મુકુન્દરાય વિ. પારાશર્યની આ જન્મ શતાબ્દીનું વર્ષ છે. (૧૯૧૪-૧૯૮૫) ભાવેણાની આકાશગંગામાં અનેક તેજસ્વી તારકોનું દર્શન થાય છે. તેમાં માત્ર અને માત્ર પ્રજાના કલ્યાણના હેતુનેજ સાધ્ય માની રાજ્ય ચલાવનાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી છે તો છેવાડાના માનવીને દેવ ગણીને તેની સેવામાંજ જીવન ખર્ચી નાખનાર ઠક્કરબાપા પણ છે. આજે પણ જાહેર વહીવટમાં જેમના વિચારો પ્રસ્તુત તથા પ્રાસંગિક છે તેવા સર પ્રભાશંકર પટ્ટણી છે તો કવિ નાનાલાલ જેમને ગુજરાતની જૂની કવિતાના છેલ્લા સીતારા કહે છે તેવા જાજ્વલ્યમાન વ્યક્તિત્વ ધરાવતા રાજ્યકવિ પિંગળશીભાઇ નરેલા પણ છે. ભૂતકાળની ભવ્યતા તો ખરીજ પરંતુ આજે પણ જીવનના ઉજળા નવ દાયકાને હેતુપૂર્ણ રીતે જીવી ગયેલા ‘ગુરૂજી’ (પ્રા. તખ્તસિંહજી પરમાર) જાણે કે આજ પ્રાચીન તથા પાવક ધૂણાની ચિનગારી સમા જીવંત અને જ્વલંત છે. મુકુન્દરાય પારાશર્ય ભાવનગરની માટીમાં ઉછરે અને મહોરે તે તો કવિ કૃષ્ણલાલ શ્રીધરાણી કહે છે તેમ ‘‘ઘરે ઊગેલા આભે પૂગે’’ જેવો સુયોગ થયો છે.
સામાન્ય રીતે કેટલાક અપવાદોને બાદ કરતા માનવ માત્રને પ્રસિધ્ધિનો, દેશ અને દુનિયામાં ખ્યાતિ પ્રાપ્ત કરવાનો મોહ રહેતો હોય છે. મુકુન્દરાય પારાશર્યને આ ગણિત પ્રમાણે અપવાદ તરીકેજ ગણવા પડે. આથી તેમને જે ઠીક લાગ્યું, જ્યાં તેમનું મન ઠર્યું તેજ લખ્યું. સહજ ભાવથી અને અંતરના ઉમળકાથી લખ્યું. પિતાની શીખ છે : કેવળ સાહિત્યકાર થવા, નામના મેળવવા લખી છપાવવાના મોહથી લખવું તે મને ઠીક જણાતું નથી. જે સારું લાગે તે સ્વભાવમાં વણવાને જે આદર્શ લાગે તેવા થવા ઉપર મુખ્ય દ્રષ્ટિ હોય એ સારું ’’ સાદું અને પવિત્ર જીવન જીવવા માટે મુકુન્દરાયના પિતાશ્રીનો સ્પષ્ટ મત છે. કેવું દેખાવું તેમ નહિ પરંતુ કેવું જીવવું તેનું મહત્વ અહીં કરવામાં આવ્યું છે. સંસ્કારનો આવો ઉજળો વારસો ધરાવનાર સર્જકને પ્રસિધ્ધિનો મોહ ન હોય તે સ્વાભાવિક છે. પટ્ટણી સાહેબે લખેલો એક દોહરો આ વાતના સંદર્ભમાં યાદ આવે.
હું કેવો દેખાઉં છું એ વૃત્તિ જો જાય,
જગલીલાની તો બધી ખૂબસૂરતી દેખાય.
પિતા તેમજ અન્ય વડીલોના સંસ્કારને હૈયામાં ધારણ કરીને એક ઋષિતુલ્ય જીવન આ સર્જક જીવી ગયા. ઋષિપણાને બાહ્ય દેખાવ કે વિધિ-વિધાન સાથે ક્યાં નિસ્બત છે ? મધ્યયુગના આપણાં કેટલાયે ભક્ત કવિઓ સંસારમાં રહીને સાધુ ચરિત જીવન જીવી ગયા. એક સર્જક તરીકે મુકુન્દરાય પારાશર્યને આ કક્ષામાંજ નિ:સંદેહ મૂકી શકાય. તળિયે પડેલ છીપની જેવું જીવન જીવી ગયેલા આ વિદવતજને લહાણી તો મોંઘેરા મોતીનીજ કરી છે.
મરને તળિયે જીવિયે, દુનિયા દેખે નૈ
મકના એવી છીપ થા કે મોતી પાકે મૈં.
આવા સર્જકનું સાહિત્ય કાળજયી હોય છે. દરેક સમયે તેનું મૂલ્ય રહે છે. આવું સાહિત્ય વાસી કે redundant થતું નથી. પુષ્પની સૌરભને ક્યાં expiry date હોય છે ! એ તો તેના અસ્તિત્વ સુધી હમેશા સહજ અને સ્વાભાવિક રીતે સુગંધની સરવાણી વહાવતું રહે છે. આ સાહિત્ય તથા તેના સર્જકનો પરિચય સ્મૃતિગ્રંથો પ્રકાશિત કરીને સમાજ સુધી પહોંચાડવા માટે શ્રી મુકુન્દરાય વિ. પારાશર્ય સ્મારક ટ્રસ્ટ આપણાં અભિનંદનને પાત્ર છે. સંપાદનનું ખૂબજ સુંદર તથા પધ્ધતિસરનું કાર્ય સંપન્ન કરવા માટે કનુભાઇ જાની, દિલાવરસિંહજી જાડેજા તથા હરિકૃષ્ણ પાઠક પણ તેટલાજ અભિનંદનના, પ્રશંસાના અધિકારી છે. આ સંપાદકોએ ખરા અર્થમાં ‘‘ સાચા સાગરના મોતી ’’ સમાજના ચરણે ધર્યા છે. આ દળદાર સ્મૃતિગ્રંથો વાંચીને ગુજરાતી કુટુમ્બોમાં મુકુન્દરાય પારાશર્યનું સાહિત્ય પહોંચે તો તે નિ:શંક અમી સિંચન જેવું કામ કરશે.
આપણાં સમાજમાં ઘણાં લાંબા સમય સુધી કુટુમ્બના સભ્યો અવકાશ મળે ત્યારે સાથે બેસતા અને વાતો કરતા. મોટાભાગે આવો સમય સાંજનું ભોજન પૂરું થયા પછી મળે. ઘરની, કુટુમ્બની વાતો ઉપરાંત સામાજિક, ધાર્મિક બાબતોની પણ ઘરના સભ્યો વચ્ચે ચર્ચા થતી, વડીલોના અનુભવનું ભાથું હતું તેના આધારે તેઓ કુટુમ્બના યુવાનોને માર્ગદર્શન મળે તેવી વાતો કરતા. આ ઘરસભા કે કુટુમ્બસભાનું એક ખાસ મહત્વ તેની ઉપયોગિતાને કારણે હતું. ટીવી આવ્યા બાદ અને દોડધામની જિંદગીને કારણે આવી ઘરસભાની પરંપરા તૂટવા લાગી છે. ઘરનાજ સભ્યો વચ્ચે સંવાદનો અભાવ હોય તેનાથી ઘણાં સામાજિક પ્રશ્નો ઊભાં થતાં જાય છે. ક્યારેક માનસિક સ્વસ્થતા પણ વ્યક્તિગત જીવનની તાણને કારણે વિક્ષૂબ્ધ થાય છે. અહીં મુકુન્દરાય પારાશર્યના કિસ્સામાં તેમણે જે વાતો તેમના મોટીબા પાસેથી સાંભળી તેજ વાતો કાળજીથી ટપકાવી લીધી. તેમ કરવા પાછળ તેમનો હેતુ પોતાનાજ જીવનનું યોગ્ય નિર્માણ કરવાનો હતો. મોટીબાએ તેમને કહેલી આ વાતોમાં સારમાણસાઇના ઘણાં નાના દીવડાઓનું દર્શન થાય છે. આ દીવડાઓ ભલે નાના હોય પરંતુ છે તો એ સદાયે જીવંત એવી પાવક જ્વાળાના સીધા વારસદાર. તેમણે ચરિત્રોની વાતો ટપકાવી તો ખરી પરંતુ ત્યારબાદ વાત આગળ ચાલતી ન હતી. મુકુન્દરાયના પત્ની અને પિયુશ પારાશર્યના બાએ એકવાર કવિને કહ્યું કે આ પ્રેરણાદાયક ચરિત્રો લખીને છપાવો તો કેવું ! સાહિત્ય પ્રેમીઓ, સંસ્કારનું પૂજન કરનારા લોકો મુકુન્દરાયના તો ખરાજ પરંતુ તેમના અર્ધાંગનાના પણ ઋણી રહેશે. તેમનું નામ ‘નિર્મળા’ હતું તેમ સ્વભાવે સંસ્કાર પણ એ નિર્મળજ હશે. ધર્મપત્નીના આવા સંસ્કાર પ્રસરાવવાનું સૂચન ધ્યાનમાં રાખીને જગત જેને સત્યકથાઓના નામે ઓળખે છે તે વાતો કાળજીથી લખવામાં આવી અને કુમારના શ્રી બચુભાઇ રાવતે છાપી. કુમાર તથા બચુભાઇના સંસ્કાર પ્રસારના યજ્ઞકાર્ય વિશે ગુજરતીઓને કંઇ વિશેષ કહેવાનું હોય નહિ. હરિઓમ આશ્રમના પૂજ્ય સંત શ્રી મોટાના આગ્રહ તથા અનુગ્રહથી સત્યકથાઓને છપાવવાનો માર્ગ સરળ બન્યો અને પરીણામે સ્વત: પ્રકાશી ઊઠે તેવા ઓજસ્વી પાત્રોનો પરિચય સમાજને થયો. યોગાનુયોગ સર પ્રભાશંકર પટ્ટણીના ચરિત્રનું લેખન પણ પૂ. મોટાના આગ્રહને કારણેજ શક્ય બન્યું હતું. પૂ. મોટાનું જીવન જોતાં ‘‘સંત સદા હિતકારી’’ વાળી પંક્તિઓ તેમને સર્વથા લાગુ પડતી હતી તેમ ચોક્કસ કહી શકાય. ‘‘સત્યકથા’’ નામ આપનાર બચુભાઇ રાવતની દીર્ઘદ્રષ્ટિતાને પણ જાજેરા રંગ દેવાનું મન થાય છે. દર્શકદાદા કહે છે તેમ ‘‘મૂળિયા હલાવી નાખે તેવી વાતો’’ આ પુસ્તકના માધ્યમથી જગત સમક્ષ રજૂ થઇ. પાત્રો પણ કેવા જાજ્વલ્યમાન ! મોટીબાએ જીવનના આઠ આઠ દાયકા સુધી જે જોયું – અનુભવ્યું તેવી ગમતી વાતોનોજ તેમણે ગુલાલ કર્યો છે. શ્રી હરિવલ્લભ ભાયાણી જેને ‘‘ગંગાજળની ટબૂડી’’ કહે છે તે આપણાં સુધી પહોંચડનાર સૌ પુણ્યાત્માઓ આપણાં વંદનના અધિકારી છે.
કવિ શ્રી હરિન્દ્ર દવે તથા કવિ શ્રી સુરેશ દલાલે મુકુન્દભાઇને ભાવનગરના એક તીર્થસ્થાન તરીકે લેખાવ્યા છે તે યથાર્થ છે. કેટકેટલી વાતો કહેવાઇ અને છતાંયે કેટલીયે અણકહી રહી હશે !
જનમારાની વાતું રે
એકજ રાતે શું કહું રે જી ?
પલપલના અનુભવને રે
એકજ ગાણે શું વણું રે જી ?
મોટીબાની કોઇ વાતના આધારે કવિ મુકુન્દરાયે કલમ પકડીને જે શબ્દોને કાગળ પર ઉતાર્યા છે તેનો મિજાજ જુદો છે.
બિયાં ને બદલાવે ઇતો રામજી
ઇ ગજું માણસનું નૈં.
ઇવાના ભવ ટાળ્યાના મોહમાં
ખોટા અભેમાન કરીએ નૈં.
રામને ભજવાનું ના ભૂલીએ.
કવિ શ્રી ઉમાશંકર જોશી લખે છે તેમ મુકુન્દરાય ગુજરાતી ગિરાને ન્યાલ કરી ગયા છે.
સત્યકથાઓના સર્જક મુકુન્દરાય ઊર્મિઓની અભિવ્યક્તિમાં પણ ઝળહળી ઊઠેલા છે. એમના કવિ તરીકેના સર્જનો હમેશા લીલાછમ્મ રહે તેવા છે. તેમની રચનાઓમાં ભાવની અભિવ્યક્તિ તથા પ્રવાહીતાનો સુભગ સમન્વય છે.
એની ગાંઠે ત્રણ ભોમનું નાણું
સાધુડા ! જેના મનડામાં મોતી બંધાણું
મોતી બંધાણું એનું દળદર દળાણું વ્હાલા !
છુટ્યું સંસારનું સરાણું…..
મોતી બંધાણું એનું અંતર છલકાણું વ્હાલા !
એથી સચરાચર ધરાણું…..
તેમની અનેક રચનાઓમાં સંતવાણીની સુગંધ મહોરી ઊઠી છે.
સર પ્રભાશંકર પટ્ટણીનું વ્યક્તિત્વ – દર્શન લખીને મુકુન્દરાયે એક યજ્ઞકાર્ય કર્યું છે તેમ કહેવામાં અતિશયોક્તિ નથી. હરિઓમ આશ્રમના સંત પૂજ્ય શ્રી મોટાની પણ આ ચરિત્ર પ્રસિધ્ધ થાય તેવી ઉત્કટ ઇચ્છા હતી. સર પટ્ટણીનું જીવન કોઇપણ કાળે જનસમૂહ માટે પ્રેરણાદર્શક બને તેવું છે. પટ્ટણી સાહેબે ભાવનગર રાજ્યને એક દાખલો આપી શકાય તેવા આદર્શ રાજ્ય તરીકે વિકાસ કર્યો એ ઘટના હવે સુવિદિત છે. પરંતુ આ વિચક્ષણ દીવાન એક સંતકોટીના મહાપુરૂષ હતા તે વાત સમજવામાં મુકુન્દરાયનું પુસ્તક ખૂબજ ઉપયોગી થાય તેવું છે. આ શીલભદ્ર શાસકની લોક તરફની સંવેદના તથા ઈશ્વર તરફની શ્રધ્ધાથી તેઓ એક યુગ ઉપર પોતાની અસર મૂકીને ગયા. પ્રતિષ્ઠા તો સ્વકર્મ બળે પામ્યાજ પરંતુ તેની લેશમાત્ર પરવા આ દિવાનના અંતરમાં રહેલા કવિને ક્યાં હતી ?
વિંચાતાં આંખ, આખા જગતથી પરવારશું,
પ્રતિષ્ઠા આ ક્ષણિકની તો પછી પરવારશું ?
ગણે સંસારીઓ કિમ્મત અમારી છો ટકો,
પ્રભુ દરબારમાં ઊંચી અમારી બેઠકો.
મુકુન્દરાય પારાશર્યની સત્યકથાઓ તથા તેમના અનેક સર્જનો સાહિત્યપ્રેમીઓની દાદ હમેશા મેળવતા રહેશે. જીવનમાં અમૃતરસનું સિંચન કરે તેવી વાતો સમાજ વાંચે, સાંભળે અને જીવનમાં શક્ય તેટલાં તેના સંસ્કારનું સિંચન કરવાના પ્રયાસ કરે તો પણ સમાજ સ્વસ્થતાના માર્ગે એક ડગલું આગળ વધશે તેમાં કોઇ શંકા નથી. કવિ શ્રી હરિકૃષ્ણ પાઠકે મુકુન્દભાઇ પારાશર્યની વસમી વિદાય વખતે લખેલા શબ્દોમાં આપણાં સૌની લાગણીનું પ્રતિબિંબ ઝિલાય છે.
જળ રે ઊંડા ને પાછા નીતરાં
એવાં નવલાં નવાણ,
આંખ્યું રે મીચાણી અડધી વાતમાં
સહેવી કેમ રે આ હાણ
શું રે સંભારું, શું રે વીસરું ?
ફૂલની સુવાસે તમને પામશું !
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment