ભારતના સ્વાધિનતા સંગ્રામમાં અહિંસાના ગાંધીચિંધ્યા માર્ગે ચાલનારા સત્યાગ્રહિઓનો મહત્વનો ફાળો હતો તથા સમગ્ર વિશ્વને અહિંસક પ્રતિકારની એક નૂતન પ્રથાનું દર્શન થયું હતું. ક્રાંતિના કંટકભર્યા રસ્તે સર્વસ્વનું બલિદાન આપનારા ક્રાંતિવીરોનું પણ મોટું યોગદાન માતૃભૂમિને મુક્તિ અપાવવાના કાર્યમાં હતું. વિશ્વના ઘણાં લોકો ગાંધીજીએ શરૂ કરેલા આંદોલનની પવિત્રતાથી તેમજ તેનાથી અલગ વિચારધારા તેમજ અલગ પધ્ધતિથી બલિદાનની ઉજ્વળ ગાથાઓનું નિર્માણ કરનારા ક્રાંતિકારીઓની ગતિવિધિઓથી પ્રભાવિત થયા હતા. મુક્તિના આ મહાસંગ્રામમાં કવિઓ – સાહિત્યકારો પાછળ રહ્યા ન હતા. એ સમયકાળમાં એવા સાહિત્યનું નિર્માણ થયું કે રાષ્ટ્રના આમ સમૂહમાં એક જુસ્સાનું તથા જાગૃતિનું તત્વ જીવીત કરવામાં સાહિત્યનું પણ અમૂલ્ય યોગદાન પ્રાપ્ત થયું. હિન્દના દેશી રાજ્યો જ્યારે અંગ્રેજોના પ્રભાવમાં આવી પોતાનું સ્વત્વ ગુમાવતા હોય તેવી પ્રતિતિ સમગ્ર સમાજને થવા લાગી ત્યારે તે સમયકાળના ચારણ કવિઓએ વીરતાના – ચેતવણીના સૂરો ઉચ્ચાર્યા હતા. આ રાજકવિઓની નિષ્ઠા માત્ર વ્યક્તિગત રાજવી પૂરતી જ મર્યાદિત ન હતી. તેમની વફાદારી તેમજ નિષ્ઠા જે તે રાજવી કુળના ઊજળા પારંપારિક સંસ્કારો તથા તેમના આભથી ઊંચા પૂર્વજોના ઉજળા ઇતિહાસ તરફ પણ હતી. આ કવિઓનો હિસ્સો પણ આ ભવ્ય પરંપરાનું નિર્માણ કરવામાં મહત્વનો હતો અને તેથી તેના રક્ષણ માટે તેમની કટિબધ્ધતા રાજવી કરતા સહેજ પણ ઓછી કે ઊતરતી ન હતી.
ઠાકુર કેસરીસિંહજી બારહઠ્ઠ ક્રાંતિવીરોના તારામંડળના એક તેજસ્વી તારક સમાન હતા. ઠાકુર સાહેબનો જન્મ ૨૧ મી નવેમ્બર, ૧૮૭૨ ના રોજ થયો હતો. તેમના પિતાશ્રી ઠાકુર કૃષ્ણસિંહજી ઇતિહાસના-મર્મજ્ઞ, લેખક તથા સમાજમાં પોતાની વિદ્વતાના કારણે વિશિષ્ટ આદરમાન ધરાવતા વ્યક્તિ વિશેષ હતા. ઠાકુર કૃષ્ણસિંહજીએ ‘‘રાજપુતાના કા ઇતિહાસ’’ ઉપરાંત સૂર્યમલજી મિસણની પ્રસિધ્ધ ઐતિહાસિક રચના ‘વંશભાસ્કર’ ની ટીકા લખી છે. ઠાકુર કૃષ્ણસિંહજી મહર્ષિ દયાનંદ સરસ્વતિના સ્વાભિમાન તથા શિક્ષણના ઉમદા વિચારોથી પ્રભાવિત હતા. ઠાકુર સાહેબના બન્ને સુપુત્રો – કેસરીસિંહજી તથા જોરાવરસિંહજીએ માભોમની મુક્તિ માટે આપેલા આકરા બલિદાન એ રાજસ્થાનની મુક્તિ ચળવળના સુવર્ણપૃષ્ઠ સમાન છે. તેવા જ ઉજળા બલિદાનની ગાથા ઠાકુર સાહેબના સુપુત્ર કુંવર પ્રતાપસિંહની છે. કુંવર પ્રતાપનો જન્મ ૧૮૯૩ માં સંસ્કારી તથા પહાડ જેવી દ્રઢતા ધરાવનાર માતા માણિક્ય કુંવરની કૂખે થયો હતો. વર્ષો પહેલા હિન્દીના સુપ્રસિધ્ધ સામયિક ધર્મયુગમાં એક વરિષ્ઠ અધ્યાપકે લખેલો લેખ વાંચ્યો હતો જેમાં તેમણે કેસરીસિંહજીના પરિવારના સર્વગ્રાહિ બલિદાનને કારણે રાજસ્થાનનો સ્વાતંત્ર્ય પ્રાપ્તિ માટેનો ઇતિહાસ અધિક ઉજળો થયો છે તેવું પ્રતિપાદિત કર્યું હતું. એક કુટુંબના બલિદાનની કેવી ઉજ્વળ ગાથા ! ઠાકુર સાહેબે પોતાની જાત ઉપરાંત પોતાના લઘુબંધુ, પ્રિય પુત્ર કુંવર પ્રતાપસિંહ તથા જમાઇને પણ સ્વાતંત્ર્ય સંગ્રામની વેદી ઉપર અર્પણ કર્યા. આ પરિવારે સ્વધર્મનો કપરો માર્ગ છોડવાનો ક્યારે વિચાર સુધ્ધા પણ કર્યો ન હતો. સુવિખ્યાત ક્રાંતિકારી રાસબિહારી બોઝે લખ્યું છે કે આઝાદી જંગમાં પિતાએ પુત્રને મોકલ્યાનો દાખલો છે પણ પોતાના જમાઇને પણ તેમાં હોમી દેવાનું ઉદાહરણ ઠાકુર કેસરીસિંહ સિવાય કોઇ કિસ્સામાં જોવા મળતું નથી. નીચેના અમર શબ્દો લખવાનો તથા ગાવાનો તેમનો ખરેખર અધિકાર બનતો હતો.
સંતાન સચ્ચે અભય હો
તેરેહી તારન તરની હમ
સામર્થ્ય દે માં કર શકે
યહસિધ્ધ ચારન બરન હમ.
જય જય ભવાની અંબીકે
કરની ! તિહારી શરન હમ.
ઉપરની સુપ્રસિધ્ધ પ્રાર્થનામાં આઇ કરણીજી પાસે માગ્યું હતું તેવું જ ઉજળું જીવન જગદંબાએ તેમને જાણે કે વરદાનમાં આપ્યું હતું. સામર્થ્ય પણ કેવું ! સુપ્રસિધ્ધ વિદ્વાન પંડિત માખનલાલ ચતુર્વેદીએ ઠાકુર સાહેબના દેહાવસાન પછી તેમને શ્રધ્ધાંજલિ સ્વરૂપે લખ્યું કે ‘વે ભારત કી સમર્થ સંતાન થે’ ‘‘રાજસ્થાન કેસરી’’ તરીકે તેમનો અનેક જગાએ ઉલ્લેખ થયો છે.
ઠાકુર કેસરીસિંહજીએ કેટલીક એવી બાબતોમાં પણ યોગદાન આપ્યું છે કે તે જોઇને તેમની ઊંચી બુધ્ધિ – પ્રતિભા તેમજ વિવિધ વિષયોમાં વિદ્વતા જોઇને આજે પણ તેમના તરફ અહોભાવની લાગણી થાય. ૧૯૦૫-૧૯૦૬ ના સમયાગાળમાં તેમના કોટા રાજ્યના સેવાકાળ દરમિયાન આપણાં પ્રાચીન વેદોના પ્રકાશનનો તેમણે સંકલ્પ કર્યો. ચારે વેદનું હિન્દી ભાષામાં શુધ્ધ રીતે અવતરણ થાય અને તે રીતે આ દેશની અમૂલ્ય સંપત્તિ સમાન જ્ઞાન તથા ઉજળા સંસ્કારોનો ખજાનો જનસમૂહ સુધી પહોંચાડવાનો તેમનો આ પ્રયાસ હતો. ઠાકુર સાહેબ માનતા કે વેદોના જ્ઞાનથી આપણાં દેશની સાંસ્કૃતિક તેમજ સામાજિક એકતા સિધ્ધ થઇ શકશે. અંગ્રેજી શાસન તથા કેળવણીના પ્રભાવ હેઠળ પોતાનીજ અસ્મિતા તરફ સભાન નહિ રહેવાને કારણે માનસિક રીતે પણ આપણે ગુલામીના માનસ તરફ ઢળ્યા હોઇએ તે સ્થિતિનું તેમને સ્પષ્ટ દર્શન થયું હતું. આથી વેદોના અમર સ્તુતિગાન દ્વારા દેશના લોકોના આત્મ સન્નમાનને ઢંઢોળવાની તેમની આ ખૂબજ ગણતરીપૂર્વકની યોજના હતી. તેઓ પોતે પણ ઘણી ભાષાઓના જાણકાર હતા તથા નવા નવા વિચારો કરીને તેના વાસ્તવિક પ્રયોગ માટેનો વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા હતા.
બ્રિટીશ સરકારની આંખમાં કેશરીસિંહજીનું સમગ્ર કુટુંબ આંખના કણાની જેમ ખૂંચતું હતું. ૧૯૧૪ માં તેમની ધરપકડ શાહપુરાથી કરવામાં આવી. તેમનો મુકદ્દમો સમગ્ર રાજપુતાનામાં એક ચર્ચાનો વિષય બન્યો. સામાન્ય લોકોની અમાપ સહાનુભૂતિ આ રુષિતુલ્ય ક્રાંતિવીર માટે હતી. તેમની વિદ્વતા, સાદગી તથા સમર્પણથી તેઓ લોક હ્રદય પર શાસન કરનારા નેતા હતા. અંગ્રેજોએ ખ્યાતનામ વકીલ રોકવાની પેરવી કરી કેસરીસિંહજી સામેના કેસને વિશેષ મજબૂત કરવા પ્રયાસ કર્યો. ઠાકુર સાહેબના પક્ષે તે સમયના સુવિખ્યાત બેરિસ્ટર નવાબ હામિદઅલી ખાન ઉભા રહ્યા. બ્રિટીશ સરકારે મુત્યુદંડની માંગણી પૂરી ઉગ્ર દલીલો સાથે અદાલતમાં કરી. હામિદઅલી ખાન સાહેબે આ વીરનું અણિશુધ્ધ સમર્પિત જીવન અદાલતમાં ભાવના અને લાગણીના આવેશથી તેમજ તર્કબધ્ધ હકીકતો સાથે રજૂ કર્યું. ઓકટોબર-૧૯૧૪ માં ટ્રાયલ જજે કેસરીસિંહજીને આજીવન કેદની સજા કરી. ઠાકુર સાહેબના વકીલ બેરિસ્ટર હામિદઅલી ખાન સાહેબે પોતાના અસીલ તરફના અન્યાયી વલણ સામે આક્રોશ વ્યક્ત કરીને કેસરીસિંહજી જેવા મનિષિને બિરદાવતી નજમ ભરી અદાલતમાં ગાઇ સંભળાવી ખાન સાહેબે સમગ્ર રાજપુતાના પ્રદેશના અસંખ્ય દેશભક્ત લોકોની લાગણી આમ અનોખી રીતે પ્રગટ કરી.
જેલમાં ઠાકુર સાહેબે યાતનાપૂર્ણ સ્થિતિમાં ગાળેલા વર્ષોનો ઇતિહાસ એક સ્વતંત્ર પુસ્તક લખી શકાય તેવો છે. ભલભલા માનવીની હિંમત તુટી જાય, શ્રધ્ધા ડગી જાય તેવો એ આકરો સમય હતો. પરંતુ વીર સાવરકર જેવા ક્રાંતિવીરોમાં જેમ દેશની મુક્તિ માટેનો અગ્નિ ગમે તેવા કપરા કાળમાં નિરંતર પ્રજ્વલિત રહ્યો હતો તેવી જ સ્થિતિ ઠાકુર સાહેબની હતી. આ મહામાનવને કાળી કોટડીમાં નાખ્યા બાદ તેમના કુટુંબની તમામ મિલ્કત જપ્ત થયાની જાણકારી મળી હોવા છતાં તેમના જુસ્સામાં કોઇ ફેર પડતો નથી. કુટુંબીજનોને પણ આ બાબતો હસતા મુખે સહન કરવાની સલાહ આપે છે. આઝાદી માટેનો પુરુષાર્થ ધીમો કે નબળો ન પડે તેની તકેદારી રાખવા પણ સૌ સાથીઓને સૂચવે છે. સમય સારો આવશે જ, માતૃભૂમિ આઝાદ થશે જ તેવો ખમીરવંતો વિશ્વાસ તેમના જેલકાળના જીવનમાં પણ ટકાવી રાખ્યો છે અને તક મળી ત્યારે વ્યક્ત પણ કર્યો છે. જેલમાં પણ તેમણે ઘણાં વર્ષો સુધી અનાજ છોડીને વિતાવેલા હતા. કુટુંબની માલિકીની હવેલી જપ્ત થઇ જતાં સમગ્ર કુટુંબના સભ્યો રસ્તા પર આવી ગયા હોવા છતાં કોઇ નબળો વિચાર તેમણે ક્યારે પણ કર્યો ન હતો. પરાધિન ભારતમાતાના પુત્રો પાસે કાળ બલિદાન માંગે છે તે વાત તેમણે હમેશા ઘુંટી છે અને સૌ પાસે ઘૂંટાવી છે. સ્વરચિત એક દોહામાં તેમણે આ લાગણી પ્રગટ કરી છે.
દિન દુણા નિશ ચૌગુણા સહયા કષ્ટ અનેક,
સહી ન ગઇ પળ સિંહથી પરાધિનતા એક.
ઠાકુર સાહેબના લઘુબંધુ ક્રાંતિવીર ઠાકુર જોરાવરસિંહજી પણ બલિદાનની ગૌરવ ગાથા સમાન જીવન જીવી ગયા. હિન્દુસ્તાનના વાઇસરોય લોર્ડ હાર્ડિગની શાહી સવારી ઉપર ચાંદની ચોક દિલ્હીમાં બોમ્બ ફેંકવાના જાણીતા કેસમાં બ્રિટિશ પોલીસ તેમની સતત શોધમાં હતી. પરંતુ આ નરકેસરી કદી પકડાયા નહિ અને લગભગ ત્રણ દાયકા સુધી સતત પરિભ્રમણ કરીને બ્રિટિશ પોલીસની આંખમાં ધૂળ નાખતા રહ્યા. આ સિવાય પણ તેમની સામે કેટલાક કેસ રજિસ્ટર કરવામાં આવેલા. ઓક્ટોબર-૧૯૩૯માં તેઓએ આખરી શ્વાસ લીધો ત્યાં સુધી મુક્ત રહ્યા અને અંતિમ શ્વાસો લેતી વખતે માતૃભૂમિને તથા આઇ કરણીને પોતાની જાતનું સંપૂર્ણ આત્મગૌરવથી સમર્પણ કર્યું. વીરતા તથા બલિદાનની આ એક અમર ગાથા છે. બનારસ ષડયંત્રના કેસમાં અંગ્રેજ સત્તાએ કેસરીસિંહજીના સુપુત્ર કુંવર પ્રતાપની ધરપકડ કરી. પ્રતાપસિંહ પાસે તેમના સતત તથા જીવંત સંપર્કને કારણે દેશના અનેક ક્રાંતિકારીઓની પ્રવૃત્તિ બાબત મહત્વની જાણકારી હતી. અનેક શારીરિક યાતનાઓ સહન કરીને પણ કુંવર પ્રતાપે ક્રાંતિકારીઓની ગતિવિધિની કોઇ માહિતી બ્રિટીશ પોલીસને ન આપી. બરેલી જેલની કાલકોઠડી – solitary cell માં અનેક યાતનાઓ સહન કરતાં કરતાં આ યુવાને મે-૧૯૧૮માં મહાપ્રયાણ કર્યું. એક ક્રાંતિકારી રાવ ગોપાલસિંહે પ્રતાપને અંજલી આપતા ભાવવિભોર થઇને કહ્યું કે ‘વિધાતાએ એકસો વીર ક્ષત્રિયના સામર્થ્યને એકઠું કરીને એક પ્રતાપનું નિર્માણ કર્યું હતું.’
૧૯૦૩ માં લોર્ડ કર્ઝનની મહત્વાકાંક્ષા તેમજ સત્તા પ્રભાવનું નિદર્શન કરવા માટે દિલ્હી દરબારનું આયોજન થયું. આ આયોજનમાં ઉદેપુર મહારાણા ફતેસિંહજી હાજર ન રહે તેમાંજ મારવાડ-મેવાડની શોભા છે તેમ ઘણાં દેશભક્તો માનતા હતા. મહારાણાને દિલ્હી દરબારમાં હાજરી આપતા રોકવા માટે કેસરીસિંહજીએ લખેલા દોહા સાહિત્યમાં તેના સત્વને કારણે અમર થયેલા છે. ઠાકુર કેસરીસિંહજી તથા તેમના પરિવારને આવી અનેક ઘટનાઓ માટે જ્યારે યાદ કરીએ ત્યારે આપણાં આવા આભથી ઊંચા પૂર્વજો માટે ગૌરવ અને આદરની લાગણી થાય છે. કેટલાયે નામી-અનામી એવા ક્રાંતિવીરોના બલિદાન થકી સ્વરાજ્ય પ્રાપ્ત થયું છે. આ વીરોને સુખ ચેનનું જીવન જીવવા માટે પુરતા સાધનો હતા, તેમની ક્ષમતા પણ હતી. પરંતુ આ બધી સુખ-સવલતોને અડગ નિર્ધાર સાથે છોડીને તેમણે આઝાદી પ્રાપ્ત કરવાના જંગમાં ઝૂકાવ્યું હતું. ગાંધીજીના સુવિખ્યાત અનુયાયીઓની જેમ ક્રાંતિનો માર્ગ પકડીને ચાલેલા આ વીરોએ પણ આઝાદીની મશાલ સતત પ્રજ્વલિત રાખી હતી. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નજીકમાંજ છે તેવા સમયે આવા નરબંકાઓની પાવન સ્મૃતિ સ્વભાવિક રીતેજ વિશેષ થાય છે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment