: મળતાં … હળતાં :

(૧) સામાજીક પ્રસંગોએ જ્યારે સમાજના ભાઇ – બહેનોને મળવાનું થાય છે ત્યારે તેઓ હવે પછીની પેઢીની પ્રગતિ બાબત ચર્ચા કરતા હોય છે. ઘણી બાબતો અંગે સંતોષ લઇ શકાય તેવી પ્રગતિ જરૂર થઇ છે. આ પેઢી આધુનિક સોસીયલ મીડીયા મારફત એકબીજા સાથે જોડાયેલા રહે છે તે પણ એક નોંધપાત્ર હકીકત છે. છતાં એક વાતની પ્રતિતિ સૌને થયા કરે છે કે આપણું સાહિત્ય તેમજ તેના મહાન સર્જકોની રચનાઓ નવી પેઢી સુધી વિશેષ પ્રમાણમાં લઇ જઇ શકાય તો તે એક સારી બાબત ગણી શકાય. આપણાં સાહિત્યનો સમૃધ્ધ ખજાનો છે. કેટલાક સામયિકો – પત્રો આ કામ કરે છે. ‘‘ચારણ’’, ‘‘પાટનગર પ્રકાશ’’ તથા ‘‘કાગવાણી સંદેશ’’ના અંકો દેશ – વિદેશમાં ઘણાં લોકો વાંચે પણ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઝવેરચંદ મેઘાણી કેન્દ્રના ‘‘લોકગુર્જરી’’ ત્રૈમાસિકના માધ્યમથી પણ ચારણી સાહિત્ય પ્રગટ કરવામાં આવે છે. આવા હેતુની પરિપૂર્તિ થાય તેવું કામ ભાઇ પ્રવીણભા મધુડાએ કર્યું છે. દેવિયાણ, જ્વાળામુખી દેવીની સ્તુતિ તેમજ અન્ય ચરજો – છંદોનું સંપાદન તેમણે ભાવાર્થ સાથે નાની પુસ્તિકા સ્વરૂપે કર્યું છે. (ચારણી શક્તિ ઉપાસના) નાની પુસ્તિકાઓ સામાન્ય રીતે વધારે પ્રસાર પામે છે તથા વાંચવામાં પણ ઘણાં લોકોને સરળ લાગે છે. હાથ વગી રહે છે.  

ભાઇ પ્રવીણ મધુડા આ પ્રકાશન માટે આપણા અભિનંદનના અધિકારી બને છે.

(ર) ‘‘બાળકો ટીવી સામે બેસી રહે છે’’ ‘‘રમવા જતા નથી’’ ‘‘અભ્યાસમાં ધ્યાન નથી’’ એવી ફરિયાદો અવારનવાર વાલીઓ તરફથી સાંભળવા મળે છે. તેમાં તથ્ય પણ હશે. પરંતુ આ બધી ફરિયાદો વચ્ચે ‘‘કાગવાણી સંદેશ’’ નો એક નાનો અહેવાલ વાંચીને આનંદ થયો. બારાડી પંથકનું એક સંસ્કારી કુટુંબ રાજકોટ રહે છે તે કુટુંબના ત્રણ બાળકોએ એક પ્રશંસાપાત્ર કામ કર્યું. આ બાળકોને જે ખીસ્સા ખર્ચ મળે છે તેની બચત કરી કાગવાણી સંદેશનો એક અંક છપાવ્યો ! બાળકોના નામ – ધીરલભાઇ, વિધીબાઇ તથા યશરાજ. પિતાનું નામ કિશોરભાઇ રાણાભાઇ. માતાપિતાએ બાળકોના કામને વધાવ્યું. આ ત્રણે બાળકોએ ચારણોને જન્મથકી મળેલું દેવીપુત્રનું બિરુદ ઉજ્વળ કરી બતાવ્યું. સામાજિક કામોમાં યોગદાન – નાનું કે મોટું– એ આપણાં સંસ્કાર તથા વર્તનનો ભાગ બને તો સમાજની ઉન્નતિ વિશેષ ઝડપી અને સાચી દિશાની બની શકે તેમ ચોક્કસ કહી શકાય. બાળકોને લાખ લાખ ધન્યાવાદ. (કાગવાણી સંદેશ એ જામનગરથી પ્રસિધ્ધ થતું માસિક છે. શ્રી પી. પી. ગઢવી તેના તંત્રી છે. ભરતભાઇ ગઢવી આ પત્રિકા માટે ખૂબ મહેનત કરે છે.)

(૩) : આપણી જૂની મૂડી…. :

ચારણ દુહિતા ચન્ડિકી, પૂર્વ કથા પ્રચલિત,

દેવી સોન શુભ દર્શને પૂર્ણ ભઇ સો પ્રતીત.

ચારણ બંધુના શ્રાવણ માસનાજ સંવત ૨૦૧૦ માં (૧૯૫૪) છપાયેલો ઉપરનો દોહો મૂળીના શ્રી પથાભાઇ પ્રભુદાનજી બોક્ષાનો લખેલો છે. પથાભાઇને મૂળીનો ગઢવાડો તથા સમાજના અન્ય લોકો ‘‘બાપા’’ તરીકે ઓળખતા. બાપા તથા તેમના લઘુબંધુ શિવદાનજી બોક્ષા પોતાના સ્વકર્મ તથા સુવાસને કારણે ચારણ તથા ચારણેતર સમાજમાં પ્રતિષ્ઠાભર્યું સ્થાન ભોગવતા હતા. આઇ શ્રી સોનબાઇમા તરફની તેમની શ્રધ્ધા ઉપરના દોહામાં જોઇ શકાય છે. શિક્ષણ કાર્ય તરફની નિષ્ઠા અને ભગવતી કૃપાથી બાપાના ઘણા વિદ્યાર્થીઓને તેમણે માત્ર શિક્ષણનાજ નહિ પરંતુ સંસ્કારના પાઠ પણ ભણાવ્યા. માધ્યમિક શાળાના આચાર્ય તરીકે તેઓએ છેલ્લે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં પોતાની સેવાઓ નિષ્ઠાપૂર્વક આપી હતી. સમાજમાં ચારણોની એક વિશિષ્ટ છાપ ઊભી કરવામાં આપણાં આવા પૂણ્યશ્લોક વડવાનો ફાળો નોંધપાત્ર છે. નજીકના ભૂતકાળનીજ આ ઘટના હોવાથી તેની નક્કર હકિકતો પણ આપણી પાસે આજે ઉપલબ્ધ છે. 

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑