મહાન વિચારક-ચિંતક પ્લટોએ ‘ફિલોસોફર કિંગ’ની જે કલ્પના કરેલી તે ડૉ. સર્વપલ્લી રાધાક્રિષ્નનને જ્યારે ભારતના રાષ્ટ્રપતિ તરીકે ૧૯૬૨માં શપથ લીધા ત્યારે જાણે કે પૂરી થઇ હતી. આવી જ કલ્પના ભારતીય શાસ્ત્રોમાં ‘રાજર્ષિ’ની પણ કરવામાં આવી છે. તે પણ ડૉ. રાધાક્રિષ્નનને સંપૂર્ણપણે લાગુ પડે છે. સર્વોતોમુખી પ્રતિભા ધરાવનાર આજીવન શિક્ષક ડૉ. રાધાક્રિષ્નનને જે કાર્યો હાથ પર લીધા તે દરેક પર પોતાની ઉત્તમ બુધ્ધિ પ્રતિભાની અમીટ છાપ છોડી હતી. કદાભ ભાગ્યે જ કોઇ એવી વ્યક્તિ હશે કે જેને દેશ-વિદેશની ૧૦૦ થી વધારે યુનિવર્સિટીઓએ ઓનરરી ડૉકટરેટની પ્રતિષ્ઠિત પદવી એનાયત કરી હોય. પાંચમી સપ્ટેમ્બરે સમગ્ર દેશમાં તેમના જન્મદિનની ઉજવણી શિક્ષકદિન તરીકે કરવામાં આવે છે તે ઉચિત છે. એક તહસીલદારના પુત્રે સરસ્વતીની પસન્નતા સખત પરિશ્રમ કરી પ્રાપ્ત કરી અને જીવનમાં કેટલાય ઉન્નત શિખરો સર કર્યા. ડૉ. રાધાક્રિષ્નન ઉપરાષ્ટ્રપતિ તરીકે બે વખત રહ્યા પછી રાષ્ટ્રપતિ બન્યા. મહત્વની બાબત એ છે કે કોઇપણ હોદ્દા પર હોય તો પણ તેમની અંદરનો શિક્ષક કદી નિષ્ક્રિય રહ્યો નથી. શિક્ષણના પ્રશ્નોનું સતત ચિંતન આ મહાનુભાવને શ્વાસોશ્વાસ સમાન સહજ હતું. ૧૯૭૫ માં તેમણે મહાપ્રયાણ કર્યું પરંતુ એક ચિંતક – વિચારક તરીકે તેઓ સદા જીવંત છે તથા પ્રાસંગિક છે.
શિક્ષણના વિકાસની દ્રષ્ટિએ જોઇએ તો રાજ્યના અલગ અલગ હિસ્સાઓમાં વિકાસની અલગ તરાહ જોવા મળે છે. જે સમયમાં સાહિત્ય સર્જનમાં વ્રજભાષાની બોલબાલા હતી તે સમયે કચ્છમાં વ્રજભાષા પાઠશાળાની સ્થાપના ખાસ હેતુઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી. લગભગ દેશ આઝાદ થયો ત્યાં સુધી એ પાઠશાળા કાર્યરત પણ રહી. રાવ લખપતજીનો કલાપ્રેમ તથા રાજકવિ હમીરજી રત્નુની સલાહથી આ શુભકાર્યનો આરંભ થયો. હેતુ અનુસાર કામ પણ થયું તેનો એક અલગ ઇતિહાસ સુલભ છે. જૈન યતિઓનું મોટું યોગદાન પણ આ પાઠશાળાના વિકાસમાં મહત્વનું રહ્યું. લગભગ ૨૦૦ વર્ષ સુધી આ પાઠશાળા કાર્યરત થઇ. શિક્ષણના યજ્ઞમાં દેશી રજવાડાઓનું જે યોગદાન રહ્યું તેમાં કચ્છના રાજવીનું આ પાઠશાળાનું યોગદાન વિશિષ્ટ હતું. કચ્છમાં પણ છેલ્લા ૨૦૦ વર્ષના ગાળામાં કેળવણીના ક્ષેત્રે મક્કમ પ્રગતિ થઇ છે. કચ્છમાં શાળાઓની સ્થાપના માટે આઝાદી પહેલાં રાજવીઓ તથા શ્રેષ્ઠિઓનો મહત્વનો ફાળો રહ્યો છે. આઝાદી મળ્યા પછી પણ જે શાસન વ્યવસ્થા ગોઠવવામાં આવી તેમણે શિક્ષણના પ્રયાસોમાં જે સહયોગની અપેક્ષા રાખી હતી તેના કરતા પણ વિશેષ સહયોય લોકો – શ્રેષ્ઠિઓ તરફથી મળ્યો.
આઝાદી મળી તે પહેલા બહુ ઓછા રજવાડાઓએ શિક્ષણના ક્ષેત્રમાં ગાયકવાડ સરકાર તથા ગોંડલ નરેશે કર્યું તેવું કાર્ય કર્યું હશે. ગાયકવાડી વિસ્તારમાં ફરજિયાત શિક્ષણનો અમલ અસરકારક રીતે કરવામાં આવ્યો. નિયમ ભંગ કરનારને દંડ કરવાની સાથે શિક્ષણનું માળખું મજબૂત કરવાના યથાસંભવ બધાજ પ્રયાસો થયા. ગોંડલ મહારાજા ભગવદ્ ગો મંડળના કાર્યથી તો અમર થયા છેજ પરંતુ સમગ્ર કેળવીણીનો વિકાસ એ તેમની અગ્રતા હતી. મહારાણી નંદકુંવરબા પણ આ કાર્યમાં સક્રિય હતા તે સુખદ્ આશ્ચર્ય જન્માવે તેવી હકીકત છે. રાજવીઓના કુટુંબીજનો અને તેમાંયે વિશેષ કરીને મહિલા સભ્યો આવા પ્રગતિશીલ હોય તે જે તે સમયની સર્વસામાન્ય ઘટના ન હતી. મહારાણી સાહેબે દેશ-વિદેશની કેળવણી આપતી સંસ્થાઓ જોઇ હતી અને તેથી તેમને આ વિષયમાં જાણકારી તથા રુચિ એમ બન્ને બાબતો હતી. આઝાદી મળી તેના ત્રણેક દસકા પહેલા ૧૯૧૯ માં ગોંડલ રાજ્યના વિસ્તારમાં મફત તથા ફરજિયાત કન્યા કેળવણી શરૂ કરવામાં આવી. આથી શિક્ષણ લેતી કન્યાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો તેવી બાબત આ અંગેનું રેકોર્ડ જોતા સ્પષ્ટ થાય છે. સંસ્કૃત તથા ઉર્દૂના શિક્ષણ માટે પણ ગોંડલ રાજ્યમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. આથી અન્ય રાજ્યોની સરખામણીએ ગોંડલ રાજ્યના શિક્ષિત લોકોની ટકાવારી ઊંચી હતી.
મનુભાઇ પંચોળી ‘‘દર્શક’’, નાનાભાઇ ભટ્ટ તથા ગિજુભાઇ બધેકા જેવા સમર્પિત કેળવણીકારોના કારણે પણ પ્રજાના એક મોટા વર્ગને શિક્ષણ ક્ષેત્રની ઉત્તમ પધ્ધતિઓનો પરિચય થયો અને તેનો લાભ પણ થયો. નાનાભાઇ ભટ્ટ જેવા સમર્પિત કેળવણીકારોએ શિક્ષણની સાથેજ જીવન જીવવા માટેના આદર્શ મૂલ્યની પણ કેળવણી આપી. માત્ર કથની નહિ પરંતુ નાનાભાઇ – ગિજુભાઇ જેવા શિક્ષકોની કરણીથી પણ બાળ – કિશોર માનસ ઘડાયા.
ગુરોસ્તુ મૌનં વ્યાખ્યાનામ્
શિસ્યાસ્તુ છિન્ન સંશયા :
‘‘મારું જીવન એજ મારો સંદેશ’’ એ ગાંધીની વાત નાનાભાઇ જેવા ગુરૂજનો માટે પથદર્શક હતી. આથી તેમના વર્તન વ્યવહારથી પણ શિક્ષાર્થીઓને સાચા અર્થમાં કેળવણી પ્રાપ્ત થતી હતી.
આજે જ્યારે ઋષિતુલ્ય મહામાનવ ડૉ. રાધાક્રિષ્નનની જન્મજયંતિ પ્રસંગે શિક્ષણના ક્ષેત્ર તરફ નજર કરીએ તો ઘણું થયું હોવા છતાં પણ ઘણા બધા પડકાર ઝીલવા બાકી હોય તેમ ચોક્કસ લાગે છે. વિશેષ કરીને પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવાના મુદ્દે ગુજરાત સહિત દેશના મોટા ભાગના રાજ્યો સંતોષકારક કહી શકાય તેવી સ્થિતિમાં નથી. પ્રયાસો ચોક્કસ થયા છે અને સતત થાય છે પરંતુ લક્ષ હાંસલ કરવાનું હજુ બાકી છે. સરકારી શાળાઓમાં કરવામાં આવેલી સવતલો, મકાનોની સ્થિત, અદ્યતન સાધન –સુવિધાઓ વધી છે પરંતુ હજુ પણ જે શિક્ષણ આપવામાં આવે છે તેની ગુણવત્તાથી સંતોષ થાય તેવી સ્થિતિ નથી. ખાનગી શાળાઓની સંખ્યા વધી છે પરંતુ સામાન્ય લોકો આ શાળાઓમાં પોતાના બાળકોને મોકલી શકે તેવી સ્થિતિ નથી. મોટા ભાગની પ્રાથમિક શાળાઓની ફીનું ધોરણ મધ્યમવર્ગને પણ અકળાવે તેવું છે. આર.ટી.ઇ. (રાઇટ ટુ એજ્યુકેશન) જેવો કાયદો લોકહિતને ધ્યાનમાં રાખીને અમલમાં લાવવામાં આવ્યો છે પરંતુ તેના વાસ્તવિક અમલીકરણ અંગે હજુ કેટલાક પ્રશ્નો સતાવતા રહે છે. ઉચ્ચ કે માધ્યમિક શિક્ષણના ક્ષેત્રમાં પણ ગુણવત્તાના પ્રશ્નો અનેક જગાએ જોવા મળે છે. કેળવણીનો વ્યાપ વધે પરંતુ ગુણવત્તાના ધોરણ ન જળવાય તો આપણાં શિક્ષિત યુવાનો આંતરરાષ્ટ્રીય સ્તરની હરીફાઇમાં કેવી રીતે સારો દેખાવ કરી શકે ? શિક્ષણ માત્ર પરીક્ષાલક્ષી ન રહે અને બાળકનું વાસ્તવિક રીતે ઘડતર થાય તે પણ આજના સમયની માંગ છે.
ડૉ. સર્વપલ્લી રાધાક્રિષ્નનની જન્મજયંતિના સંદર્ભમાં એ વાત પુન: યાદ કરવાની રહે છે કે શિક્ષણના સમગ્ર માળખમાં અનેક દ્રષ્ટિકોણથી ગુણવત્તા ઉમેરવાની શાસન – સમાજ તથા શિક્ષણવિદોની સંયુક્ત જવાબદારી રહે છે. શિક્ષણ વિદ્યાર્થી કેન્દ્રી બને તથા સામાન્ય માણસની આર્થિક પહોંચમાં આવે તેમ કરવું અનિવાર્ય છે. ગુરૂઓનો આદર તો આપણે કરીએ પરંતુ વ્યવસ્થા અસરકારક તથા ગુણવત્તાયુક્ત બનાવવાના કામમાં પણ તમામ stake holders નો સહયોગ મળે તે આજના સમયની માંગ છે. આ દિશામાં વિચાર તથા ઠોસ કદમ એજ ગુરૂવર્ય ડૉ. રાધાક્રિષ્નનને સાચી શ્રધ્ધાંજલી છે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment