: ‘‘ સંતવાણીનું સાનિધ્ય ’’ :

વાગે ભડાકા ભારી રે

ભજનના વાગે ભડાકા ભારી….

બાર બીજના ધણીને સમરું

નકળંક નેજાધારી… ભજનના વાગે….

કચ્છ સૌરાષ્ટ્રના કોઇપણ ગામમાં અજવાળી બીજની રાત્રીએ ઉંઘ ઊડી જાય તો મોટાભાગે એકતારાના ઘેરા નાદ સાથે હવામાં રેલાતા સંતવાણીના સૂરો સાંભળવા મળે. મેઘાણીભાઇએ આ વાત પોતાની ગામેગામની રઝળપાટ પછીના સ્વાનુભવે લખી. આજ આપણું ભજન સાહિત્ય કે સંત સાહિત્ય અહીં ઉપદેશ આપવાનો કોઇ ભાવ નથી. ગાનારા તથા સાંભળનારા બન્ને કોઇક નૈસર્ગિક તથા પવિત્ર ભાવથી બંધાયેલા છે. નિજાનંદ માટેજ ભાંગતી રાત્રીએ પ્રહર – પ્રહર પ્રમાણેના ભાવ સહજતાથી અસ્ખલિત રીતે વહ્યા કરે છે. જે સાહિત્ય લોક સમૂહમાં ઝીલાય છે તે સાહિત્યને આપોઆપ ચિરંજીવીતા પ્રાપ્ત થાય છે. લોક થકીજ આ સાહિત્યની સાચવણી તથા સંવર્ધન થાય છે. જીવન જંજાળનો જાણે-અજાણે પણ ઊભો થતો અજંપો દૂર કરવા માટે આવો સાત્વિક તથા બીનખર્ચાળ ઇલાજ આપણા લોક સમૂહને હાથવગો છે. સદીઓથી તેનો વિવેકસભર ઉપયોગ થાય છે. કોઇ આડંબર કે ભભકા સિવાય આ પરંપરા પેઢી દર પેઢી સંચરતી રહી છે. ભણેલા કે અભણ હોય, કોઇપણ જ્ઞાતિ કે જાતિના હોય તે સૌ માટે સંત સાહિત્યની ગંગોત્રીની આ ધવલ ધારા સહજ રીતેજ ઉપલબ્ધ છે. જેમ ધર્મ ધારણ કરે છે તેમ શાસ્ત્રોમાં કહેવાયું છે તેમજ સંત સાહિત્યની આ ધારાએ સમાજના ઉજળા સંસ્કાર તથા પરંપરાનું સદીઓ સુધી ધારણ કર્યું છે. ભજન સાહિત્ય આથીજ જનજનને પ્રિય થયું છે. ગમતાનો ગુલાલ કરવાનો આ સામૂહિક ઉપક્રમ છે. શ્રી મહેન્દ્ર મેઘાણી લખે છે તેમ જીવનભર એક જાતનો અજંપો અનુભવનાર મેઘાણીભાઇના પ્રાણ ભજનવાણીમાં એકાકાર થયા હતા. સતત પરિશ્રમ છતાં દિલના ઉમંગથી તેમણે ભજન સામગ્રી એકઠી કરી હતી. તેના પ્રકાશનનું કામ પૂરું થાય ન થાય ત્યાં સુધીમાં તેઓ આ લોકને અલવિદા કરીને સંતોની અમર જમાતને મળવા મહાપ્રયાણ કરી ગયા.

       શ્રી ઝવેરચંદ મેઘાણીએ પ્રગટાવેલી આ મશાલ અનેક લોકોએ ગૌરવ તથા ગરીમાથી ઊંચકી છે તથા તેના તેજને સતત પ્રજ્વલિત રાખવા યથાશક્તિ પ્રયાસ કર્યા છે. આવા ધન્યનામોમાં આપણા શ્રી બળવંત જાનીનું એક ચોક્કસસ્થાન છે. દાયકાઓ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપન કાર્યતો કર્યું પરંતુ સંશોધન – સંપાદનની પોતાની આંતરિક ધગશને પણ જીવીત તથા જાગૃત રાખી. શ્રી બળવંત જાનીના કેટલાક સંત સાહિત્ય વિષયના લેખોનું સંપાદન કરીને તેમના પુસ્તક ‘‘ ગુજરાતી સંત સાહિત્ય વિમર્શ ’’ પુસ્તકમાં સમાવી લેવામાં આવ્યા છે. આ સુંદર પ્રકાશન (૨૦૧૦) પાર્શ્વ પબ્લિકેશનનું છે. ડૉ. નિરંજન રાજ્યગુરૂએ આ લેખોના મૂલ્યની સરાહના કરીને તેને વધાવી લેતી સુંદર ભૂમિકા બાંધી આપી છે.

       સંતવાણી સાહિત્યનો પ્રચાર પ્રસાર કરવા કોઇ વિશેષ પ્રયાસ કે ઉપક્રમ હાથ ધરવાનો કોઇ પ્રશ્નજ નથી. ભમરાના મીઠાં ગુંજારવ જેમ એ સતત ગૂંજતો, ગાજતો અને પ્રસરતો રહેલો સ્થાયી પ્રભાવ છે. મેજર સી. સી. બક્ષીએ ભક્ત કવિ શ્રી દુલા ભાયા કાગ (ભગતબાપુ)ને પત્ર લખીને એક સરસ ઘટનાનું વર્ણન લખ્યું. ફાટેલા કોથળા પર બેસીને એક સુકલકડી શહીર વાળો ભિખારી એકતારાના તારે ભજનના સૂર બજારની ભીડભાડ વચ્ચે બેસીને પૂરી મસ્તીથી રેલાવતો હતો. ભિખારી સુરદાસ હતો. કર્નલ બક્ષી લખે છે કે કેવું આકર્ષણ હશે આ ભજનના સૂરોમાં તથા શબ્દોમાં કે જેનું અદમ્ય આકર્ષણ સાંભળનાર સર્વને થતું હતું !

રજ તમારી કામણગારી

નાવ નારી થઇ જાયજી

તો અમારી રંકજનની

આજીવીકા ટળી જાય…

પગ તમે ધોવા દ્યો રઘુરાય…જી…

જોઇ ચતુરતા ભીલજનની

જાનકી મુસકાય જી…

અભણ કેવું યાદ રાખે

(જેવું) ભણેલ ભૂલી જાય… પગ તમે…

આ રચનામાં રામચરિત માનસના જાણીતા પ્રસંગને લોકકવિએ સરળ શબ્દોમાં ભજનના માધ્યમથી વહેતો કર્યા છે. લોક સમૂહે તેને કેવો ઝીલ્યો છે અને તેના ચાહકોપણ કેવા જૂદા-જૂદા છે તેનું આ એક જીવંત પ્રમાણ છે.

       કોઇપણ પ્રદેશ કે ત્યાં જીવતા લોકોની ઓળખમાં તેમની સાંસ્કૃતિક પરંપરાનું આગવું સ્થાન હોય છે. દરેક પ્રદેશને તેનું પોતીકું સાહિત્ય હોય છે. જે તે પ્રદેશના લોકોના મિજાજ-મસ્તી આ સાહિત્યના માધ્યમથી પ્રગટે છે. જાની સાહેબના આ પુસ્તકમાં પણ ભજન સાહિત્યના આવા અનેક સ્વરૂપોનું રસ પડે અને જાણાકારી મળી રહે તેવું વિવરણ સુપેરે ગૂંથી લેવામાં આવ્યું છે. આપણા મીરાના પદો, ગંગાસતીની વાણી કે નરસિંહના ઝૂલણામાં એક અનોખા મિજાજ તેમજ વિચારનું દર્શન થાય છે. માનવીય એકતાના ઉપાસક અને સંપૂર્ણ નિજાનંદે પોતાની રચનાઓ સમાજના ચરણે ધરતા દાસ સત્તાર આવાજ એક ભક્ત કવિ છે. સમર્થ ભજનિક નારાયણ સ્વામીના કંઠેથી વહેતી મૂકવામાં આવેલી સત્તાર શાહની કેટલીક રચનાઓ અમરત્વને પામી છે.

શું પૂછો છો મુજને કે હું શું કરું છું ?

મને જ્યાં ગમે ત્યાં હરૂં છું ફરૂં છું.

ન જાઉં ન જાઉં કુમાર્ગે કદાપિ,

વિચારી વિચારીને ડગલું ભરૂં છું.

નથી કોઇની બીક મુજને જગતમાં

ફક્ત એક મારા પ્રભુથી ડરૂં છું.

છે સાદું કવન ભક્ત સત્તારનું

કવિ જ્ઞાનીઓને ચરણે ધરૂં છું.

સાદગી, ભક્તિ તથા વિનયના આવરણમાં દાસ સત્તારની રચનાઓ મહોરી ઊઠી છે. સાદગી તથા વિવેકના શણગારેજ આ સંતવાણીની શોભા વધારી છે. કોશીઓ પણ સમજે તેવી સરળતા એજ તેનું આભૂષણ છે.

       જેમણે ભજનવાણી કે સંતવાણી સાથે નાતો બાંધ્યો છે તેમણે માનવીય સંવેદનાને હમેશા અગ્રતા આપી છે. ‘‘યથા કહેણી તથા કરણી’’ નું સૂત્ર તેમણે પચાવીને આચરણમાં મૂક્યું છે. કચ્છની ધરતી પર રહીને ભુખ્યાને ભોજન કરાવવાની પ્રથા પાળનાર સંત મેકરણ એ આવુંજ એક ઉજળું પાત્ર છે. ‘‘ટુકડો ત્યાં હરિ ઢૂકડો ’’ એ વાત આ સંતોએ અમલમાં મૂકી છે. આ સંતો ક્રિયાકાંડને નહિ પરંતુ માનવસેવાના નક્કર કાર્યને વરેલા હતા. ખુલ્લી કિતાબ જેવા તેમના જીવનનો સંદેશ પણ ઉજળો હતો.

જીઓ તો ઝેર મ થિયો,

સક્કર થિયો સેણ,

મરી વેંધા માડુઆ,

રોંધા ભલેજા વેણ.

       સૌને અપ્રિય તથા અળખામણું લાગે એવું આયખું ગાળવાને બદલે પ્રિય થઇને – ગમતા રહીને પ્રસન્નતાનો વ્યાપ વધે તેવા જીવનની ગુરૂચાવી ડાડા મેકણે સૌને માટે સુલભ કરી છે. પાંચ ઇન્દ્રિયોને વશ કરીને સંયમનું મહત્વ તેમણે સુંદર શબ્દોમાં સ્થાપિત કર્યું છે. શુષ્ક રટણની જગ્યાએ ઇન્દ્રિયોને, આવેગ – ઉન્માદોને નિયંત્રણ કરવાની સંતની શીખ છે.

પીર પીર કુરો કર્યો

નામ પીરેંજી ખાણ

પંચ ઇન્દ્રિયુ વશ કર્યો

(ત) પીર થિંદા પ્રાણ.

       વિરાટ જન સમાજ પર વાણીનો પ્રભાવ પાડનારા આ સંતોએ શાસ્ત્રોની અઘરી વાતો સરળ બનાવીને જન સમૂદાયને પીરસી. જ્ઞાતિ, જાતિ, વ્યવસાય, સામાજિક સ્થાન જેવી કોઇ બાબતને તેમણે મહત્વ ન આપ્યું. માનું દૂધ બાળકના ગળે સહેજે ઉતરે અને બાળકમાં શક્તિનો સંચાર કરે તેવું કામ મધ્યયુગના આ સંતોના સાહિત્યે કર્યું છે. તેમની ભાષા, પ્રદેશ, જીવનશૈલિ અલગ હશે પરંતુ માનવ કલ્યાણના વિચારની સાંકળે તેઓ બંધાયેલા હતા. કબીર, તુલસીદાસ, જ્ઞાનેશ્વર, તુકારામ, મીરા કે આપણાં ગંગાસતીએ ભક્તિ સંપ્રદાયમાં પ્રજાને ભેળવી છે. આ પ્રવાહ તેના આંતર સત્વને કારણેજકાળના પ્રવાહમાં ટક્યો છે, મહોર્યો છે. સમાજ શ્રધ્ધાવાન અને તથા દૂષણોથી દૂર થાય તેવા અનેક પ્રયાસો આ સંતોએ કર્યા. સહનશીલતાના ગુણને આ સંતોએ અનેરો કહીને બીરદાવ્યો છે.

જી રે લાખા !

ખુંદી તો ખમે માતા પૃથવીને

વાઢી તો ખમે વનરાઇ

કઠણ વચન મારા સાધુડા ખમે,

નીર તો સાયરમાં સમાય.

સતી લોયણના નામ પર પ્રસિધ્ધ થયેલા ઉપરના શબ્દો કેટલા સૂચક અને માનવજીવન માટે પથદર્શક છે તે કહેવાની ભાગ્યેજ જરૂર રહે. માત્ર જૂનું છે માટે સારું તેમ કહેવાની કે મનાવવાની આ વાત નથી. આ સંતવાણીની અનેક રચનાઓ તેની આંતરિક શક્તિ તેમજ સરળતાને કારણેજ લોક સમૂહમાં જીવંત રહી છે. તે દરેક કાળમાં પ્રસ્તુત છે, પથદર્શક છે.

તેજ – તણખો 

       ‘‘(સંતવાણીના) એ કાવ્યોમાં કોઇ પંથનો આગ્રહ નથી. કોઇ એક દેવતાની સ્તુતિ નથી. તેમાં તો શરણાગતિ, મસ્તી, નિજાનંદ તથા પ્રભુ વિરહના ભાવો ગવાયા છે. જીવનની લોલૂપતા, સ્વાર્થાંધતા, રૂઢિગત પૂજન, ધાર્મિકતાનો બાહ્યાંડબર, નાતજાતના ભેદભાવ તેમજ જડતા પર મર્મ પ્રહારો છે. ગુરૂભક્તિ સવિશેષ છે. … આમાના કેટલાયે સંતો સંસારીઓ હતા છતાં ભેખધારીઓ કહેવાતા.’’

–     ઝવેરચંદ મેઘાણી.

 

આ કાયામાં પરગટ ગંગા, શીદ ફરો પંથવાળા,

એ રે ગંગામાં અખંડ નાઇલ્યો, મત ન્હાવ નદીયું નાળા

સંતો… ફેરો નામની માળા.

–     ખીમ સાહેબ.

 

ધર્મના કામે ઢીલ ન કરવી, વેળા જાશે વઇ,

દાસી જીવણ ભીમ પ્રતાપે, નામની નોબત થઇ,

હાટડીએ કેમ રેવાશે, મારા રામની રજા નહિ.

–     સંત જીવણદાસજી ‘‘દાસી જીવણ’’

 

 

વી. એસ. ગઢવી
ગાંધીનગર.

***

Leave a comment

Blog at WordPress.com.

Up ↑