બહુજન હિતાય, બહુજન સુખાય,  આકાશે આંબેલા પ્રસારણની વાતો

Image

કેટલીક વ્યક્તિઓ તથા પ્રસંગોના સંભારણા જીવનમાં કોઇપણ કાળે ઉલ્લાસ પ્રગટાવે તેવો એક સામાન્ય અનુભવ છે. માનવી એક સામાજીક પ્રાણી હોવાથી તેના જીવન ઘડતરમાં કુટુંબનો તેમજ સમાજનો સિંહ ફાળો છે. જીવન isolation માં જીવાતું નથી અને કદાચ જીવાય તો ફુલતું કે ફોરતું નથી તે એક સર્વસ્વીકૃત હકીકત છે. આથી જ મધુર સ્મરણો વાગોળવાની પ્રક્રિયા મહદ્દઅંશે માનવીને મળેલા વરદાન સ્વરૂપ છે.

જીવનની વાતો છે સ્મરણની વાતો,

વહેતા ગયેલા એ ઝરણની વાતો,

બહુજન હિતાય ને બહુજન સુખાય,

આકાશે આંબેલા પ્રસારણની વાતો

              પૂજ્ય મોરારીબાપુએ પોતાની વિશષ્ટ શૈલીમાં જેમને ‘‘સ્નેહભીના-સેજળ માનવી’’ કહ્યાં તે ભાઇ શ્રી ભરતભાઇ યાજ્ઞિકની ભાગીતળ પ્રસારણયાત્રાના ત્રણ પુસ્તકોનું લેખકને વહાલા શ્રોતાઓને લોકાર્પણ મોરારીબાપુના પાવન કરકમળોથી રાજકોટમાં તા.૧૨ મી મે, ૨૦૧૪ ના દિવસે થયું. મર્મીને- સર્જકને હૈયાના હેતથી વધાવવા કચ્છ-સૌરાષ્ટ્રના ખૂણેખૂણેથી શુભેચ્છકો ગ્રિષ્મના આકારા તાપને પડકારીને કે તેને અવગણીને આવ્યાં હતાં. તેમનો ઉદ્દેશ પોતાના પ્રિયજનને વધાવવાનો-બિરદાવવાનો હતો. ગ્રિષ્મની અકળાવનારી ગરમીમાં પણ આ ‘અવાજની દૂનિયાનો જાદુગર’ પુરબહારમાં ખીલ્યો હતો. આ ખીલવાનું તથા મહોરી ઉઠવાનું એક કારણ તેના યજ્ઞકાર્ય જેવા યોગદાનની આંતર સ્મૃધ્ધિ હતી. કવિ રાજેન્દ્ર શાહના શબ્દો યાદ આવે.

              આપણે ના કંઇ રંક

                     ભર્યો ભર્યો માહ્યલો કોશ અપાર.

              આભ ઝરે ભલે આગ,

                     હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર

              સાંસ્કૃતિક નગર રાજકોટના આંગણે આ એક મહત્વની સાંસ્કૃતિક ઘટના હતી. આકાશવાણી કે હવે પ્રસારભારતી તરીકે લોકહ્રદયમાં સ્વીકૃતિ પામેલા પ્રસારણ માધ્યમમાં શ્રી ભરત યાજ્ઞિકે ચાર દાયકાથી પણ વધારે સમય સુધી કામ કર્યું જે કામ તેમણે કર્યું તે સંપૂર્ણ નિષ્ઠાથી તેમજ સમર્પણના ભાવથી કર્યું. આ સુદીર્ઘ યાત્રા  જેમાં ‘‘ યોગ:કર્મ સુ કૌશલમ’’ નું  જવલંત ઉદાહરણ જગતે જોયું. કેટકેટલા સારા-માઠા અનુભવ ભરતભાઇને થયા હશે તેની કલ્પના જ કરવી રહી ! છતાં પણ નિર-ક્ષિરના વિવેકી શ્રી ભરત યાજ્ઞિકે ગ્રહણ કરવા જેવું જ કર્યું અને છોડવા જેવું છોડ્યું. આ પ્રસંગે કવિ શ્રી તુષાર શુકલએ ખૂબ જ યથાર્થ રીતે કહ્યું કે, ‘‘પ્રસંગોના આલેખનમાં રજમાત્ર કડવાશ લાવ્યા સિવાય કથાને ઝળાહળા કરનાર આ મર્મી માણસ ગુણવત્તાના તેમજ વિધાયક દ્રષ્ટિકોણના ઉચ્ચ સિંહાસને બેઠેલા છે.’’ કવિ શ્રી તુષાર શુકલએ પણ આકાશવાણી-રાજકોટના કેન્દ્ર નિયામક તરીકે કામગીરી કરી હોવાથી તેમની વાત વિશેષ સૂચક તથા મહત્વની બને છે.

ભાઇશ્રી ભરત યાજ્ઞિકના વહીવટ સહકર્મીઓ જેવા કે ભારતીબેન વ્યાસ તેમજ રણજિતભાઇ ભટ્ટ, વગેરેની હાજરી કાર્યક્રમની ગરીમામાં ઉમેરો કરનારી હતી. જે લોકો જાહેર સેવાના ક્ષેત્રમાં ફરજ બજાવતા હોય કે જેમણે લાંબો સમય આ ક્ષેત્રમાં સેવા આપી હોય તેઓ સામાન્ય રીતે સંભારણા લખતા નથી. જો કે, તેમાં બહુ ઓછા સુખદ અપવાદરૂપ કિસ્સાઓ જોવા મળે છે. ભરત યાજ્ઞિકનો પ્રયાસ આરીતે મૂલવીએ તો પણ દાદ માગી લે તેવો છે. આ પુસ્તકોમાં તેમના લખાણની શૈલી પણ સરળ તથા પ્રવાહી છે.  શબ્દો શોધવા તેમને જવું પડ્યું હોય તેમ લાગતું નથી. તેમના સુઘડ આલેખનમાં પણ તેમણે અંગત મત કે અભિપ્રાયને વેગળા રાખી હેતુલક્ષિતા લાવવાના તમામ પ્રામાણિક પ્રયાસ કર્યા છે. સેવાકાળની નાની છતાં મહત્વની વિગતો તેમણે ચોકસાઇથી નોંધી હશે. નહિંતર સ્મૃતિઓનું આવું ઘોડાપુર આવવું મુશ્કેલ છે. રેડિયો સ્ટેશનમાં કામ કરવાનું એક કિશોરનું સ્વપ્ન સાકાર થાય એ તેના વ્યક્તિગત જીવનની મહત્વની તેમજ સુખદ ઘટના છે. પરંતુ સ્વપ્નનું વાવેતર અને ત્યારબાદ તેનું કાળજીપૂર્વકનું જતન કરીને તેને અનુરૂપ કર્મઠ જીવન જીવવું એ એક સુખદ સામાજિક ઘટના છે. આથી જ સમાજ – અસંખ્ય શ્રોતા સમુહ હાજર રહીને કે દૂર બેઠા પણ આ પ્રયાસને બલકે આ કર્મપ્રધાન જીવનને વધાવે છે તે સ્થિતિ તરફ જ મોરારીબાપુએ  પોતાના સુંદર વ્ક્તવ્યમાં સ્વાભાવિક તથા સહજ નિર્દેશ કર્યો.

આવું સ્વપ્ન લઇને જીવનાર માનવી વહેલા કે મોડા સિધ્ધિને વરે છે. કરી છૂટયાનો આત્મસંતોષ મેળવે છે. આવો આત્મસંતોષ માનપત્રો કે ઇનામોમાં કદાચ નથી, સકારણ કે કેટલીકવાર અકારણ પણ થતી વાહવાહીમાં પણ નથી. અમેરિકામાં જન્મેલા લેખક શ્રી હેનરી વાન ડાઇકના સુંદર શબ્દોનું ભાવાંતર ‘‘નવનીત’’ માં રજૂ થયું હતું તે યાજ્ઞિક દંપતિના સંદર્ભમાં યાદ આવે અને પ્રસ્તુત પણ લાગે.

મારૂં કામ મને કરવા દો પ્રતિદિન,

       ખેતરમાં કે જંગલમાં

ટેબલ પર કે કારખાનામાં,

       ધોંધાટભરી શાકબજારમાં કે

       શાંત નિરવ ખંડમાં

મારા હ્રદયમાં હું એટલું કહીં શકું –

       રઝળું ઇચ્છાઓ જયારે મને

       આડમાર્ગે ખેંચી જાય ત્યારે-

આ મારું કામ છે,

મારૂં વરદાન, મારો શાપ નહીં.

સહું જીવંત લોકમાં હું જ એ છું,

જે આ કામ સારામાં સારી રીતે કરી શકે.

આ વલણ તથા શ્રધ્ધાથી જે કામ થાય તે દિપી ઉઠે તે ખૂબ સ્વાભાવિક છે. કામનો પરિશ્રમ નહીં પરંતુ કામનો ઉલ્લાસ માનવીને જીવાડે છે અને તેના જીવતરમાં અમી સિંચન કરે છે. ભરત યાજ્ઞિકના જીવતરના આ ઉજ્વળ  પ્રવાહને જોઇને તેમજ તેનો અનુભવ કરીને વાણીના વિશાળ ક્ષેત્રમાં ડગ માંડતા ઘણાં આશાસ્પદ યુવાન-યુવતીઓ પ્રેરણા મેળવી શકશે. આથી આવા દસ્તાવેજીકરણનું એકથી વધારે દ્રષ્ટિકોણથી ઉંચુ-અદકેરૂં મૂલ્ય છે.

ભાઇ શ્રી ભરત યાજ્ઞિકના વૃતાંતમાં કેટલાંક એવા મર્મીઓનો વિગતવાર ઉલ્લેખ છે કે જેમણે પોતાની હયાતિમાં તો નોંધપાત્ર પ્રસિધ્ધિ મેળવી જ પરંતુ આજે પણ તેમના અવાજને સાંભળવા તેમજ ઉમળકાથી બીરદાવવા આકાશવાણીના કાર્યક્રમો નિયમિત રીતે સાંભળતો એક મોટો ભાવકવર્ગ તૈયાર રહે છે. આવા મર્મીઓના યોગદાન થકી રેડિયો સ્ટેશનની મહત્તા સતત વધી છે. ઇસ્માઇલ વાલેરાના મધુર સ્વરને કોણ ભૂલી શકે ? અકાળે આવા વીરલા આપણી વચ્ચેથી ગયા પરંતુ મધુર કંઠની વાત જયારે પણ થાય ત્યારે હેમુ ગઢવીનો ઉલ્લેખ અચૂક થાય છે. સૌરાષ્ટ્રની રસધારને હેમુભાઇનો ઘૂંટાયેલો અને ઘેઘૂર કંઠ મળ્યો તેમજ આકાશવાણીની પાંખો મળી અને ઘર ઘર સુધી આપણી જ વાતો પહોંચી. લોકોએ તો એ ખોબે અને ધોખે વધાવી જ કારણ કે લોકસાહિત્યની એ કથાઓ તથા ભાતીગળ રચનાઓ લોક થકી જ સર્જાઇ હતી અને લોકના થોકમાં જ ઉછરી હતી તથા મહેકતી હતી. કવિ દાદે હેમુ ગઢવી માટે યથાર્થ લખ્યું.

મોંઘા મૂલી સૌરાષ્ટ્રની રસધાર જે રચતો ગયો,

એ કલમની વાચા બની તુ ગીતડા ગાતો ગયો.

એ લોકઢાળો પરજના કોઇ દાદ કંઠે ધારશે,

એ વખત આ ગુજરાતને હા ! યાદ હેમુ આવશે.

કાનજી ભુટા બારોટની કળાની પ્રશંસા કરવામાં શબ્દો ઉણા ઉતરે એમ લાગ્યા કરે છે. નવરસના આવા માલમી ઓછા જોવા મળે. સરળ છતા અર્થસભર શબ્દોની ધારદાર રજૂઆત કાનજીભાઇના લોહીમાં વણાયેલી હતી.

હૈયા ભીતર દવ જલે

ખન ખન ઝરે અંગાર,

કાં મન જાણે આપણું

કાં જાણે કિરતાર

કયારેક કાનજીબાપા પાલરવભા પાલીયાને યાદ કરી શબ્દ બાણ ફેંકે જે આરપાર જાય.

હીંમત નહીં તોયે હાલવું,

                     હરમત નહીં તોય હા,

              નાથ કેવાય નહીં ના,

                     તારા સંદેશાને શામળા

કવિ શ્રી દુલા ભાયા કાગ (ભગતબાપુ) ના સુરીલા કંઠે લોકરામાયણની તેમજ ભૂદાન તથા ગાંધીગીતોની ગંગા આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી આજે પણ એવીને એવી જ લીલીછમ વહે છે. અસંખ્ય શ્રોતાઓ તેનું આચમન કરે છે. કાળની મર્યાદાને અતિક્રમીને આ સાહિત્ય તેના સત્વને કારણે જીવંત રહેલું છે. આકાશવાણી-રાજકોટ તે બાબત માટે ચોકકસ ગૌરવનો ભાવ અનુભવી શકે છે. Back stage પર કામ કરનારા રેડિયો સ્ટેશનના કેટલાયે મર્મીઓ પણ આપણી પ્રસંસાના, આપણી દાદના એટલા જ હકકદાર છે. તેમના સક્રિય યોગદાન સિવાય આવું સુંદર પરિણામ મળે નહીં. ભરતભાઇએ આ બધા લોકોને પણ પોતાના વ્રતાંતમાં ઉચિત સ્થાન આપીને તેમના કાર્ય તેમજ કિમંતી યોગદાનની મહત્વની માહિતી આપી છે.

રાજકોટને ભારત સરકાર તરફથી સ્વતંત્ર રેડિયો સ્ટેશન મળ્યું તેની પૂર્વભૂમિકાની રસપ્રદ વાતોની સ્મૃતિ ભરતભાઇએ તાજી કરાવી છે. સમર્પિત ભાવથી અને પ્રદેશ તરફની તેમજ પ્રદેશના સાહિત્ય તરફની  વિશેષ લાગણીથી ઢેબરભાઇ અને રતુભાઇ અદાણી જેવા આગેવાનો સતત કોઇને કોઇ પ્રયાસો આ સાહિત્યના પ્રસાર તથા સંવર્ધન માટે કરતા રહેતા હતા. તેમાંનો એક મહત્વનો પ્રયાસ રાજકોટને સ્વતંત્ર રેડિયો સ્ટેશન મળે તે માટેનો હતો. રાજકોટને રેડિયો સ્ટેશન મળે તે માટે તેઓએ દિલ્હીના એક કાર્યક્રમમાં કવિ શ્રી દુલા કાગ જેવા સમર્થ સાહિત્યકાર અને એટલાં જ મજબૂત વાહકને રજૂ કરીને પોતાની માગણીનું વાજબીપણું યુક્તિપૂર્વક ઠસાવી દીધું. કાર્યક્રમમાં રાષ્ટ્રપતિશ્રી અને પ્રધાનમંત્રીશ્રીની ઉપસ્થિતિને કારણે નિર્ણય પ્રક્રિયાને અસાધારણ વેગ મળ્યો. વહીવટકર્તાઓનું પ્રદેશ તરફનું કમીટમેન્ટ કેવું હોય તેનો આ દિશાસૂચક અને કોઇ પણ કાળે પથદર્શક નમૂનો છે. માત્ર ચીલાચાલુ કે લખાપટ્ટીના પ્રયાસોથી કદાચ આ મહત્વનું કાર્ય આટલું જલ્દી થઇ શકયું ન હોત.

‘‘ સિધ્ધિ તેને જઇ વરે, જે પરસેવે નહાય’’ એ વાતનું ઠોસ પ્રમાણ ભરત યાજ્ઞિકની ઉજળી જીવનગાથા છે. કચ્છમાં ભૂકંપ બાદ રેડિયો સ્ટેશન ફરી ધબકતુ કરવાતેમને ભૂજ આકાશવાણી કેન્દ્રમાં ખાસ ફરજ સોંપવામાં આવી. ભૂજમાં પણ તેમણે સ્થાનિક રેડિયો સ્ટેશનના ઉત્સાહી અને ધગશવાળા કર્મચારીઓની સહાયથી નોંધપાત્ર કામગીરી કરી. કચ્છ રેડિયો સ્ટેશનના કેટલાંક પ્રતિનિધિઓની પુસ્તકોના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી હતી. ઉપરાંત તેમણે સંત મેકણની ગાથા સુંદર તથા ભાવવાહી રીતે અલગ અલગ મંચ પરથી નાટક સ્વરૂપે દર્શકો સમક્ષ કરી. પ્રસિધ્ધિને પામવા કે વ્યક્તિગત એષણાના સહેજ પણ ભાવ સિવાય તેમણે તેમનું કામ રાજકોટમાં આસન જમાવીને કર્યું અને પરિણામે સમાજે તેની નોંધ આદર તથા સ્નેહથી લીધી. તેઓ જયાં ઉગ્યા ત્યાં જ ખીલ્યા અને ત્યાં જ ઝળહળ્યા. કવિ રાજેન્દ્ર શુકલના અતિ સુંદર શબ્દો આ સંદર્ભમાં યાદ આવે.

એકને એક જ સ્થળે મળીએ અમે,

હોઇએ જયાં ત્યાં જ ઝળહળિયે અમે.

પિંડ કયાં પેટાવવા પળિયે અમે,

હોઇએ જયાં ત્યાં જ ઝળહળિયે અમે.

મીડીયા પબ્લિકેશન, જુનાગઢના શ્રી વનરાજ પટેલ આવા માહિતીપ્રદ સુંદર અને સુઘડ પ્રકાશન માટે આપણા અભિનંદનના અધિકારી બને છે. રાજયના ખૂણે ખૂણે બેઠેલા શ્રોતાદેવોને થયેલું આ નમન યજ્ઞશિખા જેવું ઓજસ્વી અને ઉજ્વળ છે.

***

Leave a comment

Blog at WordPress.com.

Up ↑