વસંતના વધામણા જેમ કવિઓએ મનમૂકીને કર્યા છે તેવીજ રીતે અને તેટલીજ ઉત્કટતાથી દેશભક્તોએ – ક્રાંતિકારીઓએ શહાદતની – આત્મ સમર્પણની વસંતને ખોબે અને ધોબે વધાવી છે.
ઇસી રંગમે વીર શિવા ને
મૉં કા બંધન ખોલા
યહી રંગ હલ્દી ઘાટીમેં
ખુલકર ઉસને ખોલા
ઇસી રંગ મે રંગ રાણાને
જનની જય જય બોલા…..
મેરા રંગ દે બસન્તી ચોલા.
શબ્દોમાં ઘૂંટાઇને પ્રગટતું વીરતત્વ કોઇ ગિરીશ્રુંગ સમાન ઝળક્યું છે. આજ વીરતાના વાઘા સ્વેચ્છાએ પહેરીને કેટલાયે દેશપ્રેમીઓએ પોતાની વ્યક્તિગત મહત્વાકાંક્ષા પૂરી કરવાને બદલે માતૃભૂમિની મુક્તિમાંજ જીવનનું સર્વોચ્ચ શ્રેય ગણ્યું છે. આવાજ એક સરદારની સ્મૃતિ આ મહીનામાં અચૂક થાય છે. આ મહીનામાંજ સરદારસિંહ રાણાએ ૧૮૭૦ માં જન્મ લીધો હતો. કચ્છના ક્રાંતિવીર શામજી અને સરદારસિંહની જોડીએ માતૃભૂમિની મુક્તિ માટેની લડતને અસરકારક દીશા આપી હતી. લીંબડી રાજ તળેના નાના ગામ કંથારિયામાં સરદારસિંહ રાણાનો જન્મ રામનવમીના (એપ્રિલ ૧૮૭૦) શુભ દિવસે થયો હતો. ભગવાન રામે જેમ આસુરી તત્વોનો નાશ કરવા ધર્મયુધ્ધ કર્યું હતું તેજ પ્રકારે એક શોષક તથા બીન સંવેદનશીલ રાજ્ય વ્યવસ્થાનો અંત લાવવા સરદારસિંહજીએ સમગ્ર જીવન સમર્પિત કર્યુ હતું. કંથારીયાની શાળામાં તેમણે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. રાજકોટની આલ્ફેડ હાઇસ્કૂલમાં પણ તેમનો અભ્યાસ થયો. આજ સ્કૂલમાં મહાત્મા ગાંધી પણ ભણ્યાં હતાં. લીંબડી રાજ્યની ઉદાર સખાવતથી મુંબઇની એલફ્રિન્સ્ટન કોલેજમાં દાખલ થયા. લીંબડી રાજના તે સમયના રાજવી શ્રી જસવંતસિંહજીની એ ઉદારતા તથા દીર્ઘદ્રષ્ટિ હતી કે તેમણે એક આશાસ્પદ તથા હોનહાર યુવાનની કારકિર્દી ઘડવામાં મદદ કરીને સરવાળે દેશ સેવાનું મહત્વનું કાર્ય કર્યુ. ત્યારબાદ શ્રી રાણા પુણેની ફર્ગ્યુસન કોલેજમાં જોડાયાં.
સરદારસિંહ રાણાના સાથી તેમજ ક્રાંતિના માર્ગે માભોમને મુક્ત કરવાના માર્ગે સમગ્ર જીવન ન્યોછાવર કરનાર પંડિત શામજી કૃષ્ણવર્માની વાત પણ સદારસિંહ રાણાની વીરગાથા સાથે પ્રસ્તુત તથા પ્રાસંગિક છે. સામાન્ય કુટુંબમાં જન્મ લેનાર માટે પણ બાવડાના બળે તથા દ્રઢ નિશ્ચયના સહારે જીવનમાં મહાન સિધ્ધિઓ પ્રાપ્ત કરવાની તકો રહેલી છે તે વાત શામજીના કિસ્સામાં ફરી માનવી પડે. પિતા ભૂલા ભણસાલી અતિશય મહેનત-મજૂરી કરીને બે છેડા ભેગા કરી શકતા હતા. માંડવી (કચ્છ) જેવા ગુજરાતના છેવાડે વસેલા નગરમાં શામજીનો જન્મ એ દરેક અર્થમાં એક ઐતિહાસિક ઘટના હતી. ૧૮૫૭ માં શામજીનો જન્મ થયો. જ્યારે સમગ્ર દેશમાં પૂર્વ આયોજન સાથે અનેક રાજ્યો તથા પ્રતાપી વ્યક્તિઓએ અંગ્રેજો સામે વિપ્લવનો ગગનભેદી નાદ ગજાવ્યો હતો. શામજીએ જન્મ લેતાની સાથેજ સ્વતંત્ર થવા મથતા લોકોના લોહી પસીનાની સુગંધ લીધી હશે તેમ જરૂર કહી શકાય. વાતાવરણ અંગ્રેજોના નિર્ણયાત્મક પ્રતિકારની ભવ્ય પળોથી છલોછલ હતું. શામજીના માતા તેમને નાની વયના છોડીને સ્વધામ ગયા. પિતાએ બાળકનું હીર પારખીને ભૂજ ભણવા મોકલ્યા. જ્ઞાનપિપાસા અને દ્રઢ મનોબળના સોનેરી અણસાર શામજીના પરિચયમાં જે કોઇ આવે તે સ્પષ્ટ રીતે તેમનામાં જોઇ શકતા હતા. મૂળ કચ્છના પણ કચ્છી ખમીર તથા આવડતના જોરે મુંબઇ જઇને લક્ષ્મી પ્રાપ્ત કરનાર શ્રેષ્ઠી મથુરદાસ લવજી શામજી ભણતા હતા તે શાળામાં આવ્યા. શ્રીમંતની ઝીણી – અનુભવી નજર શામજીને ટૂંકા વાર્તાલાપમાંજ પારખી ગઇ. મુંબઇની પ્રસિધ્ધ વિલ્સન સ્કૂલમાં ભણવાનો તથા મુંબઇમાં રહેવાનો સઘળો ખર્ચ આ શ્રેષ્ઠીએ આનંદથી ઉઠાવ્યો. શામજી માટે એક નવી દિશા ખૂલી ગઇ. તેઓએ સંસ્કૃતમાં પણ નોંધપાત્ર જ્ઞાન પ્રાપ્ત કર્યું. ૧૮૭૪ ના વર્ષમાં શામજી એક પ્રતિભાવંત ગુજરાતમાં જન્મેલા સંત મહર્ષિ દયાનંદના સંપર્કમાં આવ્યા. સ્વામીજીએ શીખ આપી કે ભગવા પહેરી સન્યાસી થવાની જરૂર નથી. પરાધિન દેશની બેહાલ દશા સુધારવાના કામમાં જીવન અર્પણ કરવા તેમણે શામજીને પ્રેરીત કર્યા.
પંડિત શામજી કૃષ્ણવર્મા, સરદારસિંહ રાણા તથા મેડમ કામા (ભિખાઇજી કામા)એ દેશની ધરતીથી દૂર, અજાણી તથા પ્રતિકૂળ પરિસ્થિતિમાં દેશને આઝાદી મળે તે માટેના પ્રયાસો સતત ચાલુ રાખ્યા. શામજીની સક્રિયતા તથા ઇન્ડિયા હાઉસની પ્રવૃત્તિના માધ્યમથી ક્રાંતિકારીઓનું એક જૂથ પણ બન્યું. આ રીતે એક આયોજિત સમુહશક્તિનું નિર્માણ કરવાનું તેમનું સ્વપ્ન તેઓ સિધ્ધ કરતા જતા હતા. વિદેશમાં રહીને પત્રકારત્વમાં પહેલ કરવાની બાબતમાં પણ શામજી સૌના અગ્રજ બન્યા. પંડિત શામજી કૃષ્ણવર્માનું ઇન્ડિયન સોસીઓલોજીસ્ટ તેનું જ્વલંત ઉદાહરણ છે. લગભગ ત્રણેક દાયકા સુધી (૧૮૯૭ થી ૧૯૩૦) શામજી તેમજ સરદારસિંહ રાણા સહિતના અન્ય સાથીઓએ દેશની ગતિવિધિઓ સાથે આંતરરાષ્ટ્રીય સ્થિતિ પર પણ નજર રાખીને દેશના મુક્તિ સંગ્રામને બળ પૂરું પાડ્યું. વીર સાવરકર પણ શામજી પ્રેરીત સ્કોલરશીપનો લાભ લઇ ઇંગ્લાંડ અભ્યાસ આગળ વધારવા માટે ગયા હતા.
દેશના મુક્તિ સંગ્રામના ક્રાંતિવીરો પ્રેરીત ભીષણ તથા કેટલીકવાર રક્તરંજિત સંઘર્ષમાં ગુજરાતનું પ્રદાન અનોખું રહ્યું. અહિંસક પ્રતિકારના માર્ગે પણ કઠીનમાં કઠીન ધ્યેય સિધ્ધ કરી શકાય છે તેવો સંદેશ પણ ગાંધીની વીરતાપૂર્ણ અહિંસાએ ગુજરાતમાંથીજ સમગ્ર વિશ્વને આપ્યો. દેશ તથા વિદેશના ઘણાં લોકોને શરૂઆતમાં તો ગાંધીજીની આ પદ્ધતિ બાબતમાં તેમજ તેની સફળતા વિશે અનેક શંકાઓ હતી. પરંતુ કાળના બદલાતા પ્રવાહમાં ગાંધી-વિચાર ઉત્તરોત્તર પ્રભાવી બનતો ગયો. ગાંધી માર્ગે ચાલવામાં વિશ્વને લાંબાગાળાના લાભ દેખાવા લાગ્યા. એજ પ્રકારે ક્રાંતિના વિચારની અહર્નિશ આરાધના કરનાર તથા તે માટે સર્વસ્વ બલિદાન કરનાર ભાવનાશાળી વીર યુવકોની દોરવણીમાં પણ ગુજરાતના કેટલાક ક્રાંતિવીરો દેશના રાહબર બન્યા. આમ ગાંધીજીના માર્ગે ચાલતા સંઘર્ષની જેમ દેશની મુક્તિ માટે ક્રાંતિકારીઓએ આદરેલ ન્યોછાવરીના યુધ્ધમાં પણ ગુજરાતમાં જન્મેલા કેટલાક ક્રાંતિકારીઓના નામ દેશ-વિદેશમાં ગાજતા થયા. કેસરીયા કર્યા સિવાય મુક્તિ ન મળે તેવી ક્રાંતિવીરોની માન્યતા ઘણાં બધા અનુભવોને આધારે ઘડાયેલી હતી. તેઓ હંમેશા માનતા તથા કહેતાં.
કેસરીયા કર્યે ખુલે
દેશમુક્તિના દ્વાર
કાઢ રે કાઢ ચરખા
અબ તુ કેસરીયા તાર. (નાથુસિંહજી મહિઆરીઆ)
ગુજરાતના આવા ધન્યનામ ક્રાંતિકારી વ્યક્તિ-વિશેષોમાં સરદારસિંહ રાણા, પંડિત શામજી કૃષ્ણવર્મા તેમજ મેડમ કામાના નામો ઊડીને આંખે વળગે તેવા છે. અનેક પ્રતિકૂળતાઓ તથા બ્રિટીશ શાસકોની ધોંસ હોવા છતાં તેમણે સમગ્ર વિશ્વમાં ભારતની આઝાદી માટેનો લોકમત તૈયાર કર્યો. આ સૌ સુશિક્ષિત વ્યક્તિઓ હતા. તેઓએ ધાર્યુ હોત તો તેમની વ્યક્તિગત ઉન્નતિના કેટલાયે શિખરો તેમણે સરળતાથી સર કર્યા હોત. નામ અને દામ બન્ને કમાયા હોત. પરંતુ તેમના દિલમાં પરાધિન માતૃભૂમિનું દર્દ સતત ઘૂંટાતું હતું. આથી તેમણે સમષ્ટિના કલ્યાણમાંજ પોતાનું આયખું ન્યોછાવર કર્યું.
શામજીના પ્રયાસોથી લંડનમાં જે ઇન્ડિયા હાઉસ શરૂ કરવામાં આવ્યું ત્યાં અનેક નોંધપાત્ર ગતિવિધિઓ કરવામાં આવી. શાસકોની નજર સામેજ તેમની ભૂમિ ઉપર આવી પ્રવૃત્તિ કરવામાં કેટકેટલું આયોજન થયું હશે તે પણ એક વિચાર કરતા કરી મૂકે તેવી બાબત છે. ઇન્ડિયા હાઉસમાંજ આ સ્વપ્નદ્રષ્ટા યુવકોએ ૧૮૫૭ ના સ્વાતંત્ર્ય સંગ્રામનો અર્ધશતાબ્દીનો ઉત્સવ રંગેચંગે ઉજવ્યો. ૧૮૫૭ ના સંઘર્ષ બાબતે દુનિયા સામે તેમણે અંગ્રેજોએ જે હકીકતોની ઇરાદાપૂર્વક અવગણના કરી હતી તેવી વાસ્તવિકતાઓ આધારભૂત રીતે રજૂ કરી. ૧૯૦૮ માં લંડન સ્થિત ઇન્ડિયા હાઉસમાં જે સમારંભ થયો તેના પ્રમુખસ્થાને ઝાલાવાડના સપૂત સરદારસિંહ રાણા હતા. સમારંભનું તમામ આયોજન ઝીણવટપૂર્વક કરનાર કચ્છના પનોતા પુત્ર પંડિત શામજી કૃષ્ણવર્મા હતા. આ સમારંભમાંજ વીર સાવરકરે ૧૮૫૭ ના મુક્તિસંગ્રામની કડીબધ્ધ વિગતો ઇન્ડિયા હાઉસના આંગણેથી જગત સમક્ષ રજૂ કરી. આ ઘટના પછી અંગ્રેજ શાસકો શામજીની પ્રવૃત્તિ બાબત વિશેષ જાગૃત થયા. આ સભામાંજ મેડમ કામાનો યાદગાર સંદેશ સરદારસિંહજીએ વાંચી સંભળાવ્યો. મેડમ કામાના મૂળ અંગ્રેજીમાં લખાયેલા આ સંદેશાની ભાવના અદભુત છે.
‘‘ ધ્યેય હસ્તગત થયાનું દ્રષ્ય જોવા આપણે કદાચ ભાગ્યવાન ન પણ હોઇએ પરંતુ ધ્યેય માટે મરી ફીટવાનું ભાગ્ય તો આપણું છે જ.’’
મેડમ કામાના ઉપરના સંદેશામાં હિમાલયની દ્રઢતા તથા યજ્ઞશિખાની પવિત્રતાના દર્શન થાય છે. પ્રથમ વિશ્વયુધ્ધની શરૂઆત ૧૯૧૪ માં થયા બાદ ફ્રાંસ તથા બ્રિટન વચ્ચે જે મૈત્રીના સંબંધો થયા તેના કારણે શ્રી રાણાને પકડવાની બ્રિટીશ શાસકોની ઇચ્છા પુરી થઇ. ફ્રાંસની સરકારે તેમની મિલકતો પણ જપ્ત કરી તેમના પર રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો અને તેમની ધરપકડ કરવામાં આવી. તેમના માતાપિતા તેમજ સગા સંબંધીઓને પણ શ્રી રાણા સાથે પત્રવ્યવહાર કરવાની મનાઇ ફરમાવવામાં આવી. ધરપકડ થયા બાદ તેમની તબિયત ક્રમે ક્રમે બગડવા લાગી. છેવટે તેમના પર હદપારીનો હુકમ બજાવવામાં આવ્યો. ૧૯૫૧ માં દક્ષિણ અમેરિકાના પનામા નજીકના માર્ટિનીક ટાપુ પર રહેવાનું ફરમાન થયું. ખૂબજ તકલીફો વચ્ચે તેઓનું જીવન અહીં વ્યતિત થયું. જીવન ટકાવી રાખવા માટે પણ આ મહાપુરૂષે તેમજ તેમના કુટુંબીજનોએ પારાવાર સંઘર્ષ વેઠવો પડ્યો. પ્રથમ વિશ્વયુધ્ધ પૂર્ણ થતાં વીર વિઠ્ઠલભાઇ પટેલની દરમિયાનગીરીથી તેમને પેરિસમાં પ્રવેશ કરવાની પરવાનગી મળી.
૧૯૪૭ માં દેશને આઝાદી મળી ત્યારબાદ તેઓ સ્વતંત્ર રાષ્ટ્રના દર્શન માટે ભારત આવ્યા હતા અને તે વખતે મહાત્મા ગાંધીને મળ્યા હતા. પંડિત નહેરૂને મળીને તેમણે અને મેડમ કામાએ જર્મનીમાં ફરકાવેલ રાષ્ટ્રધ્વજ પંડિતજીને ભેટમાં આપ્યો હતો. ભારત સરકારે જ્યારે સ્વાતંત્ર્ય સેનાનીઓને પેન્શન આપવાનું નક્કી કર્યુ ત્યારે તેમણે પેન્શન સ્વીકાર્યુ ન હતું. શ્રી રાણાએ ફ્રાંસનું નાગરિકત્વ સ્વીકારેલું પણ જન્મભૂમિ પ્રત્યેનું તેમનું આકર્ષણ હમેશા અકબંધ રહ્યું હતું. તેમના વ્યક્તિત્વમાં ભાષા, સાહિત્ય તેમજ રાજનીતિનો તેમનો ઉંડો અભ્યાસ પણ વિશેષ ધ્યાન માંગી લે તેવો છે. ફ્રેન્ચ, જર્મન, રશિયન, અંગ્રેજી, હિંદી અને ગુજરાતી ભાષાની જાણકારી હતી. તેમણે લાલા લજપતરાયના પુસ્તક ‘અન હેપી ઇન્ડીયા’નો ફ્રેન્ચ ભાષામાં અનુવાદ કર્યો હતો. આ ઉદાર ચરિત્ર મહામાનવે ગુરૂદેવ ટાગોરના શાંતિ નિકેતનના પુસ્તકાલય માટે લગભગ સાતસો ગ્રંથ કવિવરને ભેટમાં આપ્યા હતા.
શામજી તથા સરદારસિંહ જેવા નાયકો આપણાં સદાકાળના હીરો છે. તેમના વિશાળ દ્રષ્ટિકોણ, ઉત્તમ ભાવનાઓ તેમજ તે ભાવનાઓને ગમે તે ભોગે કાર્યાન્વિત કરવાની શક્તિની વાતો આપણાં સમગ્ર સમાજની અમૂલ્ય ધરોહર સમાન છે. તેમના જીવનની ઝાંખી આપણાં યુવક – યુવતીઓ માટે સદાકાળના આદર્શ સમાન છે. આ વિચારોના પ્રસાર માટે આ મહાપુરૂષોના જીવનની કિતાબો યુવાનો સમક્ષ ખોલવાનું કાર્ય મહત્વનું છે. આવા શહીદોની વાતો હજુ છેલ્લા ૧૦૦-૧૨૫ વર્ષોનીજ છે અને તેથી તેના દસ્તાવેજી પુરાવાઓ આપણી પાસે ઉપલબ્ધ છે. આથી આ વાતો વિશેષ ઠોસ તથા દિલો-દિમાગ ડોલવનારી છે. રોલ મોડેલ શોધવાના પ્રયાસો કરનારા આપણાં યુવાધન માટેના આ યુગપુરૂષોના જીવન જીવંત તથા આદર્શ સ્ત્રોત સમાન છે. બલિદાન અને સ્વાર્પણના આયુધોથી તેમણે મુક્તિસંગ્રામનો નૂતન ઇતિહાસ રચ્યો. ફાંસીના માંચડે પહોંચેલા શાયર તથા ક્રાંતિવીર રામપ્રસાદ ‘બિલ્મીલ’ ના અમર શબ્દો યાદ આવે છે.
માલિક તેરી રજા રહે
ઔર તું હી તું રહે
બાકી ન મેં રહું
ન મેરી આરઝુ રહે
જબ તક કી તનમે જાન
રગો મેં લહૂ રહે,
તેરા હો જિક્ર યા
તેરી હી જુસ્તજૂ રહે.
બિસ્મીલના શબ્દોમાં સંતવાણીની સુગંધ છે તથા ભગવદગીતાના અનાશક્તિયોગનું કદાચ દર્શન પણ છે.
અબ ન પિછલે બલબલે હૈ
ઔર નઅરમાનોંકી ભીડ,
એક મિટ જાને કી હસરત,
બસ દિલે – બિસ્મિલ મેં હૈ.
Leave a comment