મિત્રોના મિત્ર : મેઘાણી

માતા  સરસ્વતી  મીટ માંડીને જોતી કોક દુલારો

નિડર, નિર્ભય, નિર્વ્યસની આ કોણ ઉપાસક મારો. 

બાવલ  બેટો  જોઇ  બગસરે   હૈયામાં  હરખાણી, 

અમર  લોકથી  આવ્ય ! અમારાં  શાયર મેઘાણી.

ગિરા કંદરા પહાડ ગજવતો  ગાંડોતુર  થઇ ગાતો

સવાજને  ચારણ  કન્યાનું  જુધ્ધ નીરખવા જાતો

ચૌદ  વરસની  ચારણ  કન્યા જગદંબા શી જાણી

અમર  લોકથી  આવ્ય ! અમારાં  શાયર મેઘાણી.

ઉપરનો અર્થપૂર્ણ તથા લોકપ્રિય છંદ આ વર્ષ જેમની જન્મશતાબ્દીનું વર્ષ છે તે કવિ શ્રી પિંગળશીભાઇ લીલાએ લખ્યો છે. મેઘાણીભાઇના અનેક ચાહક તથા સ્નેહી ગણી શકાય તેવા પરિવારોમાં છત્રાવા ગામના ‘‘નિરક્ષર સાક્ષર’’ મેઘાણંદ બાપાનો પરિવાર પણ છે. કવિ શ્રી પિંગળશીભાઇ મેઘાણંદ બાપના સારસ્વત સંતાન હતા. કવિમિત્રો તથા સ્નેહીઓને જેમ મેઘાણીભાઇએ અંતરથી ચાહ્યા છે તેમ કવિમિત્રોએ પણ તેમને ખોબે અને ધોબે સ્નેહ કર્યો છે. 

લોકસાહિત્યની સ્વરૂપ શુધ્ધિ માટે તેની જાળવણીના પ્રયાસો નિ:શંક આવશ્યક છે. પરંતુ પેઢી દર પેઢી, કંઠો-૫-કંઠ જે સાહિત્યનો સાશ્વત પ્રવાહ સંચર્યા કરે છે તે લોકસાહિત્ય એ લોકોની મોંઘી મૂડી છે. આથી જ લોકસાહિત્યને ટકાવવા કદાચ કોઇ ખાસ પ્રયાસો ન થાય તો પણ તેના અસ્તિત્વને ભૂંસાઇ જવાનો ભય રહેતો નથી. લોકગીતો હોય લોકવાદ્યો હોય કે લોકવાર્તાઓ હોય તો તે દરેક સ્વરૂપ લોકજીવનમાં જીવતું તથા ધબકતું જોઇ શકાય છે. મેઘાણીભાઇએ આ વાતનું યથાર્થ મૂલ્યાંકન કરતાં લખ્યું છે કે લોકગીતો માત્ર શુષ્ક ગ્રામીણ જોડકણાં નથી. આ મધુર ગીતો તો લોકઆત્માનું અંતરતમ સૌંદર્ય ઝીલનારી કાવ્ય-કૃતિઓ છે. લોકગીતો એ લોકહૈયે વસેલા સૌંદર્ય ઝરણાં છે. આ એક એવી સરવાણી છે જેનો પ્રવાહ અખૂટ છે તથા અમર્યાદિત છે. મેઘાણીભાઇએ આવા સૌંદર્ય ઝરણાંઓની શોધમાં રઝળપાટ કરી. ગામડે ગામડે તથા નેસડે નેસડે તેઓ ફર્યા. જયાંથી જેવો તથા જેટલો લોકસાહિત્યનો પ્રસાદ મળ્યો તેનું દસ્તાવેજીકરણ કરતા ગયા. કયારેક કોઇ સ્થળનો ફેરો ફોગટ પણ નીવડે તો તેનો રજમાત્ર અફસોસ આ ધૂળધોયાએ કર્યો નથી. કોઇ જગ્યાએ વળી ઢેલીબેન જેવા જાજવલ્યમાન મેરાણી મળી જાય તો અમીના ઓડકાર પણ આવે. ૧૯૨૮ માં માત્ર ૩૩ વર્ષની વયે રણજીતરામ સુવર્ણચન્દ્રક આ રઝળપાટ કરનાર મર્મી માનવને મળ્યો. સાહિત્ય જગતે જાણે કે લોક સાહિત્યને બિરદાવ્યું પરંતુ દુન્વયી ચન્દ્રકોથી અનેક ગણી મોટી મેઘાણીની પ્રતિભા લોકહ્રદયના સિંહાસન પર સ્થાન પામી હતી. લોકસાહિત્યના સંશોધન સંપાદનનું કામ મેઘાણીભાઇ પહેલાં પણ થયું હતું. પરંતુ મેઘાણીભાઇએ જે વિશાળ પ્રમાણમાં તથા વૈવિધ્યતાને વણી લઇને કામ કર્યું તે અપૂર્વ છે, કલ્પનાતીત છે. સાહિત્યના અનેક મર્મીઓનો વિશ્વાસ સંપાદન કરીને થયેલું આ કાર્ય અપૂર્વ તથા અજોડ છે. ભલા ભોળા તથા બાહ્ય દેખાવે તેમજ બોલીએ રુક્ષ દેખાતા માનવીઓની સારપનો જાણે ભારો બાધ્યો ! કવિ દાદે થોડા શબ્દોમા ઘણું કહ્યું છે.  

કાજળ ઘેરા કાળજામાંતેજની જોઇ લકીર

જુલ્મી નરમાં માનવતાના હૈયે દીઠાં હીર,

અંતરના લોઢ ઉછાળ્યા સમદરમાં વીરડા ગાળ્યાં,

ગાજે સમદરના પાણી ઘટોઘટ એમ મેઘાણી.

મેઘાણીભાઇને જેમ ઢેલીબેન મળ્યાં તેમ સાહિત્ય મર્મીઓની ખોજમાં જ તેમને દરબાર સાહેબ શ્રી વાજસુરવાળા મળ્યાં. આ કાઠી દરબારે હૈયું ખોલીને વાતોનો ઉજળો ભંડાર મેઘાણીભાઇ માટે ખૂલ્લો કર્યો. બીજા કવિ દુલા ભાયા કાગના રૂપમાં પણ એક મૂલ્યવાન મિત્રની તેમને પ્રતિતિ થઇ. એવા જ પાટણા ગામના વતની તથા વલ્લ્ભીપુરના રાજયકવિ તેમજ આભને થોભ દઇ શકે તેવા પ્રતાપી તથા તેજસ્વી ભેરૂ તેમને ઠારણભાઇ મહેડુના સ્વરૂપે મળ્યા. હીરાના પારખુ મેઘાણીભાઇને આ મોંઘા મોતીને ઓળખવામાં સહેજ પણ વાર લાગી નથી. આ મર્મીઓએ મેઘાણીભાઇને ઉજળી મૈત્રી તથા અમૂલ્ય અને અપ્રાપ્ય એવી સાહિત્યની કૃતિઓનો અને વાતોનો પેટ ભરીને પરીચય કરાવ્યો તથા જીવનભરની મૈત્રી તથા સ્નેહના બંધનોથી બાંધી લીધાં. 

એક આદર્શ સંશોધક કેવો હોઇ શકે તેનું રોલ-મોડેલ મેઘાણીભાઇએ જગત સમક્ષ રજુ કરેલું છે. મેઘાણીભાઇના વ્યક્તિત્વમાં જ વિવેક તથા સ્નેહાદરના લોઢ ઉછળતા હતા. નહિંતર આટલા બધા સાહિત્ય મર્મીઓ તેમના પર વરસી પડયા ન હોત. કવિરાજ ઠારણભાઇ મહેડુની જીવતી-જાગતી ગરીમાને અંજલી આપતા હોય તેમ મેઘાણી લખે છે :

‘‘ અમારા ઠારણભાઇ ગઢવી એમના ઘરમાં ખડકેલો હસ્તપ્રતોનો ખજાનો એકવાર ફકત જોઇ જવા સૌને તેડાવે છે. તેમની પાસે જશો ? જાઓ તો તેમના ઉર-કપાટ હળવે હાથે જુક્તિપૂર્વક ઉઘાડજો. એ તો જીવતા માનવો છે, પાણીના નળની ચકલીઓ નથી. કળ ફેરવતા જ દરેડા નહિ પડે. એ તો કેળનાઝાડવાં છે. મોટરોની ધૂળ ઉડાડયે ચારણ હ્રદયો ઉઘડી નહિ પડે. એમની તો અંતરની મોજ બહેલાવવી પડે છે. એમના મિત્રો  બનવું પડે છે. એમના થોડા મિથ્યાભિમાનને પણ પંપાળવું પડે છે. (ને આપણાંય મિથ્યાભિમાન કયાં ઓછા છે ? અરે, અતિ ઘણાં વધારે છે)  આ ચારણ કવિઓ તો સૂર્યમુખીઓની જેમ ખીલે છે. જો સામા આપણે સૂર્યકિરણો બનીએ તો જ ’’

જીવનમાં સાહિત્ય ઉપાસનાની નિર્ભેળ પ્રવૃત્તિ કરનાર અને આંખના પલકારામાં પોતાનું પાથરણું સંકેલી લેનાર આ મર્મી મેઘાણીના દર્શનમાં સુઝ, વિવેક તથા ધ્યેય લક્ષિતાના પગલાં પડેલા જોવા મળે છે. નહિતર અર્ધા શતકમાં સદીઓમાં પણ કરવું દુષ્કર લાગે છે તેવું કાર્ય સંપન્ન થઇ શકયું ન હોત. ઠારણબાપુની ડેલીમાં બેસીને આ સંશોધકે કેટકેટલું મૂલ્યવાન સાહિત્ય મેળવ્યું હશે તેની કલ્પના પણ રોમાંચક લાગે છે. રાજયકવિ ઠારણભાઇ એક કવિ હોવા ઉપરાંત ઉત્તમ વ્યક્તિ, જાગૃત વિચારક તેમજ મૂલ્યોની જાળવણી કરીને જીવન વ્યતિત કરનાર મહામાનવ હતા. મેઘાણીભાઇ તથા ઠારણબાપુની અન્યોઅન્ય માટેની પ્રીતિ તથા એકબીજા તરફનો આદર દુર્લભ ગણાય તેવા હતાં.

ઠારણભાઇ મહેડુ વાત-વિવેકી હતા અને તેમની કાવ્ય પ્રસાદીનો મિજાજ જૂદો જ જોવા મળે છે. પોતે અસરકારક વક્તા પણ હતા. સારા-માઠા સમયમાં પણ તેમની ગરિમા કદી ઝાંખી થવા પામી નથી. રજવાડાઓની વિદાય પછી પણ ઠારણબાપુની પ્રતિષ્ઠા તથા પ્રભાવ સમગ્ર સમાજમાં એવાને એવા જ રહ્યા હતાં.

પોતે જેને મિત્ર ગણીને સ્નેહ કર્યો હતો તેવા મેઘાણીભાઇએ ઓચિંતુ જ મોટું ગામતરૂ કર્યું ત્યારે ઠારણબાપુનુ કવિ હ્રદય વિચલિત થયું હશે તેમ લાગે છે. હૈયાની આ વેદનાને તેમણે શબ્દોમાં મઢી છે. (જે અપ્રકાશિત છે)

મૃત્યું મેઘાણી તણું ખટકયું હવે ખાસ,

સોરઠ ધરને છાંડ કર, વાસ કિયો કૈલાસ. 

મેઘાણી  રૂડું  મુખડું  નમણાં  હુતા નેણ,

કવિતા વેધુ વેણ, શેણ ગયો વાટે સરગ.

યાદ કરૂં છું અહર્નિશ, મેઘાણી મમ મિત્ર,

ચિત્ત ઉજળું ચારિત્રય, દેવ સમા દિપાવીયા.

રાજય કવિ ઠારણભાઇ તો મેઘાણીભાઇની ચિરવિદાય પછી છેક ૧૯૫૪ માં સ્વધામ ગયા. પરંતુ જીવ્યા ત્યાં સુધી તેમના હૈયે અને હોઠે મેઘાણીભાઇની સ્મૃતિના સૌને દર્શન થતા હતાં. મીઠપના મહેરામણ સમા મેઘાણીના બેસણાં તેમના આભથી ઊંચા મિત્રોના દિલમાં કાયમી રીતે સંઘરાયેલા હતાં.

(વી. એસ. ગઢવી)

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑