કોઇપણ પ્રદેશની શોભા તેના સાહિત્ય તથા તે સાહિત્યના ઉપાસકો થકી વૃધ્ધિ પામતી હોય છે. કચ્છના – સૌરાષ્ટ્રના લોકસાહિત્યને શ્રી મોઘાણી તથા શ્રી કારાણી જેવા મર્મીઓ ન મળ્યા હોત તો એક શૂન્યાવકાશનો અનુભવ થાત તેવું માનીએ તો તે અતિશયોક્તિ નહિ ગણાય. જેવો મહત્વનો ફાળો આ સર્જકો – સંશોધકોનો છે તેવોજ મહત્વનો ફાળો તેના વાહકોનો છે. વાહકોના મધુરા કંઠેથી વહેતા થયેલા લોકસાહિત્યને ખોબે અને ધોબે દાદ મળી છે અને મળતી રહેશે. સંસ્કારની, પરંપરાની તથા રીત-રીવાજોની ખુમારી તથા સાત્વિક મસ્તીની કેટલી વાતો કહેવાઇ છે અને છતાં કેટલી બધી વાતો વણકહી રહી છે !
સાયર લેર્યું થોડિયું મુજ ઘટમાં ધણેરિયું
હકડી તડ ન પૂગિયું, દૂઈઉ ઉપડીયું.
અષાઢ મહિનામાં કુદરત પણ જ્યારે એક નૂતન તથા મનોહર સ્વરૂપ ધારણ કરે છે ત્યારે અષાઢી કંઠના ગાયક વેલજીભાઇ ગજ્જર (અંજાર-કચ્છ)ની સ્મૃતિ થવી સ્વાભાવિક છે. શ્રી બાબુભાઇ મેઘજી શાહ વેલજીભાઇને ‘‘કચ્છના કળાયલ મોર’’ તરીકે ઓળખાવે છે તે સર્વથા ઉચિત છે. વેલજીભાઇના કંઠમાં ભારોભાર મીઠાશ તો હતીજ પરંતુ એક નવા જોમ, જુસ્સા અને અભિવ્યક્તિની અનોખી પકડનો અનુભવ થતો હતો. કચ્છમાં સરકારી કામગીરીને કારણે જવાનું તથા રહેવાનું થયું ત્યારે વેલજીભાઇના ભર્યા – ભાદર્યા વ્યક્તિત્વનો નિકટથી પરિચય થયો. સંપૂર્ણ વિવેક તથા સૌજન્ય એમના વ્યક્તિત્વના એક અભિન્ન અંગ સમાન હતા. દરેક સારી બાબતમાં તેમનો ઉજળો હોંકારો રહેતો. કોઇ તહેવાર નીમીત્તે ભૂજની સેન્ટ્રલ જેલમાં તેના કેદીઓ માટે તેમજ સ્ટાફ માટે કચ્છ જિલ્લા વહીવટીતંત્રતરફથી નાનો એવો કાર્યક્રમ ગોઠવવાનો વિચાર કર્યો. (મોટાભાગે ૧૯૯૧ કે ૧૯૯૨ માં) લોકસંગીત પીરસાય તો સોનામાં સુગંધ મળે તેવું થાય. આ વિચાર આવતાંજ વેલજીભાઇ ગજ્જર યાદ આવ્યા. નિમંત્રણનો ઇશારો ગયો ત્યાંજ વેલજીભાઇ સમયસર સાજીંદાઓ સાથે હાજર. મુખ પર હમેશના હાસ્ય તથા ઉમંગનો શણગાર સજીને આવેલા વેલજીભાઇ સ્મૃતિમાં રહી ગયા છે. જેલમાં કાર્યક્રમ આપવા માટે પ્રવેશ કરતા હતા ત્યારે જેલરે સૌને પ્રવેશ માટેના ટોકન ઇસ્યૂ કર્યા. હસમુખા સ્વભાવના વેલજીભાઇએ તેમની સાથે આવેલા સાજીંદાઓને કહ્યું ‘‘આ ટોકન સાચવજો હો ! (હી ટોકન સમાલીજા, ટોકન વતાઇંધા તજ બારા નકરાંધો, ન કા મીંજારા રોણું પોંધો) ટોકન બતાવશો તોજ બહાર નીકળાશે, નહિતર અંદરજ રહેવું રહેવું પડશે !’’ કાર્યક્રમમાં લોકસાહિત્યની રસલ્હાણથી જેલમાં સૌ સ્ટાફના ભાઇઓ, કેદીઓ તેમજ કેટલાક અધિકારીઓ જે ત્યાં ઉપસ્થિત હતા તે સૌને વેલજીભાઇએ ભીંજવી દીધાં. તેમની રજૂઆતની શૈલિ તથા હલક જૂદાજ હતા. લોકસાહિત્યની સુંદર, સુરીલી તથા સચોટ રજૂઆત કરનારાઓમાં હેમુ ગઢવી, ઇસ્માઇલ વાલેરા તથા વેલજી ગજ્જરની વિદાયથી એક પૂરી ન શકાય તેવી ખોટ પડી છે.
એક દીર્ઘ પરંપરાથી આ લોક સંગીત આપણી પસંદગીને પામેલું છે. તેના વાહકોને પણ સમાજે અનોખા સ્નેહ તથા આદર આપેલા છે. આથી વેલજીભાઇને મળેલા સ્નેહ તથા આદર એ આજ ઉજળી પરંપરાનો એક નોંધાપાત્ર હિસ્સો છે.
આપણા લોકસાહિત્યમાં લોકસંગીત, લોકનૃત્ય, લોકનાટય, લોક વસ્ત્રાભૂષણ, લોકસ્થાપત્ય જેવી અનેક રસીક બાબતોનો સમાવેશ થાય છે. શ્રી મેઘાણીએ વીસમી સદીના ત્રીજા દસકા પછી જે હેતુ પૂર્ણ રઝળપાટ આદરી તેના પરીપાક રૂપે લોકસાહિત્યના વિવિધ સ્વરૂપો અંગે નોંધપત્ર દસ્તાવેજીકરણ તેમજ સંશોધનનું કામ થયું. શાસ્ત્રીયસંગીત તથા સુગમ સંગીતની સાથે સાથે લોકસંગીત પણ વ્યાપક સત્કાર તેમજ આદર પામ્યું છે. લોકસંગીત કોને કહેવું તેની સાદી-સરળ સ્પષ્ટતા કરવાની હોય તો એમ કહી શકાય કે આ સંગીત લોકસમૂહમાંથી જ ઉદભવતું, ગવાતું, ઝીલાતું અને પ્રસરતું સંગીત છે. સંધ ઉર્મિઓની પ્રણવાન અભિવ્યકિત લોકગીતો, લોક સંગીતમાં નખશીખ ઝીલાય છે. તેનુ સૌથી મોટુ બળએ તેની સાર્વજનિકતા, સરળતા, પ્રવાહિતા તેમજ ભાવવાહકતા છે અને તેથી જ આજે પણ લોકસાહિત્ય–લોકસંગીતને આકંઠ માણાતા, બીરદાવતા અને દાદ દેતા કાર્યક્રમોની ભરમાર છે. નિયમોની મર્યાદમાં બંધાઇને ચાલતુ શાસ્ત્રીયસંગીત અને મુકતપણે પોતાનો દેહઘડતા પાશ્ચાત્યસંગીતની harmony વચ્ચેની કડી જેવું આપણું લોકસંગીત છે.
ઇન્ડીયન ઇન્સ્ટીયૂટ ઓફ મેનેજમેન્ટ (I.I.M.-A) અમદાવાદમાં બે કે ત્રણ વર્ષ પહેલા સ્થાનિક સંગીત તથા વાદ્યોનો એક કાર્યક્રમ નિદર્શન સ્વરૂપે યોજવામાં આવ્યો હતો. તે કાર્યક્રમમાં કેટલાક કચ્છી કલાકારોએ કચ્છમાંજ વિકસિત થયેલા કેટલાક સાદા,સરળ છતાં ખૂબજ મધુર લાગે, કર્ણપ્રિય લાગે તેવા સ્વર રેલાવ્યા ત્યારે હાજર રહેલા સૌની ખૂબ દાદ મેળવી હતી. આ સંગીતની મસ્તીમાં ધરતીની મોંઘેરી માટીની ભીની સૂવાસ રહેલી છે. આઇ.આઇ.એમ.નો કાર્યક્રમ થયો તેના એકાદ બે દિવસ પહેલા અમે મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન તરફથી આજ કલાકારોનો કાર્યક્રમ એક સાંજે અમદાવાદમાં ગોઠવ્યો હતો. કેટલાક આમંત્રિત અધિકારીઓ – કવિઓ – સાહિત્ય રસિકોએ તે કાર્યક્રમ પણ ખૂબજ માણ્યો. કાર્યક્રમના બન્ને સ્થળોએ ઉપસ્થિત શ્રોતા સમૂદાયને અનુભૂતિ થઇ હતી કે રણની કાંધીએથી આવતા આ અનહદના સૂરને પોતાની આગવી ઓળખ તથા જૂદો મિજાજ છે.
લોક સંગીતના તાલ પણ સાદા અને સરળ હોય છે. લોક સંગીતની ખરી શોભા તેના ગાન થકી તેના વાહક તથા તેમાં વણાયેલા શબ્દો વચ્ચે એકરૂપતા સર્જાય છે તે જોવામાં છે. તેને જો તેમાં ઝીલનારનો પ્રતિભાવ મળે તો સોનામાં સુગંધ ભળે તેવું મોહક ચિત્ર સર્જાતું જાય છે. જન્માષ્ટમીના પાવન પર્વે કે નવરાત્રીના શકિત આરાધના સમયે રાસડો કે ગરબો ગાતી – ગવરાવતી અને તેને ઉમંગ-ઉત્સાહ સાથે ઝીલી લેતી ગરવી ગુજરાતણોનું દ્રષ્ય એક વખત જોયા પછી સ્મરણ પટ પરથી ભૂંસી શકાતું નથી. લોક સંગીત જાણે આ તમામ પર્વો-પ્રસંગો તથા જન સામાન્યને અન્યોન્ય જોડતી કડીરૂપ છે. લોક સંગીતના ભાવોને અભિવ્યકત કરવામાં પૂરક બને તેવા સાદા વાદ્યો પણ મહદ્ અંશે આવી પ્રસ્તુતિમાં વપરાય છે. ઢોલ, ઢોલક, બંસી, શરણાઇ, પાવો, એકતારો, મંજીરા કે રાવણહથ્થા જેવા સરળતાથી ઉપલબ્ધ એવા વાદ્યોએ લોક સંગીતની પ્રસ્તુતિમાં પ્રાણ પૂરેલા છે. જીવનના વિવિધ વ્યવહારોમાંથી પ્રગટ થતું આ ગીત સંગીત છે અને તેથી તેનો સહજતા સાથે મૂળ સબંધ છે. બાળકને હાલરડુ ગાઇને સુવરાવતી માતા, નાના ભાઇને જોડકણું સંભળાવીને રાજી કરવા મથતી બહેન, ડુંગરગાળા ગજાવતો આપણો ગોપ-ગોવાળ કે પ્રભાતિયા ગાઇને જાદવાને જગાડતી દિકરી કે ઘરની લક્ષ્મીના ગળાની મીઠાશ અને તેની પ્રસન્ન ઉર્મિનો આવેગ આ ગીત-સંગીતમાં સુપેરે ઝીલાયેલા છે. તેથી જ કદાચ પંડિત ઓમકારનાથજીએ શિષ્ટ સંગીતનું આરંભસ્થાન લોક સંગીતમાં છે તેમ કહેલું છે. સીમંતના ગીતોથી માંડી મૃત્યુ બાદ ગવાતા મરશિયા સુધીનો વિશાળ વ્યાપ લોક સંગીતનો છે અને તેથી જ તેની પ્રાસંગિતા દરેક અવસરે રહી છે.
વિશ્વકર્મા દેવની કૃપાના ચારે હાથ વેલજીભાઇ પર હતા. ટેકનીકલ બાબતોની તેમની જાણકારીની વાત તેમના સ્વમુખેજ સાંભળીએ ત્યારે વેલજીભાઇના એક જૂદા સ્વરૂપનું દર્શન થાય. અનેક ઔદ્યોગિક મેળાવડાઓના પ્રસંગે તેમની આ કળા પણ ઝળકી ઊઠેલી. તેમની નક્શીની જૂદી ભાત માત્ર ઔદ્યોગિક ક્ષેત્રની તાંત્રિક બાબતોમાંજ નહિ પરંતુ લોકસાહિત્યમાં પણ મહોરી ઊઠી છે. તેમની કળા અનેક વ્યક્તિઓ – સંસ્થાઓએ હોંશપૂર્વક વધાવી લીધી. કવિ દાદની અમર રચના ‘‘કાળજા કેરો કટકો’’ ને વેલજીભાઇનો કસાયેલો સૂર મળ્યો. જાણે સોનામાં સુગંધ ભળી. ફિલ્મીગીતોમાં પણ હેમુ ગઢવી તથા ઇસ્માઇલ વાલેરાની જેમ ડગલું ભરતાંજ તેઓ ઝળકી ઊઠ્યા. ટૂંકાગાળામાં આ ક્ષેત્રમાં પણ તેઓએ અલગ સ્થાન તથા માન પ્રાપ્ત કર્યા. અભિનયકળા પણ તેમને વરેલીહતી. કવિ શ્રી દુલા ભાયા કાગ (ભગતબાપુ)ની ભજનવાણીને પણ વેલજીભાઇનો કસાયેલો સૂર મળ્યો. ભજનોની પ્રસ્તુતિમાં પણ તેમણે જૂદી ભાત પાડી.
૧૩ જુલાઇ-૧૯૯૫ ના દિવસે તેમણે અચાનકજ રંગભૂમિ પરથી એકિઝટ કરી ત્યારે લોકસાહિત્યના મર્મીઓ ઊંડો આઘાત પામ્યા. વરસામેડી (અંજાર)ના આ સુપુત્રની ખ્યાતિ ગુજરાત તથા ગુજરાત બહાર પણ ફેલાયેલી હતી. અને તેથીજ તેમની ખોટની અનુભૂતિ ફીલ કરવામાં શાણા ગુજરાતીઓ એકમત હતા. હેમુ ગઢવી તથા ઇસ્માઇલ વાલેરા પછી આજ પરંપરાના એક મૂઠી ઊંચેરા માનવીની અણધારી વિદાય તેમના અનેક ચાહકોને ખૂબજ વસમી લાગી. મુંબઇના તેમના અનેક ચાહકો આજે પણ વેલજીભાઇના કંઠની મધુરતાને યાદ કરતા થાકતા નથી. મોરારીબાપુના પાવક સંપર્કથી આ ગુણીયણ વ્યક્તિત્વના અંતરમાં પડેલા રામકથાના સંસ્કાર પણ આળસ મરડીને ઊભા થયા. અંજારના રઘુનાથજીના મંદિરમાં તેમની રામકથા સાંભળવી તે એક લહાવો હતો. આ રસલ્હાણ તેમના અંગત આગ્રહને કારણે મને પણ માણવાનો પ્રસંગ ઊભો થયો ત્યારે ખૂબ પ્રસન્નતાનો ભાવ થયો હતો. તેમની ખોટ ભાઇ શ્રી અનીલભાઇ તથા પરિવારજનોને તો પડી હતીજ. પરંતુ લોકસાહિત્ય પ્રેમીઓના વિશાળ પરિવારને પણ આ વિદાય અણધારી તથા વસમી લાગી હતી. કચ્છમિત્રના તા.૨૫-૧૦-૭૩ ના અંકમાં આપણી ભાષાના દિગ્ગજ શાયર ઘાયલ સાહેબે વેલજીભાઇ માટે લખેલી વાત ફરી યાદ કરવા જેવી છે.
‘‘આ ગાયક (વેલજીભાઇ ગજ્જર) ભગતનોય ભગત છે. અનેક વેળા કવિ શ્રી ઉશનસના ભજનની પંક્તિઓ એની નીલી આંખોની ભૂરી કીકીઓમાં ઉપસતી જોઇ છે.
રામની વાડી ભોગવવી
ભાઇ ! હક્કના પાઇ નીર,
સૌને વ્હેંચી ચાખવી આપણે
રામના ફળની ચીર ’’
અષાઢના આ રળિયામણા દિવસોમાં જ્યારે સૌ મેઘસવારીના વધામણા કરવા ઉત્સુક છે તેવા સમયે આપણાં આ અષાઢી કંઠના મર્મી કલાકાર તથા સૌજન્યશિલ માનવીની મીઠી યાદ આવવી સ્વાભાવિક છે.
***
Leave a comment