: સંતવાણી સમીપે : મૂળ વિનાનું ઝાડવું.. પાયેથી પડનારું.. : 

સંતવાણીના સર્જકોની શક્તિ તેમની વાણી અને પાણીને પરખવાની કોઠાસૂઝમાં હતી. વાણીના એ વેપારી ન હતા. તેમની વાણીના એક એક ઘૂંટડે જીવતર ઉજળા થાય તેવી સરવાણી આ સંતોની કલમેથી સદીઓથી સતત – સહજ વહેતી રહી છે. આ સંતો કોઇ પંથ – સંપ્રદાય કે પરંપરાના પણ કેદી ન હતા. સમય આવે ત્યારે અન્યાયી કે શોષણયુક્ત પરંપરાને તેમણે મૂળમાંથી પડકારી છે. આથી નરસિંહનો બગાવતી મીઝાઝ કોઇ કોઇ રચનામાં વિશેષ મહોરી ઊઠતો જોવા મળે છે. 

એવા રે અમે એવા,

તમે કહો તો વળી તેવા,

ભક્તિ કરતા જો ભ્રષ્ટ કહેશો,

કરશું દામોદરની સેવા…

મૂળ છત્રાવા (ઘેડ વિસ્તાર – પોરબંદર જિલ્લો) ગામના કવિ શ્રી પિંગળશીભાઇ લીલા ઘણાં વર્ષો સુધી જામનગરમાં રહ્યાં. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના દીર્ઘદ્રષ્ટા કુલપતિ સ્વ. શ્રી ડોલરરાય માંકડની પ્રેરણાથી સૌરાષ્ટ્રના લોક પરંપરા – ચારણી પરંપરાના સાહિત્ય સર્જકોનું સન્માન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ૧૯૬૯ માં કર્યું ત્યારે કવિ શ્રી દુલા ભાયા કાગ સાથે પિંગળશીભાઇનું પણ બહુમાન તેમના સર્જન કાર્ય માટે થયું હતું. કવિ શ્રી પિંગળશીભાઇ સમર્થ વાર્તાકાર મેઘાણંદ બાપાના સંતાન તથા પહાડી અવાજના માલિક મેરૂભા ગઢવીના નાનાભાઇ. મેઘાણંદભાઇને ૧૯૩૬ માં ક. મા. મુનશીએ મુંબઇના એક કાર્યક્રમમાં ‘નિરક્ષર સાક્ષર’ કહીને બીરદાવ્યા હતા. આથી સાહિત્ય સર્જન તથા કથનના સંસ્કાર તેમને વારસામાં મળેલા હતા. કવિની રચનાઓમાં ભજનવાણીનો પ્રવાહ કુદરતી ઝરણા જેવો રેલાયો છે. કવિની રચનાઓમાં વૈવિધ્યતા તથા સરળતાનું સુંદર મિશ્રણ છે. 

મનવા શું કરે મારું મારું

આમા તલભારેય નહિ તારું.

આ પીંજરમાં પંખી બેઠું રૂડું ને રૂપાળું

કોઇન જાણે એની કરામત ઓચીંતું ઉડનારું

ચાર દિવસની ચાંદની તો આપે છે અજવાળું

ઉગ્યો સૂરજ આથમી જાશે ચારેકોર અંધારું…

સોના જેમ સાચવતો તું આ પીંજરીયું ૫યારું

મૂળ વિનાનું ઝાડવું આ પાયેથી પડનારું…

કાયા માયાની શું કરવાની મોંઘામૂલી મનવારું

પિંગળશી કહે સીતારામનું સ્મરણ થાયતો સારું…

મનવા શું કરે મારું મારું.

જીવનમાં મોહ અને મમત્વના આવરણ ઉપર સંતવાણીમાં ઘણું લખાયું છે. શાસ્ત્રોનીજ વાત આ ભક્તકવિઓએ સરળ ભાષામાં જન જન સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. રાજેશ વ્યાસ ‘‘મિસ્કીન’’ના ફરી-ફરી સાંભળવા ગમે તેવા શબ્દો આ સંદર્ભમાં યાદ આવે. 

તારું કશુ ન હોય તો છોડીને આવતું

તારુંજ બધું હોય તો છોડી બતાવતું.

આ છોડવાની વાતમાં સ્થૂળ સ્વરૂપે તો દુન્વયી ચીજોનો અણસાર આવે પરંતુ સૂક્ષ્મ રીતે મનની મમત, પૂર્વગ્રહો, અનિષ્ટ ભાવ છોડવાની દિશામાં ડગ ભરવા માટે આ કવિઓનું સમાજને સૂચન – માર્ગદર્શન છે. કાયાનું ઝાડ અને તે પણ મૂળ વિનાનું – નાશવંત – હોવાથી તેની ક્ષિણ થવાની, વિલિન થવાની અનિવાર્ય પ્રક્રિયા તરફ આપણે સચેત છીએ કે કેમ અને ન હોઇએ તો આ કવિઓ ચેતવણીનો સૂર છેડતા રહે છે. કસોટી આપણી વિવેકબુધ્ધિની છે. સ્વામી આનંદ કોઇ જગ્યાએ થોડા શબ્દોમાં કહેવાયેલી કોઇ પ્રાચીન ભજનની વાતનો ઉલ્લેખ કરતાં જે સાંભળવા – સમજવા જેવી લાગે છે. 

ઝીણા રે પેરો તમે 

ઝાડા રે પેરો 

પેરોને મલમલ ખાસા 

રૂપિયે ગજ કેરા મશરુ પેરો 

(તોયે) મરણ કેરી આશા.. 

સંસારની બાબતો, પદ-પ્રતિષ્ઠાના વળગણો તેમજ ટૂંકા સમયમાં મહત્તમ ભૌતિક સવલતો મેળવવાની મહેચ્છાને કવિ ચાર દિવસની ચાંદની સાથે સરખાવે છે. આ બધી બાબતોના અસ્થાયીપણાને કારણે તે તરફની મમત ઓછી કરવા સૂચવે છે. રામચરિત માનસમાં ‘ જનક વિદેહી ’ નું પાત્ર આવી સૂઝ ધરાવીને નિર્લેપ ભાવે સત્તા – સમૃધ્ધિ વચ્ચે સ્વસ્થ બતાવવામાં આવેલું છે. શાસ્ત્રોએ સમાજ સામે જનકરાજા જેવા કેટલાક આદર્શોની આરસી પણ ધરેલી છે કે જેમાં પ્રેરણા મળી શકે તેવા ઠોસ ચરિત્રોની વાત હોય છે. સમજ તો સૌએ પોતાની મેળે કેળવવાની રહે છે. આવી સમજ કેળવવાની દ્રષ્ટિ પણ વિકસે તો દિશા જરૂર મળી રહે છે. તે માટેના પ્રયત્નોમાં કવિએ ફરી નામસ્મરણનું અમૂલ્ય તથા ભરોસાપાત્ર ઓસડ સૂચવ્યું છે. જે સૌને સુલભ પણ છે. કેટલીયે સદીઓ પછી પણ જેમની રૂબાઇઓ (ફારસી કવિતાનો એક પ્રકાર) આપણી સ્મૃતિમાં જીવંત છે તેવા દાર્શનિક ઉંમર ખયામની રૂબાઇનો ‘શૂન્ય’ પાલનપુરીએ કરેલો ભાવાનુવાદ યાદ આવે તેવો અર્થસભર તથા શૂન્યના સ્પર્શથી બળુકો બનેલો છે અને તેથી માણવા જેવો છે. 

અંત જેનો ખાક છે, એવા જીવનમાં ઓ ખુદા

આ બધો શણગાર શાને ? આટલું શાને જતન.

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑