: સંતવાણી સમીપે : : વાદલડી જાજે વરસી રે .. ખેતર મારા ખાલી રહેશે :

આભના થાંભલા રોજ ઊભા રહે

વાયુનો વીંઝણો રોજ હાલે

ઉદય ને અસ્તના દોરડા ઉપરે

નટ બની રોજ રવીરાજ મહાલે

ભાગતી ભાગતી પડી જતી પડી જતી

રાત નવ સૂર્યને હાથ આવે

કર્મવાદી બધા કર્મ કરતા રહે

એમને ઊંઘવું કેમ ફાવે ?

સમગ્ર સૃષ્ટિની નિરંતર પ્રવૃત્તિનો, હેતુસરની તથા સમયબધ્ધ ગતિનો નિર્દેશ ભક્ત કવિ શ્રી દુલા ભાયા કાગે ઉપરના શબ્દોમાં (છંદ ઝૂલણાંમાં) સુંદર રીતે કર્યો છે. સમય થાય તે પ્રમાણે આ સૃષ્ટિનું ચક્ર ચાલે તેવી ગોઠવણ છે. કોઇ invisible hand આ ગતિને, આ પ્રક્રિયાને સ્વરૂપ તથા બળ પૂરું પાડતો હોય તેમ લાગ્યા કરે. આથીજ ક્યારેક આ ગતિમાં થોડા ઘણાં અંશે પણ ક્ષતિ થાય તો માનવજાતને આજે પણ તેની ચિંતા થાય છે. ઋતુચક્ર તથા તેના ભાગરૂપે વરસતો વરસાદ એ આવીજ એક ઘટના છે. વરસાદના વિલંબને સૌ પોતાના દ્રષ્ટિકોણથી મૂલવે પણ એક કિસાનના હ્રદયની વેદના તેમાં જૂદી પડે છે. તેનો વરસાદ સાથે અનોખો સંબંધ છે. તેમાં માત્ર આર્થિક ગણતરી નથી, સ્નેહ, સંબંધ તથા શ્રધ્ધાના તાણાવાણા તેમાં ગૂંથાયેલા છે. કવિ શ્રી કાગની આ રચનામાં આવો ભાવ છે. આજે આ વાત વિશેષ પ્રસ્તુત પણ છે.

વાદલડી જાજે… વરસી રે… ખેતર મારા ખાલી રેશે…

મે‘નત માથે… પડશે રે… વાવણી ટાણાં વણસી જાશે…

કળ બળના મેં ધોરી કીધા… કરી અક્કલની રાશ…

હોશિયારીનો હાથ પરોણો… સીધા પાડ્યા ચાસ…

હિમ્મતનું હળ જોડ્યું રે… ખેડવા માંડ્યો ખુલ્લા કેશે…

પરસેવાના અમૃત ઝરતાં… એમાં કરતો સ્નાન…

ખેતરમાં હું એક હતો ને… બીજો હતો ભગવાન…

મારા પરસેવાના પાણી રે… નવરાંને જાણે બોળી દેશે…

ખેતર હ્રદિઓ ખેડી નાખ્યો… વર્ષાઋતુ વિશ્વાસ…

‘કાગ’ પડે નહિ જળનો છાંટો… કાંત્યું થાય કપાસ…

એના ખળા રેશે ખાલી રે… શ્રધ્ધા એની ચાલી જાશે…

વાદલડી ! જાજે વરસી રે…

કવિ કહે છે કે હિમ્મતનું હળ જોડીને ખેડૂતે દિવસ રાત જોયા સિવાય પરિશ્રમ કરેલો છે. સાથે સાથે આ શ્રમજીવીની શ્રધ્ધા પરમતત્વમાં પણ જોડાયેલી છે. આથી કહે છે કે પોતાના કળ તથા બળ ઉપરાંત ધર્મ તથા ઇશ્વર ધ્યાનના સાધનો થકી ઉમંગપૂર્વક ખેતર ખેડ્યું છે. ઉનાળાના તાપને ઝીલીને – તેને પડકારીને પસીનો પાડેલો છે. ખેડૂતના આ પરિશ્રમમાં કંટાળો ન હતો પરંતુ મસ્તી હતી. કારણ કે ખેતરમાં તેને શ્રમજીવીના કાયમના ભેરૂ ભગવાનની હાજરીનો અહેસાસ થતો રહેલો હતો. જે વાદળી ખેડૂતની શ્રધ્ધાના બળે બંધાયેલી છે તે તેનું વરસવાનો ક્રમ જાળવશેજ તેવો આત્મવિશ્વાસ પણ જગતના તાતને પૂરેપૂરો છે.

       પૃથ્વી પરની તમામ જીવસૃષ્ટિ તથા મેઘ વચ્ચેના સંપર્ક તથા સંબંધથી ઓપતી ધટનાઓ આપણી તમામ ભાષાના સાહિત્યમાં શિરમોર સમાન રહી છે. એક તરફ મહાકવિ કાલિદાસની યક્ષ તથા મેઘ વચ્ચેના સંવાદોની ભવ્ય કલ્પનાનું દર્શન થાય છે તો બીજી તરફ ‘‘ આવરે વરસાદ ’’ નું બાળકાવ્ય પણ તેની સરળતા – નિર્દોષતાને કારણે ગુંજતું હમેશા રહ્યું છે. લોકકવિઓને મન તો વર્ષાની આ ઘટના એ મોટા ઉત્સવનો વિષય છે. મેઘને સંબોધન કરીને લોકકવિ કહે છે કે સંસારના અન્ય સૌ સંબંધો ખરા પરંતુ મેઘ સાથેનો એક અલગ તથા વિશિષ્ટ સંબંધ છે. માટેજ કવિ કહે છે કે અન્ય સ્નેહીજન – સગાની ગેરહાજરી કદાચ ખમી શકાય, સહન થાય પરંતુ મેઘનો મેળાપ ન થાય તો જીવતર જીવવા જેવું ન રહે.

વણ સગે વણ સાગવે, વણ નાતરીયે નેહ,

વણ માવતરે અમે જીવીયે, મરીએ તું વિણ મેહ.

ભગતબાપુના ઉપરના ભજનમાં ઉલ્લેખ થયો છે તેમ કિસાન તેના સાત્વિક પરિશ્રમના આશીર્વાદરૂપે પરમ તત્વ પાસેથી વરસાદની અપેક્ષાજ નહિ, શ્રધ્ધા પણ રાખે છે. વિનોબાજી કહેતા કે અખૂટ પરિશ્રમના પરસેવાથી જેણે સ્નાન કર્યું છે તે કિસાનને મળવા ઈશ્વર વરસાદનું રૂપ ધારણ કરીને આવે છે !

       આર્થિક વિકાસના અનેક પરિમાણોની આજે આપણે ભલે દૂહાઇ દેતા હોઇએ પરંતુ વરસાદનો વિલંબ કે ઓછું પ્રમાણ હજુ પણ મોટા જન સમૂહની ચિંતાનો તથા તેમના દૈનિક જીવનની અકળામણનો વિષય બની રહે છે. આથી સાહિત્યના કેટલાયે ધન્યનામ કવિઓએ મેઘજળનો મહારાજાની જેમજ બાઅદબ સત્કાર કર્યો છે.

મોસમનો પહેલો વરસાદ, ઘણી ખમ્મા,

તરણે કોળે છે તારી યાદ, ઘણી ખમ્મા.

રાધા મોહનનો સંવાદ, ઘણી ખમ્મા,

મોસમનો પહેલો વરસાદ, ઘણી ખમ્મા.

       કવિ શ્રી હરિન્દ્ર દવેએ ઉપરના શબ્દોમાં રાજાઓના રાજાને ખમ્મા કહીને એક અનોખી નજાકતથી નવાજ્યા છે. ભગવાન જગન્નાથ પણ સૃષ્ટિએ જ્યારે અષાઢી શણગાર ધારણ કરેલો હોય ત્યારેજ નગરયાત્રાએ નીકળવાનું પસંદ કરે છે. વરસાદી માહોલનો આ રંગ આજકાલતો એસએમએસના હાથવગા માધ્યમથી અને ટેલીવીઝનના રંગારંગ કાર્યક્રમોથી પણ ફેલાતો જોવા મળે છે. જીવનના ગોઠવાઇ ગયેલા ક્રમમાં વરસાદની અગ્રતા તથા તેના દબદબાને આપણી ભાષાના મીઠા તથા સુવિખ્યાત કવિ વેણીભાઇ પુરોહિત અનોખા અંદાજથી વધાવે છે.

આજ નથી જાવું બસ કોઇનાય કામ પર

અલ્યા ધીંગા વરસાદ ! તારા નામ પર !

આજ આખી આલમથી અલગારી છુટ્ટી,

જિંદગીને લાધી ગઇ કંઇક જડી બુટ્ટી,

આજ નથી મહેરબાન થાવું આ ગામ પર,

અલ્યા ધીંગા વરસાદ ! તારા નામ પર ! 

વી. એસ. ગઢવી
ગાંધીનગર.

***

Leave a comment

Blog at WordPress.com.

Up ↑