: સંતવાણી સમીપે : ગોવિંદા ! તું નિરંજન, તું નિરંજન, તું નિરંજન રાયા ! :

કવિ કલાપીએ અનેક સુંદર કાવ્યો લખ્યા છે. તેમની આ પંક્તિઓ ફરી ફરી સાંભળવાનું મન થાય તેવી છે. 

હતા મહેતો અને મીરાં

ખરાં ઇલ્મી ખરાં શૂરાં

અમારા કાફલાના એ

મુસાફર બે હતાં પૂરાં

કવિ કલાપીની વાતનો મર્મ સમજવા જેવો-વાગોળવા જેવો છે. કેવા કેવા પૂર્વસૂરિઓ આપણા ઉજળા અગ્રજો છે ! નરસિંહ તથા મીરાં, તુલસી અને તુકારામ, કબીર સાહેબ અને દયારામ ! આ બધા કદાચ ન થયા હોત તો પણ જગત તો તેના નિત્યક્રમમાં ચાલતું જ રહેત પરંતુ એક પૂરી ન શકાય તેવી ખોટ કદાચ રહી જવા પામી હોત. જેમને ધાર્મિક કટ્ટરતા સ્પર્શ પણ ન કરી શકી તેવા ક્રાંતિકારી  કબીર આપણી ખૂટે નહી તેવી મૂડી સમાન છે. અરબીમાં કબીરનો અર્થ ‘‘મહાન’’ થાય છે. પંદરમી સદીમાં થયેલા ક્રાંતિકારી કબીરની વાણી આજે પણ સંપૂર્ણ સ્નેહાદરથી ગવાય છે, સંભળાય છે અને જનસમૂહમાં ઝીલાય છે. ભલે તેમના જીવન વિષયક ઐતિહાસિક તથ્યોમાં કદાચ એકરૂપતા નહીં હોય પરંતુ તેમની વાણીનું પાણી તો આજે પણ અસરકારક તથા પ્રભાવી છે. કબીર સાહેબ શબ્દ સાધાનાની નિરંતર પ્રજ્વલિત જ્યોત છે. આ શબ્દ સાધના કોઇ વિધિ-વિધાન કે પરંપરાથી બાધિત નથી. ગંગાના પ્રવાહની જેમ તેમના વિચારો મુક્ત તથા પાવક છે.  

ગોવિંદા તુ નિરંજન, તું નિરંજન રાયા,

તને રૂપ નહિ, રેખા નહિ, મુદ્રા નહિ માયા,

સમુદ્ર નહિ, પર્વત નહિ, ધરતી નહિ ગગન,

રવિ શશી બેઉ એક નહિ, વહે નહિ પવન.

નાદ નહિ, શુન્ય નહિ, કાળ નહિ કાયા,

જયારે તે જલ બિંબ ન થાય, ત્યારે તું જ રામરાયા.

જપ નહિ, તપ નહિ, જોગ ધ્યાન નહિ પૂજા,

શિવ નહિ, શક્તિ નહિ, દેવ નહિ બીજા.

ઋગવેદ નહિ, યજુર્વેદ નહિ, સામ અથર્વવેદ નહિ વ્યાકરણ,

તારી ગતિ તું જ જાણે, કબીર તારે શરણે.

કોઇ સમૃધ્ધ શાસ્ત્રના શ્લોક સાંભળતા હોઇએ તેવી અનુભૂતિ કબીરની વાણી સાંભળીને થાય છે. અનુભૂતિને કબીર ‘ગૂંગેકા ગૂડ’ (મુંગાનો ગોળ) કહે છે તે કેવું સાર્થક છે ! વેદના જ્ઞાતાઓ જેને ‘‘ નેતિ, નેતિ’’ કહે છે તે વાતને કહેવાનો કબીરનો અંદાજ અલગ તો છે જ પરંતુ આકર્ષક તથા ધારદાર પણ છે. 

નિરંજન-નિરાકાર એવા પરમ તત્વને પામવા જન સામન્ય માટે કબીર હાથવગા છે. વેદાન્તનો અહીં ભાર નથી. શબ્દોની સહજતા – સરળતા ઉપરાંત લય-માધૂર્ય પણ છે. શ્લોક તથા લોક વચ્ચેનું અનુસંધાન કરવામાં આપણા મધ્યયુગના પુણ્યશ્લોક સંતોનો સિંહફાળો છે. કબીર સાહેબ કહે છે કે પરમ તત્વની ગતિને પામવી હોય તો શરણાગતિનો માર્ગ પસંદ કરવા જેવો છે. ગીતાકારે પણ આ જ વાત કરી છે ને ! 

સર્વ ધર્માન્પરિત્યજય મામેકં શરણં વ્રજ I

અહં ત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્ણાયામી મા શુચ: II

કબીર જેની ઉપાસના કરે છે તે પરમ તત્વ કાળના કોઇ બંધનોથી કે પંથ-સંપ્રદાયના ભિન્ન ભિન્ન વિધિવિધાનોથી બાધિત નથી. માત્ર શાસ્ત્રોમાં કે વિધિ-વિધાનોમાં જ સમાયેલા હોય તેવા કોઇ દેવ પરત્વે કબીર સાહેબની ઉપાસના મર્યાદિત નથી. સર્વ તત્વોમાં કબીર સાહેબ તથા મધ્યયુગના સંતોએ તો મૂળ તત્વને જ પકડયું છે અને ભક્તિનો અસ્ખલિત પ્રવાહ તેની તરફ જ વળેલો છે. ભક્તિમાર્ગની ભાવ પ્રચૂરતા અનન્ય છે. ભક્ત કવિ દેવાયતની વાણીમાં પણ કબીરના શબ્દો જ ઝીલાયા છે.

હાં રે હાં ! જમીં આસમાન 

વાવે મૂળ વિના માંડયા જી ….

એ … જી થંભ વિણ આભ ઠેરાયો

એ વારી !  વારી !  વારી !

ગુરૂ ! તારો પાર ન પાયો

ઊંડા જળના તાગ મેળવવા જેમ મુશ્કેલ છે તેમ પરમાત્માની ગતિને પામવાનું કામ પણ કપરૂં છે. આથી ‘‘ તારી ગતિ તું જ જાણે ’’ એ શબ્દો થકી કવિએ શરણાગતિનો તથા ભક્તિ અને ઉપાસનાનો માર્ગ પસંદ કર્યો છે. ભક્તિનું આ સાધન સૌને સુલભ છે.

તુલસીદાસ તથા કબીર સાહેબની પંગતમાં હક્કથી બેસી શકે તેવા આપણા ભક્ત કવિ નરસિંહ મહેતાના શબ્દોમાં પણ કબીરની ભાવનાનો પડઘો જ ઝીલાય છે. 

બત્તી વિણ, તેજ વિણ

સુત્ર વિણ જો વળી,

અચળ ઝળકે સદા, વિમળ દિવો.

સ્વયંપ્રકાશિત દિપકને નીરખવાની દ્રષ્ટિ પણ ભક્ત કવિ આપે છે. 

નેત્રવીણ નીરખવો, રૂપ વીણ પરખવો,

        વેણ જીહ્વાએ રસ સરસ પીવો.

(વી. એસ. ગઢવી)

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑