: સંતવાણી સમીપે : હરિની હાટડીએ મારું કાયમ હટાણું :  

મોરના ઇંડા ચીતરવા ન પડે તેવો આપણી ભાષાનો રૂઢિ પ્રયોગ ઘણાં અનુભવો તથા અનુભૂતિ પછી ચલણી થયો હશે. આ કહેવતને યથાર્થ ઠેરવે તેવા ઘણા દાખલાઓ જોવા મળે છે. નિરક્ષર સાક્ષર કહીને જેમને ક. મા. મુનશીને છેક ૧૯૩૬ માં એક ભવ્‍ય સમારંભમાં મુંબઇમાં બીરદાવ્‍યા હતા તે મેઘાણંદબાપાનું અડિખમ વ્‍યક્તિત્‍વ તો હતુંજ પરંતુ સાથે સાથે મા સરસ્‍વતીના ચાર હાથ પણ તેમના પર હતા. આ પ્રભાવી મેઘાણંદબાપાના બે સુપુત્રો – મેરૂભા તથા પિંગળશીભાઇ બન્‍ને  સરસ્‍વતીના આજીવન ઉપાસક અને સંસ્‍કારની વાતો સરળ રીતે લોકો સુધી પહોંચાડવાના કાર્યમાં અજોડ હતા. ભાદર અને મધુવંતી પ્રદેશના ઘેડ વિસ્‍તારમાં છત્રાવા નામના નાના ગામમાં ચારણ જ્ઞાતિના લીલા શાખાના સમર્થ પુરૂષ મેઘાણંદબાપાના દરેક પુત્ર સંસ્‍કારી હતા તે સ્‍વાભાવિક છે. પરંતુ સરસ્‍વતીની સાધના કરનાર મેરૂભા તથા પિંગળશીભાઇ સોરઠ – સૌરાષ્‍ટ્રના ગામડે ગામડે લોકહ્રદયમાં બીરાજતા હતા. લોક સાહિત્‍યના ખેડાણની અવિસ્‍મરણિય તથા જ્વલંત યાત્રામાં ભગતબાપુ અને મેરૂભાની ગરવી જોડીએ અનેક રંગોની પુરણી કરી હતી. પિંગળશીભાઇ આ બન્‍ને  મહાનુભાવોના પથ પર ચાલનારા પરંતુ સાહિત્‍ય જગતમાં પોતાની આગવી ઓળખ પ્રસ્‍થાપિત કરનાર સર્જક હતા. ૨૦૧૪ નું વર્ષ આ મર્મી કવિની જન્મશતાબ્દીનું વર્ષ છે. આથી સ્વાભાવિક રીતેજ તેમની સ્મૃતિ આ વર્ષમાં સવિશેષ થાય છે. આપણાં આ બહુશ્રુત સર્જક પિંગળશીભાઇએ સુંદર કાવ્‍યોની સરવાણી ઉપરાંત વાર્તાઓ, જીવનચરિત્રો વગેરે પણ એટલાજ અધિકારપૂર્વક લખ્‍યા. અનેક વિષયોમાં પિંગળશીભાઇએ તેમની સર્જન શક્તિનું યોગદાન આપ્‍યું. આ સાહિત્‍યના સર્જકો તથા મર્મીઓની ખૂબી એવી હતી કે તેમણે શ્લોકની વાત લોક સુધી પહોંચાડવાનું યજ્ઞકાર્ય કર્યુ. 

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના દીર્ઘદ્રષ્‍ટા કુલપતિ શ્રી ડોલરરાય માકડ લોકસાહિત્‍ય  તથા લોકસાહિત્‍યકારોનું મૂલ્‍ય બરાબર સમજતા હતા. આથીજ સૌરાષ્‍ટ્ર  યુનિવર્સિટીએ જે પાંચ ચારણ કવિઓનું જાહેર અભિવાદન કર્યું તેમાં સ્‍વાભાવિક રીતેજ મેરૂભા – પિંગળશીભાઇની આ બંધુ બેલડીનો તેમાં સમાવેશ થયો હતો. શિક્ષણના મહાવિદ્યાલયે સરસ્‍વતીના ઉપાસકોનું સન્‍માન કરી એક ઉજળું દ્રષ્‍ટાંત પૂરું પાડ્યું. કવિ શ્રી પિંગળશીભાઇની લોકસાહિત્‍ય વિદ્યાલય જૂનાગઢ આચાર્ય તરીકેની કામગીરી પણ અસરકારક હતી અને તેમની પ્રતિષ્‍ઠામાં વૃધ્‍ધિ  કરનારી હતી, યાદગાર હતી. તે સમયની સૌરાષ્ટ્ર સરકારે સાહિત્યના સંવર્ધન માટે આવા વિદ્યાલયની સ્થાપનાની સુંદર તથા ઉપયોગી પહેલ કરી હતી.  

આપણાં મધ્યયુગના ચિરંજીવી સંત સાહિત્યમાં ભક્તિની ઉત્કટતા સાથેજ શ્રધ્ધાનું દ્રઢીકરણ થયેલું જોવા મળે છે. પરમ તત્વ તરફની ભાવભીની ભક્તિ તથા અખંડ શ્રધ્ધા આ સાહિત્યના શબ્દે શબ્દમાંથી પ્રગટે છે. હરિ સાથેનું આવું અનુસંધાન એજ મીરા, નહસિંહ કે કબીરવાણીનું મૂળ તત્વ છે. આજ વાતનો તંતુ પકડીને પિંગળશીભાઇ જેવા આ યુગના કવિએ મધ્યયુગનાજ સંતકવિઓનું સર્જન–કૌવત આપણી આજની કાવ્યધારામાં કૂશળતાથી ઉતાર્યું છે. હરિ તરફની શ્રધ્ધામાંથીજ હરિની અનંત કૃપાનો પ્રસાદ તેમને દરેક વખતે પ્રાપ્ત થયો છે. હરિની હાટડીએજ જેનું હટાણું હોય તેને બીજી શી મણા રહે ? હરિના આશીર્વાદ થકી જીવનની સર્વાધિક સાફલ્યતા માણવાની આંતરિક સૂઝ તથા શક્તિ આ કવિને સહજ રીતે મળી હોય તેમ લાગ્યા કરે છે. 

હરિની હાટડીએ મારું કાયમ હટાણું, 

જોયું કે ન જોયું મેં તો ટાણું કે કટાણું……..હરિની હાટડીએ…….
પૃથ્‍વી પવનને પાણી આપ્‍યા સૌને ઉલટ આણી 

કોય દિ ન માગ્‍યું એનું નારાયણે નાણું……..હરિની હાટડીએ…….
બાળાવયમાં મોઢું બોખું, આપ્યું માનુ ધાવણ ચોખ્ખું 

દાંતની સંગાતે દીધું ચાવવા ચવાણું….હરિની હાટડીએ…….
ગમે ત્યાંથી ગોતી ગોતી, હંસલાને આપે મોતી 

કિડીઓને કણકી કણકી હાથીડાંને માણું….હરિની હાટડીએ….

ધણી મેં ધાર્યો છે નામી, વ્યાધી દીધી સઘળી વામી 

મળિયું પિંગળને મોટી પેઢીનું ઠેકાણું…. 

હરિની હાટડીએ મારું કાયમ ઠેકાણુ….

ઇશ્વરની કૃપાનો પ્રવાહ અખૂટ તથા અવિરત છે. માત્ર આ કૃપા પ્રસાદ વહોરતા કે તેનું હટાણું કરવાની દ્રષ્ટિ કૃપાળુ તરફની ભક્તિના માધ્યમથી મેળવવાની દ્રષ્ટિ કેળવવી પડે. સૌને તેની જરૂરિયાત મુજબ તથા જરૂર હોય તે સમય તો હરિ સાચવેજ છે. માત્ર આ Need ને greed માં ફેરવી નાખવાનો મોહ મૂકીએ એ તેની એક પૂર્વ શરત છે. કીડીને કણ તથા હાથીને મણ આપવાની વ્યવસ્થા તો કુદરતે ગોઠવેલી છેજ. સર પ્રભાશંકર પટ્ટણી લખે છે : 

જે માગે તેને તે આપે એવો માધવ ભોળો

કાનકુંવર જેવો બીજો દીઠો ન મોઢાનો મોળો.

લોકસાહિત્યકારના સર્જનોમાં એક વાત જે ઊડીને આંખે વળગે તેવી હોય છે તે તેની સરળતા તથા પ્રવાહિતા છે. જે વાત મૂકવાનો કે સમજાવવાનો પ્રયાસ લોકસાહિત્યકાર કરે ત્યારે સામાન્ય લોકોના ગળે તે વાત સહેલાઇથી ઉતરી જાય તેવા ઉદાહરણો પણ આ રચનાઓમાં જોવા મળે છે. ઈશ્વર તરફની શ્રધ્ધા જે શાસ્ત્રોમાં પ્રબોધવામાં આવી છે તેજ વાતને આવી રચનાઓમાં સરળ તથા સુવાચ્ય રીતે રજૂ કરવામાં આવે છે. શબ્દ સાધનાનું અમૃત જેમ આપણાં સંત – સર્જકોને પ્રાપ્ત થયું હતું તેજ પગદંડીએ આ અનુગાંધી યુગના કવિ ચાલ્યા છે. તેમના સર્જનોમાં પરંપરાનો સ્પર્શ તો છેજ પરંતુ નૂતન સંદર્ભ પણ તેમણે ખૂબીથી પોતાની વાણીમાં પ્રયોજ્યો છે. શબ્દના એકનિષ્ઠ ઉપાસક એવા આ નૂતન યુગના કવિને તેમની જન્મશતાબ્દી નિમિત્તે પુન: યાદ કરીએ. શબ્દના આરાધકો ચિરંજીવીતા પ્રાપ્ત કરતા હોય છે. શબ્દનું સામાર્થ્ય પ્રગટ કરતા ગુરુ ગોરખનાથજીની આ અમૂલ્ય અભિવ્યક્તિ કોઇપણ કાળમાં પ્રાસંગિક છે. 

સબદ હિં તાલા સબદ હિં કૂંચી, સબદ હિં સબદ જગાયા,

સબદ હિં સબદ સૂ પરચા હૂઆ, સબદ હિં સબદ સમાયા !

વી. એસ. ગઢવી
ગાંધીનગર.      

Leave a comment

Blog at WordPress.com.

Up ↑