: સંતવાણી સમીપે : મને જ્યાં ગમે ત્યાં હરૂં છું ફરૂં છું : 

વાગે ભડાકા ભારી ભજનના 

વાગે ભડાકા ભારી રે….

બાર બીજના ધણીને સમરું 

નકળંક નેજાધારી, 

ભજનના વાગે ભડાકા ભારી રે…. 

દરેક માસની અજવાળી રાત્રીએ (શુકલ પક્ષ-સુદ) કચ્છ – સૌરાષ્ટ્રના કોઇપણ ગામમાં સૂતા હો અને ઊંઘ ઊડી જાય ત્યારે મોટાભાગે ભજનવાણી સાંભળવા મળે તેવી વાત મેઘાણીભાઇએ કેટલીયે રઝળપાટના અંતે લખી છે. આ વાત તેમના સ્વાનુભવની છે. કોઇપણ પ્રદેશની ઓળખમાં તેની સાંસ્કૃતિક પરંપરાનું આગવું સ્થાન હોય છે. દરેક પ્રદેશને તેનું પોતીકું સાહિત્ય હોય છે. જે તે પ્રદેશના લોકોના મિજાજ – મસ્તી આ સાહિત્યના માધ્યમથી પ્રગટે છે. મીરાના પદો, ગંગાસતીની વાણી કે નરસિંહના ઝૂલણામાં એક અનોખા મિજાજ તેમજ વિચારનું દર્શન થાય છે. દાસ સત્તાર પણ આવાજ એક અનોખો મિજાજ ધરાવનારા ભક્ત હતા, સર્જક હતા. સત્તારશાહનો જન્મ ઇ.સ. ૧૮૯૨ માં થયો હોવાનું નોંધાયું છે. ભક્તિના સંસ્કાર તેમને વારસામાં મળેલા હતાં.  નર્મદા તટે પ્રકૃતિના ખોળામાં તેમને ભજનવાણી સ્ફૂરી હોવાનું પણ કહેવાય છે. દાસ સત્તારના કેટલાક ભજનો ખૂબજ પ્રચલિત થયા છે. સૂફિ સંતોની પંગતમાં હક્કથી બેસી શકે તેવી તેમની રચનાઓ છે. સંત શ્રી નારાયણ સ્વામીના કેળવાયેલા અને મધુરા કંઠે ગવાયેલી આ રચનાઓને લોકસમૂહે ખૂબ માણી છે તથા વધાવી છે. 

શું પૂછો છો મુજને કે હું શું કરું છું ?

મને જ્યાં ગમે ત્યાં હરૂં છું ફરૂં છું. 

ન જાઉં ન જાઉં કુમાર્ગે કદાપિ, 

વિચારી વિચારીને ડગલું ભરૂં છું. 

કરે કોઇ લાખો બુરાઇ છતાં પણ 

બુરાઇને બદલે ભલાઇ કરૂં છું. 

ચડી છે ખુમારી પીધી પ્રેમ સુરા-

જગતમાં હું પ્રેમી થઇ વિચરૂં છું. 

છે સાદું કવન ભક્ત સત્તારનું 

કવિ જ્ઞાનીઓને ચરણે ધરૂં છું. 

દાસ સત્તારની રચનાઓ તેની સરળતા, સાદગી તથા પ્રવાહીતાને કારણે વિશેષ આકર્ષક લાગે છે. જનસમૂહે આથીજ ભક્ત સત્તારની રચનાઓને વધાવી છે. સંતવાણીના સર્જકો પોતાની મરજીના માલિક થઇને પોતાની મસ્તીમાં જીવ્યા છે. આપણી ભાષાની શોભા વધારનાર કવિ શ્રી નિરંજન ભગતની લોકપ્રિય રચના દાસ સત્તારની રચના માણતા હોઇએ ત્યારે સ્મરણમાં આવે છે. 

હું તો બસ ફરવા આવ્યો છું ! 

હું ક્યા એકે કામ તમારું કે મારું 

કરવા આવ્યો છું ? 

જાદુ એવો જાય જડી 

કે ચાહી શકું બે ચાર ઘડી 

ને ગાઇ શકું બે ચાર કડી

તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે 

ધરવા આવ્યો છું ! 

હું તો બસ ફરવા આવ્યો છું ! 

જીવનમાં વિચારીને પગલા ભરવાની કવિએ વાત કરી છે. નિરક્ષિરનો ભેદ તારવીને કલ્યાણના માર્ગે ગતિ કરવાની વાત પણ કવિએ સરળતાથી કરી છે. વ્યક્તિગત તથા સામુહિક જીવનમાં વિચાર પ્રાધાન્યતા રહે તોજ સ્વસ્થ સમાજનું નિર્માણ થાય તે તરફ ભક્તકવિનો નિર્દેશછે. વિચાર શૂન્યતાના તો માઠા પરિણામોજ મળે. આથી જ રુગવેદના જ્ઞાની ઋષિએ દરેક દિશાએથી  શુભ અને સુંદર વિચારની પ્રાપ્તિ થાય તેવી પ્રાર્થના કરી છે. ( આ નો ભદ્રા: ક્રતવો યન્તુ વિશ્વત: ) કવિની ખુમારી એવી છે કે તેઓ બુરાઇનો બદલો પણ ભલાઇથીજ આપવા માગે છે. કવિ પોતાના કવનને પણ સાદા કવન તરીકે ઓળખાવે છે. જ્ઞાનનો ભાર કવિએ ઊંચક્યોજ નથી. સરળ છતાં ઉમદા વિચારની સુરેખ અભિવ્યક્તિ ખળખળ વહેતા ઝરણાની જેમ તેમના શબ્દોમાં જોવા મળે છે. આ સમજણની, આ જ્ઞાનની માલિકીનો ભાવ તો સહેજે નથી. મનમાં જે વિચાર સ્ફૂર્યો છે તેનેજ વહેતા વાયરાની જેમ વહેતો કર્યો છે. પોતાના કાવ્ય-પુષ્પને પણ જ્ઞાનીજનો સમક્ષ વિવેકથી રજૂ કરી તેમનેજ અર્પણ કરે છે. સત્યના માર્ગે મસ્તીથી તથા નિર્ભયતાથી વિહાર કરનારા આ સંત કવિઓ કદી કોઇ સંપ્રદાયના વિચારોથી બંધાયા નથી. માનવીય એકતા તથા સંવેદનાને આ કવિઓએ ઝીલી છે અને તેથીજ તેમની રચનાઓ કાળના કપરા પ્રવાહ સામે ઉન્નત મસ્તકે ઊભી છે. આ પ્રકારના કવનની સાદગી તથા નિરાંડબરતા જ તેમને ચિરંજીવીતાનું સ્થાન તથા માન અપાવે છે. રસખાનજી તથા રહીમની જેમજ કૃષ્ણભક્તિમાં લીન જનાબ નઝીર અકબરાબાદી (આગ્રા)ના શબ્દો દાસ સત્તારની આ રચનાના સંદર્ભમાં યાદ આવે. 

જો આશિર હુએ સો જાને હૈ 

યહ ભેદ ફકીરી હૈ બાબા ! 

હર આન હંસી, હર આન ખુશી 

હર વક્ત અમીરી હૈ બાબા ! 

જબ આશિક મસ્ત ફકીર હુએ 

ફિર ક્યા દિલગીરી હૈ બાબા ! 

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑