: સંતવાણી સમીપે : આપ કરી લે ઓળખાણ : એ સાચા શબદના પરમાણ :

સંતવાણીની અસરકારતા તથા તેની વ્યાપક લોકસ્વીકૃતિ આજે પણ તેવી ને તેવી લીલીછમ્મ રહી છે. જીવંત તથા ધબકતી રહી છે. કવિ શ્રી હરિકૃષ્ણ પાઠક કહે છે તેમ મધ્યકાલિન સંતવાણીની ઉજળી પરંપરાની એક અભિન્ન કડીની જેમ ભક્તિકવિતા અર્વાચીન કવિતામાં પણ ઉતરી આવી છે. આવી ભજનવાણીના એક મીઠા સર્જક એટલે કવિ શ્રી મનુભાઇ ત્રિવેદી (સરોદ). (૧૯૧૪-૧૯૭૨) સ્વામીદાદા (સ્વામી આનંદ) પોતાની અનોખી શૈલિમાં લખે છે કે સરોદના ભજનો અંતરની આરત તથા આકુળ વ્યથામાંથી જન્મેલા છે. યોગાનુયોગ કવિ શ્રી મનુભાઇ ત્રિવેદી (સરોદ) ની જન્મશતાબ્દીનું આ વર્ષ છે. તેથી આ વર્ષે તેમનું સ્મરણ વિશેષ થાય તે સ્વાભાવિક છે. વ્યવસાયે ન્યાય કરનારા (ન્યાયાધિશ) આ ન્યાયપ્રિય કવિએ કાવ્યતત્વને પણ ઉચિત ન્યાય કર્યો છે. ભજનો અને ગઝલો – એ બન્ને સ્વરૂપોમાં કવિશ્રીએ પોતાના આગવા રંગ પૂર્યા છે. કાવ્યના આ બન્ને સ્વરૂપોની ઉપાસના કેમ કરી ? કવિની આ અંગેની કેફિયત કાન માંડીને સાંભળવા જેવી છે. 

‘‘ ન ગાઉં કેમ હું ભજનોની સાથે ગઝલો પણ ગાફિલ ?

અહીં ખેંચે છે મીરાંબાઇ, તો ત્યાં મીર ખેંચે છે. ’’

કવિ શ્રી મનુભાઇ ત્રિવેદીના ભજનોમાં ‘‘ ઘૂંટેલી ભાષાના ઊંડાણ ’’ છે તથા ગહન વાતોને, તેના મર્મને સહજ રીતે શબ્દોમાં ઢાળવાની કવિની શક્તિ સૌની દાદ મેળવે તેવી છે. 

આપ કરી લે ઓળખાણ 

એ સાચા શબદના પરમાણ.

સાકર કહે નહિ, હું છું મીઠી, 

વીજ ન પૂછે, મુજને દીઠી ? 

મોત બતાવે ન યમની ચીઠ્ઠી, 

પેખ્યામાંજ પિછાણ 

એ સાચા શબદના પરમાણ. 

કોયલ ટહુકે આંબા ડાળે 

અંગ ન તોડે કંઠ ન વાળે 

ગંગા વહતી સમથળ ઢાળે 

ખેંચ નહિ, નહિ તાણ 

એ સાચા શબદનાં પરમાણ. 

ફૂલ ખીલે નિત નવ જેમ ક્યારે, 

શ્વાસ લીએ ને સૌરભ સારે 

અંતરથી જેમ ઊઠે ત્યારે 

વહે સ્વયંભૂ વાણ 

એ સાચા શબદનાં પરમાણ. 

શબ્દોની શક્તિ કેવી પ્રચંડ હશે ? સાચા શબ્દો કોઇની ઓળખના મહોતાજ નથી. શબ્દો સ્વયં પોતાની ઓળખ ઊભી કરે છે, પ્રસરાવે છે તથા તેની આંતરિક શક્તિથીજ ટકી રહે છે. સાકરને ક્યારેય સોગંદનામું રજૂ કરવું પડતું નથી કે હું મીઠી છું ! વીજળીનેય ક્યાં તેના આગમનની જાણ કરવા કોલબેલ દબાવવી પડે છે ? શબ્દોતો સ્વયં પ્રકાશિત છે, પ્રભાવી છે. કુદરત સર્જીત વિવિધ ઘટનાઓ ખૂબજ સરળ – સહજ રીતે મોટાભાગે આપણી નજર સમક્ષ પ્રગટ થતી હોય છે. કોયલને તેના મધુર ગાનની કર્ણપ્રિયતા સિધ્ધ કરવા કોઇ ખાસ પ્રયાસ કરવા પડતા નથી. તેનો ટહૂકોજ સૃષ્ટિમાં પ્રસન્નતાનો ભાવ પેદા કરે છે. દ્રષ્ટિ હોય તો આ કુદરતની ઘટનાઓનો સીલસીલો આંખવગો – કાનવગો છે. દરેકને તે સહેજે ઉપલબ્ધ છે. શબ્દ કેવો અનેક રૂપ-સ્વરૂપે વિલસી રહે છે તેની વાત કવિએ કરી છે. માત્ર તેની ઓળખ કરવાની દ્રષ્ટિ કેળવવાની વાત છે. પુષ્પના ખીલવાની તથા તેની વિશિષ્ટ સૌરભના પ્રસરવાની ઘટના પણ આજ ક્રમની એક અભિન્ન કડી છે. ફૂલના જીવનની સાર્થકતા પણ તેની આ સ્વયંભૂ સૌરભ પ્રસરાવવાના ક્રમમાંછે. તેની સ્વૈચ્છિક પ્રતિબધ્ધતામાં છે. કવિ શ્રી મકરંદ દવે કહે છે તેમ ફૂલ તો ફોરમ પ્રસરાવીનેજ પ્રસન્નતા પામે છે. 

ફૂલતો એની ફોરમ ઢાળી રાજી 

એક ખૂણામાં આયખું નાનું, 

કેવું વીતી જાય મજાનું 

કોઇનું નહિ ફરિયાદી ને 

કોઇનું નહિ કાજી ! 

ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી. 

કવિ શ્રી ‘સરોદ’ ના આંતરિક જીવનસત્વનું પ્રતિબિંબ તેમની રચનાઓમાં ઝીલાયું છે. શ્રી બભુચાઇ રાવત લખે છે તેમ આ સત્વની પ્રાપ્તિ તેમણે અનેક સાધકો – સંતોના સમાગમથીજ કરેલી હશે. સાધકની સ્થિતિ સિવાય નીચેના શબ્દો પ્રગટવા મુશ્કેલ છે. 

ભીતર બોલે કોઇ બાવો, 

હે જી મારે ભીતર બોલે કોઇ બાવો 

સહુને કહે છે આવો આવો, 

હે જી મારે ભીતર બોલે કોઇ બાવો. 

સરોદની ભવજનવાણીના સુંદર સર્જનોને સાંઇ મકરંદે ‘‘ જીવનના તાજાં, શેડકઢા દૂધની સોડમ આપતાં ’’ કહ્યા છે તે સર્વથા ઉચિત છે. જન્મ-શતાબ્દીનું વર્ષ તો આવ્યું અને જશે પરંતુ આ સોરઠના કવિની શ્રેષ્ઠ રચનાઓની સૌરભ તો દરેક કાળે પ્રસરતી રહેશે, લોક હ્રદયમાં ધબકતી રહેશે.

(વી. એસ. ગઢવી)

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑