: મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર :

કેટલીક સંસ્થાઓ જે તે વિસ્તારની શોભા વધારનારી હોય છે. પ્રદેશની ઓળખ આવી સંસ્થાઓ બની રહેતી હોય છે. તક્ષશિલા કે નાલંદા જેવી વિદ્યાપીઠો જોઇને દુનિયાના લોકો પ્રભાવિત થયા હતા. આ વિદ્યાપીઠો આપણાં દેશની ઓળખ હતી. અમદાવાદમાં ઇન્ડીયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટની સ્થાપના તથા વિકાસમાં ડૉ. જીવરાજ મહેતા કે હમણાંજ જેની ખોટ પડી છે તેવા શ્રેણિકભાઇ જેવા મહાજનના યોગદાનથી આ સંસ્થા શહેરની તથા રાજ્યની ઓળખ બની છે. ઇંગ્લાંડના પોલીટીકલ સાયંસના તેમજ અનેક ક્ષેત્રોમાં વિધ્વતા ધરાવતા પ્રો. હેરોલ્ડ લાસ્કીના નામ પરથી અને તેમની સ્મૃતિમાં માવળંકર સાહેબે હેરોલ્ડ લાસ્કી ઇન્સ્ટીટ્યૂટ ઊભી કરીને તેને અર્થસભર રીતે ચલાવી હતી. ભૂજની વ્રજભાષા પાઠશાળા પણ આવીજ એક અનોખી તથા ખ્યાતિપ્રાપ્ત સંસ્થા હતી. કવિઓ તૈયાર કરવા માટે પણ કોઇ સંસ્થાની પૂરા આયોજન સાથે સ્થાપના કરવામાં આવે તે વિચારજ પ્રશંસાને પાત્ર છે. આથીજ શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રની રાજકોટમાં સ્થાપના એ આપણી આ સરસ્વતી ઉપાસનાની ઉજળી પરંપરાની સદીઓ જૂની પ્રથાના એક નૂતન મણકા સમાન છે. રાજ્ય સરકારની આ વિષયની પ્રતિબધ્ધતા, યુનિવર્સિટીનો અમલીકરણ માટેનો ઉત્સાહ તેમજ કેન્દ્રના શુભારંભે સંત શ્રી મોરારીબાપુના અંતરના આશીર્વાદ એ આ સંસ્થાના મજબૂત સ્થંભ સમાન છે. કેન્દ્રની વિવિધ પ્રવૃત્તિઓનું વાસ્તવિક અમલીકરણ જોઇને આ ક્ષેત્રના અનેક જાણકારોએ કેન્દ્રની પ્રવૃત્તિને વખાણી છે તથા તેને વિશેષ અસરકારક બનાવવા મૂલ્યવાન સૂચનો કર્યા છે. માર્ચ-૨૦૧૨ માં જેનો શુભારંભ કરવામાં આવ્યો તેવી આ સંસ્થાએ પોતાના હેતુઓને અનુરૂપ કામગીરી સક્રિય રીતે કરી છે. 

મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા લોકસાહિત્ય, સંત સાહિત્ય તેમજ ચારણી સાહિત્યના ક્ષેત્રમાં કામ કરતા સંશોધકોમાંથી પસંદગી કરીને દર વર્ષે એક સંશોધકને તેમના અમૂલ્ય યોગદાન માટે એવોર્ડની અર્પણવિધિ ગરીમાપૂર્ણ સમારંભમાં કરવામાં આવે છે. કેન્દ્રની સ્થાપના બાદ        ડૉ. ભગવાનદાસ પટેલ, ડૉ. હસુ યાજ્ઞિક તથા ડૉ. કનુભાઇ જાનીને તેમના સંશોધન કાર્ય માટે આવા એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. કેટલાક મહત્વના વિષયોને લઇને ગ્રંથ પ્રકાશન કરવાનું કામ પણ કેન્દ્ર તરફથી કરવામાં આવે છે. આ પ્રવૃત્તિ હેઠળ પણ ત્રણ નોંધપાત્ર પ્રકાશનો થયા છે. જેમાં ડૉ. નિરંજન રાજ્યગુરૂનું પુસ્તક ‘‘ સ્વાતિના સરવડા ’’,  શ્રી રાઘવજી માધડનું ‘‘ લોકવાર્તાની લ્હાણ ’’ તથા ડૉ. હસુ યાજ્ઞિકના ગુજરાતની તથા રાજસ્થાનની કથાઓના તુલનાત્મક અભ્યાસ અંગેનું છે. આપણું આ સાહિત્ય યુવાનો સુધી પહોંચે તે માટેના જે પ્રયાસો થયા છે તે બાબત ખાસ નોંધપાત્ર છે. અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓના સહયોગથી વિશ્વવિદ્યાલયો તથા કોલેજના વિદ્યાર્થીઓ માટે લગભગ ૩૧ સેમીનારોનું આયોજન રાજ્યના અલગ અલગ શહેરો કે નગરોમાં કરવામાં આવ્યું. આવનારી પેઢી આ ઉત્તમ સાહિત્યના સત્વને સમજશે અને તેની વૈવિધ્યતાને માણતી થઇ જશે તો આ સાહિત્યની ચિરંજીવીતા સ્વાભાવિક રીતેજ પ્રસ્થાપિત થશે. આ રીતેજ લોકસાહિત્યના ક્ષેત્રમાં જેમનો પ્રવેશ થઇ રહ્યો છે તેવા નવયુવાનોને સાહિત્યની પરંપરા તથા પદ્ધતિ અંગેની તાલીમ શાસ્ત્રીય રીતે આપવાનું સંસ્થાનું આયોજન છે. વિશ્વકોશ (અમદાવાદ) જેવી સુપ્રસિધ્ધ સંસ્થા સાથે સહયોગ કરીને પણ કેન્દ્ર વિવિધ કાર્યક્રમો નિયમિત રીતે કરે છે. 

એક વાત અનેક સમયે કહેવામાં આવી છે છતાં પણ એ બાબત ફરી ફરી ચર્ચામાં આવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે અનેક હસ્તપ્રતો લાંબા સમયથી સચવાઇને પડેલી છે. મૂળ તો શ્રી ડોલરરાય માંકડની પ્રેરણાથી શ્રી રતુભાઇ રોહડિયાએ પ્રવાસ કરીને અનેક ઘરોએથી આ અમૂલ્ય કૃતિઓ મેળવેલી છે. સ્વાભાવિક રીતેજ લોકોએ આ કિમતી ભેટ યુનિવર્સિટીને સ્વેચ્છાએ આપી છે. લોકોએ એવી સમજ સાથેજ આ હસ્તપ્રતો આપી હતી કે તેનું યોગ્ય રીતે વર્ગીકરણ કરીને તેનું પ્રકાશન યુનિવર્સિટી કરશે. મેઘાણી કેન્દ્રની એક મહત્વની જવાબદારી આ કાર્ય સંપન્ન કરવાની હતી. આ દિશામાં પ્રયાણ કરવા માટે નક્કર શરૂઆત કરવામાં આવી છે તેમ ડૉ. અંબાદાનભાઇ રોહડિયા જણાવે છે. આ અમૂલ્ય હસ્તપ્રતોનું ડીજીટલ ફોર્મમાં રૂપાંતર કરવા માટેનું કાર્ય છેલ્લા એકાદ વર્ષથી નિયમિત ચાલે છે. કાળજી તથા ચોકસાઇ માગી લે તેવું કામ છે તેથી તેમણે ધાર્યો હતો તેથી વધારે સમય જાય છે પરંતુ કામ ચોક્કસ આગળ વધે છે. પ્રાથમિક અંદાજ પ્રમાણે લગભગ સવાલાખથી દોઢલાખ જેટલા પૃષ્ઠોમાં સમાયેલી કૂલ હસ્તપ્રતોના લગભગ ૫૦ % ભાગનું ડીજીટલાઇઝેશન પૂર્ણ થયું છે તેમ પણ સંસ્થાના નિયામકશ્રી જણાવે છે. આ કાર્ય ચોક્કસ મહત્વનું તથા સાચી દિશાનું ગણાય. ઘણાં સંશોધકો, સાહિત્ય રસિકો તથા લેખકોને આ ખજાનો તેમના હેતુ માટે ઓનલાઇન ઉપલબ્ધ થશે. આજ રીતે લોકસાહિત્યના ક્ષેત્રમાં જેમનું પરફોર્મન્સથી નોંધપાત્ર યોગદાન છે તેવા લોકપ્રિય મર્મજ્ઞોના લાંબા ઇન્ટરવ્યુ લઇને તેને સુયોગ્ય રીતે રેકોર્ડ કરી લેવામાં આવ્યા છે. ભવિષ્ય માટે આ રીતે આ સાહિત્યકારોની ભાતીગળ સ્મૃતિ સચવાશે અને અનેક પ્રકારે ઉપયોગી પણ થશે. 

લોકસાહિત્યની જ્યોતને પ્રજ્વલિત રાખવા માટેની આ એક નક્કર માળખાકીય વ્યવસ્થા છે. ભૂતકાળમાં લગભગ અઢીસો વર્ષ પહેલાં ભૂજમાં રાઓ લખપતજી વ્રજભાષા પાઠશાળા મહારાઓ શ્રી લખપતજીએ સ્થાપી હતી તથા તેની આર્થિક વ્યવસ્થાની જવાબદારી રાજ્યે ઉપાડી હતી. તેના પ્રથમ આચાર્ય શ્રી હમીરજી રત્નુ હતા. મહાકવિ દલપતરામ તથા બ્રહ્માનંદ સ્વામીએ આ પાઠશાળામાં જ શિક્ષા પ્રાપ્ત કરીને સાહિત્યમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું. આ પાઠશાળા ૧૯૪૭માં બંધ થઇ જ્યારે તેના અંતિમ આચાર્ય તરીકે કચ્છના રાજકવિ સ્વ. શ્રી શંભુદાનજી રત્નુ કામ કરતા હતા. હતા. ત્યારબાદ સૌરાષ્ટ્ર સરકારના શાસનમાં (૧૯૪૮-૧૯૫૬) શ્રી રતુભાઇ અદાણી તથા શ્રી જયમલભાઇ પરમારના લોકસાહિત્ય તરફના લગાવ તથા તેમના પ્રયાસોને કારણે જૂનાગઢમાં લોકસાહિત્ય વિદ્યાલય શરૂ કરવામાં આવ્યું અને તે સંસ્થાએ પણ લોકસાહિત્યના શિક્ષણના પ્રચાર-પ્રસાર માટે નોંધપાત્ર કાર્ય કર્યું. જૂનાગઢની આ સંસ્થામાં ભગતબાપુ, મેરૂભાભાઇ, યશકર્ણજી રત્નુ થતા પિંગળશીભાઇ લીલા જેવા વિદ્વાન લોકોએ વિદ્યાર્થીઓમાં સાહિત્યના સંસ્કારનું સિંચન કર્યું હતુ. આ સંસ્થા બંધ થયા પછી આ પ્રકારનું કાર્ય કરવા માટે કોઇ ચોક્કસ માળખાકીય વ્યવસ્થાની ખામી લાગતી હતી જે મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રના શુભારંભથી દૂર થાય છે. આપણાં આ કેન્દ્રના માધ્યમથી વનવાસીઓનું સાહિત્ય, સંત સાહિત્ય તેમજ સાગરખેડુઓના જાનદાર સાહિત્યની પણ જાળવણી તથા સંવર્ધનના કાર્યો થઇ શકશે. 

લોકસાહિત્ય તથા લોકકળાના વિષયમાં તેમજ તેના વિકાસ અને સંવર્ધન બાબતમાં ઘણાં વર્ષોથી અનેક મહાનુભાવોએ વ્યાપક ખેડાણ કર્યું છે. લોકસાહિત્યના બળૂકા માધ્યમથી લોકોના રીતરિવાજ, પરંપરાઓ, ઉત્સવો તેમજ તેમની સમગ્ર અસ્મિતાના દર્શન થાય છે. કલકત્તામાં બેસીને આરામદાયક જીવન જીવતા મેઘાણીભાઇ આ સાહિત્યના તીવ્ર આકર્ષણને કારણે ૧૯૨૧ માં સૌરાષ્ટ્રમાં આવ્યા અને લોસાહિત્યના સંશોધનની અભૂતપૂર્વ કામગીરી કરી. સર્વશ્રી રતુભાઇ અદાણી, ડોલરરાય માંકડ, જયમલ્લભાઇ પરમાર, ગોકળદાસ રાયચુરા તથા રતુભાઇ રોહડિયા જેવા આ ક્ષેત્રમાં પડેલા મોટા ગજાના માનવીઓએ પણ પોતાની તમામ સમય તથા શક્તિ લગાવીને લોકસાહિત્યના પ્રચાર અને દસ્તાવેજીકરણના કામમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું. સમર્થ કવિ અને વક્તા શ્રી દુલા કાગ, શ્રી મેરૂભા ગઢવી, શ્રી દુલેરાય કારાણી તથા શ્રી પિંગળશીભાઇ લીલા જેવા મર્મી લોકોએ દેશ અને દુનિયાના અનેક સ્થળોએ લોકસાહિત્યમાં રહેલા સત્વની વાતો કરી અને લોકોએ તેમની વાતોને ખૂબજ સ્નેહપૂર્વક વધાવી લીધી. શ્રી સુલેમાન જુમા અને શ્રી નાનજી મિસ્ત્રી જેવા કસબીઓએ તેમની કળાથી લોકસાહિત્યમાં આકર્ષક રંગો પૂર્યા. લોકો એ વાત સમજતા-સ્વીકારતા થયા કે આ સાહિત્ય એ આપણોજ અમૂલ્ય ખજાનો છે અને તેનું આકર્ષક આજે પણ એટલુંજ અકબંધ છે. આપણાં નેક-ટેક અને ખમીરની વાતો આ સાહિત્યમાં સંઘરાયેલી છે. જે વર્ષો વિત્યા છતાં આજે પણ આપણને પ્રેરણા આપે છે. 

લોકકળાના ક્ષેત્ર પર નજર કરીએ તો એક વાત સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે આ કળાઓ લોકોમાંથી ઉદ્દભવી અને બળવત્તર બની. પરંતુ તેનું યોગ્ય દસ્તાવેજીકરણ તેમજ વિવેચન, મૂલ્યાંકન જોઇએ તેટલા થઇ શક્યા નહિ. ઘણું બધું સાહિત્ય કંઠોપકંઠ કહેવાયું અને કાળના પ્રવાહમાં કેટલુંક સાહિત્ય લુપ્ત પણ થયું. દસ્તાવેજીકરણનું કાર્ય એ એક પડકારરૂપ બાબત છે. આમ છતાં મેઘાણીભાઇની ઐતિહાસિક રઝળપાટને કારણે જગતને લોકસાહિત્યનો એક અમૂલ્ય ખજાનો મળી શક્યો. તે જ રીતે જયમલ્લભાઇએ તેમજ ગોકળદાસ રાયચુરાએ પણ મેઘાણીભાઇના પગલે ચાલીને આ ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન આપ્યું તેના પરિણામે ઘણાં માહિતીપ્રદ પુસ્તકો ગુજરાતને મળી શક્યા. વિષય લોકકળાનો હોય કે વેશભૂષા કે વાજિંત્રોનો હોય, આ બધા ક્ષેત્રોમાં નિષ્ઠાવાન સંશોધનના ફળસ્વરૂપે સમાજ સમક્ષ સમૃધ્ધ અને આકર્ષક સાહિત્ય મૂકી શકાયું. રતુભાઇ અદાણીની સહાયથી ૧૯૫૬ માં જૂનાગઢ ખાતે લોકસાહિત્ય વિદ્યાલયની સ્થાપના કરીને આ વિષયની પધ્ધતિસરની તાલીમ મળી શકે તેવું આયોજન કરવામાં પણ શ્રી રતુભાઇ અદાણી તથા શ્રી જયમલ્લભાઇએ સિંહફાળો આપ્યો હતો. આ પ્રકારની તાલીમ માટે યોગ્ય અભ્યાસક્રમ ગોઠવાય અને આ અભ્યાસક્રમને અનુરૂપ જરૂરી પુસ્તકો-દતાવેજો મળી રહે તે માટે પણ તેમણે વ્યાપક પ્રયાસો કર્યા. શિષ્ટ સાહિત્ય સાથે જોડાયેલા ઘણાં વિદ્વાનોએ મેઘાણીભાઇ તથા કવિ શ્રી કાગ જેવા મહાનુભાવોના લખાણોના માધ્યમથી લોકસાહિત્યનો પરિચય કેળવ્યો અને તેઓ લોકસાહિત્યની શક્તિથી પ્રભાવિત થયા છે. 

લોકસાહિત્યમાં લોકગીતોનું મહત્વ અનેરું છે. લોકગીતોમાં લોકોની લાગણી, પરંપરા તથા જીવન જીવવાની સમગ્ર શૈલી કલાત્મક રીતે વણાયેલી છે. લોકગીતો એ લોકોના જીવન સાથે વણાયેલા હોવાથી તેમનું અસ્તિત્વ જીવંત છે, ચિરંજીવી છે. મેઘાણીભાઇએ લોકગીતોના ભાવને સુપેરે ઝીલ્યા અને તેના મર્મીઓ પાસેથી આ ખજાનો કુનેહપૂર્વક મેળવીને આપણી સમક્ષ રજૂ કર્યો. આ ગીતોમાંથી ઘણાં ગીતોને હેમુભાઇ ગઢવી, ઇસ્માઇલ વાલેરા, કનુભાઇ બારોટ તથા દીના ગાંધર્વ જેવા વાણીના સમર્થ ઉપાસકોએ પોતાના મધુર કંઠમાં ઢાળ્યા અને રાજકોટ રેડિયો સ્ટેશને તેમને વહેતા કર્યા. લોકગીતોના તમામ સ્વરૂપોને લોકસમૂહે હમેશા ભારે પ્રતિસાદ આપ્યો છે. આ લોક પરંપરામાંજ સંત સાહિત્યના આપણાં પદો – ભજનોનું સર્જન થયું. સંતોની આ અમૂલ્ય વાણીએ શ્લોક તથા લોક વચ્ચે સુંદર અનુસંધાન રચીને આપ્યું. સંત શ્રી નારાયણ સ્વામી, યશવંત ભટ્ટ કે મુગટલાલ જોશી જેવા અનેક આરાધકોએ લોક સમૂહ વચ્ચે આ ભજનવાણી વહેતી કરી. 

શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર પાસે લોકોની મોટી અપેક્ષા છે. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. પાડલીયા તેમજ બીજા અનેક મહાનુભાવોનો સક્રિય સહયોગ સંસ્થાને છે. રાજ્ય સરકાર તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કારણે કેન્દ્રની તમામ પ્રવૃત્તિને બળ તથા દિશા મળતા રહે છે. કામ સારું થયું છે અને ઘણું વિશેષ કરવાની તક છે. મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર પ્રગતિના નવા સોપાન સર કરતું રહે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવી ઉચિત ગણાશે. 

તેજ – તણખો

મેઘાણી કેન્દ્રની તથા લોકસાહિત્યની વાતનો ઉલ્લેખ કરીએ ત્યારે દુલેરાય કારાણીનું સ્મરણ થયા વિના રહે નહિ. શ્રી કારાણીની સેવાનું મૂલ્ય આંકી શકાય તેવું નથી. કેટલી બધી વાતો અપાર પરિશ્રમ કરીને એકઠી કરી ! તેઓ વાતના પારખું અને મર્મી હતા. 

જરાક જિતરી ગાલ પણ 

મૂંકે લગે મહાન ,

લિખ કકરી સે હલબલે, 

મનડે જો મેરાણ 

રાગ – રંગ કિતરા દીઠા 

ડિઠા ખલકજા ખેલ, 

સુખજા સાધન પણ ડિઠા 

રૂંગે જી પણ રેલ. 

શ્રી દુલેરાય કારાણીએ તેમના સુદીર્ઘ જીવનકાળમાં (૧૮૯૬-૧૯૮૯) કચ્છી સાહિત્યની અભૂતપૂર્વ સેવા કરી. તેમનું જીવન આ હેતુ માટેજ સમર્પિત હતું. કવિ શ્રી ઉમાશંકર જોશીએ તેમને તીર્થસ્થાન સમાન કહ્યા તે યથાર્થ છે. કેટલીયે તળની વાતોમાં પ્રાણ પૂરીને તેમણે આ વાતો જગત સમક્ષ રજૂ કરી છે. લોક સમૂહે તેને ખોબે અને ધોબે વધાવી છે. કચ્છના રાજવી શ્રી મદનસિંહજી બાવા કારાણીભાઇની શક્તિને પારખી શક્યા તે એક સુખદ સુયોગ છે. શ્રી દુલેરાય કારાણી લોકસ્મૃતિમાં તો અમર રહેશેજ પરંતુ તેમની સ્મૃતિ જાળવવાના અન્ય કોઇ પ્રયાસને પણ સાહિત્યરસિકો જરૂર વધાવી લેશે.  

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑