ભગવદ્દ ગો મંડલના નામ સાથે ભગવતસિંહજીના નામ સાથે હક્કથી જોડી શકાય તેવું નામ ચંદુલાલ બહેચરલાલ પટેલનું છે. જામનગરમાં ૧૯૮૯ માં જન્મ લેનાર આ મહાપુરૂષે મહારાજા ભગવતસિંહજી પ્રેરીત સર્વાંગ સંપૂર્ણ કોષ રચવાનું કામ પૂરૂં કરવામાં સિંહફાળો આપ્યો. ચંદુભાઇનું જીવનકાર્ય જ આ ધન્યકાર્ય હતું. લગભગ ત્રણ દાયકાના અવિરત શ્રમના ભાતીગળ પરિણામ સ્વરૂપ કોષ સમાજને મળ્યો. કોષના સંપાદન તથા પ્રકાશનનું કામ કરવા માટે આપણે સૌ ગુજરતીઓ ભગવતસિંહજીની સાથે સાથે ચંદુભાઇના પણ રૂણી છીએ. ચંદુભાઇને રણજીતરામ સુવર્ણચંદ્રક અપાયો તે ખૂબ જ ઉચિત છે. ગોંડલના રાજકુટુંબ દ્રારા પણ ભગવદ્દ ગો મંડલનું કામ સાંગોપાંગ પૂરૂં થયું ત્યારે ૧૯૫૫ માં ચંદુલાલભાઇનું આદરપૂર્વક સન્માન કરવામાં આવ્યું.
ચંદુભાઇનું શિક્ષણ ગોંડલ રાજયમાં શરૂ થયું. મેટ્રિકમાં સારા માર્કસ મેળવ્યા. ઉચ્ચ શિક્ષણ ભાવનગરની શામળદાસ કોલેજમાં લીધું. સમાજસેવાના કાર્યો તરફ તેમનો સ્વાભાવિક ઝૂકાવ હતો. સ્વદેશી ચળવળની ગતિવિધિ સમજવાનો તથા તેમાં જોડાવાનું વલણ તેઓ ધરાવતા હતા. ઉચ્ચ શિક્ષણ લેતા હતા ત્યારે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, હરભાઇ ત્રિવેદી, ગિજુભાઇ બધેકા તથા અન્ય મહાનુભાવોનો સંપર્ક થયો. કવિ નર્મદની અમર રચનાના અર્થસભર શબ્દો ‘‘ ભણવ ભણવ નિજ સંતતિ સહુને ’’ ચંદુભાઇના હૈયામાં કોતરાઇ ગયા હતા. ૧૯૧૫ માં તેમને ગાંધીજીને મળવાની તક મળી. તેઓ તથા ગોંડલના તેમના કેટલાંક સાથીઓએ ગાંધીજીને ગોંડલ આવવાનું આમંત્રણ આપેલું. ગાંધીજીએ તેનો સ્વીકાર પણ કરેલો ૧૯૧૬ થી ચંદુભાઇ પટેલ ગોંડલ રાજયની સેવામાં જોડાયા. કોઇ દૈવયોગે તથા સ્વબળે તેઓ મહારાજના પ્રીતિપાત્ર બન્યા અને છેક સુધી રહ્યાં. કામ કરવામાં તેઓએ કદી પાછું વાળીને જોયું નથી. તેમને વાત કરવાની કે નાના-મોટા જૂથ કે સભામાં લોકોને સમજાવી શકવાની અસાધારણ શક્તિ હતી. ગોંડલમાં પ્રાથમિક શિક્ષણ માટે સ્વતંત્ર વાચનમાળા સસ્તી કીમંતે છતાં ઉચ્ચકક્ષાની બનાવીને દાખલ કરવાની મહેચ્છા પણ તેમણે સમયસર પૂરી કરી. ઉત્તમ પ્રકારની વાચનમાળા તથા તે પણ સસ્તી કિમંતે સામાન્ય લોકોના પ્રાથમિક શિક્ષણ લેતા બાળકોને ઉપલબ્ધ થાય તે કેટલી મોટી ઘટના છે ! આપણ એક કારણ હતું કે, શિક્ષણની ગુણવત્તાની દ્રષ્ટિએ ગોંડલ રાજયની શાળાઓ વખણાતી હતી. શાળાના સારા મકાનો, યોગ્ય શિક્ષણની વ્યવસ્થા તથા મોટાભાગે સમર્પિત શિક્ષકોને કારણે આ બાબત શકય બની હતી. પ્રાથમિક શિક્ષણના ક્ષેત્રે ગુણવત્તાનો પ્રશ્ન ગુજરાત સહિત દેશના ઘણાં રાજયો સામે આજે પણ પડકારરૂપ છે. આ દ્રષ્ટિએ ગોંડલ રાજયના વહીવટકર્તાઓની દીર્ઘદ્રષ્ટિ તેમજ નકકર પ્રયાસો આદર ઉપજાવે તેવા છે. ઉપરાંત પ્રાથમિક શિક્ષણ ખર્ચાળ ન થાય તેની તકદેદારી એ પણ મહત્વની વાત છે. આજકાલ આપણે ત્યાં ખાનગી પ્રાથમિક શાળાઓ જે રીતે ખર્ચાળ બની છે તે સ્થિતિ ઘણાં વાલીઓને અકળાવનારી લાગે છે તે ઉચિતછે. ચંદુભાઇ જેવા શિક્ષણશાસ્ત્રીઓની આજે પણ એટલી જ જરૂર છે કે જેટલી તે સમયે હતી. ૧૯૧૮ થી ગોંડલ રાજયમાં કન્યાકેળવણી ફરજીયાત થઇ. લગભગ એક સદી પહેલાનો આ ઐતિહાસિક તેમજ લોકહિતકારી નિર્ણય કરનારા લોકો આપણી પ્રશંસાના હક્કદાર બને છે.
કેળવણીના સમગ્ર વિકાસના એક અભિન્ન ભાગ તરીકે ગુજરાતી ભાષાનો પણ વિકાસ થાય તથા તેનો વ્યાપક તથા ક્ષતિરહિત ઉપયોગ વહીવટના કામોમાં થાય તે માટે મહારાજા ભગવતસિંહજી જાગૃત હતા. જે કામથી મહારાજા ભગવતસિંહજી અમર થઇ ગયા છે તે શબ્દકોષની રચનાનું કામ એ તેમની અદ્વિતિય સિધ્ધિ હતી. કોષની રચના માટે કેટલાક પ્રયાસો અલગ અલગ સમયે થયા પરંતુ સંપૂર્ણ બૃહદ કોષની રચના કરવાનું પુણ્યકાર્ય મહારાજા ભગવતસિંહજી દ્રારા જ સંપન્ન થયું. કોષ માટે શબ્દો એકત્રિત કરવા માટે મહારાજાએ રાખેલી અંગત કાળજી તથા તે માટેનું વ્યવસ્થાતંત્ર ઉભું કરવાનો નિર્ણય આજે પણ અસાધારણ તથા અદ્વિતિય લાગે છે. ઘણાં બધા સુપ્રસિધ્ધ સાક્ષરોએ મહારાજાની લગભગ અઢી દાયકાની આ કામગીરી તથા તેના ઉજવળ પરિણામના ભરપેટ વખાણ કર્યા છે. સતત નવું શીખવાની, જાણવાની તેમની ઝંખનાને કારણે જ આ ઐતિહાસિક કાર્ય સંપન્ન થઇ શકયું. લગભગ પોણા ત્રણ લાખ શબ્દોના સંગ્રહ સાથે આ કોષ ગુજરાતી ભાષાના આભુષણ સ્વરૂપ છે. ખરા અર્થમાં આ જ્ઞાનકોષ છે જે ભગવતસિંહજીની જીવંત તથા કાયમી સ્મૃતિ છે.
કોષનું નિર્માણ કરવાનો સંકલ્પ કરનાર મહારાજાની દ્રષ્ટિ તેમજ વિચારોને અનુરૂપ રહીને કરવા ચંદુભાઇએ રાત-દિવસ મહેનત કરી. આ ઉપરાંત પણ જે કામ મહારાજાની ઇચ્છાથી તેમના ભાગે આવ્યું તે તમામ કામોમાં તેમણે પોતાના પ્રાણ રેડયા અને નિર્ધારીત પરિણામ મળે તેવા સંનિષ્ઠ પ્રયાસ કર્યા. યોગ: કર્મ સુ કૌશલમ્ નો સંદેશ એ જાણતા હતા એમ નહિ પરંતુ તેને અનુરૂપ જીવન પણ જીવતા હતા. ૧૯૩૯માં દુષ્કાળની સ્થિતિનોસામનો કરવાનો પ્રસંગ ઉભો થયો. ગૌરક્ષણ તરફ મહારાજની પ્રતિબધ્ધતા જાણીતી હતી. પશુધનને આ કપરા કાળમાં ઉગારી લેવામાટેની અઘરી જવાબદારી તેમણે ચંદુભાઇને સોંપી. રાજયની તૈયારી ગમે તે ઉપાયે અને ખર્ચે પશુધનને સાચવવાની હતી. આ કામ પણ ચંદુભાઇએ સંપૂર્ણ ધગશ તથા નિષ્ઠાથી કર્યું. ભગવતસિંહજીનું ૧૯૪૪ માં સ્વધામ પ્રયાણ એ ઘટના જીરવવી ચંદુભાઇ માટે મુશ્કેલ હતી. પણ એક કર્મયોગીને છાજે તેમ ભગવદ્દ ગો મંડલની બાકી રહેલી કામગીરીને પૂરી કરવામાં તેઓ સંપૂર્ણ નિષ્ઠાથી લાગી પડયા. પોતાને અતિ પ્રિય મહારાજાનું તર્પણ કરવાનો કદાચ આ જ શ્રેષ્ઠ રસ્તો તેમને લાગ્યો હશે.
બ્રહ્મ તેજ ધરાવતી ચંદુભાઇની પ્રતિભાને શ્રી કે.કા.શાસ્ત્રી નીચેના શબ્દોમાં બીરદાવે છે.
‘‘ છવ્વીસ વર્ષ સુધી અવિરત શબ્દસાધના કરનારા મહારાજા ભગવતસિંહજીએ આખરે જ્ઞાનયજ્ઞ પૂર્ણ કરીને ગુજરાતી ભાષાને ભગવદ્દ ગો મંડલ કોશ આપ્યો છે …. ગુજરાતી ભાષા જગતમાં રહેશે ત્યાં સુધી ભગવતસિંહજી, ભોજરાજજી (ભગવતસિંહજીના પુત્ર) તથા ચંદુભાઇ પટેલ અમર રહેશે. ’’
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી બળવંતરાય મહેતાએ લખ્યું છે: ‘‘ (ભગવતસિંહજી-ચંદુભાઇ) …. જેવા ધૂળધોયા ન હોત તો કોહીનૂર જેવું રત્ન જે આજે તાજને શોભાવી રહેલ છે તે પ્રાપ્ત થયું ન હતો ’’ ૭પ વર્ષનું અર્થપૂર્ણ જીવન જીવીને નવેમ્બર ૧૯૬૪ માં ચંદુભાઇનું અવસાન થયું. આવા રસસિધ્ધ-કર્તવ્યનિષ્ઠ લોકોની કીર્તિ કયાં ઝાંખી થાય છે ? લોક કવિએ કહ્યું છે તેમ તેમના યશકાર્યોની કીર્તિના કોટડા આજે પણ અડીખમ અને ઉન્નત મસ્તકે ઉભા છે.
નામ રહંતા ઠકકરા, નાણાં નવ રહંત
કીર્તિ કેરા કોટડા, પડયા નવ પડંત
‘‘ સૌરાષ્ટ્ર’’ દ્વિમાસિકે આપણા ઉજવળ સારસ્વત ચંદુભાઇ પટેલનો વિશેષાંક કરીને પશંસાપાત્ર કાર્ય કર્યું છે. ભાઇ રાજેન્દ્ર દવે તથા અન્ય સુવિખ્યાત લેખકોની મહેનતથી ચંદુભાઇનું જીવન સમાજ સમક્ષ પુન: પ્રગટ થયું છે. ગુજરાતી ભાષા તરફના પ્રેમને કારણે સમર્પિત ભાવથી ભગવદ્દ ગો મંડલને online કરીને કર્મવીર ઉધોગપતિ રતિભાઇ ચંદરીયાએ પણ ઐતહાસિક કાર્ય કર્યું છે. ઇન્ટરનેટના ઉપયોગથી ટેવાયેલી નવી પેઢીને કોશ સરળ રીતે ઉપલબ્ધ કરાવવાનો રતિભાઇનો સંકલ્પ તેમણે અનેક પ્રયાસો તથા ધગશથી પૂર્ણ કર્યો.
ગુજરાત રાજયની સ્થાપ્નાનો આ માસ છે. આથી જ આવા કેડી કંડારનારા લોકોની સ્મૃતિને વાગોળતા પ્રસન્નતા થાય તેવું ચોકકસ છે.
જય જય ગરવી ગુજરાત
દીસે અરૂણુ પરભાત..
જય જય ગરવી ગુજરાત.
તેજ – તણખો
મહાત્મા ગાંધીનો ચંદુભાઇ બહેચરદાસ પર તા.૦૯.૦૭.૧૯૪૪ ના રોજ લખાયેલો પત્ર :
‘‘ ભાઇ શ્રી ચંદુલાલ,
તમારો કાગળ મળ્યો (ભગવદ્દ ગો મંડલની) પ્રસ્તાવના લખવાની મારી શક્તિ નથી. તમારા સાહસથી હું મુગ્ધ થયો છું. આથી માતૃભાષાની મોટી સેવા થશે એમ માનું છું.
– બાપુના આશીર્વાદ’’
ગાંધીજીએ તેમની શૈલી પ્રમાણે ઓછા શબ્દો વાપરીને કેટલી મોટી વાત અસરકાર રીતે કરી છે ! પુણ્યશ્લોક મહારાજા ભગવતસિંહજી તેમજ નિષ્ઠાવાન સારસ્વત ચંદુલાલ પટેલ આપણાં એવા તેજસ્વી તારકો છે કે જેમનું તેજ કદી ઝાંખું પડશે નહીં.
***
Leave a comment