: સંતવાણી સમીપે : મેહુલો ગાજે ને માધવ નાચે :

 કવિ કલાપી નરસિંહને એક અલગ અંદાજથી યાદ કરે છે. 

હતા મ્હેતો અને મીરાં 

ખરાં ઇલ્મિ ખરા શૂરાં 

અમારા કાફલાના એ 

મુસાફર બે હતા પૂરા. 

નરસિંહ તથા મધ્યયુગના આપણાં ઘણાં ભક્તકવિઓ કલાપી કહે છે તેમ શૂરવીર હતા. તેઓ જાણે કે જે સમયમાં જીવતા હતા તે સમયથી ઘણું આગળ જોઇ શકનારા એવા ક્રાંતદ્રષ્ટા હતા. જે તે સમયે સમાજમાં ગોઠવાયેલી વ્યવસ્થા અન્યાયકર્તા, શોષણયુક્ત કે માનવ-માનવ વચ્ચે ભેદભાવ રાખનારી તેમને લાગી તો તેવી વ્યવસ્થાને તેમણે મૂળમાંથી જ પડકારી. નરસિંહ આવાજ એક મીજાજી કવિ હતા, ભક્ત હતા. જે બાબત તેમાને ન્યાયના કાટલેથી તોળતા યોગ્ય લાગી તેનુંજ તેમણે સમર્થન કર્યું. અન્યાય સામે રણશિંગુ ફૂંક્યું. વળી આ બાબતમાં કોઇની શેહશરમ ન રાખી કે સમાજ શું કહેશે તેની ચિંતા પણ અળગી કરી. આ સ્વતંત્ર મિજાજ નરસિંહના આ શબ્દોમાં પડઘાયો છે. 

એવા રે અમો એવા તમે કહો તો વળી તેવા, 

ભક્તિ કરતા જો ભ્રષ્ટ કહેશો તો, 

કરશું દામોદારની સેવા. 

ગુજરાતી ભાષાના આદિ કવિ નરસિંહના શબ્દોનું તેજ કદી ઝાંખું પડે તેવું નથી. તેમની રચનાઓ આજે પણ એટલીજ લોકપ્રિય તથા તરોતાજા લાગે છે. વૈષ્ણવ જન નરસિંહના આ શબ્દોની અર્થપૂર્ણતા તથા પ્રભાવક્તાને કારણેજ ગાંધીજીના સાનિધ્યમાં પઠન થતી. રચના ‘‘વૈષ્ણવજન તો તેને કહીએ’’ આજે દેશના કોઇ ભાગમાં અજાણી રહી નથી. આ કૃષ્ણભક્ત કવિને જેમ કૃષ્ણ સાથે છે તેવોજ લીલોછમ્મ નાતો પ્રકૃતિના બદલાતા રંગો સાથે છે. પ્રકૃતિ તથા પરમેશ્વરની એકસૂત્રતા કવિએ નિહાળી છે અને તે દર્શનનો ઉર્મિ – ઉછાળજ ભક્ત કવિના શબ્દોમાં ગૂંથાયો છે. પરમ તત્વની પ્રકૃતિ સાથેના અનુસંધાનની આ રમણિયતા નરસિંહની રચનાઓમાં સોળે કળાએ ખીલી ઊઠી છે. વર્ષાઋતુમાં સોહાયમાન થતાં મેઘધનુષી રંગોની ભવ્ય રંગોળી આ કવિએ પૂરી છે. 

મેહુલો ગાજે ને માધવ નાચે 

રૂમઝૂમ વાગે પાયે ઘૂઘરડી રે, 

તાલ પખાલ વજાડે રે ગોપી, 

વહાલો વજાડે વેણું વાંસલડી રે, 

પહેરણ ચીર, ચરણાંને ચોળી, 

ઓઢણ આછી લોબરડી રે,

દાદુર, મોર, બપૈયા બોલે, 

મધુરી શી બોલે કોયલડી રે, 

ધન વંસીવટ, ધન જમનાતટ, 

ધન ધન આ અવતાર રે, 

ધન નરસૈયાની જીભલડીને, 

જેણે ગાયો રાગ મલ્હાર રે. 

મેહુલા અને માધવ વચ્ચેના ઊર્મિશીલ અનુસંધાનની આ વાત મલ્હારનું ગાન કરનાર નરસિંહે સરળ રીતે કરી છે પરંતુ તેની ભવ્યતા નરસિંહના શબ્દોથી અનન્ય સ્વરૂપે આપણી સામે આવે છે. નરસિંહ ભક્ત કવિ છે. તેની કવિતાનો ભાવ ભીંજવે તેવો છે. આનંદના, હર્ષના આ ઉદગારો રોમાંચિત કરે તેવા સત્વવાળા છે. કવિ સુરેશ દલાલ કહે છે તેમ નરસિંહની લિપિ શિલાલેખની જેમ ગુજરાતી કવિતામાં અમર થવા સર્જાયેલી છે. વર્ષાના આહલાદક વાતાવરણમાં પક્ષીઓ પણ પોતાના સૂરના માધ્યમથી રંગોળી પૂરે છે. કૃષ્ણનું સાનિધ્ય છે ત્યાંજ જમનાતટ છે અને તેનું દર્શન માત્ર જીવનની ક્ષણોને આનંદિત તથા ધન્ય બનાવે છે. મેઘના ગાજવામાં અને માધવના નૃત્યના અલૌકિક દર્શનમાં નરસિંહને જનમોજનમનો આનંદ મળે છે. ઈશ્વર પણ જ્યારે પ્રકૃતિમાં મેઘાડંબર વિખરાયેલો જૂએ છે ત્યારે તેને ત્વરિત પ્રતિસાદ આપીને તાલ આપે તેનાથી વિશેષ ધન્યપળ બીજી કોઇ હોઇ શકે નહિ. આ ધન્યતા નરસિંહ તો અનુભવે છે પરંતુ તે દર્શન સુલભ કરવામાં સૌને માર્ગદર્શક પણ થાય છે. માત્ર તે રસ્તે નરસિંહના માર્ગે બે ડગ ભરવાની આપણી તૈયારી જોઇએ.

વર્ષાનો આનંદ, તેનો ઉત્સવ માનવ સમૂહે અનાદિકાળથી મનાવ્યો છે. નરસિંહ જેવા કવિઓએ આ ભીનાશયુક્ત ભાવની મધુર અભિવ્યક્તિ શબ્દોમાં ગૂંથી છે. વરસાદમાં ટપકતા નેવાનું પણ એક આગવું સંગીત તથા શોભા છે. કવિ બાલમુકુન્દ દવે એ આ ‘‘નેવલા’’ ને ઝીલી લેવાની મીઠી વાત માંડી છે. 

આ નથી ટપકતાં નેવલાં, કોઇ ઝીલો જી, 

આ વરસે અમરત-મેહ, હો કોઇ ઝીલોજી ! 

આ સમણાં કેરા કરા પડે, કોઇ ઝીલોજી, 

આ નરદમ વરસે નેહ : હો કોઇ ઝીલોજી ! 

મેહુલા અને માધવને અંતરના ઉમળકાથી વધાવીને પુલકીત થવાનો આ મધુર સમય છે. આજની ઘડી તે રળિયામણી. 

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑