: કર્મઠ અને કેડી કંડારનારા : સહકારી પ્રવૃત્તિના મહર્ષિ : 

જેમના પિતા – દાદા પેઢી દર પેઢીથી ભાવનગર જેવા મોટા તથા સમૃધ્ધ રાજ્યના વહીવટમાં ઉચ્ચ સ્થાન તથા સત્તા ભોગવતા હોય તેવા કુટુમ્બમાં જન્મ લેવા છતાં મક્કમ રીતે મહાત્મા ગાંધીના રસ્તે ચાલનારા વૈકુંઠભાઇ ખરા અર્થમાં સહકારી પ્રવૃત્તિને મળેલા મહર્ષિ હતા. સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલો પૂરો સમાજ વૈકુંઠભાઇનો હમેશા ઋણી રહેશે. ‘‘ યોગ: કર્મસુ કૌશલમ ’’ નો મંત્ર એ વ્યવહારુ જીવનમાં જીવી ગયા હતા. 

આપણાં દેશમાં કેટલાક મહાનુભાવોએ જે સંસ્થાઓનું નિર્માણ પોતાના વિચાર તથા અભ્યાસના બળે કર્યું તે એક વિશિષ્ટ ઘટના છે. આવી સંસ્થાઓને કારણે એક ચોક્કસ કામની કલ્પના જે તેના સ્થાપક- સર્જકના મનમાં હતી તે બાબત આગળ વધી શકી છે. મોટાભાગના કિસ્સાઓમાં આવી સંસ્થાઓનું સર્જન વ્યાપક લોકહિતોના કામોને ધ્યાનમાં રાખીનેજ કરવામાં આવેલું છે. આ બાબતના એક જ્વલંત ઉદાહરણ સ્વરૂપે અમદાવાદ તથા ગુજરાતની શોભા ગણી શકાય તેવો કોચરબ આશ્રમ આજે એક શતાબ્દી પછી પણ કાર્યરત છે, જીવંત છે. આશ્રમના સ્થાપક ગાંધીજીની જે વિચારધારા હતી તેને આગળ ધપાવવાના કાર્યમાંજ આશ્રમ સક્રિય છે. આ બાબત ગુજરાત વિદ્યાપીઠ માટે પણ કહી શકાય. ઉપરાંત સરદાર વલ્લભભાઇ પટેલની પ્રેરણાથી અમદાવાદ શહેરમાં સારા વાચન તથા સંસ્કારને પ્રસરાવવા સ્થાપવામાં આવેલ એમ. જે. લાયબ્રેરી પણ આવીજ એક સંસ્થા છે. આ પ્રકારની સંસ્થાઓની ઉપયોગિતા દરેક કાળમાં રહી છે. વૈકુંઠભાઇએ પણ પોતાની અનોખી સૂઝ તથા પ્રતિબધ્ધતાથી તે સમયની સેન્ટ્રલ કો. ઓપરેટીવ બેંકને (હાલની મહારાષ્ટ્ર સ્ટેઇટ કો.ઓપરેટીવ બેંક) મજબૂત કરી. કિસાનો – સભાસદોના કલ્યાણ માટે ચોક્કસ કાર્યપ્રથા ઊભી કરી. મુંબઇ રાજ્યના ભાવિ નાણાંમંત્રીશ્રી તરીકેનું વૈકુંઠભાઇનું ઘડતર પણ કદાચ તે કામગીરી થકીજ થયું. સાડાત્રણ દાયકા સુધી કોઇ સંસ્થામાં હાર્યા કે થાક્યા સિવાય હેતુ અનુરૂપ સતત કામગીરી કરતાં રહેવું તે સામાન્ય ઘટના નથી. ‘‘ધોતીયા અને સફેદ ટોપી’’ માં શોભતા આ બેંકરે સહકારી બેંકીંગ માળખાનો ઊંડો તથા મજબૂત પાયો નાખ્યો હતો. દુષ્કાળો તથા કિસાનોની અનેકવિધ સમસ્યાઓનો સ્થાયી તથા અસરકારક ઉકેલ શોધવા તેમણે ખેત-ધિરાણનું સંસ્થાગત માળખું વિકસાવવાનો ભારે પરિશ્રમ કર્યો. તેઓ એ બાબત બરાબર સમજી શક્યા હતા કે માત્ર ધિરાણ આપવાથીજ ખેડૂતની તમામ સમસ્યાઓનો ઉકેલ આપમેળેજ નહિ આવી શકે. ખેતી માટે આવશ્કય હોય તેવી ચીજવસ્તુઓ પૂરી પાડવાનું તથા ખેતપેદાશોના વેચાણનું કામ પણ તેટલુંજ મહત્વનું છે. આ પ્રકારના forward – backward linkage સિવાય જગતના તાતની સ્થિત સુધારવી મુશ્કેલ છે તેની ચિંતા તેઓ સતત સેવતા હતા. આ વાત કેટલી ઠોસ તથા સાચી છે તેનો અહેસાસ આજે પણ થતો રહે છે. અનેક કુદરતી કારણોસર પાકની નિષ્ફળતા કે સતત વધઘટ થતા ભાવોની કેટલીયે પ્રતિકૂળતાઓ અંતે તો ખેડૂતના– ઉત્પાદકના નસીબમાંજ લખાયેલી હોય છે. આજ કારણો તથા અનુભવોને ધ્યાનમાં રાખીને સરદાર વલ્લભભાઇ પટેલે ખેડા જિલ્લાના દૂધ ઉત્પાદકોના આર્થિક હિતની જાળવણી માટે સહકારી માળખાની રચના કરવાનો વિચાર કર્યો. ઉપરાંત આ વિચારનો અમલ કરાવી શકે તેવા શક્તિશાળી વ્યક્તિ તરીકે સરદાર સાહેબેજ ત્રિભુવનદાસ પટેલની પસંદગી કરી. 

વૈકુંઠભાઇએ સહકાર ક્ષેત્રમાં તાલિમબધ્ધ તથા કૂશળ સંચાલકો મળી રહે તે માટે તેની તાલીમ વ્યવસ્થાની ગોઠવણ પર પણ ખાસ ભાર મૂક્યો. આ તાલિમમાં પણ તેમણે સહકારી સંસ્થાઓ સુચારુ સંચાલનથી આત્મનિર્ભર બને તથા સ્વયં પોતાનું નિયમન કરવાના સંસ્કાર કેળવે તે વાત પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું. તેઓ સહકારને એક જીવનપધ્ધતિ તરીકે જોતા હતા. દેશને આઝાદી મળી ત્યારબાદ પણ સહકારી પ્રવૃત્તિનું માળખું સુદ્રઢ બને તેવા અનેક પ્રયાસોને મૂર્તિમંત કરવામાં તેમનો મહત્વનો ફાળો હતો. સહકારી પ્રવૃત્તિના સંચાલનમાં સૌ સાથીઓના વિચારનું સ્વાગત થાય તેવી કાર્યપધ્ધતિ તેમણે અપનાવી હતી. આથી સહકારી સંસ્થાઓના વહીવટ માટેની ચર્ચા-વિચારણામાં નાનામાં નાના સાથીને પણ તેના વિચારો વ્યક્ત કરવાની પૂરી છૂટછાટ તેઓ હમેશા આપતા હતા. ચર્ચાઓના અંતે ઉચિત નિર્ણય કરવાની અનોખી સૂઝ તેમનામાં હતી. તેમનું વ્યક્તિત્વ બહુઆયામી હતું. વિશેષ કરીને સમાજમાં જેમની ગણના તે સમયે પછાત વર્ગ તરીકે થતી હતી તેમના પ્રશ્નો ઉકેલવા તેઓ વિશેષ સભાન રહેતા હતા. આ રીતે ગાંધીજીની રચનાત્મક પ્રવૃત્તિઓમાં યોગદાન એ તેમના જીવનની અગ્રતાનો વિષય હતો. વૈકુંઠભાઇએ સહકાર ક્ષેત્રમાં તાલીમનો પાયો નાખ્યો હતો એમ ચોક્કસ કહી શકાય. પુનાની નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ કો. ઓપરેટીવ મેનેજમેન્ટ ઇન્સ્ટીટ્યૂટ આજે પણ વૈકુંઠભાઇની દીર્ઘદ્રષ્ટિતાની શાક્ષી પૂરે છે. પુનાની આ ઇન્સ્ટીટ્યૂટ એજ તેમનું જીવંત સ્મારક છે. 

જ્યારે ગુજરાતમાં સહકારી પ્રવૃત્તિ મજબૂત છે તેવું વિધાન કરીએ ત્યારે તે મહદ્ અંશે આજે પણ યથાર્થ છે. પરંતુ આ સ્થિતિ જે આજે જોવા મળે છે તેની પાછળ વૈકુંઠભાઇ કે ત્રિભોવનદાસ પટેલ જેવા મહામાનવીઓનું સબળ યોગદાન રહેલું છે. તેમણે આ પ્રવૃત્તિને તપ કરતા હોય તેવી નિષ્ઠાથી ચલાવી. સહકારી સંસ્થાઓ કાર્યક્ષમ બનાવવા ઉપરાંત તેમનો હેતુ ચોક્કસ ધોરણોની સ્થાપના કરવાનો પણ હતો. સંસ્થા ઊભી કરવાનું  કામ તથા તેને મજબૂત કરવાનું કામ તો મુશ્કેલ છેજ. પરંતુ તેથી પણ મોટો અને મહત્વનો પડકાર તેના હેતુપૂર્ણ સંચાલનનો છે. વૈકુંઠભાઇ જેવા લોકો તેમની સૂઝને કારણે આ વાત બરાબર સમજતા હશે તેમ પ્રતિતિ થાય છે. આથીજ તાલીમ જેવી પાયાની બાબતને તેમણે વિશેષ મહત્વ આપ્યું.

વૈકુંઠભાઇનો જન્મ ૧૮૯૧ માં થયો અને સ્વધામ ૧૯૬૪ માં ગયા. તેઓ સદેહે આપણી વચ્ચે ન હોય તો પણ તેમણે જે માર્ગ બતાવ્યો તે માર્ગ આજે પણ સહકારી સંસ્થાઓ સાથે સંકળાયેલા આગેવાનો માટે ઉપયોગી છે, શ્રેયકર છે. વૈકુંઠભાઇ મહેતાને સાચી શ્રધ્ધાંજલિ એ માર્ગે ચાલવાથીજ આપી શકાય. શ્રી ગગનવિહારી મહેતા વૈકુંઠભાઇના નાનાભાઇ હતા. તેઓએ ઉચિત લખ્યું છે કે વૈકુંઠભાઇ સામાજિક નબળાઇઓ દૂર કરવામાં અધીરા જરૂર હતા પરંતુ તે માટે દંડ કે તિરસ્કારનો ઉપાય તેમને કદી મંજૂર ન હતો. એક આઇ.સી.એસ. અધિકારી તથા મુંબઇ સરકારના ભૂતપૂર્વ ચીફ સેક્રેટરી પોતાના સ્વાનુભવના આધારે વૈકુંઠભાઇને સારાસારની ઓળખ બાબતની વિવેકબુધ્ધિના સાગર તરીકે ઓળખાવે છે. ગુજરાત તેના પનોતાપુત્ર વૈકુંઠભાઇ મહેતા પર સકારણ ગર્વ લઇ શકે છે. 

: તેજ – તણખો :

ગાંધી યુગની આકાશગંગામાં જે તારલાઓ ઝળકે છે તે તેમના ખરા તેજ, તપ તથા આચારણ પ્રાધાન્યથી ભરેલા જીવનને કારણેજ પ્રકાશિત છે તેમ કહી શકાય. જે મૂલ્યોનું તેમણે વાસ્તવિક જીવનમાં આચરણ કરી બતાવ્યું તે આજે પણ એટલાંજ પ્રસ્તુત છે. એક પ્રસંગ નોંધાયો છે. મુંબઇની એલ્ફિસ્ટન કોલેજમાં વૈકુંઠભાઇ મહેતાના મિત્ર તથા સહાધ્યાયી મહાદેવભાઇ દેસાઇ હતા. મહાદેવભાઇ મધ્યમવર્ગમાંથી આવતા હતા અને અભ્યાસ આગળ વધારવા તેમને શિષ્યવૃત્તિ મળે તે જરૂરી હતું. કોલેજના ઇન્ટરમિડીયેટ વર્ગની પરીક્ષામાં વૈકુંઠભાઇને તેમના મિત્ર મહાદેવભાઇ દેસાઇ કરતા થોડા માકર્સ વધારે મળ્યા. આથી શિષ્યવૃત્તિ વૈકુંઠભાઇને મળે તેવી સ્થિતિ ઊભી થઇ. વૈકુંઠભાઇને ચિંતા એ હતી કે મિત્ર મહાદેવને સ્કોલરશીપ ન મળે તો કદાચ તેનો અભ્યાસ આગળ ન પણ વધારી શકે. મિત્રનો સ્વમાની સ્વભાવ પણ તે જાણતા હતા. આથી તે કોઇની આર્થિક મદદ માગે કે સ્વીકારે તે શક્યતા પણ નહિવત હતી. આથી આ પ્રશ્નનું નિરાકરણ કરવા માટે વૈકુંઠભાઇએ સ્વેચ્છાએ સ્કોલરશીપ પરનો પોતાનો હક્ક જતો કર્યો કે જેથી આપોઆપ બીજા ક્રમે રહેલા મિત્રને સ્કોલરશીપ મળી શકે ! આ કામ કર્યું પણ એ રીતે કે મોટાઇનું સહેજ પણ પ્રદર્શન ન થાય. કવિ શ્રી દુલા ભાયા કાગનો એક દોહો આ મોટા મનના માનવીના સંદર્ભમાં યાદ આવે : 

આપ બળે પર ઓલવે 

લેતાં લડથડિયાં, 

એવા ઘડનારે ઘડીયા, 

કોક કોક માનવ કાગડા. 

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑