: સંતવાણી સમીપે : ભાંગ્યા હોય એનો ભેરૂ થનારો, મેલાઘેલાંને માનનારો :

મહાત્મા ગાંધીનો જન્મદિવસ તથા નવરાત્રિની હવનાષ્ટમીના દિવસનો સુંદર સુયોગ છે. યજ્ઞની પાવક શિખા જેવું પવિત્ર તથા ઉજવળ જીવન જીવી જનાર મહાત્માની સ્મૃતિ દુનિયાના અનેક ભાગોમાં આજે તાજી કરવામાં આવે છે. વિશ્વના તે સમયના પ્રભાવી તથા શક્તિશાળી શાસન સામે નિ:શસ્ત્ર સંઘર્ષ કરીને મુક્તીનું ધ્યેય સિધ્ધ કરવાની મહાન સિધ્ધિ આજે પણ અહોભાવ ઉપજાવે તેવી છે. કવિઓએ બાપુનો સંદેશ ઝીલીને તેમના જીવન તથા આચરણ સંબંધી ભાતીગળ રચનાઓ કરી છે. આઝાદી પ્રાપ્ત કરવાની તેમની અનોખી શૈલી સૌરાષ્ટ્રના એક સુપ્રસિધ્ધ કવિ શ્રી ભૂદરજી લાલજી જોશીએ સુંદર શબ્દોમાં વ્યક્ત કરી છે.  

તોપ તલવાર નહિ બંદૂક બારૂદ નહિ

હાથ હથિયાર નહિ ખૂલ્લે શિર ફિરતે

વિકૃત વિજ્ઞાન નહિ, બંબર વિમાન નહિ

તરકટ તોફાન નહિ, અહિંસા વ્રત વરતે.

ટેંકોકા ત્રાસ નહિ, ઝેરી ગિયાસ નહિ,

લાઠીકા સહત માર, રામ રામ રટતે

ભૂધર ભનંત બીન શસ્ત્ર ઇસ જમાને મેં

ગાંધી બીન બસુધામેં કૌન વિજય વરતે. 

ગાંધી પ્રેરીત મહાસંગ્રામમાં વ્યક્તિગત રીતે કોઇની તરફ પણ કટુતા કે દુશ્મનાવટની લાગણી, વિચાર કે વર્તનમાં લાવ્યા સિવાય ધ્યેયની પ્રાપ્તિ માટેની હતી તે એક અસાધારણ ઘટના છે. નાના-મોટા અનેક યુધ્ધની ખાનાખરાબીનું સાક્ષી જગત અનેક પ્રસંગે થયું છે. પરંતુ કટુતા કે હિંસક ઘટનાઓ સિવાયના સંઘર્ષની વાત જગત માટે નવી હતી. આ યુધ્ધના સરદાર ગાંધીની ‘‘ સો સો વાતુની જાણકારી ’’ તથા સમજદારી તે મુક્તિ સંગ્રામના પાયામાં હતી. કવિ શ્રીદુલાભાયા કાગની રચનામાં અનેક વાતોના જ્ઞાતા એવા ગાંધીનું સુરેખ સ્વરૂપ લોકવાણીમાં ઉપસાવવામાં આવેલું છે. આ રચનાનું ઐતિહાસિક મૂલ્ય પણ છે. ફેબ્રુઆરી-૧૯૩૮ માં હરિપુરા મહાસભામાં ગાંધીજીની હાજરીમાં કવિશ્રીએ આ રચના પ્રસ્તુત કરી હતી. કવિશ્રી ખાસ નિમંત્રણથી તથા સર પ્રભાશંકર પટ્ટણીના આગ્રહથી આ કોંગ્રેસ મહાસભામાં હાજર રહ્યા હતા.

 સો સો વાતુનો જાણનારો 

મોભીડો મારો ઝાઝી વાતુનો ઝીલનારો …

ડગલે ડગલે હાલ્યા કરે છે 

ઊંચાણમાં ન ઊભનારો,

ઢાળ ભાળીને સૌ દોડવા માંડે,

ઢાળમાં નહિ દોડનારો ….મોભીડો .. 

ભાંગ્યા હોય એનો ભેરુ થનારો

મેલા ઘેલાંને માનનારો

ઉપર ઉજળા ને મનના મેલાં એવા 

ધોળાને નહિ ધીરનારો ….. મોભીડો .. 

આવવું હોય તો કાચે તાંતણે 

બંધાઇને આવનારો

નાવવું હોય તો નાડે જો બાંધશો તો, 

નાડા તોડાવી નાસનારો … મોભીડો ..  

કાળ જેવાને મહાકાળ લાગે છે

આભને બાથ ભીડનારો 

સૂરજ આંટા ફરે એવો ડુંગરો 

ઇ ડુંગરાને ડોલાવનારો … મોભીડો …

ગાંધી મારો ઝાઝી વાતુંનો જાણનારો.

લોકવાણીના માધ્યમથી ગાંધી વિચાર તેમજ સ્વરાજય માટેના આંદોલનની વાત કવિ શ્રી કાગે સરળ તથા પ્રવાહી શૈલીમાં રજૂ કરી છે. આથી મેઘાણીભાઇએ લખ્યું છે કે કવિ કાગની વાણીમાં ગાંધીવિચાર અસરકારક તથા લોકભોગ્ય શૈલીમાં રજૂ થયો છે તથા લોકો સુધી આ વિચાર પહોંચ્યો છે. ગાંધીજી દેશના સામાન્ય માણસમાં રહેલી ભાવનાઓને સારી રીતે સમજી શકતા હતા. તેમના વિચાર વાસ્તવિકતા તેમજ સ્વાનુભવના આધારે ઘડાયેલા હતા. નાનામાં નાની વાત પણ ગાંધીજીના ધ્યાન બહાર કે આયોજનની વેગળી રહેતી ન હતી. ઢાળ જોઇને દોડવાની વ્યવહારુ  જગતની દેખીતી રીતે સહેલી લાગે તેવી વૃત્તિથી મહાત્મા વેગળા હતા. ફાયદો સામે દેખાતો હોય તો પણ સાધન શુધ્ધિની વાતમાં સમાધાન કરીને ફાયદો મેળવવાની કદી પણ ગણતરી ગાંધીજીએ કરી નથી. લડતનો માહોલ દેશમાં ઉભો થયો હતો. તેમાં ચોરીચૌરાની એક જ હિંસક ઘટના બનતા તેમણે લાભાલાભની ગણતરી કર્યા સિવાય લડત થંભાવી હતી. મહાત્માના દરેક કદમ સાથે સમગ્ર સમાજ કદમ મીલાવી શકે તેવી તેમની ગતિ હતી. તેઓ સમાજથી અળગા કે ઊંચા છે તેવી સહેજ પણ પ્રતિતિ દેશના કરોડો નાગરિકોને થાય નહિ તે બાબત કદી પણ તેમના ધ્યાન બહાર રહી નથી. કવિ કહે છે કે ગાંધીજી ભાંગ્યાના ભેરૂ થનારા છે. વંચિતો-પીડિતોની વેદના સમજનારા છે. ચંપારણનો સત્યાગ્રહ હોય કે જીવનની સંધ્યાએ નોઆખલીની યાત્રા હોય એ દરેક સમયે જેઓ શોષિત કે ભયભિત છે તેમને જ ધ્યાનમાં રાખીને ગાંધીજીએ ડગલા માંડયા છે. અંત્યોદય કે સર્વોદય એ આ ભાવનામાંથી જ પ્રગટેલા તથા વ્યવહારમાં મૂકાયેલા આદર્શ છે. 

ગાંધીની આ પાવક તથા ઉજવળ શિખા ઝાંખી ન પડે તે જોવાની જવાબદારી તમામ નાગરિકોની છે. તેમની સ્મૃતિ પ્રતિકાત્મક તથા પ્રસંગે યોજાતા કાર્યક્રમો કે સમારંભોથી નહિ પરંતુ ઠોસ કાર્યથી થાય તો ગાંધી વિચારનું તત્વ વિશેષ અસરકારક તથા સામુહિક રીતે લાભદાયી બની શકે. લાંબા ગાળાનો લાભ તો જ થઇ શકે. સારૂ કામ – સામુહિક હિતનું કામ થયું તો તે ધન્ય ક્ષણ એ જ ગાંધી જયંતિ. કવિ શ્રી ઉમાશંકર જોશીના હેતુપૂર્ણ શબ્દો યાદ આવે. 

માર્ગમાં કંટક પડયા, સૌને નડયાં,

બાજુ મૂકયા ઊંચકી, 

તે દી નકી જન્મ ગાંધી બાપુનો 

(વી. એસ. ગઢવી)

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑