રાગટ્ય થાય છે અને સચરાચરમાં ઝીલાય છે. તેના રચનારાઓ વેદ – ઉપનિષદના અમૂલ્ય જ્ઞાનનો ખજાનો સરળ ભાષામાં લોક સુધી વહેતો કરે છે. સંતવાણીના આ સંતોની સાધનાનો માર્ગ વ્યક્તિગત સાધનાનો હતો પરંતુ તેના લાભના ફળો સમૂહને પહોંચેલા છે. કારણ કે સાંઇ મકરંદ કહે છે તેમ આ સંતોએ ‘‘ગમતાંનો ગુલાલ’’ કરેલો છે. દયા – માયાના ભાવ આ સંતોની ઓળખ છે.

વાલા જેના મનડા માયાળું, દિલડાં દયાળું રે,
અવતારી એનો આતમા.

       આપણાં ભજન પ્રદેશના સંતોનું સ્મરણ કરીએ તો માતૃ સ્વરૂપા કે શક્તિ સ્વરૂપા વિદુષિઓનું પણ તેમાં એક ઉજળું તથા નોંધપાત્ર પ્રમાણ જણાય છે. સંત – કવયિત્રી તોરલ, સતી રૂપાંદે કે સતી લોયણ ઉપરાંત આત્મજ્ઞાની ગંગાસતીનું યોગદાન આપણાં સંત – સાહિત્યમાં શોભી રહેલું છે. આમ તો ભાવનગર જીલ્લાના એક નાના ગામ રાજપરાના એક સંસ્કારી ક્ષત્રિય કુટુંબમાં ગંગાસતીનો જન્મ પરંતુ તેમની વાણીના માધ્યમથી તેમજ અખંડ સાધનાથી તેઓ દૂર – સુદૂર સુધી અનોખી ખ્યાતિને વર્યા. તેમના શબ્દપુષ્પો થકી જન સામાન્યને આધ્યાત્મિક ઉન્નતિ તરફ પ્રયાણ કરવાના એક સરળ – સહજ રાજમાર્ગનું દર્શન થયું. અહીં કોઇ વાદ-વિવાદ કે સંપ્રદાયની મર્યાદા નથી. ગગાસતીએ બતાવેલી અલખની આરાધના મનુષ્યમાત્રને હાથવગી રહે તેવી સરળ તથા ભાવપૂર્ણ છે. મીરાંની જેમજ ગંગાસતીને રામ રમકડું મળ્યું છે.

રામ રમકડું જડિયું રે રાણાજી !
કારજ મારું સરીયું, રાણાજી !
મુને રામ રમકડું જડિયું.

       કુદરત સાથેના કે પરમ તત્ત્વ તરફના આ અનોખા અનુસંધાન માટે ગંગાસતીએ વચન વિવેકનો મોટો મહિમા કરેલો છે. જે વચન વિવેકી હોય તથા યથાર્થ વચનની શાન જાણતો હોય તેનો અધિક મહીમા ગંગાસતીએ ગાયો છે. વચનમાં વિવેક ન જળવાય તો મહાભારતનું સર્જન થાય તેવું મહાભારતકારે સમજાવેલું છે. વચનના પ્રતાપેજ જીવનની રણભૂમિમાં હતાશ થયેલા અર્જુને હતાશા – નિરાશા ખંખેરીને ગાંડિવનો ટંકાર કર્યો હતો તે વાત પણ જાણીતી છે. ગંગાસતી કહે છે તેમ મૂળ વચનનો દોર જે પકડી શકે તેને અનંતના નાથ સાથેનું સહજ અનુસંધાન થાય છે. પછી ભજનભાવ એના પ્રત્યેક શ્વાસમાં અનાયાસે વહે છે.

વચન વિવેકી જે નરનારી પાનબાઇ !
તેને બ્રહ્માદિક લાગે પાય,
યથારથ વચનની સાન જેણે જાણી પાનબાઇ !
તેને કરવું હોય તેમ થાય….વચન….
વચનમાં સમજે તેને મહાસુખ થાય રે,
ઇ તો ગત રે ગંગાજી કહેવાય,
એકમના થઇને આરાધ કરે તો તો,
નકળંક પરસન થાય….વચન….
વચને થાપ અને વચને ઉથાપ પાનબાઇ !
વચને મંડાય જોને પાઠ રે,
વચનના પૂરા તે તો નહિ રે અધૂરા,
વચનનો લાવો જોને ઠાઠ….વચન….
વસ્તુ વચનમાં છે પરિપૂરણ પાનબાઇ,
વચન છે ભક્તિનું જોને અંગ,
ગંગાસતી એમ બોલિયાં રે,
કરવો વચનવાળાનો સંગ….વચન….

       શાસ્ત્રોએ વચનનું – શબ્દનું કે વિચારનું જે મહત્વ આંકેલું છે તેજ વાતને ગંગાસતીએ અહીં અનોખી છતાં સરળ શૈલિમાં વ્યક્ત કરેલી છે. આથીજ આ ભજન લોક-સમૂહમાં વ્યાપક રીતે ઝીલાયેલું છે. જે સદ વચન છે તેજ યથાર્થ વચન છે. તેનોજ મહિમા તથા ઠાઠ છે. જે વચનના સ્વરૂપને જાણે છે તેને પરમ તત્વની પ્રાપ્તિ સરળ બને છે. આથી વચનના વિવેકીનો સહવાસ કરવાની વાત સતીએ કરી છે. જીવાતા જીવનમાં મૂલ્યવૃધ્ધિ કરે તેવી આ રચનાઓ લોકભોગ્ય શૈલિમાં લખાયેલી છે અને તે સમજવામાં પણ સરળ છે.

       મીરાં કે ગંગાસતીના પદો કાળના કપરા પ્રવાહ સામે આજે પણ ઉન્નત મસ્તકે ઊભા છે, ધબકે છે તેનું કારણ તેમાં સરળ રીતે વણાયેલાં જ્ઞાનમાં છે. મૂળ તત્વો કે વિચારને કોઇ મર્યાદિત કાળ સાથે નિસબત નથી. તેનો સંદર્ભ તો દરેક તબક્કે તથા સમયે પ્રસ્તુત છે. ગાંધીજી કહેતા તેમ સત્યનો મહિમા તેમજ સત્યનાજ શરણનો સંકલ્પ એ ચિરંતન વિચાર છે. આ વાત નવી નથી. સંતો – મહાત્માઓ કે ગાંધીજી જેવા વિચારકો આવા મૂળતત્વોનેજ પોતાની વાણી તથા કરણીમાં પ્રગટ કરે છે. આ વિચારો એ નિત્ય આધુનિક છે. હમેશા આધારભૂત છે. આ સંતો રામનામના વહેવારીયા છે અને આત્મ સમૃધ્ધિની ઉજાણી કરનારા છે. તેમની વાણી સૂર્ય – ચંદ્ર તપે ત્યાં સુધી જીવંત રહે તેવી સત્યશીલ છે. આ વાણીએ શાશ્વતનો વેણુંનાદ છે.

***

Leave a comment

Blog at WordPress.com.

Up ↑