: સંતવાણી સમીપે : : જોતાં રે જોતાં અમને વસ્તુ જડી :

કેટલાક ધન્યનામ સંત કવિઓનું માત્ર નામ સ્મરણ કરીએ ત્યાંજ અંતરમાં આનંદ તથા ઉલ્લાસની હેલી પ્રગટ થાય છે. ગાંધીજી કહેતા એમ ‘ કોશીયા ’ (કૂવામાંથી કોશ વાટે ખેતીના હેતુ માટે પાણી ખેંચનારો શ્રમિક – ખેડૂત)ને પણ સમજાય તેવી એકદમ સરળ ભાષામાં સખાયેલી તેમની રચનાઓમાં વેદોની વાણી ઘૂઘવી રહી છે. રવિ-ભાણ સંપ્રદાયના રવિ સાહેબ (ઇ.સ.૧૭૨૭-૧૮૦૪) એ આવા એક ઉચ્ચ કોટીના સાધક હતા. નિર્મળતા – સહજતાનો ધોધ સરળ સ્વરૂપે રવિ સાહેબની સંતવાણીમાં પ્રગટ્યો છે.

મેં પનિહારી રામકી, છીલર જળે ન નહાઉ,

પડદા તોડ પિયાળે પેઠું, નિરમળ જળ ભરી લઉ.

       રામની પનિહારી (પાણી ભરીને લાવનાર)ને તે વળી છીછરા જળમાં – જગતની અસ્થાયી બાબતોમાં શા માટે રસ પડે ? એને તો જ્ઞાનરૂપી, સમજણ સ્વરૂપી મૂળ ઝરણા સાથેજ અનુસંધાન સાધવું છે. કવિ શ્રી બાલમુકુન્દ દવેના શબ્દો યાદ આવે.

છીછરા જળમાં હોય શું નહાવું

તરવા તો મઝધારે જાવું

ઓર ગાણામાં હોય શું ગાવું

ગીત ગાવું તો પ્રીતનું ગાવું.

       ભાણ સાહેબ એ કબીર પરંપરાના મોટા તથા પ્રભાવી સંત થયા. રવિસાહેબ એ ભાણ સાહેબના સમર્થ તથા સુવિખ્યાત સંત છે. ભાણ સાહેબની કૃપાનો તેમના જીવનમાં મોટો મહિમા છે. (ગુરૂકૃપાહી કેવલમ્)

ધરણી નહિ આકાશ નહિ,

નહીં દિવસ કે રાત્રી,

અલખ પુરૂષ પ્રકાશિયા,

નહિ દીવો કે બાતી.

       રવિ સાહેબ કહે છે તેમ આ સંતો સ્વયં પ્રકાશિત છે. ‘ પારકા તેજ ને છાયા ’ ઉછીના લઇને તેઓ જીવ્યા નથી. આથીજ તેમની વાણીનો ઉજાસ આજે પણ ઝળાહળા છે. કારણ કે આ વાણી ‘કાલજયી’ છે. જગતના સંતોના મેળામાં આપણી ભાષાના કોઇ પ્રતિનિધિ સંતને મોકલવા હોય તો એ માટે રવિ સાહેબ સર્વ પ્રકારે સુયોગ્ય છે તેવી સાંઇ મકરન્દની વાત ખૂબજ ઉચિત છે.

આનંદ ઘડી, હેતે ભજવા હરિ,

મારો સાહેબો સોહાગી મળિયા

આનંદ ઘડી…

પ્રેમનો પિયાલો મારા ગુરૂજીએ પાયો,

નુરતે ને સુરતે મેં તો નીરખ્યા હરિ.

સત શબદ મારા ગુરૂએ સુણાયો,

જોતાં ને જોતાં અમને વસ્તુ જડી.

રુદિયા કમળમાં હુવા અંજવાળા,

તખત તરવેણી પર જ્યોતું ખડી

કહે રવિરામ સંતો ભાણ પ્રતાપે,

અગમ આસન ઉપર સુરતા ચડી,

મારો સાહેબો સોહાગી મળીયા…

       ભજન એ આપણાં મધ્યકાળના સાહિત્યનું કદાચ સૌથી વધારે લોકપ્રિય થયેલું કાવ્ય સ્વરૂપ છે. ખૂબજ પ્રભાવી તેમજ સરળ વાણીને કારણે તેની પહોંચ ખૂબજ વિસ્તૃત છે. સંસ્કૃત પ્રધાન પૂજા – અર્ચનાની ભાષા કદાચ જન જન સુધી પહોંચવી અને પહોંચે તો સમજાવી મુશ્કેલ હતી. જ્યારે સંતોની આ વાણી માનું દૂધ જે સહજતાથી શિશુના ગળે ઉતરી જાય અને પચે તેવી તેમજ અનોખી છટાવાળી હતી. સાદગી અને સરળતાના આભૂષણો એજ તેની શોભા હતા. રવિ સાહેબ ફરમાવે છે તેમ જેને ‘સાહેબ’ સાથે મેળાપ થયો છે, જેનું અનુસંધાન પરમતત્વ સાથે બંધાયું છે તેને તો ક્ષણે ક્ષણ આનંદ અને ઉલ્લાસપૂર્ણ બની જાય છે. રવિ સાહેબનું આ દર્શન તે અનુભૂતિનું દર્શન છે. આ દર્શન તો રવિરામને થયું પરંતુ તરતજ ઉમેરે છે કે આ ઉપલબ્ધી પોતાની કોઇ વ્યક્તિગત સિધ્ધિ કે વિશિષ્ટતાને કારણે નથી. આ તો ગુરુ ભાણ સાહેબની પ્રસન્નતા તથા ઉદારતા છે. ગુરુ પ્રતાપેજ રવિ સાહેબ પોતાને તથા ‘ભાણફોજ’ ના બીજા શિષ્યોને અમૂલ્ય જ્ઞાનનો પ્રકાશ સહેજે-સહેજે પ્રાપ્ત થયો છે તેમ કહે છે. ‘સબસે ઊંચી પ્રેમ સગાઇ’ નો મંત્રઆ સંતવાણીના સર્જકોએ સહજ રીતેજ ગાયો છે તથા લોકસમૂહમાં પ્રસર્યો છે. જીવનમાં સ્નેહ તથા આનંદના તાણાવાણા ગૂંથવાનો રવિ સાહેબનો સંદેશ મન, બુધ્ધિ, ચિત્ત તથા અહંકારની પહોંચ બહાર છે. આથીજ રવિ સાહેબ તેમાં સુરતાના પ્રભુત્વની વાત કરે છે.

બંગાળમાં પ્રાચીન કાળથી એક મરમી તથા માનવતાપ્રધાન બાઉલ લોકોની ઉજળી પરંપરા ચાલી આવે છે. કવિગુરૂ ટાગોરની રચનાઓ પર પણ તેનો પ્રભાવ હોય તેમ માનવામાં આવે છે. ગુજરાતમાં રવિભાણ સાહેબની ઉજળી પરંપરા પણ આવીજ પ્રભાવી, નિર્મળ તથા જીવન માટે પથદર્શક છે. તેથીજ તે વાણી સર્વકાળે પ્રાસંગિક છે.

સંત જ્ઞાનેશ્વરના અર્થસભર શબ્દોને મકરંદભાઇ યાદ કરાવે છે. ‘સંત કૃપાદીપકુ સોજવળ અસે’ સંતોનો કૃપાદીપ ઝળહળી રહ્યો છે એજ આપણું સદભાગ્ય છે. આ કૃપાદીપનું અજવાળું સૌને સુલભ છે.

***

Leave a comment

Blog at WordPress.com.

Up ↑