બાલોત્સવ : ખરો ઉત્સવ :

 

Balotsava-Gandhinagar-2014
બાલોત્‍સવ – ગાંધીનગર ૨૦૧૪

       આમતો મે મહિનો અને તેમાં પણ આપણી ગરમી ! કોઇ મેળાવડા કે લગ્નમાં જવા માટે પણ હિમ્મત ન થાય તેવી મોસમ. એવામાં કોઇ સંસ્થા ઉત્સવ કરે અને તેમાં પણ પૂરા રાજ્યમાંથી લગભગ ૩૭૦ બાળકો હોંશભેર ભાગ લે તેને ઉનાળામાં સર્જાયેલું આશ્ચર્ય જ કહેવું પડે ! ઉત્સવ પણ એક દિવસનો નહિ પરંતુ પૂરા આઠ દિવસનો તથા તેમાં સવારથી સાંજ સુધી બાળકોને જકડી રાખે તેવા વિવિધરંગી કાર્યક્રમો. આપણી ગાંધીનગર સ્થિત ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીને આવું કપરું કામ તેના ઉદ્દેશોને અનુરૂપ રહીને સફળતાપૂર્વક પાર પાડવા માટે જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે. આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી હર્ષદભાઇ શાહને તથા યુનિવર્સિટીની સમગ્ર ટીમને આ પ્રયાસ માટે જરૂર બીરદાવી શકાય. સમગ્ર બાલોત્સવના અનેક પ્રકારના દૈનિક કાર્યક્રમોમાં બાળકોનેજ કેન્દ્રમાં રાખીને સંપૂર્ણ આયોજન કરવાનો સુગ્રથિત પ્રયાસ હતો અને અને તેથી સ્વાભાવિક રીતેજ તેના ઉદ્દેશની પરિપૂર્તિ થઇ હશે.

       બાળમિત્રોને આ મહોત્સવના પ્રારંભેજ કેટલીક બાબતો અંગે સ્પષ્ટ વિચાર તથા માર્ગદર્શન પૂરા પાડવામાં આવ્યા હતા. પ્રાથમિક શાળામાં ધોરણ પાંચથી આઠ ધોરણ સુધીના વર્ગોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કેટલીક બાબતોમાં જીવન જીવવા માટે તેમજ પ્રગતિ કરવા માટે ઉપયોગી શીખ મળે તે રીતે આયોજન ગોઠવાયું હતું. આ બાળ વિશ્વ વિદ્યાલયનો પ્રયાસ ‘‘ તેજસ્વી બાળક : તેજસ્વી ભારત ’’ એ સૂત્રને સાકાર કરવાનો છે. પરિવારને વિશ્વાસમાં લીધા સિવાય બાળકનો isolation માં વિકાસ ન થઇ શકે તે બાબત તેમના ધ્યાનમાં બરાબર રહી છે. આથી પરિવારને પણ બાળકોના સર્વતોમુખી કલ્યાણની પ્રવૃત્તિમાં સામેલ કરવાનો તથા પરિવાર સુધી સંસ્કારની વાતો પહોંચાડવાનો વિદ્યાલયનો મૂળભૂત ઉદ્દેશ છે. રાજ્યના લગભગ ૨૦ વિદ્યાલયોને વિદ્યાનિકેતનની સ્થાયી ઓળખ આપીને તેમને વિશ્વવિદ્યાલયના કામ સાથે જોડ્યા છે. વિશ્વવિદ્યાલયે એક ખાસ કાર્યક્રમ મારફત પ્રાયોગિક ધોરણે ‘‘ આવિષ્કાર ’’ ના નામ હેઠળ એક અભ્યાસક્રમ તૈયાર કર્યો છે જે આ બધા વિદ્યાનિકેતનોમાં તેમના મૂળ વિષયો ઉપરાંત ભણાવવામાં આવે છે. વિશ્વવિદ્યાલય એક હરતી ફરતી બસ પણ સમગ્ર રાજ્યની શાળાઓ માટે ચલાવે છે. આ બસ અંતરિયાળ ગામોમાં કે દૂર્ગમ તથા ઓછા વિકસિત ગણાતા તાલુકા કે ગામોમાં ખાસ જઇને કેટલાક બાળકોને ગમે તેવા તથા તેમના જ્ઞાનની વૃધ્ધિ થાય તેવા વિષયો અંગે બાળકો સાથે સંવાદ કરી સમજૂતી આપે છે. એક મહત્વનું કામ બાળકો માટે માસિક પ્રગટ કરવામાં આવે છે તે છે. અનેક સંસ્થાઓ – પરિવારો સુધી આ મેગેઝીન પહોંચે છે. કેટલાક બાળ ઉપયોગી પ્રકાશનો પણ યુનિવર્સિટીએ કર્યા છે તથા બાળગીતોને સીડીના સ્વરૂપે સરળતાથી ઉપલબ્ધ કરાવ્યા છે. કુલપતિશ્રીની વ્યક્તિગત દેખરેખ, ચિવટ તથા તેમની સૂઝથી પૂરી કામગીરી સુઆયોજિત રીતે ચાલતી હોય તેવી એક છાપ ઊભી થઇ છે. સંસ્થાની ઓળખ પ્રસ્થાપિત થઇ છે. અધ્યાપકોનો વર્ગ પણ મોટીવેટેડ છે, કાર્યક્ષમ છે. અધ્યાપકોની ફરજ બજાવવાની પધ્ધતિમાં તથા પ્રણાલિમાં તેઓની કાર્યનિષ્ઠા જોવા મળે છે. કોઇપણ શૈક્ષણિક સંસ્થાનો પ્રાણ અંતે તો તેમાં કાર્ય કરતા અધ્યાપક વર્ગમાંજ રહેલો હોય છે તેવો આપણો સામાન્ય અનુભવ છે. આથીજ અધ્યાપકોની કાર્યનિષ્ઠાને કારણે અહીંની દરેક પ્રવૃત્તિ પરીણામલક્ષી બની શકી છે. મહીનામાં ત્રણ દિવસો ગાંધીનગર શહેરના લગભગ ૧૦૦ જેટલા બાળકો નિયમિત રીતે અહીં એકઠા થાય છે તથા તેમને ગીત, ચિત્રકામ, નૃત્ય, વિવિધ પ્રકારની રમતો વગેરે સામુહિક રીતે મહાવિદ્યાલયના અધ્યાપકો મારફત કરાવવામાં આવે છે. આગામી દિવસોમાં બાળકોને પ્રકૃતિ શિક્ષણ આપવા માટે પણ ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થાની વેબસાઇટ – www.cugujarat.uc.in પર દરેક પ્રકારની માહિતી સુલભ બનાવવામાં આવી છે તેમ પણ મહાવિદ્યાલયના ઉત્સાહી અધ્યાપકો બાલોત્સવની મારી મુલાકાત દરમિયાન જણાવતા હતા. સગર્ભા મહિલાઓને ગર્ભશિક્ષણ આપવાની આ સંસ્થાની કામગીરી ભાગ્યેજ દેશની અન્ય કોઇ સંસ્થા કરતી હશે તે પણ નોંધપાત્ર છે. દરેક બાળક અનન્ય છે તેવી વિભાવના સાથે યુનિવર્સિટી નક્કર કાર્યક્રમો અમલમાં મૂકે છે તે વાતનો હર્ષ તથા ગૌરવ ત્યાં કાર્ય કરતી તમામ વ્યક્તિઓને છે તે બાબત નોંધપાત્ર છે. 

       બાળકોને કેન્દ્રમાં રાખીને આપણી ભાષામાં કેટલાક સુવિખ્યાત સર્જકોએ સારી બાળવાર્તાઓ – બાળગીતોની રચના કરી છે. શ્રી રમણલાલ સોની (૧૯૦૮-૨૦૦૬) સત્યાગ્રહી હોવા સાથેજ લગભગ એક સદી જેટલું જીવન ઉજાળીને ગયા. બાળકો માટે અનેક મૌલિક કૃતિઓ એ તેમનું મોટું પ્રદાન છે.

શીકું તૂટે, તાલકું તૂટે,

વાંકો કાકો બીએ છે,

વાંકી કેડે, વાંકા મોંએ,

વાંકો હોકો પીએ છે.

       બાળકોને જકડી રાખે તેવી તેમની અનેક રચનાઓ હતી. હરિપ્રસાદ વ્યાનું બકોર પટેલનું પાત્ર કેટલું બધું બાળપ્રિય બન્યું ! લોકસાહિત્યના સર્જક – સંશોધક – સંપાદક મુરબ્બી શ્રી હસુ યાજ્ઞિકનું પણ આ ક્ષેત્રમાં મજાનું પ્રદાન છે. જીવરામ જોશીના ચિરંજીવી બાળપાત્રો ક્યાં વિસરાયા છે ? કવિ રમેશ પારેખ આપણી વચ્ચેથી વહેલા ગયા પરંતુ બાળકાવ્યોની કેટલીક અમર રચનાની ભેટ આપીને ગયા.

હું ને ચન્દુ છાનામાના કાતરિયામાં પેઠા

લેસન પડતું મૂકી ફિલ્લમ ફિલ્લમ રમવા બેઠા.

દર્શક અનેકવાર કહેતા – લખતા કે સમાજની સ્વસ્થતાના લાંબાગાળાનો આધાર બાળ કેળવણી છે. તે તરફ જેટલું વહેલું ધ્યાન જાય તેમાં સમાજનું સામુહિક હિત છે.

       ચિલ્ડ્રન યુનિવર્સિટીએ બાળગીતોની સુંદર સીડી બનાવીને આજ કામ આધુનિક સમયમાં બાળકોની જરૂરિયાત સંતોષવા પ્રશંસનિય રીતે કર્યું છે. બાળગીતો તથા બાળવાર્તાઓના સોહામણા તથા સરળ માધ્યમથી બાળકો ગીતો – વાર્તાઓ સાથે, ભાષા સાથે, તેના શબ્દો સાથે સંબંધ બાંધતા હતા. આ પ્રથામાં સ્નેહનો તંતુ હતો પરંતુ ખર્ચાળ ભભકોન હતો. કવિ બાલમુકુન્દ દવેના શબ્દો માણવા જેવા છે.

અલ્લક દલ્લક, ઝાંઝર ઝલ્લક,

રઢિયાળો જમનાનો મલ્લક…

આભે પૂનમ ચાંદ ઊગ્યો છે

રાસ ચગ્યો છે છમ્મક છમ્મક !

ગોપી ભેળો કાન ધૂમ્યો છે,

ઢોલક વાગે ઢમ્મક ઢમ્મક !

આજકાલના દિવસોમાં જ્યારે અષાઢના પ્રારંભની ઘડીઓ ગણાય છે ત્યારે સમગ્ર સૃષ્ટિ રાજાઓના રાજા મેઘરાજાની કેવી મીઠી પ્રતિક્ષા કરે છે તે વાત પણ બાલમુકુન્દ દવેએ કરી છે. બાળકોનેજ નહિ, સૌને કહેવી – સાંભળવી ગમે તેવી છે.

આ મોરે માંડી આંખલડી,

આ ચાતક વિંઝે પાંખલડી…

આ નીર વિનાની વાવલડી,

આ ઘાસ વિનાની ગાવલડી

તેમે વાર કરો કાં આવલડી ?

આવો આવો મેહુલિયા મહારાણા ! 

       કવિતાઓ ગાવા – સાંભળવાનો આપણો એક મીઠો તથા ઉપયોગી ઉપક્રમ વર્ષોથી ચાલ્યો આવતો હતો. આ ઉપક્રમ જરૂર ચાલુ રાખવા જેવો છે, મજબૂત કરવા જેવો છે. જરૂર હોય ત્યાં તેમાં સ્થાનિક સ્થિતિ પ્રમાણે ફેરફાર જરૂર કરી શકાય પરંતુ તે પ્રથા વિસરી જવાના ગેરલાભ ઘણાં છે તેમ લાગ્યા કરે છે. શૈક્ષણિક સંસ્થાઓનો આ દિશાનો પ્રયાસ લાંબાગાળાનો ફેર પાડી શકે છે. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીએ બાળગીતોની સુંદર સીડી બનાવીને આ કાર્યનો નક્કર શુભારંભ કર્યો છે.

       જ્યારે શિક્ષણ તથા શિક્ષકની વાત કરીએ ત્યારે ડૉ. રાધાકૃષ્ણનનું નામ અચૂક યાદ આવે.  શિક્ષણ અંગેના ડૉ. રાધાકૃષ્ણનના સમગ્ર ચિંતનમાં બાળકના શિક્ષણને લગતી બાબતને પ્રાધાન્ય આપ્યું છે. બાળકના સર્વતોમુખી વિકાસ થાય તેવા શિક્ષણના તેઓ આગ્રહી હતા. જેમનું શતાબ્દી વર્ષ ચાલે છે તે દર્શક પણ તંદુરસ્ત સમાજના નિર્માણ સાથે બાળકેળવણી તથા બાળવિકાસને મજબૂત માધ્યમ ગણે છે. નાનાભાઇ ભટ્ટ અને ગિજુભાઇ બધેકાની બાળકેળવણીના વિષયમાં જે નિષ્ઠા હતી તે હમેશા પથદર્શક બને તેવી છે. આ સઘળા મહાનુભાવોના વિચારમાંથી પ્રેરણા મેળવી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી પોતાના કાર્યનું આયોજિત વિસ્તરણ કરે છે તે બાબત પ્રશંસા પાત્ર છે. છેક ૧૯૫૫ માં આઇ.એ.એસ. થયેલા વિદ્વાન સાધક કિરીટભાઇ જોશીની ઓળખાણ ગુજરાતને આપવી પડે નહિ. આઇ.એ.એસ. સહજ રીતે એકાદ વર્ષમાંજ છોડીને તેઓ મહર્ષિ અરવિંદ તથા માતાજીના ચરણોમાં પોંડિચેરી જઇને બેઠા.  આવા ચિંતક તથા સાધકના વિચારો આ યુનિવર્સિટીના પાયામાં પડેલા છે. આથી આ યુનિવર્સિટી તેના બાળવિકાસના યોગદાન માટે રાજ્યમાં નહિ પરંતુ સમગ્ર દેશમાં એક અનોખું સ્થાન તથા આદર મેળવે છે. બાલોત્સવના કાર્યક્રમોમાં એક સાંજે બાળકો સાથે સંવાદ કરવાની મને તક મળી ત્યારે એ બાબત સ્પષ્ટ રીતે ધ્યાનમાં આવી કે ભાવિના ગર્ભમાં આ વિશ્વવિદ્યાલય માટે અનેક તક તથા પડકાર રહેલા છે. નક્કર તેમજ હેતુલક્ષી કામોજ આ વિશ્વવિદ્યાલયને મોટા ફલક પર મૂકી ઝળહળતી રાખશે. અત્યારે તો ઉદ્દેશોને અનુકૂળ રહીને જે કામ યુનિવર્સિટી કરે છે તે માટે તેના ઉપકુલપતિ તથા દરેક અધ્યાપકો આપણાં અભિનંદનના અધિકારી છે. રાજ્ય સરકારે આ સંસ્થાની રચનામાં દીર્ઘદ્રષ્ટિ રાખીને પૂરતી સ્વાયત્તતા તેમજ નાણાકીય સાધનો યુનિવર્સિટીને મળે તેવી સુચારૂ વ્યવસ્થા ગોઠવી છે તે તેની સફળતા માટેનું એક મહત્વનું કારણ બનશે. બાળ સંવર્ધનના ક્ષેત્રે ગુજરાતનું આ કદમ બાળવિકાસના પાયાના કામમાં ઉપયોગી થશે. ઉપરાંત તેની સફળતા ગુજરાતની કીર્તિમાં એક યશકલગી ઉમેરશે તેવી શ્રધ્ધા જરૂર રાખી શકાય. બાળકોએ સમૂહમાં ગાયેલી પ્રાર્થના જે અમે સૌ નિમંત્રિતોએ સાંભળી તેનો મંગળ ગૂંજારવ ઘણાં દિવસ મનમાં રહ્યો.

શુભ મંગલ હો, શુભ મંગલ હો,

શુભ મંગલ મંગલ મંગલ હો….

નભ મંગલ હો, ધરા મંગલ હો,

ધરતીકા કણ કણ મંગલ હો.

શુભ મંગલ હો….

ગતિ મંગલ હો, સ્થિતિ મંગલ હો,

જીવનકા ક્ષણ ક્ષણ મંગલ હો….

શુભ મંગલ હો….                 

તેજ – તણખો

       ગુજરાતી ભાષા સાથે સંબંધ ધરાવતા તમામ વાલીઓ – શિક્ષકોને ગિજુભાઇ બધેકા ‘‘ બાળભક્તિની દીક્ષા ’’ આપીને ગયા છે તેવું રામનારાયણ વિ. પાઠકનું વિધાન ખૂબજ યથાર્થ છે.  જુગતરામ દવે (વેડછા) લખે છે કે ગુજરાતમાં ઘરોમાંથી તથા શાળાઓમાંથી બાળકોને માર મારવો, તિરસ્કાર કે ઉપેક્ષા કરવી તેમજ ખીલતા પુષ્પો જેવા બાળકોનું અપમાન કરવું તે ગિજુભાઇને લીધે પૂરાં કદાચ ન ગયા હોય તો પણ અપ્રતિષ્ઠિત તો થયાજ છે. એક ભક્તજનની ઉત્કટતાથી ગિજુભાઇએ કર્મયજ્ઞની જ્વાળાઓ પ્રગટાવી તેની નોંધપાત્ર અસર બાળ શિક્ષણ તથા બાળ સંવર્ધનના વિષયોમાં થઇ. આવી સામાજિક ક્રાંતિ માત્ર કાયદો કરવાથી ન થઇ શકે તે વાત ગિજુભાઇએ ફરી સ્વબળે સિધ્ધ કરી. ગિજુભાઇની શીખ કાને ધરવા જેવી તેમજ આચરણમાં ઉતારવા જેવી છે.

ઘડીભર રાજદ્વારી પ્રપંચ છોડી દે

ને તારા બાળક સાથે રમ.

ઘડીભર વેપારી ગડમથલ છોડી દે

ને તારા બાળક સાથે રમ.

ઘડીભર પ્રભુભજનને પણ છોડી દે

ને તારા બાળક સાથે રમ.

ઘડીભર ગડમથલિયા જગતને ફેંકી દે

ને તારા બાળક સાથે રમ.

મહાત્મા ગાંધીના ગિજુભાઇ માટેના થોડા છતાં ધારદાર શબ્દો યાદગાર બને તેવા છે. કોઇકે બાપુને ગિજુભાઇ વિશે લખવાનું કહ્યું. બાપુનો ત્વરીત જવાબ : ‘‘ ગિજુભાઇ વિશે લખનાર હું કોણ ? એમના ઉત્સાહ અને એમની શ્રધ્ધ્ધાએ મને હમેશા મંત્રમુગ્ધ કર્યો છે. એમનું કામ ઊગી નીકળશે. ’’

***

Leave a comment

Blog at WordPress.com.

Up ↑