દરેક પ્રદેશને પોતાનો આગવો ઇતિહાસ હોય છે. ઇતિહાસ તેના ગર્ભમાં અનેક સારી – માઠી ઘટનાઓ સાચવીને બેઠો છે. ‘‘જૂનું તેટલું ઉત્તમ’’ એ સૂત્ર જેમ તર્કસંગત ગણાય નહિ તેજ રીતે ‘‘જૂનું માત્ર નકામું અને કાલબાહ્ય’’ તેવી માન્યતા પણ ભયજનક છે. ઇતિહાસકારો નિરક્ષીરની દ્રષ્ટિ રાખીને જે તારવણી કરે છે તે ઘણાં કિસ્સામાં ભાવી પેઢીઓને જે તે સમયના મૂલ્યાંકનમાં તથા ભાવી વ્યવસ્થાના આયોજનમાં ઉપયોગી થઇ શકે છે. ઇતિહાસના આલેખનમાં ઇતિહાસ દ્રષ્ટિ હોવી જરૂરી છે. ઇતિહાસ એક વિસ્મયપર્વ સમાન લાગે છે. તેની ભવ્યતા અનેક સમયે આંજી નાખે અને તથ્યો વિસરાય તેવો ભય રહે. તેજ રીતે કેટલાક મતાગ્રહોને કારણે આપણે કે આપણાં મર્યાદિત સમૂહે માની લીધેલી વાત ખરી છે તેમ માની કેટલાક કિસ્સામાં જેનો ઉલ્લેખ થયા કરે છે તેવી વાતોમાં પણ કલ્પનાના તત્વો ઉમેરવા તેવું વલણ જોવા મળે છે. ઇતિહાસના તંદુરસ્ત અવલોકન માટે આવી બાબતો ઉપકારક બનતી નથી. આ બધી મર્યાદાઓ તથા સંશોધનના ક્ષેત્રે કામ કરવાની વિશાળ તકો વચ્ચે પણ આજે ધૂળ-ધોયાનું કામ કરનારા લોકો છે તે મોટા આશ્વાસનનો વિષય છે. ‘‘બહુરત્ના વસુંધરા’’ ની વાતમાં તેથી આપણી શ્રધ્ધા પુન: પ્રગટે છે. આથી ઇતિહાસના અભ્યાસુઓને ઉપયોગી થાય, સુરૂચિ કેળવાય તેમજ માર્ગદર્શક પણ બને તેવું કામ સ્નેહી ભાઇ શ્રી ડૉ. ધીરૂભાઇ વાળાએ કર્યું છે. પ્રો. ડૉ. એસ. વી. જાનીના શિષ્ય હોવાનું ઠોસ પ્રમાણ તેમણે સુવિખ્યાત ઇતિહાસવિદ્ ડૉ. પ્રદ્યુમ્ન ખાચર વિશે સર્વગ્રાહી પરિચયાત્મક બાબતો લખીને આપ્યું છે. નાના – મોટા પ્રસંગોએ કેટલાક શૈક્ષણિક કાર્યમાં જોડાયેલા વરિષ્ઠ અધ્યાપકોને મળવાનું થાય છે ત્યારે સામાન્ય રીતે તેઓ પાસેથી એક ફરિયાદનો સૂર સાંભળવા મળે છે કે યુવાન અધ્યાપકો અધ્યયન – સંશોધન પાછળ જોઇએ તેટલો સમય આપતા નથી. આ વાતમાં કદાચ તથ્ય પણ હશે. પરંતુ ધીરૂભાઇ જેવા યુવાન અધ્યાપકોના આવા શૈક્ષણિક કાર્યોના સાક્ષી બનીએ ત્યારે સંતોષની લાગણી થાય છે અને કદાચ નિરાશા હોય તો પણ પુન: શ્રધ્ધાનો સંચાર થાય છે. ભગવાનલાલ ઇન્દ્રજી કે ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રીની ઉજળી કાર્યશૈલી કે તેવી કર્મઠતા તથા નિષ્ઠા ધરાવતા અધ્યાપકો આજે પણ આપણી વચ્ચે છે તેની પ્રતિતિ અને સંતોષ થાય છે.
પ્રાધ્યાપક ધીરૂભાઇ વાળાના પુસ્તક ‘‘ઇતિહાસનો આરાધક’’ જોઇએ ત્યારે ડૉ. પ્રદ્યુમ્ન ખાચરના ઇતિહાસના ક્ષેત્રે વિશાળ પ્રદાન તેમજ તેની સાંપ્રત ઉપયોગીતા વિશે વિશેષ ખ્યાલ આવે છે. ઇતિહાસમાં રસ ધરાવનાર કોઇ સામાન્ય વ્યક્તિને પણ રસ પડે તથા જાણકારી મળે તેવું આ પુસ્તક જોયા પછી લાગ્યા કરે છે. ઇતિહાસના વિદ્યાર્થીઓ તેમજ યુવા અધ્યાપકોને ડૉ. ખાચરના પ્રદાનમાંથી પ્રેરણા તેમજ જાણકારી ઉપરાંત માર્ગદર્શન પણ મળી શકે છે. આ પુસ્તક વાંચતા કે ડૉ. ખાચરની કોઇ કૃતિ માણતા હોઇએ ત્યારે જણાય છે કે તેમણે જે લખ્યું તેના ચોક્કસ આધાર પરિશ્રમ કરીને તેમણે શોધ્યા છે અને પછી જ લખ્યું છે. ડૉ. ખાચરના લખાણોમાં તટસ્થતા પણ એટલી જ જોવા મળે છે. અમૂક પ્રસંગોમાં ભાવાવેશ હેઠળ Larger than life જેવું ચિત્રણ કરવાને બદલે ક્ષતિ કે નબળાઇ તરફ પણ સ્પષ્ટ વિગતો ટાંકીને ધ્યાન દોર્યું છે. આ રીતે લખાણની વિશ્વસનિયતા ચોક્કસ વધે છે. મહાત્મા ગાંધીએ પોતાના જ ચરિત્ર આલેખનમાં જે સમયે તેમના મનમાં કે વિચારમાં પણ કોઇ નબળાઇનો અણસાર સુધ્ધા આવ્યો હોય તેનો પણ પોતાના લખાણમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો તે જાણીતી બાબત છે. આથી લખાણની – કથનની વિશ્વસનિયતા ચોક્કસ વધે છે. આથી આજે પણ ગાંધીજીની આત્મકથા જગતના દરેક ખૂણે વિવિધ ભાષાઓમાં અનુવાદિત થઇને વહેંચાય છે – વંચાય છે તે સામાન્ય ઘટના નથી. ઇતિહાસના લેખકે પોતાના કથન માટે અનેક જગાએ શોધખોળ તેમજ અલગ અલગ સ્ત્રોત તપાસવા જોઇએ તે બાબત ડૉ. ખાચરના કાર્યમાં જોઇ શકાય છે. આ કાર્ય માટે તેઓએ મનોરથ નહિ પરંતુ સખત પરિશ્રમ કર્યો હશે. કોઇપણ સંશોધકને પુરોગામીઓની મહેનતના પરિપાકરૂપે જે વિગતોનો – હકીકતોનો સમૃધ્ધ વારસો મળ્યો હોય તે પણ ખૂબ હાથવગો તથા ઉપયોગી બને છે. આ લાભ ડૉ. ખાચરે કાળજી અને ચોકસાઇ રાખીને લીધો છે. એકંદરે ડૉ. પ્રદ્યુમ્ન ખાચરે જે નક્કર કામગીરી ઇતિહાસના સંશોધન તથા દસ્તાવેજીકરણના ક્ષેત્રે કરી છે તેનાથી ઇતિહાસનો અભ્યાસ કરનારા તમામ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પણ મૂલ્યવાન ઐતિહાસિક સામગ્રી મળશે કે જેથી તેમનો રસ આ વિષયમાં જળવાશે તથા તેમાં વૃધ્ધિ પણ થશે. પાંચાળની ઐતિહાસિક ભૂમિમાં જન્મ લઇને ઇતિહાસના વિશાળ રત્નાકરમાંથી મોતી વીણીને સમાજના ચરણે ધરનાર આ અધ્યાપકે પોતાનું અધ્યાપકપદ દીપાવી જાણ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છ ઇતિહાસ પરિષદની કામગીરીમાં વિશેષ રસ લઇને આ સંસ્થામાં પણ તેમણે વિવિધ જવાબદારીઓ સંભાળી. પરિષદની કાર્યવાહીને વિશેષ અસરકારક બનાવવા માટેના પ્રયાસો ડૉ. ખાચરે કર્યા. પરિષદના માધ્યમથી ઇતિહાસને સંબંધિત અનેક પ્રકાશનો કરવામાં પણ ડૉ. ખાચરનો સિંહફાળો રહ્યો છે.
કાઠીઓનો પણ એક ભાતીગળ ઇતિહાસ છે. કચ્છ અને સૌરાષ્ટ્રના ઇતિહાસ સાથે તેનો અભિન્ન સંબંધ છે. કાઠીઓના જ્ઞાતિ, ધર્મ, પોષાક ઉપરાંત કાઠીઓના સંતોની તેમજ શૂરવીરતાની પણ ભાતીગળ વાતો છે જે કોઇપણ કાળે કહેવી – સાંભળવી ગમે તેવી છે. તેમાં એક અનોખું સત્વ અને ઓજસ છે. સુપ્રસિધ્ધ કવિ શ્રી મેકરણ ગગુભાઇ લીલાની અમર પંક્તિઓ આ સંદર્ભમાં યાદ આવે છે.
સદા સૂર્ય પૂજક અને
ઉજ્વળ કુળ આચાર,
કહો કિરત કાઠી તણી,
જેણે કીધો કાઠીયાવાડ,
છંદ : ઝુલણા
ધરા પલટે કદી હુકમ ફરતો નહિ,
એવી ખાન સુલતાનની આણ ફરતી,
ફડફડી ઉઠે જ્યાં નિરખતા ફેકરાં,
એવી ફોજ મોગલ તણી દેશ ફરતી,
ઘાટ ખૈબર અને રામેશ્વર દક્ષિણે,
ઝપટમાં દેશને જીતી લીધો,
તેદી અશ્વના સ્વાર થઇ, હાથ તલવાર લઇ,
કાઠીએ કાઠીયાવાડ કીધો.
ડૉ. ખાચરના લખાણોના માધ્યમથી આ અમૂલ્ય ધરોહરની ઝાંખી સમગ્ર સમાજને થઇ છે. એજ રીતે ભૂચર મોરીની ઐતિહાસિક લડાઇ પણ તેના યોગ્ય પરિપ્રેક્ષમાં ડૉ. ખાચરે પ્રકાશિત કરી છે જે પણ એક મહત્વનું પ્રકાશન છે. યુધ્ધસ્થ કથા રમ્ય: એ નાતે વાચકને સારી ઐતિહાસિક સામગ્રી આપવાની સાથે તટસ્થતા તથા ચોકસાઇ પણ જાળવી રાખી છે. ડૉ. ખાચરના બહાઉદ્દીન કોલેજ પરના પુસ્તકમાં પણ આ સંસ્થાના ભવ્ય તથા જાજરમાન ભવનમાં કામ કરનાર અનેક વિદ્વાન અધ્યાપકોની વાત તેમણે કરી છે. આ પુસ્તકના માધ્યમથી નવાબીકાળના શાસનની તેમજ જે તે કાળની સમાજજીવનની અનેક વાતોનો મૂલ્યવાન ખજાનો સમાજને મળ્યો છે. કેટલીક સંસ્થાઓ તેમના અસ્તિત્વ તથા યોગદાનથી જે તે પ્રદેશની શોભામાં વૃધ્ધિ થતી હોય છે. નાલંદા કે તક્ષશિલા જેવી વિદ્યાપીઠો થકી ભારતની સુવાસ અનેક પ્રદેશો સુધી વિસ્તરી છે. એજ રીતે સોરઠની કથા બહાઉદ્દીન કોલેજના ઉલ્લેખ સિવાય પૂરી થઇ શકે નહિ. આજ રીતે ગ્રંથો તથા શિલાલેખો પણ કોઇપણ સંસ્કૃતિના મહત્વના અંગ છે. કચ્છ સૌરાષ્ટ્રના સંદર્ભમાં તો શિલાલેખો – પાળિયાનું એક અનેરૂ તથા આગવું મહત્વ છે. જીવંત ઇતિહાસનો તે એક અભિન્ન તથા ધબકતો હિસ્સો છે. ઇતિહાસના સંશોધનમાં આ એક મહત્વની કડી પણ છે. ખાંભી – પાળિયાએ ભલે વસ્તુત: મૃત્યુ સ્મારકો હોય પરંતુ તેની સાથે જોડાયેલી અદભુત તથા રોમાંચક વાતો પ્રાણવાન પ્રજાના ઉજળા ઇતિહાસની સાક્ષી પૂરે છે. ખાંભી – પાળિયા સાથે સંકળાયેલી કથાઓમાં જીવનમાં નૂતન સ્પંદનો પ્રગટાવવાની શક્તિ છે. ઉપરાંત તેઓ કોઇપણ પ્રદેશના ઇતિહાસની ખૂટતી કડી મેળવી આપવાનું દુષ્કર કાર્ય પણ કરે છે. કવિ શ્રી દુલેરાય કારાણીના પ્રદેશની વિશિષ્ટતાઓને કાવ્યાત્મક પધ્ધતિથી બીરદાવતા મર્મીલા શબ્દો યાદ આવે :
વિકટ વન ડુંગરા વિકટ રણવાટ જ્યાં
વિકટ ભુજ કોટ વંકો ભુજંગી
વિકટ પથરાળ રેતાળ રસ્તા અને
વિકટ રણવીર વીરત્વ રંગી
શૂર, સતીઓ તથા શૌર્યથી સોહતી
પ્રેમ પીયુષના પાન કરણી
ભારતી માતને ખોળલે ખેલતી
ધન્ય હો ! ધન્ય હો ! કચ્છ ધરણી.
‘ઉર્મિ નવરચનાનાં માધ્યમથી જયમલ્લભાઇ પરમારે એક વિશેષાંક ખાંભી – પાળિયા પર ૧૯૭૫ માં કરેલો જે અનેક રીતે યાદગાર તેમજ ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે. ખાંભી – શિલાલેખો આપણાં ઇતિહાસના અમૂલ્ય સ્ત્રોત સમાન છે. તેના સ્વતંત્ર અભ્યાસ માટે પૂરો અવકાશ છે. ઘણી મહત્વની વિગતો સંશોધકોએ પરિશ્રમ કરીને મેળવી છે તો પણ હજુ ઘણી વાતો વણકહી પણ મળી શકે છે. એક પ્રાચીન દુહામાં લખાયું છે :
ઓ પથરાળા પાનડા કવૈ પુરાણી બાત,
અણગળ અભી અણકહી, હાલ ધરાકી ખ્યાત.
ગ્રંથો – શિલાલેખો – તવારીખોના માધ્યમથી પણ ઘણી વાતો પોતાના સંશોધનના ભાગરૂપે ડૉ. ખાચરે મેળવી છે અને ભાવકો સુધી પહોંચાડી છે. ગુજરાત બહારના તેમજ વિદેશના પણ અનેક સંશોધકો પાસેથી વાતો મેળવીને ઇતિહાસના જ્ઞાનની ક્ષિતિજ ડૉ. ખાચરે વિસ્તૃત અને સર્વગ્રાહી કરી છે. વહીવટીતંત્રને પણ કેટલાક વિવાદાસ્પદ તેમજ કપરા નિર્ણયો ભિન્ન મત-મતાંતરો વચ્ચે લેવાના થયા ત્યારે ડૉ. ખાચરના લખાણો – દસ્તાવેજી આધારો ઉચિત નિર્ણય કરવામાં પૂરક બન્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ઇતિહાસના ક્ષેત્રમાં થયેલા કામોમાં – સંશોધનોમાં વિદ્વાન ઇતિહાસકાર શંભુપ્રસાદ દેસાઇ, આજીવન અભ્યાસી ડૉ. એસ. પી. જાની તથા આધારભૂત હકીકતોનો અમૂલ્ય ખજાનો સમાજને ચરણે ધરાવનાર નરોત્તમ પલાણ જેવા ધન્યનામ ઇતિહાસકારો સાથે હક્કથી બેસી શકે તેવું યોગદાન ડૉ. પ્રદ્યુમ્ન ખાચરનું છે તેમ ચોક્કસ કહી શકાય. ઇતિહાસના તથ્યો તારવવાની બાબતમાં માત્ર હકીકતોને નજર સમક્ષ રાખીને તેમણે આલેખન કરવાનો પ્રયાસ કર્યો છે. આ પ્રક્રિયામાં ઇતિહાસકાર લોકરંજક બની શકે નહિ તેજ તેની ખરી કસોટી છે. કેટલીક વાતો ક્યારેક કોઇક નાના વર્ગ કે કેટલીક વ્યક્તિઓને અણગમતી પણ લાગે. પરંતુ ઇતિહાસકારની ખરી કસોટી આવા પ્રસંગે વિવેક જાળવીને તથ્ય આધારિત કથા આલેખવાની થાય છે. તથ્યો કે હકીકતોના અણગમતા સ્વરૂપને કારણે તેમાં સમાધાન થઇ શકે નહિ. આ કસોટીને ખંત અને ધીરજથી સફળતાપૂર્વક પસાર કરવામાં ડૉ. ખાચર ઉણા ઉતર્યા નથી.
ઇતિહાસ એ માનવજીવનનું અભિન્ન અંગ છે. સમાજે સતત વિકસતું રહેવું હોય તો પોતાનો ઇતિહાસ તેના શુધ્ધ સ્વરૂપે સમજવો પડશે. તેનું મૂલ્યાંકન કરવું પડશે. ઇતિહાસની ઉપેક્ષા એ આપણાંજ ઉજળા વારસાની ઉપેક્ષા છે. તેમાંથી નિર-ક્ષિરને જરૂર તારવી લેવાય પરંતુ તેમાંથી અનેક તારતમ્યો એવા મળશે કે જે આપણાં સમાજની ભાવી પેઢીઓને પથદર્શક બની શકે. ઇતિહાસ વિષય સાથે સંકળાયેલા યુવાન પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ તેમજ ઇતિહાસમાં રસ ધરાવનારા સૌ કોઇમાં ઇતિહાસને જોવાની તેમજ સમજવાની દ્રષ્ટિ કેળવવામાં ડૉ. ખાચર તથા ડૉ. ધીરૂભાઇ વાળાના પ્રયાસો એક પૂરક બળ બની રહેશે તેવી શ્રધ્ધા રાખવી અસ્થાને નથી.
તેજ – તણખો
ઇતિહાસમાં કેટલીક સંસ્થાઓના નામ ભારે આદરથી લેવાય છે. આવી સંસ્થાઓ ઘણીવાર પ્રદેશની શોભા કે તેની ઓળખ બની રહે છે. દેશ આઝાદ થયો તે પૂર્વે લગભગ ૧૦૦ વર્ષ પહેલા કચ્છમાં સ્થપાયેલી વ્રજભાષા પાઠશાળા આવું એક નામ છે. મહારાવ દેશળજીના સુપુત્ર રાવ શ્રી લખપતજીની કાવ્ય સમજ તથા સંસ્કારવૃત્તિ તેમજ કવિ હમીરજી રત્નુના પ્રભાવથી કવિઓ તૈયાર કરવા માટે આ મહાવિદ્યાલય જેવી સંસ્થાની સ્થાપના કરવામાં આવી. વ્રજભાષા પાઠશાળાના સાહિત્ય અને શૈક્ષણિક યોગદાનને કારણે આ સંસ્થા લગભગ એક સદી સુધી કચ્છની અનોખી ઓળખ બનીને કાર્યરત રહી. એજ રીતે સિંધી સાહિત્ય તેમજ તે ભાષામાં રચવામાં આવેલ કથાગીતો તેમજ સૂફી વાતો પણ સાહિત્યની દ્રષ્ટિએ, સર્જકોની દ્રષ્ટિએ સમૃધ્ધ છે. આથી જ સિંધી સાહિત્ય અકાદમીની રચના અને તેના પ્રકાશનો થકી આ ભાષાની સમૃધ્ધિનો અણસાર સમાજને મળ્યો છે. કચ્છના મારા ફરજગાળા દરમિયાન ખાસ કરીને માધ્યમિક શિક્ષણના ક્ષેત્રમાં ‘સારસ્વતમ્’ નું યોગદાન જોઇને પ્રભાવિત થવાયું હતું. શ્રી ઝુમખલાલ મહેતા જેવા કર્મઠ અને નિષ્ઠાવાન કર્મયોગીના સંપર્કને કારણે આ સંસ્થાઓની મુલાકાત લેતા આ કામગીરીનો વિશેષ પરિચય થયો. દૂર – સુદૂરના વિસ્તારમાં વ્યાપારી ધોરણે કોઇ ગણતરી કર્યા સિવાય સ્થપાયેલી શાળાઓથી પ્રદેશની શોભા તો વધી જ પરંતુ શિક્ષણનો વ્યાપ પણ વધી શક્યો. સુરેન્દ્રભાઇ શેઠ તથા વિજ્યાબેન શેઠનું પણ એજ સંદર્ભમાં જરૂર સ્મરણ થાય. ઇતિહાસની ખરી શોભા આવી સંસ્થાઓ છે જેણે પ્રદેશના કે દૂરના વિસ્તારોના નાગરિકોના શિક્ષણ તેમજ સંસ્કાર ઘડતરમાં મહત્વનું યોગદાન આપેલું છે.
***

Leave a comment