યા દેવી સર્વે ભૂતેષુ
માતૃ રૂપેણ સંસ્થિતા,
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ ,
નમસ્તસ્યૈ નમો નમ:
નવરાત્રીના પવિત્ર આગમનને વધાવવાનો સમય છે. સામુહિક ઉલ્લાસના પર્વોનું આગવું સ્થાન આપણી જીવન જીવવાની પધ્ધતિમાં જોવા મળે છે. સમુહ પ્રાર્થનાનું વિશેષ મહત્વ ગાંધીજીએ પ્રસ્થાપિત કર્યું. આજ રીતે સમુલ્લાસ વ્યક્ત કરવાના પણ અનેક પ્રસંગો આપણે શોધ્યા અને અપનાવ્યા. બાળકૃષ્ણના જન્મને કેવી રીતે વધાવવો ? ત્યાં પણ રાસ મંડળી દ્વારા થતું સમુહ નૃત્ય એ ઉત્સવનું એક અભિન્ન અંગ બન્યો. જે તે સમયને ઓળખીને તેની દરેક ક્ષણને – ઘડીને માણવાની સમાજની આ સામુહિક સૂઝ તથા સમજ છે. કૃષ્ણના આગમનની ઘડી રમણિય છે.
આજની ઘડી તે રળિયામણી,
ર્હાં રે, મારો વ્હાલો આવ્યાની વધામણી !
મીરાં અને નરસિંહના તો ઉર-મહેલમાંજ ‘‘હરજી’’ નું સ્થાન છે. તેથીજ તેમનો ઉલ્લાસ પણ સમાન લાગણીનોજ પ્રતિઘોષ કરે છે.
હળવે હળવે હળવે હરજી
મારે મંદિર આવ્યા રે
મોટે મોટે મોટે મેં તો
મોતીડે વધાવ્યા રે !
શક્તિ – ઉપાસના એ આપણાં જન-સામાન્યમાં ધરબાઇને પડેલી અમૂલ્ય વૃત્તિ છે. ઉજળી લાગણીનું આ તેજસ્વી પ્રમાણ છે. માતૃ સ્વરૂપનું પૂજન એ કોઇ પંથ કે સંપ્રદાયની મર્યાદામાં બંધાયેલી લાગણી નથી. ચોક્કસ કર્મકાંડ કે વિધિ વિધાન સાથે પણ માતૃત્વ મહિમાને ઝાઝો સંબંધ નથી. પાટ ઉપાસનાનું પર્વ હોય કે નવરાત્રીની અષ્ટમી હોય ત્યાં બધેજ માતૃત્વ શક્તિનો સ્વીકાર થયેલો છે. આ શક્તિએજ રામકૃષ્ણ દેવને કાલી સ્વરૂપે દિશા – નિર્દેશ કરાવ્યો છે. ચેતનાની ઊર્ધ્વ ગતિનું સ્નેહપૂર્ણ દર્શન કરાવ્યું છે. શક્તિનું આ તત્વજ કદાચ ખાદીના શ્વેત વસ્ત્રોમાં વિંટળાઇને મહાત્મા ગાંધી સામે કસ્તુરબા સ્વરૂપે ઊભેલું છે. મશાલ ઉચકવાની આ પરંપરા કદી ક્ષીણ થઇ નથી. એક માછીમાર કુટુંબમાં દરિયા કિનારે જન્મેલા ‘‘અમ્મા’’ (મા આનંદમયી) આજે પણ દુ:ખી તથા પીડીતોની સહાય માટે જીવતા-જાગતા શક્તિ સ્વરૂપે તથા કરૂણા સ્વરૂપે બેઠા છે. પ્રાચીન ઋષિએ ગાયેલા ‘‘ શક્તિ રૂપેણ સંસ્થિતા ’’ નાજ આ બધા વાસ્તવિક સ્વરૂપો છે. આથી નવરાત્રીના પર્વમાં ઉલ્લાસ સાથેજ ઉપાસનાનો ભાવ ભળેલો છે. ઉત્સવો સમાજ માટે પાવક બની રહે તથા પીડાદાયક ન બને તેનો વિવેક તો આપણેજ દાખવવો પડશે. ઉપાસનાના પર્વમાં અનિષ્ટને કે વિચારહિનતાને કદી સ્થાન હોઇ શકે નહિ.
જગદંબાના અનેક સ્વરૂપોનું દર્શન તથા ધ્યાન કરવાનો આ સમય છે. ગરવી ગુજરાતણોના ઉલ્લાસની મનોહર અભિવ્યક્તિ છે. ગરબાનું વાયક (નિમંત્રણ) સૌ માટે છે. તેમાં કોઇ ભેદભાવ નથી. સામુહિક પર્વનો ખરો આનંદ એજ છે.
રાધાજીના ઊંચા મંદિર નીચા મોલ,
ઝરૂખડે દીવા બળે રે લોલ.
રાધાગોરી ગરબે રમવા આવો !
સાહેલી સહુ ટોળે વળે રે લોલ.
મા અંબિકાના શરણમાં ઠરીઠામ થવાના ઉમળકા સાથે – અરજ સાથે સંત શ્રી નારાયણ સ્વામીના મધુર કંઠે વહેતા થયેલા ભજનમાં આજ વાતનો પડઘો પડે છે.
હે જગ જનનની ! હે જગદંબા !
માત ભવાની શરણે લેજે.
હોય ભલે દુ:ખ મેરૂ સરીખુ,
રંજ એનો ના થવા દેજે,
રજ સરીખુ દુ:ખ જોઇ બીજાનું
રોવાને બે આંસુ દેજે…. હે જગજનની….
આત્મા કોઇનો આનંદ પામે તો,
ભલે સંતાપે મુજ આતમને,
બળું ભલે પણ બાળું નહિ કોઇને,
હે મા ! તું મને ખોળે લેજે….હે જગજનની….
જગતજનનીનો સૌથી મોટો પ્રતાપ તેમની વત્સલતાનો છે. વાત્સલ્યના આવા વિશાળ તથા વિધાયક સ્વરૂપ પાસે ભક્તજન અંતરની અરજ કરે તો આવીજ હોઇ શકે. આપણી ચેતનાને ઉન્નત બનાવવાની આ નમ્ર અરજ છે. મા વાત્સલ્ય સ્વરૂપે છે તો તેજ પ્રવાહમાં ભળી જઇને સમભાવ – મમભાવ પોતાનામાં પણ પ્રગટ કરવાની ભક્તની મહેચ્છા છે. તેવીજ તેની માગણી છે. પ્રતિકાર નહિ પરંતુ સ્વીકારનું આ પર્વ છે. માનો વાત્સલ્યભાવ બાળકોમાં પ્રગટે અને પછી અસ્ખલિત રીતે જગત તરફ વહે તેજ આ ઉજળા પર્વની ભક્તિપૂર્ણ સમજ છે. તહેવારનું – ઉજવણીનું બાહ્ય સ્વરૂપ ગમે તેવું હોય પરંતુ આંતર ચેતનામાં તો આવી ચીનગારી પ્રગટે એજ હવનાષ્ટમીના ખરા આશીર્વાદ છે. પોતાના મેરૂ સમાન દુ:ખને વિસરીને અન્યની રજ સમાન નાની તબલીફ કે પીડાના નિર્મૂલન માટે પ્રયાસ કરવાનું મન થાય ત્યારેજ જગતજનની મા કરૂણામયીનું સ્વરૂપ દિલમાં પ્રગટ્યું ગણાય. પોતાની પીડા જગત સમક્ષ ગાઇ વગાડીને રજૂ કર્યા સિવાય સહન કરવાની શક્તિ આપવાની અરજ ભક્તજનની છે. બેટ-દ્વારકાના કવિ સુંદરજી બેટાઇ આ લાગણીનો પ્રતિભાવ તેમના સુંદર શબ્દોમાં આપે છે. :
ન હું ઝાઝું માગું, નથી મારું ત્રાગું,
પણ હરદયમાં જે વ્રણ પડ્યા
સહુ સકળ, એની બળતરા,
વિના ચિસે, વિના રીસે,
બસ સહનનું એવું બળ દે.
દૂભ્યા – દબાયાનું એકાદ આંસુ લૂછવાનો જ્યારે પ્રયાસ કરીએ તે દિવસજ ગાંધી –જયંતી ગણાય એ વાત કવિ શ્રી ઉમાશંકર જોશીએ સુંદર રીતે કરી છે. જગતજનનીની કરૂણાનો ઉજળો પ્રસાદ જન-જન સુધી ઘર-ઘર સુધી વિસ્તરે તેવી પ્રાર્થનાજ આ દીપોત્સવનો અર્થપૂર્ણ ભાગ બની શકે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment