માંડી મેઘાણી ! હૈયે વાણીની હાટડી
કદી કાળો કાળાણી
વેપાર ન કીધો વાણીયા !
ભેદની ભીંત્યુંને ભાંગવાની હૈયામાં હામ રાખીને સમાજની સ્થાપિત માન્યતાઓ સામે લડી લેવાની વૃત્તિવાળા મેઘાણી એક જન્મમાં જાણે સાત જન્મનું કામ નિપટાવીને ગયા ! શ્રાવણના આ શિવભક્તિથી તરબોળ થયેલા વાતાવરણમાં મેઘની ભિનાશ સાથે મર્મી મેઘાણીની સ્મૃતિ તાજી થાય છે. ‘‘ એકરંગા ને ઉજળા ’’ એવા આ મર્મીએ અનેક વિષયોનું ખેડાણ ખંતથી કર્યું. સમય, સાધનો તથા સુવિધાઓની અનેક મર્યાદાઓ વચ્ચે આ સર્જકનું ગર્જન કદી મોળુ પડ્યું નથી. સાહિત્યની ખેપ મારીને આપણીજ પરંપરાની વાતો તથા ગીતો આપણનેજ ભેટમાં આપીને કવિ ગયા. રઝળપાટની અનંત કહાની જેવું જીવન !
સોના તણો શોધક ગયો,
એ ધૂળ ધોનારો ગયો !
સાહિત્યના જળકૂપનો
દોરી સહિત લોટો ગયો
કબરો તણા પ્રેતો તણી
મહેફિલમાં જાનારો ગયો,
સમશાનનો સાધક ગયો
એ ભૂતનો ભેરૂ ગયો !
કવિ શ્રી દુલા ભાયા કાગે અંતરના ઉમળકાથી ઉપરના શબ્દો મેઘાણીભાઇ માટે કહ્યાં છે. આ શબ્દોમાં સમગ્ર સમાજની લાગણીનું આબેહૂબ પ્રતિબિંબ ઝિલાય છે. સાંપ્રત યુગપ્રવાહ પર મેઘાણીભાઇના કાવ્યોનીજ નહિ પરંતુતેમના કર્તવ્યોની પણ ઊંડી છાપ પડેલી છે.
લોકસાહિત્યના મર્મીઓને સમાજે હમેશા પોંખ્યા છે, બીરદાવ્યા છે. આજે પણ કચ્છ કે સૌરાષ્ટ્રના કોઇ અંતરિયાળ વિસ્તારના ગામડામાં સંતવાણીના સૂરોનું અદકેરું મહત્વ છે. આ સાહિત્યના વાહકો પણ એટલાંજ લોકપ્રિય રહ્યા છે.
લોકકલાઓના નવરંગ થાળમાં લોકગીતોનું અનેરુ સ્થાન છે. લોકગીત એ સહજ રીતેજ જનજીવનમાંથી પ્રગટ થતી ભાવનાઓ-લાગણીઓની ઉત્કૃષ્ટ રચના છે. તેમાં કળાનું-ભાવનું-લાગણીનું અનોખું ગૂંથણ છે. આ પ્રાચીનતાના સૂરો આપણને પરંપરા દર્શન તો કરાવેજ છે પરંતુ આપણાં વર્તમાન જીવનમાં પણ ભાતીગળ રંગો ઉમેરે છે. લોકગીતો ખરા અર્થમાં આપણી પ્રજાની શાશ્વત સંપત્તિ સમાન છે. હજુ તો ધરતી અષાઢ – શ્રાવણની ભીનાશ ઝીલે ન ઝીલે ત્યાંજ સમીસાંજે સંધ્યાકાળે કે રસઝરતી ચાંદનીના નીતરતા અજવાળામાં ગોપગોવાળો મસ્તીમાં સૂરો છેડે છે.
અમે મૈયારે ગોકુળ ગામના
મારે મહી વેચવાને જાવા……. મૈયારા રે……
ગોકુળ ગામના.
રાધાજીના ઊંચા મંદિર નીચા મોલ
ઝરુખડે દીવા બળે રે લોલ
રાધા ગોરી ગરબે રમવા આવો
સાહેલી સહુ ટોળે મળી રે લોલ
ગરબાઓ તેમજ લોકગીતોના આ સ્વરોના કોઇ ચોક્કસ રચનાકારો નથી. તેના તળપદા શબ્દોના કોઇ વ્યક્તિગત જનક નથી. દયારામ કે પ્રેમાનંદ પહેલાથી આ સ્વરો અવિરત આવ્યા કરે છે, ઝીલાયા કરે છે. રણજીતરામ વાવાભાઇ મહેતા જેવા વિદ્વાનો આથીજ લોકગીતોના ઉષાકાળને સાહિત્યનો ઉષાકાળ ગણાવે છે. કાકા સાહેબ લખે છે તેમ કૃત્રિમતાનું કવચ આપણે આ લોકસાહિત્યના અધ્યયન તથા પુનરુત્થાનથીજ તોડી શકીશું. સાહજિકતામાં ધબકતું આ સાહિત્ય છે. આવું સત્વશીલ સાહિત્ય જે ગામડે કે નેસડે વેરાયેલું પડેલું હતું તેને શોધવાનું – ધૂળધોયાનું કામ મેઘાણીભાઇએ અનોખી નિષ્ઠાથી કર્યું.
કેટકેટલા સંતો-ભક્તો-સર્જકોએ સાહિત્યના અગાધ સમુદ્રમાં પોતાનું યોગદાન આપ્યું છે તે જોઇને નતમસ્તક થઇ જવાય છે. તેમની વાણીમાં રહેલા અમી તત્વને કારણે આવા સંતોની રચનાઓ હંમેશા પ્રાસંગિક તથા ચિત્ત આકર્ષક રહે છે. આ સંત પરંપરામાં મહિલાઓનું યોગદાન સહેજ પણ ઓછું કે ઉતરતું નથી તે બાબત આપણા મધ્યયુગના સમાજ જીવનની શોભાતથા સ્વસ્થતા સૂચવે છે.
આવા જ આપણી ભાષાના સમર્થ સારસ્વત અખા ભગતે કેવી સુંદર વાત કરી છે.
સંતો સમજીને રહીએ ….
મન વાણી જયાં પોંચે નહીં
ત્યાં અજરાઅમર રહીએ ….
પૃથ્વી વિના પગ માંડવો
વિણ વાટે દીવો,
જે ઘર જાવું મૂઆ પછી
તે ઘર જીવતા જુઓ …. સંતો ….
ચંદા નહીં, સૂરજ નહીં,
નહીં કોઇ નવલખ તારા
દિન ઉગે તે દિસે નહીં,
વાકા તેજ અપારા….. સંતો …..
અને આપણાં આ સંત કવયિત્રિ લીરલબાઇના શબ્દોની વેધકતા તેમજ તેમાં રહેલું ઉંડાણ તો જૂઓ.
અધૂરિયા સે ન હોય દલડાની વાતું
મારી બેન્યું રે …..
નર પૂરાં રે મળે તો
રાવું રેડીએ રે …..
એવાં ખાડા રે ખાબોચિયા,
કેરી દેડકી રે .
ઇ શું જાણ સમદરિયાની લહેરૂં
મારી બાયું રે …..
નર પૂરા રે મળે તો
રાવું રેડીએ રે …..
આ બધા સંતોના શબ્દોનું પ્રાણતત્વ આજે પણ લીલું લાગે છે કારણ કે એ વાણી વ્યાપાર નહતો. પૃથ્વી પર પોતાના પગ બરાબર ઠેરવીને બીજની રાત્રીએ સહજ રીતે સૂઝેલી, પ્રગટેલી આ ગંગોત્રીની પાવન ધારા હતી. પાખંડ અને અજ્ઞાન સામે ઘણના ઘા કરનાર આ સંતો વિદ્રોહી મીજાજ ધરાવતા હતા. સંપ્રદાયના વાડામાં સિમિત કરી શકાય તેવી તેમની વાણી ન હતી. વાણીના પાણીનું મોજું પ્રભાવી તથા પ્રતાપી હતું. પરંપરાનો આ દોર સ્વયંપ્રકાશિત હતો. શ્લોકને લોક સુધી લઇ જવાનું કાર્ય આ સંતો ભકતો સિવાય થવું મુશ્કેલ હતું. એમની આરાધ તો અખંડ ધણીના ચરણાવિંદોમાં જ સમાતી હતી.
જમી આસમાના બાવે મૂળ વિણ રોપ્યાને
થંભ વિણ આભ ઠેરાણાં હોજી.
અખંડ ધણીને હવે ઓળખો હોજી.
દેવાયતના ભાખેલા આ શબ્દો આપણી ભાષાની અમૂલ્ય સંપતિ જેવા છે.
સહજાનંદ સ્વામીને પ્રિય એવા બ્રહ્માનંદ સ્વામીના શબ્દોમાંથી ટપકતી ભક્તિ તથા અસાધારણ આત્મવિશ્વાસ અનન્ય છે.
રે શિર સાટે નટવરને વરીએ,
રે પાછા તે પગલાં નવ ભરીએ….
રે સમજયા વિના નવ નીસરીએ
રે રણ મધ્યે જઇને નવ ડરીએ
ત્યાં મુખ પાણી રાખીને મરીએ.
શિર સાટે નટવરને વરીએ.
કાળના આકરા પ્રવાહ સામે પણ ઝાંખુ ન પડે, ક્ષીણ ન થાય તેવું આ કાળજયી સાહિત્ય છે. તેની સુંદરતા તેની સહજતામાં છે.
કાળની ગતિ ન્યારી છે. સાહિત્યનું સર્જન તો અનેક સર્જકોએ કર્યું. પરંતુ કેટલાક સર્જકો એવા થયા કે જેઓ કાળના પ્રવાહ પર પોતાની છાપ foot print – મૂકીને ગયા. સમાજને ઉપદેશ આપવાનો હેતુ આવા સર્જકોનો મોટાભાગે ન હતો. પરંતુ તેમના ઉજળા જીવનનું એક ઉદાહરણ સમાજ સમક્ષ મૂકીને ગયા. મેઘાણીભાઇએ એક સમર્થ લોકસાહિત્યકાર તરીકે સંશોધન – સંપાદનની ઘણી મોટી જહેમત લીધી. ગુરૂદેવના સોહામણા કાવ્યો આપણી માતૃભાષામાં લઇ આવવાનું પણ તેમનું એક મહત્વનું યોગદાન હતું. સંતો – મહંતોનું ચરિત્રલેખન ખૂબ ભાવથી કર્યું પરંતુ અંધશ્રધ્ધા કે પરચા જેવી બાબતને પ્રગટ થતી કે ફેલાતી રોકવામાં તમામ જહેમત લીધી. લીધી. ભગતબાપુ (કવિ શ્રી દુલા ભાયા કાગ)ની શ્રધ્ધાંજલિ મેઘાણીભાઇની આ માસમાં આવતી જન્મજયંતિના સમયે આપણી સામુહિક લાગણીનું પ્રતિબિંબ પાડે છે.
લેખક સઘળા લોકની ટાંકું તોળાણી
વધી તોલે વાણીયા તારી લેખણમેઘાણી.
વી. એસ. ગઢવી.
ગાંધીનગર
Leave a comment