ગિરા અરથ જલ બીચિ સમ,
કહિયત ભિન્ન ન ભિન્ન,
બંદૌ સિતા રામ પદ,
જિનહી પરમ પ્રિય ખિન્ન.
ભક્ત શિરોમણી તુલસીદાસજીએ કહેલું છે કે વાણી તથા અર્થ એ બન્ને નામ જૂદા છે પરંતુ વાસ્તવિક રીતે તેઓ ભિન્ન નથી. આજ પ્રકારે શિવ અને શક્તિ એક છે. આ સ્વરૂપની ઉપાસના કલ્યાણમય છે. માતૃસ્વરૂપા તત્વની ઉપાસના એ આપણો સમૃધ્ધ વારસો છે. નવરાત્રિના પાવન પર્વ પ્રસંગે માતૃસ્વરૂપા શક્તિ તરફનો ભાવ ઉલ્લાસમાં તેમજ ઉપાસનામાં પ્રગટ થાય છે. માર્કન્ડેય ઋષિએ માર્કન્ડેય પુરાણમાં સપ્તશતી (ચંડીપાઠ) ના ભક્તિપૂર્ણ વચનોથી જગદંબાના પૂજા ભક્તિમાં સૌરભનું સિંચન કર્યું. દેવીસૂક્તમાં પણ જગતજનનીના દિવ્ય – ભવ્ય સ્વરૂપનું દર્શન કરાવવામાં આવ્યું. આ રીતે મા – સ્વરૂપનું ધ્યાન કરવાની એક પરંપરા આપણે ત્યાં પ્રાચીન કાળથી ઊભી થઇ તથા પેઢી દર પેઢી જળવાતી રહી. પશ્ચિમના દેશોમાં સ્ત્રી – દાક્ષિણ્યની પ્રથા સ્થાપિત થયા બાદ તેના પાલન બાબતમાં પ્રશંસનિય કાળજી લેવામાં આવી છે. આપણાં દેશમાં મહિલા સ્વરૂપને માતૃશક્તિ તરીકે ઓળખવા કે આદર કરવાની વાત ઇતિહાસના અનેક પ્રસંગોમાં જોવા મળી છે. સામાન્ય રીતે કેટલીક અપૂર્ણતાઓ વ્યવહારના જગતમાં જોવા મળતી હોવા છતાં મહિલાઓનું ગૌરવપૂર્ણ સ્થાન સમાજે એકંદરે સ્વીકારેલું છે.
જગતજનનીના સ્વરૂપનું ‘‘ આઇ ’’ સંબોધનથી આપણે ગૌરવ કર્યું છે. મરાઠી ભાષામાં આ શબ્દ ઉપયોગમાં છે તથા પ્રચલિત છે. સૌરાષ્ટ્ર–કચ્છની અમૂક જ્ઞાતિઓમાં પણ ‘‘ આઇ ’’ શબ્દનો માનસૂચક સંજ્ઞા તરીકે ઉપયોગ થાય છે. અનેક લોકોની શ્રધ્ધાનું કેન્દ્રસ્થાન એવા દેવી ખોડીયારના નામ સાથે આઇનો પ્રયોગ અભિન્ન રીતે વ્યવહારમાં સાંભળવા મળે છે. માતાના અનેક ગુણોમાં તેની વત્સલતાનો – સ્નેહનો ભાવ અનેક પ્રકારે કથાઓમાં કહેવાય છે, ગીતોમાં ગવાય છે. મા ને સંતાનો તરફ સ્નેહ છે અને તેથીજ સંતાનોના કલ્યાણના કામમાં એ ‘પોતાવટ પાળવાવાળી’ છે. સુપ્રસિધ્ધ સંત શ્રી મોરારીબાપુ તેમની અનેક કથાઓમાં કવિ શ્રી દુલા ભાયા કાગની મા સંબંધેની આ રચના ભાવપૂર્ણ રીતે સંભળાવતા હોય છે.
પોતાવટ પાળવાવાળી
ભજાં તોય ભેળિયાવાળી
સોનલમા આભકપાળી.
મા નો સ્નેહ માર્ગદર્શક છે. પથદર્શક છે. જીવતરનું નાવ કદાચ સંજોગોને કારણે ખરાબે ચડે તો સહારો જગતજનનીનોજ મળે છે. ખરા સમયે, કસોટીની ક્ષણે સંતાનની સહાય કરવાની જાણે કે માતાની પ્રકૃત્તિ છે.
માડી ! એમાં ઓગળી રાત અંધારી,
કાળકાએ કાજળ ઘેર્યાં રે જી !
માડી ! તું તો કરૂણાને ઉજળે કાંઠે,
ઝબૂકી જ્યોત જોગણી રે જી,
માડી તારા ખમકારા ગગને ગાજ્યા,
પાણીમાં અજવાળા પડ્યા રે જી.
જીવનના ડહોળાયેલા પાણી વચ્ચે વીજળીના સ્વરૂપે ઝળકીને કલ્યાણનો માર્ગ બતાવનાર માતૃસ્વરૂપ છે. તેથીજ તેની પૂજા – અર્ચના સદીઓથી થતી આવી છે.
યા દેવી સર્વે ભૂતેષુ
માતૃ રૂપેણ સંસ્થિતા,
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ ,
નમસ્તસ્યૈ નમો નમ:
શક્તિ – ઉપાસના એ આપણાં જન-સામાન્યમાં ધરબાઇને પડેલી અમૂલ્ય વૃત્તિ છે. ઉજળી લાગણીનું આ તેજસ્વી પ્રમાણ છે. માતૃ સ્વરૂપનું પૂજન એ કોઇ પંથ કે સંપ્રદાયની મર્યાદામાં બંધાયેલી લાગણી નથી. ચોક્કસ કર્મકાંડ કે વિધિ વિધાન સાથે પણ માતૃત્વ મહિમાને ઝાઝો સંબંધ નથી. પાટ ઉપાસનાનું પર્વ હોય કે નવરાત્રીની અષ્ટમી હોય ત્યાં બધેજ માતૃત્વ શક્તિનો સ્વીકાર થયેલો છે. આ શક્તિએજ રામકૃષ્ણ દેવને કાલી સ્વરૂપે દિશા – નિર્દેશ કરાવ્યો છે. ચેતનાની ઊર્ધ્વ ગતિનું સ્નેહપૂર્ણ દર્શન કરાવ્યું છે. મશાલ ઉચકવાની આ પરંપરા કદી ક્ષીણ થઇ નથી. એક માછીમાર કુટુંબમાં દક્ષિણ ભારતના દરિયા કિનારે જન્મેલા ‘‘અમ્મા’’ (મા આનંદમયી) આજે પણ દુ:ખી તથા પીડીતોની સહાય માટે જીવતા-જાગતા શક્તિ સ્વરૂપે તથા કરૂણા સ્વરૂપે બેઠા છે. પ્રાચીન ઋષિએ ગાયેલા ‘‘ શક્તિ રૂપેણ સંસ્થિતા ’’ નાજ આ બધા વાસ્તવિક સ્વરૂપો છે. આથી નવરાત્રીના પર્વમાં ઉલ્લાસ સાથેજ ઉપાસનાનો ભાવ ભળેલો છે. ઉત્સવો સમાજ માટે પાવક બની રહે તથા પીડાદાયક ન બને તેનો વિવેક તો આપણેજ દાખવવો પડશે. માતૃસ્વરૂપાના તમામ પ્રગટ સ્વરૂપોએ વિચારશીલ તથા ઉજળુ જીવન જીવવાની પ્રેરણા હમેશા આપી છે. નોરતાની નોબત વાગે છે ત્યારે માતાની કૃપા સમાજના તમામ વર્ગને અવિરત પ્રાપ્ત થતી રહે તેવી પ્રાર્થના શ્રધ્ધા સાથે કરીએ.
તેજ – તણખો
ગુજરાતના આપણાં જનજીવન પર, આપણી રીતભાત તથા પરંપરાઓ પર જૈન વિચારધારાનો પ્રભાવ છે. તીર્થંકરોના પ્રતાપી તથા પરોપજીવી વિચાર તેમજ આચરણના ફળ સ્વરૂપ કેટલીક ઘટનાઓ અનાયાસેજ સમાજમાં આજે પણ જોવા મળે છે. થોડા દિવસો પહેલાં એક સુઆયોજિત પ્રસંગે લોકકવિ શ્રી ઝવેરચંદ મેઘાણીના વતન બગસરા – જિ. અમરેલી– જવાનું થયું. હાઇસ્કૂલના પ્રાંગણમાં કવિશ્રીની સ્મૃતિમાં સુંદર કાર્યક્રમ થયો. શાળાની સંખ્યા મોટી છતાં બધાને સારી રીતે સમાવી શકાય અને શિક્ષણકાર્ય સુવિધાયુક્ત બને તેવું શાળાનું સુંદર મકાન જોઇને આનંદ થયો. શાળાના મકાનના નિર્માણ બાબત આચાર્ય શ્રી શેખવાને પૂછતાં તેઓએ જે વાત કરી તે અહોભાવ પ્રગટાવે તેવી હતી. તેઓએ કહ્યું કે આ ગામનાજ એક મહાનુભાવ તથા શાળાનાજ વિદ્યાર્થી એવા એક સજ્જને જગતના કલ્યાણ માટે દીક્ષા લીધી તથા જૈન સાધુ-ભગવંત તરીકે સુવિખ્યાત થયા. મહારાજ સાહેબ જ્ઞાની તો ખરાજ પરંતુ કરૂણાનો ભાવ પણ સ્વાભાવિક રીતેજ તેમણે પચાવેલો છે. આથી જ્યારે શાળાના હાલના નવા તથા સુવિધાયુક્ત મકાન માટે અમે લોકફાળો એકત્રિત કરતા હતા ત્યારે જીવનમાં મૂલ્યોની જાળવણીના આગ્રહી એવા અમારા ગામના મહારાજ સાહેબે અમને સૂચના આપી. તેઓએ ફરમાવ્યું કે નાનું કે મોટું દાન શાળાનું મકાન બાંધવા માટે કરે તેની તખ્તી કે બોર્ડ કોઇ જગાએ મૂકવું નહિ. દાતાઓનું સન્માન કરવું નહિ. ત્રીજી વાત તેઓશ્રીએ કરી કે દાતા પાસેથી નાણાં માત્ર ચેકથીજ લેવા. સરસ્વતી દેવીના મંદિરના નિર્માણમાં સંપૂર્ણ – સર્વાંગ પવિત્રતા જાળવવાની વાતમાં સહેજ પણ બાંધછોડ કરવાની મહારાજ સાહેબે ગ્રામજનોને સ્પષ્ટ ના કહી. આ ઉપરાંત પોતાના ભક્તો-જૈન સદગ્રહસ્થો માટે તો મહારાજ સાહેબે ધર્માનુસાર આચરણની એક-બે વિશેષ શરતો મૂકી. ગામના આગેવાનોના મનમાં નાણાં એકઠા થવા બાબત શરૂઆતમાં સંદેહ ભાવ હતો. પરંતુ મહારાજ સાહેબની દ્રઢતા વજ્રસમાન હતી. તપનું બળ ક્ષીણ થતું નથી એ ન્યાયે આ સુવિધાપૂર્ણ શાળાના મકાન માટે લોકોએ સૂચવેલી શરતો માન્ય રાખીને ખોબે અને ધોબે ફાળો આપ્યો. કોઇપણ નાના કે મોટા આચરણમાં મૂલ્યોની જાળવણીનો આવો આગ્રહ એ ઉન્નત શિખર સમાન ભવ્ય છે તથા સમાજ માટે પ્રેરક તેમજ પથદર્શક છે. ‘‘ જૈનમ્ જયતિ શાસનમ્ ’’.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment