કેટલાંક વ્યક્તિત્વ એવા હોય છે કે જેમને સદેહે જોવાની તક ન મળી હોય છતાં તેમનું નામ સ્મરણ કરીએ અને તરત જ અંતરમાં આનંદ અને ઉલ્લાસ આપમેળે પ્રગટ થાય છે. આવું એક ધન્યનામ એટલે મુકુન્દરાય પારાશર્ય. યોગાનુયોગ ૨૦૧૪ નું વર્ષ તેમની જન્મશતાબ્દીનું વર્ષ પણ છે.
‘‘ મરને તળિયે જીવીએ, દૂનિયા દેખે નૈં ,
મકના, એવી છીપ થા કે મોતી પાકે મૈં.’’
પ્રસિધ્ધિની રજમાત્ર પરવા કર્યા સિવાય માત્ર કર્મની કેડીએ ડગ માંડવાના સંસ્કાર આ ભાવનગરી કવિને વિચક્ષણ દિવાન સર પ્રભાશંકર પટ્ટણીના જીવનમાંથી મળ્યા હોય તે બનવા જોગ છે. સંસારમાં રહીને, સાંસારીક જવાબદારીઓ નિભાવીને પુષ્પની જેમ સતત સંસ્કારની સુગંધ પ્રસરાવતા આ નખશીખ સૌજન્યશીલ અને સૌમ્ય સર્જકને ગુજરાતીઓ કદી વિસરી શકશે નહીં. એમની ભાતીગળ સ્મૃતિ એમના સર્જનો થકી રંગ રેલાવતી રહેશે. મકરંદી ગુલાલ એમણે પણ રેલાવી જાણ્યો છે
અમે તો જઇશું અહીંથી પણ આ
અમે ઉડાડયો ગુલાલ રહેશે.
‘ સત્યં પરમ્ ધીમહિ’નો મંત્ર જીવી જનાર આ સર્જક સત્યકથાઓ લખીને સમાજ પર પોતાનું રૂણ ચડાવીને ગયા છે. તેઓએ માત્ર સત્યકથાઓ લખી હોત તો પણ અમરત્વને વર્યા હોત એ નિર્વિવાદ છે. પરંતુ તેમણે તો અનેક સર્જનો થકી આપણા સાહિત્યની શોભા વધારી છે. એમની રચનાઓમાં ભાવ સહજતા તથા પ્રવાહીતાનો સુભગ સમન્વય જોવા મળે છે.
એની ગાંઠે ત્રણ ભોમનું નાણું
સાધુડા ! જેના મનડામાં મોતી બંધાણું
મોતી બંધાણું એનું દળદર દળાણું વ્હાલા !
છુટયું સંસારનું સરાણું,
હું પદના બંધવાળુ, કંચનકામિનીવાળું
જીવતર છે રાખનું છાણું …. સાધુડા ! ….
મોતી બંધાણું એનું સગપણ સંધાણું વ્હાલા !
લાધ્યું અનન્તનું લ્હાણું,
અમરત જીવનનું એને સહજ સમાધિમાંહે
વાયું કાલાતીત વ્હાણું … સાધુડા ! …
મોતી બંધાણુ એથી ગોકુળ વસાણું વ્હાલા !
જમુનાના નીરમાં નવાણું,
માધવની સંગે વ્રજમાં રાસે રમાણું વ્હાલા !
માધવના રહીને જિવાણું .. સાધુડા ! …
મોતી બંધાણું એનું અંતર છલકાણું વ્હાલા !
એથી સચરાચર ધરાણું,
એની પદરજને છોડી, મનને વૈકુંઠે જોડી,
નહીં રે મુકુન્દથી જવાણું …….
સાધુડા ! જેના મનડામાં મોતી બંધાણું.
બંસીધર કૃષ્ણના રંગે રંગાઇને મહોરી ઉઠેલી ગોપી જે ઉર્મિ વ્યકત કરે છે તે આ રચના વાંચીને ફરી યાદ આવે.
વ્રજ વ્હાલું રે ! હું વૈકુંઠ નહી આવું.
ત્યાં નંદકુંવર કયાંથી લાવું ? વ્રજ વ્હાલુ રે !
પ્રિતમના રંગે રંગાયેલાને તો અહીં જ ‘અનન્તનું લ્હાણું’ છે તેને વળી વૈકુંઠની વાટે જવાની, એષણા કયાં છે ? માધવની સંગે જે વ્રજમાં વસે એનું દળદર તો આપમેળે દળાય છે જેના મનમાં મોતી બંધાણું છે અને તેથી જેને પરમતત્વની અનુભૂતિનો અહેસાસ છે તેની ગાંઠે તો ત્રણેય ભોમનું નાણું છે. તેવો નિજાનંદે જિવનાર કોઇનો ઓશિયાળો નથી.
સંતવાણીની આ સરળતાએજ જ્ઞાન માર્ગના ઉત્તમ તત્વો સહજ રીતે ધારણ કરીને જનજન સુધી પહોંચાડ્યા છે. આવા સ્નેહ નિતર્યા સંતો તથા કવિજનોની સત્વપૂર્ણ વાણીએ અને આ વાણીમાં ધબકતા પાત્રોએ ગ્રંથની ગૂંચવણ લાગતી હોય તો પણ તેના તાણાવાણા ઉકેલીને ભાવકના દિલમાં સ્નેહ, શ્રધ્ધા તથા ભક્તિના દીવા પ્રગટાવ્યા છે. કવિ મુકેશ જોશીના સુંદર શબ્દો યાદ આવે છે.
કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા
મુકુન્દભાઇએ લખેલા કથા, પ્રસંગો, વ્યક્તિત્વ દર્શન કે કાવ્યો વાંચીને અમીના ઓડકાર આવે તેવું સત્વ તેમાં ઘરબાયેલું છે. મનડામાં બંધાયેલું આ મોતી એ બાહ્ય જીવનની શોભા વધારવા માટેનું નથી કે નથી દેખાવ કરવા માટેનું આભુષણ. એ મહામૂલા મોતીના ઘેરા રંગોએ કવિને ભીંજવ્યા છે. તેથી જ કવિ કહે છે તેમ માધવના રહીને જીવી જવાનો કિમીયો તેમને હાંસલ થયો છે. કવિની જન્મશતાબ્દીએ તેમની સ્મૃતિ-વંદના કરવી ખૂબ જ ગમે તેવું હર્યુભર્યુ જીવન જીવીને તથા અમૂલ્ય પ્રદાન કરીને તેઓ ગયા. તેમના અનેક સર્જનો આપણી ભાષાના સુશોભિત મહાલયો થઇને ઉભા રહેશે જ. પ્રકૃતિનું સત્વ તથા તેનું સ્થાયીપણું તેમના સાહિત્યમાં સુપેરે વણાયેલું છે. કવિ કલાપી લખે છે તેમ તેમની સ્મૃતિના તથા તેમના સર્જનોના સંભારણા સમગ્ર પ્રકૃતિનો હિસ્સો બનીને શોભી રહેલા છે.
કુરંગો જયાં કૂદે ભોળાં, પરિન્દાના ઉડે ટોળાં,
કબૂતર ઘૂઘવે છે જયાં, અમારા મહેલ ઉભા ત્યાં !
(વી. એસ. ગઢવી)
Leave a comment