કળાયેલ મોરના પ્રાકૃતિક સૌંદર્યની યાદ અપાવે તેવું વ્યક્તિત્વ બાબુભાઇ રાણપુરાનું હતું. હંમેશા તરોતાજા અને મસ્તીમાં તરબોળ. તેમની વિદાય માત્ર સૌરાષ્ટ્રમાં નહિ પરંતુ ગમે તે સ્થળે વસતા લોકસાહિત્યના પ્રેમીજનને આંચકો આપી ગઇ. આથી જ ગાંધીનગરના ટાઉનહોલમાં વિશાળ જનસમૂહે બાબુભાઇ સહિત સાહિત્યમાં પ્રદાન કરીને વિદાય લેનારા લોકોને અભૂતપૂર્વ હાજરી વચ્ચે અશ્રુભિની આંખે સ્વરાંજલિ આપી. ભગતબાપુ (કવિ શ્રી દુલા ભાયા કાગ ) એ લખ્યું છે તે વાતની સૌને પુન: પ્રતિતિ થઇ.
મીઠપ વાળા માનવી જગ છોડી જાશે.
કાગા એની કાણ ઘરોઘર મંડાશે.
લોકસાહિત્યકારે જેમ સમાજને ચાહ્યો છે, લોકને આરાધ્યો છે તેમજ સમાજે પણ લોકસાહિત્યકારના અંતરના ઉમળકાથી વધામણાં કર્યા છે. સાહિત્યનો આ અમી પ્રવાહ તેના વાહક તથા ભાવક વચ્ચે એક સ્નેહના સેતુનું નિર્માણ કરે છે. જો તેમ ન હોત તો હેમુ ગઢવીની વિદાય પછી આજ ચાર ચાર દાયકા બાદ પણ હેમુભાઇની પુણ્યતિથિ પ્રસંગે માનવ મહેરામણ ઉમટી પડે છે તેવું ન થતું હોત. જેમની જન્મજયંતિ આવવાની ઘડીઓ ગણાઇ રહી છે તેવા ઝવેરચંદ મેઘાણીને કાળની લાંબી અવધિ બાદ લોકો કયાં વિસરી શકયા છે ? ઉલટું આ સાહિત્યના સર્જકો તથા વાહકો તરફનું લોકોનું આકર્ષણ વધ્યું હોય તેમ સતત લાગ્યા કરે છે. બાબુભાઇ રાણપુરા પણ આ જ લોકસાહિત્યની ઉજળી ધરોહરની એક મજબૂત કડી સમાન છે. આથી જ તેમનીસ્મૃતિ લોક હ્રદયમાં લીલીછમ્મ રહેવા સર્જાયેલી છે. ચિંરજીવી રહેવા સર્જાયેલી છે.
બાબુભાઇ રાણપુરા વિશે વિચાર કરીએ ત્યારે મનમાં હંમેશા એ પ્રશ્ન થાય કે બાબુભાઇ કલાકાર તરીકે ચડે કે એક માણસ તરીકે ? સદ્દગુણ અને પારકી પીડા અનુભવવાનું અસામાન્ય મિશ્રણ તેમની પ્રકૃતિમાં હતું. તેમના હોંકારામાં દરેક માનવી તરફની હૂંફની હકારાત્મકતા હતી. તેમની હાજરી માત્રથી કાર્યક્રમોની–મેળાવડાઓની શોભા વધતી હતી. અરવિંદભાઇ આચાર્યની વિદાયની વેદના વિસારે પડે તે પહેલાં આ બીજો પ્રહાર થયો છે. સાહિત્યની ઉજળી વાતો લઇને બાબુભાઇ દેશ-વિદેશ વિચર્યા અને ગમતાનો ગુલાલ કર્યો. તેમણે વેરેલા ભાતીગળ રંગો ઝાંખા પડે તેવા નથી. તેમનો મકરંદી મીજાજ હંમેશા તરોતાજા રહેશે.
અમે તો જઇશું અહીંથી પરંતુ
આ અમારો ઉડાડયો ગુલાલ રહેશે.
(કવિ મકરંદ દવે)
તેમના મનમાં લોકસાહિત્યના વિકાસના અનેક અભરખા હતા. તે માટેના અનેક પ્રયાસો પણ તેમણે કર્યા. છેલ્લા કેટલાંયે વર્ષોથી તેઓએ હરિરસમાં શાંતિ તથા જીવની શિવ તરફની ઉત્ક્રાંતિનો રાજમાર્ગ જોયો હતો. આજ માર્ગ ઉપર તેમણે શ્રધ્ધાપૂર્વક ડગ ભર્યા હતાં.
નારાયણ હું તુજ નમું, ઇણ કારણ હરિ આજ,
જીણ દિન આ જગ છંડણો, તીણ દિન તો સુ કાજ.
(ભક્ત કવિ સંત ઇસરદાસજી)
લીંબડી રાજય કવિ તથા ઝાલાવાડના વડલા સમાન સર્જક શંકરદાનજી દેથા તથા ઝાંબડી મસ્ત કવિને મેઘાણીભાઇએ તેઓના ઓજસ્વી વ્યક્તિત્વ માટે ખોબે અને ખોબે બીરદાવ્યા છે. છેલ્લા થોડા દસકાઓથી બાબુભાઇ ઉપરના બન્ને મહાનુભાવોની પદરજ જોઇને ડગ માંડતા હતાં. લીંબડી કવિરાજ તથા મસ્તકવિના તેજની મશાલ બાબુભાઇએ હકકથી હાથ ધરી હતી અને તેમાં પોતાના વ્યક્તિત્વથી તેજપૂર્તિ કરી હતી.
લોકસાહિત્ય એ લોકોની શાશ્વત સંપત્તિ છે. આ સાહિત્યનો જન્મ લોકોના જીવન, લોક પરંપરા તેમજ લોક સંસ્કૃતિમાંથી થાય છે. તેથી જ કદાચ સાહિત્યના અન્ય સ્વરૂપોની તુલનામાં તે લોકોમાં વિશેષ ઝીલાય છે. દયારામની ગરબીઓ કે નાનાલાલના રાસ ઉપર લોકસાહિત્યની અસર હોવાનું વિદ્વાનો સ્વીકારે છે. આથી આ સ્વસ્થ તથા સંસ્કારી સાહિત્યની માવજત એ આપણી સામુહિક જવાબદારી છે. આ સાહિત્ય પીરસાય ત્યારે તેમાં ભાષા, શબ્દો તથા ભાવની પ્રવિત્રતા અચૂક જળવાય તે કાર્ય બાબુભાઇએ કરી બતાવ્યું છે તેથી મોટું યોગદાન બીજું શું હોઇ શકે ? બાબુભાઇ લોકસાહિત્યની જંગમ વિદ્યાપીઠ સમાન હતા. તેમણે જે કીર્તિ મેળવી તે પોતાના ઉજળા કર્તવ્યો થકી મેળવી હતી. દયા, યાચના કે સહાનુભૂતિના એ કદી મોહતાજ ન હતા. લોકસાહિત્યના આવા કર્મયોગીની વિદાય તો સાલેજ. તેમની ખોટ સમાજને પડી છે. વર્ષાઋતુનો સમય છે અને આ મર્મીએ મોટું ગામતરું કર્યું છે. આથી આ અષાઢી કંઠના કલાકારની સ્મૃતિ મિત્રો-ચાહકો કુટુંબીજનોને દરેક સમયે મેઘની ગર્જના સાથે જ થતી રહેશે. બાકી તેમની યશગાથા તો કાળના કપરા પ્રવાહમાં પણ ટકી રહે તેવી ઉજળી અને ગૌરવશાળી છે. આથી તેમની પ્રતિષ્ઠાની મૂડી કદી ખૂટે તેવી નથી. તેમના બુલંદી વ્યક્તિત્વના પડઘા હંમેશા પડયા કરશે તે નિ:શંક છે.
નામ રહંતા ઠક્કરા નાણાં નવ રહંત
કીર્તિ કેરા કોટડા પાડયા નવ પડંત
(વી. એસ. ગઢવી)
ગાંધીનગર.
Leave a comment