વીર સાવરકર : કાળા પાણીમાં કમળ

Image

દુનિયાના અનેક દેશોમાં સ્વાતંત્ર્ય મેળવવા માટે નાના મોટા સંઘર્ષ થયા છે.  પરાધિનતાની બેડીઓ તોડવાનું કામ ક્યારેય સરળ હોઇ શકે નહિ. ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ પણ અનેક વિવિધરંગી ઘટનાઓને કારણે ભાતીગળ લાગે છે. આ સંગ્રામમાં એક તરફ અસાધારણ નૈતિક તાકાતના બળે વિશ્વની મહાસત્તાને પડકારનાર ગાંધી છે. બીજી તરફ દુધમલિયા યુવાનોની એક સેના છે. મૃત્યુ હથેળીમાં રાખીને તેઓ સાધન સંપન્ન ગોરા શાસકો સામે યુક્તિપૂર્વકનો જીવન મરણનો જંગ ખેલે છે. તક મળે ત્યારે ક્રાંતિવીરોની આ ફનાગીરી વહોરી લેનાર સેનાના સભ્યો વાર પણ કરે છે. બદલામાં જ્યારે મૃત્યુદંડ જેવી આકરી સજા તેમને કરવામાં આવે ત્યારે ફૂલમાળ જેમ ફાંસીનો ફંદો ગળામાં પહેરીને ઉલ્લાસભેર આ ફાનિ દુનિયાને અલવીદા કરે છે.  અલગ અલગ પધ્ધતિથી ધ્યેય સિધ્ધિ માટે બન્ને પ્રકારના લોકો આગે કદમનો મંત્ર લઇને જ મા ભોમની મુક્તિ માટે પોતપોતાની માન્યતા પ્રમાણે ચાલ્યા. મેઘાણીભાઇએ લખ્યું :

આગે કદમ ! દરિયાવની છાતી પરે,

નિર્જળ રણે, ગાઢાં અરણ્યે ડુંગરે,

પંથ ભલે ધન ઘૂઘવે કે લૂ ઝરે,

આગે કદમ ! આગે કદમ ! આગે કદમ !

       કવિ કહે છે કે જીવનનું ઇતિશ્રી આ કસોટીના કાળમાં માત્ર આગે કદમનું જ છે. પરંતુ વિકટ માર્ગો પરના અનેક ભયસ્થાનોથી પણ પથિકે ઉપર ઉઠીને નિર્ધારીત માર્ગે મજબૂત ડગ માંડવા પડશે.

રહેશે અધૂરી વાટ, ભાતા ખૂટશે

પડશે ગળામાં શોષ, શક્તિ તૂટશે,

રસ્તે છતાં ડૂકી જવાથી શું થશે ?

આગે કદમ ! આગે કદમ ! આગે કદમ !

       ફનાગીરીના આ વિકટ પંથ પર આગે કદમનો મતલબ કેવો હતો તેની પ્રતિતિ કરવી હોય તો વીર સાવરકરની જેલકથા ‘મારી જનમટીપ’ (માઝી જન્મઠેપ) વાંચવી જોઇએ. સેલ્યૂલર જેલ, આંદામાનની કાળ કોટડી કે જ્યાં આ સુશિક્ષિત યુવાને જીવનના ઘણા વર્ષો યાતનાઓ ભોગવીને ગાળ્યા તેનું દર્શન કરીએ ત્યારે આ યાતનાઓની સામાન્ય ઝાંખી મળે. આવા અન્ય ઉજળા ઉદાહરણો પણ તે કાળમાં જોવા મળે છે. કારાવાસના કારણે પોતાના પ્રિય પુત્રનું અંગ્રેજ સત્તાધિશોના અમાનવીય વ્યવહારથી થયું તેની જાણ રાજસ્થાનના વીર કેસરીસિંહજીને લાંબા સમય બાદ થઇ ! કારણ કે તેઓ ખુદ પણ મુક્તિ સંગ્રામમાં જોડાઇને કેદી તરીકે જીવન પસાર કરતા હતા. છતાં આ બધા ક્રાંતિકારીઓની વિચારસરણી કેટલી સ્પષ્ટ તથા હેતુલક્ષી હતી તેની પ્રતિતિ તેમણે લખેલા નાના-મોટા પુસ્તકો કે પત્રવ્યવહારથી થાય છે. ભગતસિંહે અનેક પ્રસંગોએ પોતાના ધારદાર વિચારો સ્પષ્ટ રીતે રજૂ કર્યા છે. તેમના સંઘર્ષને તેઓ વિચારસરણી આધારિત ગણાવતા હતા. મોડર્ન રીવ્યૂના તંત્રીને જેલમાંથી લખેલા એક પત્રમાં ક્રાંતિના મૂળ તત્વોની ચર્ચા કરતા લખે છે :

‘‘ ક્રાંતિની ભાવના સાથે માનવજાતનો આત્મા સદાયે ઓતપ્રોત રહેવો જોઇએ. જેથી રૂઢિવાદી શક્તિ માનવસમાજની પ્રગતિની હોડમાં આડે આવવા સંગઠિત ન થઇ શકે. … ક્રાંતિ શબ્દનો અર્થ પ્રગતિ માટે પરિવર્તનની ભાવના તથા આકાંક્ષા છે… પરિવર્તનના વિચારમાત્રથી કાંપવુંએ અકર્મણ્યતાની નીશાની છે. ’’ ભગતસિંહ તથા બટુકેશ્વર દત્તે સંયુક્ત રીતે લખેલા પત્રમાં વિચારોની આ સ્પષ્ટતા તથા શબ્દોની સચોટતા જોતા જરૂર લાગે કે આ કોઇ આંધળુકિયા કરનાર યુવાનોનો સમૂહ ન હતો. વિચારસરણી આધારિત સંઘર્ષ તેમણે સંપૂર્ણ ગરિમા જાળવીને કર્યો. વીર સાવરકર પણ પ્રખર ક્રાંતિકારી હોવા ઉપરાંત સમર્થ વિચારક હતા. તેમનું ક્ષણેક્ષણનું મનોમંથન માતૃભૂમિની મુક્તિ માટેનું હતું. મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં નાના એવા ગામ ભગૂરમાં ૨૮ મે, ૧૮૮૩ ના રોજ જન્મ લઇને સ્વાધિનતા સંગ્રામની કહાનીમાં એક ઉજ્વળ પ્રકરણ બનીને જીવ્યા. દુનિયાભરના ક્રાંતિકારીઓની તેમજ ક્રાંતિની ઘટનાઓનો અભ્યાસ કરનાર આ અભ્યાસુ વૃત્તિના તથા લક્ષ માટે ગમે તે જોખમ લેવા તૈયાર એવા વીરે ક્રાંતિમાર્ગ પર પોતાના અમિટ પદચિન્હો મૂકેલા છે.

ઇંગ્લાંડમાં તેમની ધરપકડ થયા બાદ ૧૯૧૦ માં તેમને ભારત તરફ એક જહાજમાં લાવવામાં આવતા હતા ત્યારે તેમણે સખત ચોકી પહેરા વચ્ચે મરણની પરવા કર્યા સિવાય અગાધ સમુદ્રમાં જંપલાવીને નાસી છૂટવાનો જે પ્રયાસ કર્યો તે અસાધારણ ઘટના છે. ફ્રાન્સના માર્સેલ્સ બંદર પાસે ૮ જુલાઇ ૧૯૧૦ ના રોજ તેઓ ચપળતાથી સમુદ્રમાં કુદી પડ્યા અને ખુલ્લા દરિયામાં તેમના પર હથિયારધારી અંગ્રેજ સૈનિકોએ ગોળીઓનો સતત વરસાદ વરસાવ્યો. તેમ છતાં તેમની સાહસિક વૃત્તિ, હિમ્મત તથા ગણતરીબધ્ધ હિલચાલને કારણે તેઓ માર્સેલ્સ બંદર પર પહોંચી ગયા. બીજા દેશના વિસ્તારમાં અંગ્રેજોની સત્તા ચાલશે નહિ તેમ માનીને તેઓએ ફ્રાન્સમાં અંગ્રેજ સૈનિકોની નજરથી બચવા પ્રયાસ કર્યો  પરંતુ તેમને સફળતા ન મળી. બન્ને દેશના સૈનિકોએ અંદરોઅંદર સલાહ મસલત કરીને સાવરકરને ફરી અંગ્રેજ સૈનિકોના બંદી બનાવવામાં આવ્યા. આ સમાચાર ભારત તથા વિશ્વના અન્ય દેશોના લોકોની જાણમાં આવ્યા ત્યારે સાવરકરની અસાધારણ વીરતાનો આ પ્રસંગ ખૂબ પ્રસિધ્ધિ પામ્યો.

વીર સાવરકરના તમામ કાર્યોને બ્રિટીશ સામ્રાજ્ય સામેનો વિદ્રોહ ગણીને તેમના પર ખટલો ચલાવવામાં આવ્યો. તેમને બે જન્મટીપની સજા ફરમાવવામાં આવી. વીર સાવરકરના કાર્યો તથા વ્યક્તિત્વની છાપ જે ભારતીય પ્રજામાનસ પર પડી હતી તેની સતત ચિંતા ગોરા હામેમોને રહેતી હતી. આથી તેમના કાર્યોની વિસ્મૃતિ થાય તથા દાખલા સ્વરૂપ સજાનો સંદેશ દેશના લોકોને મળે તે માટે તેમને આંદામાનમાં બ્રિટીશ સરકારે સ્થાપેલી વિશાળ તથા ભયાવહ સેલ્યૂલર જેલમાં મોકલવામાં આવ્યા. આખરે અંગ્રેજોએ કેશરીયા કરનાર આ વીર પુરૂષને કાળા પાણીની સજા તરીકે જાણીતી હતી તેવી આકરી સજા કરી. પ્રાથમિક સવલતોનો પણ અભાવ અને સખત જાપ્તા વચ્ચે ઘણાં માતૃભૂમિના ભક્તો અહીં યાતનાથી ભરેલું જીવન વ્યતિત કરતા હતા. વીર સાવરકરનો તેમાં ઉમેરો થયો. સમુદ્રના ભીષણ ઘૂઘવાટની જેમજ આ ક્રાંતિવીરોના મનોમસ્તિષ્કમાં સ્વતંત્રતાની ઝંખનાનો ઘૂઘવાટ સતત ગુંજતો રહેતો હતો. કાળા પાણીની આકરી સજાથી પણ તેમના જુસ્સા કે નૈતિક બળમાં કોઇપણ ફેરફાર થયો નહિ. જેલમાં પણ દૈનિક ક્રમમાં કરવી પડતી આકરી મજૂરી તથા ખૂબ જ અપૂરતા તથા પૂરતું પોષણ ન મળી શકે તેવા ખોરાક પર વીર સાવરકર સહિતના ક્રાંતિવીરો સ્વાધિનતાના સ્વપ્નાઓ મનમાં સજાવીને આત્મવિશ્વાસથી જીવન વ્યતિત કરતા હતા.

વીર સાવરકરે ઘણાં લાંબા મંથન પછી પોતાની જન્મટીપની કથા લખવાનું વિચાર્યુ જે એક યોગ્ય દસ્તાવેજીકરણનું કામ થયું તેમ ગણી શકાય. બીજા રાજદ્વારી કેદીઓના પ્રમાણમાં તેમણે વધારે લાંબો સમય આ કાળ કોટડીમાં પસાર કર્યોં હતો. આ વ્રતાંત ‘માઝી જન્મઠેપ’નામના ગ્રંથથી સમાજને મળ્યો. તેનો ગુજરાતી અનુવાદ શ્રી ગોપાળરાવ ભાગવતે કરીને ગુજરાતી વાચકોને એક સુંદર ઉપહાર આપ્યો છે. બીજા પણ નાના મોટા કેટલાક પુસ્તકો વીર સાવરકરના જીવનમાં ડોકિયું કરવા માટે ઉપલબ્ધ થયા છે.

વીર સાવરકર સારા લેખક હોવા ઉપરાંત ઘણાં સારા વક્તા પણ હતા. તેમને સાંભળવા હજારોની મેદની એકઠી થતી હતી. તેમનામાં કવિત્વ શક્તિ પણ બાળપણથી જ ખીલી હતી. બાર વર્ષના કિશોર સાવરકરના ગદ્ય-પદ્ય લખાણો પૂનાના અખબારોમાં છપાતા હતા. છત્રપતિ શિવાજીના ગુરુ રામદાસ, શિવાજી મહારાજ, ગેરિબાલ્ડી તથા મેઝિનીની તેમના જીવન તથા વિચારો પર પ્રભાવ હતો. પચાસ વર્ષની બે જન્મટીપની સજાનો નિર્ણય સાંભળીને આ મહાવીરે કોર્ટરૂમમાં જ ગર્જના કરી કે માત્ર ત્યાગ કરીને તથા દુ:ખ સહન કરીને જ અમારી પ્રિય માતૃભૂમિ વિજય તરફ – સ્વાધિનતા તરફ પ્રયાણ કરી શકશે ! કેવું અસાધારણ મનોબળ !

મુંબઇમાં ડુંગરીની જેલમાં પગમાં પહેરાવેલી ભારે બેડીઓ સાથે તેમજ કેદીના પોષાકમાં પોતાના તે જમાનામાં બારિસ્ટર થયેલા પતિને કાળાપાણીની સજા થતા આંદામાન જતા પહેલા ભારે પોલીસ પહેરા વચ્ચે રૂબરૂ મળતાં વીસ-બાવીસ વર્ષની યુવાન પત્નીના મનમાં કેવી લાગણીઓ જન્મી હશે ! પચાસ વર્ષની કેદ, ફરી પાછા જીવતા મળાય કે ન મળાય તેવી જગાએ જેલવાસની સજા. પરંતુ આ ભારતીય વિરાંગના પતિને અહીંની ચિંતા ન કરવા તથા પોતાની કાળજી લેવાની સલાહ આપીને ભારે હૈયે પરંતુ હસતા મુખે વિદાય આપે છે ત્યારે લાગે છે કે આઝાદી પ્રાપ્ત કરવા માટે કેટલા બધા લોકોએ કેટલી મોટી કિંમત ચૂકવી છે !

બ્રિટીશ સત્તાધિશોના સમગ્ર વહીવટમાં સામાન્ય પ્રજાનું શોષણ હતું તે વાત ગાંધીજીએ અનેક વખત તેમના લખણોમાં કે ભાષણોમાં કરી હતી. શરૂઆતમાં તો ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું મુખ્ય કામ વેપારનું હતું. હિન્દના તૈયાર માલનું મોટું બજાર યુરોપમાં મળતું હતું. યુરોપમાં હિન્દની વસ્તુઓની માંગ પણ ઘણી હતી. પરંતુ ઇંગ્લાંડના ઉદ્યોગોમાં યાંત્રિક પધ્ધતિનો વિકાસ થવાથી ઔદ્યોગિક મૂડીદારોનો નવો વર્ગ ઊભો થયો. તેઓએ પોતાની સમૃધ્ધિ વધારવા માટે હિન્દુસ્તાનના ઉત્પાદકો સામે અન્યાયી પ્રથાઓ રાજ્યસત્તાના જોરે દાખલ કરાવી. કાયદાની મદદથી હિન્દના માલ માટે ઇંગ્લાંડમાં વેપાર કરવા માટેના દરવાજા બંધ કરવામાં આવ્યા. ઇસ્ટ ઇન્ડિયા કંપની પાસે હિન્દના માલની નિકાસ કરવાનો ઇજારો હોવાથી બીજા પરદેશી બજારો પર પણ અસર થઇ.

 

હિન્દના પાકા માલના ઉત્પાદન સામે તેમજ તેના વેપાર સામેના કૃત્રિમ તથા અન્યાયી નિયંત્રણો મૂકીને હિન્દના ફૂલેલા ફાલેલા કાપડ ઉદ્યોગનો નાશ કરવાનો આ એક સુઆયોજિત પ્રયાસ હતો. શાસનનું તેને પીઠબળ હતું. હિન્દના લોકોના જીવન પર આ આર્થિક પ્રવાહોની ખૂબ ખરાબ અસર થઇ તેનું વિગતવાર વર્ણન પંડિત જવાહરલાલ નહેરૂએ પોતાના વિખ્યાત પુસ્તક ‘‘ મારું હિન્દનું દર્શન ’’ માં કરેલું છે. આ સ્થિતિ સમાજ માટે અકળાવનારી હતી. મહાત્મા ગાંધીએ પણ દાંડીકૂચ શરૂ કરતા પહેલા વાઇસરોયને લખેલા પત્રમાં હિન્દુસ્તાનની આ દારૂણ ગરીબી તથા અંગ્રેજ સત્તાધિશોની અન્યાયી નીતિ સામે વિગતે ધ્યાન દોર્યું હતું. ક્રાંતિવીરો પણ અન્યાયનો ભોગ બનીને જીવન વ્યતિત કરનાર સમાજની સ્થિતિથી વ્યગ્ર થયા હતા. આથી સંપૂર્ણ મનોમંથનના અંતે તે અન્યાયી સત્તાને મૂળમાંથી ઊખેડીને ફેંકવાનું કામ તેમને યુગધર્મ સમાન લાગ્યું હતું.

આ મહીનામાં ગુજરાત રાજ્યની સ્થાપનાનો દિવસ આવે છે તેમજ વીર સાવરકરની જન્મજયંતિ પણ આવે છે. વીર સાવરકરે આ ફાની દુનિયાને છોડીને ફેબ્રુઆરી-૧૯૬૬ માં મહાપ્રયાણ કર્યું. આઝાદ હિન્દુસ્તાનનું દર્શન કરીને તેઓ ગયા. વીર સાવરકર તેમની વિચક્ષણતા, કુરબાની તેમજ અસાધારણ આત્મવિશ્વાસ માટે હમેશા લોક સ્મૃતિમાં આદરપૂર્વક રહેશે.

અગર બહેતર, ભૂલી જાજો અમારી યાદ ફાની !

બૂરી યાદે દુભવજો ના, સુખી તમ જિંદગાની,

કદી સ્વાધિનતા આવે – વિનંતી ભાઇ છાની,

અમોનેય સ્મરી લેજો જરી, પળ એક નાની.

 તેજ – તણખો

             વિદેશમાં રહીને પરદેશી શાસકોની કરડી નજર હેઠળ પંડિત શામજી કૃષ્ણવર્મા કેટલી બધી દેશહિતની પ્રવૃત્તિઓ કરી શક્યા તે હકીકતો આજે પણ આશ્ચર્ય તથા શામજી પ્રત્યે આદર પ્રગટાવે તેવી છે. માંડવી-કચ્છમાં ૧૮૫૭ માં જન્મ લેનાર આ મહામાનવે એક સાથે અનેક પ્રવૃત્તિઓ આદરી. હિન્દુસ્તાનના સ્વાતંત્ર્ય જંગની વિગતો તથા ક્રાંતિના વિચારના પ્રચાર માટે ‘‘ ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ ’’પત્રનો પ્રારંભ કર્યો. દેશ-વિદેશના અનેક ભારતીયોએ પત્રને વધાવી લીધું. તેના તંત્રી પણ પંડિત શામજી કૃષ્ણવર્મા હતા. પ્રખ્યાત ક્રાંતિ ગીતો પણ આ સામયિકે છાપ્યા. પંડિત શામજી કૃષ્ણવર્માએ જાહેર કરેલી સ્કોલરશીપનો લાભ વીર સાવરકરને પણ મળ્યો. પંડિત શામજી કૃષ્ણવર્માના ઇન્ડિયા હાઉસમાં જ સરદારસિંહ રાણા, મેડમ કામા તથા વીર સાવરકરની ત્રિમૂર્તિએ શામજીની દેશહિતની અનેકવિધ પ્રવૃત્તિઓને પ્રચંડ સમર્થન પૂરું પાડ્યું. ઝંઝાવાતોની વચ્ચે સ્વેચ્છાએ રહીને જીવન વ્યતિત કરનાર આ વીરોની સ્મૃતિ વિસરી શકાય તેવી નથી. ફાંસીએ લટકવાનો સમય આવતા પ્રસિધ્ધ ક્રાંતિકારી રામપ્રસાદ બિસ્મિલ ગૌરવભેર ફાંસીની ખોલી તરફ ગોરખપુર જેલમાં ચાલ્યા. ફાંસીઘરના દરવાજે અંતિમ શબ્દો – અંતિમ ઇચ્છા પ્રગટ કરી :

 “ I wish down – fall of British empire “

       વીર સાવરકરની સ્મૃતિને નમન કરીએ.

***

Leave a comment

Blog at WordPress.com.

Up ↑