કાલાય તસ્મૈ નમ:

આપણાં દેશને મહામૂલી આઝાદી મળી તેની પહેલાના લગભગ ૧૦૦ વર્ષનો ઇતિહાસ એ કદાચ દીર્ઘકાલીન કાળખંડમાં એક જુદીજ ભાત પાડે છે. ઇતિહાસમાં ધરબાઇને પડેલી કાળની અનેકાનેક ઘટનાઓમાં કોઇને કોઇ ચેતનાનો સંચય તથા તેનું સંક્રમણ તો હશે જ. માનવજીવની ઊંચાઇને ઉજાળનાર ભવ્ય ક્ષણોની સાથે સાથે કોઇ પ્રસંગોમાં વ્યક્તિગત કે સામુહિક ઉણપની ઘડીઓનું દર્શન પણ કાળદેવતાએ નિહાળ્યું હશે. પરંતુ આ બધી હકીકતો કે વાસ્તવિક્તાઓ વચ્ચે દેશમાં ગાંધીયુગની આકાશગંગામાં જે તેજસ્વી તારલાઓ જગતે જોયા તેની સાક્ષી બનતા કદાચ કાળદેવતાએ પણ ધન્યતા અનુભવી હશે. આ અનોખા યુગને કવિ સુંદરમે કોઇ જગ્યાએ ‘‘સાફલ્યટાણું’’ કહીને બીરદાવ્યો છે. કવિ શ્રી ઉમાશંકર પણ આ સાફલ્યટાણાનુંજ પુષ્પ. કવિવર્ય આ અસાધારણ યુગચેતનાને વર્ણવતા જગતના ઇતિહાસમાં પ્રસિધ્ધ એવી ફ્રેંચક્રાંતિ સમયે કવિ વર્ડઝવર્થે ઉચ્ચારેલી પંક્તિઓ કવિ ઉમાશંકર ટાંકતા.

Bliss was it in that dawn to be alive

But to be young was very heaven !

કવિ વર્ડઝવર્થના આ શબ્દોને આપણી માતૃભાષામાં કવિ ઉમાશંકરે આ રીતે મૂક્યા :

તે પરોઢે જીવતાં હોવું, પરમ આનંદ એ,

હોવું પરંતુ જુવાન, તે તો સ્વર્ગસમ.

     જેઓ પણ આ કાળમાં પ્રગટ થયાં તેમાના ઘણાં પોતાના કર્તવ્યનું પાલન નિજાનંદે કરીને ગયા. પ્રસિધ્ધિ તો તેમાના ગણ્યાં ગાંઠ્યા લોકોને મળે તે કાળના પ્રવાહની સ્વીકૃત બાબત છે. પરંતુ જીવન કર્તવ્યની વેદી પર આહૂતિ આપનાર તમામનું મૂલ્ય એકસમાનજ છે. મેઘાણીભાઇએ લખ્યું છે તેમ અનેક અણપૂછ્યા તથા અણપ્રીછેલા લાડકવાયાની મધુર સ્મૃતિ કાળના ગર્ભમાં તેમજ કોઇની વાત, કાવ્યપંક્તિ કે કથામાં સમવાયેલા હશે. આ ધરોહર તો સમાજની સામુહિક મિલકત છે. એવી ભસ્માંકિત સંપત્તિ કે જેનું મૂલ્ય અમૂલ્ય છે. આથી આ સ્મૃતિને જાળવવા મેઘાણીભાઇ લાગણીસભર શબ્દોમાં શીખામણના બે બોલ કહે છે.

એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ ખાંભી

એ પથ્થર પર કોતરશો ના કોઇ કવિતા લાંબી

લખજો ખાક પડી આંહી કોઇના લાડકવાયાની.

     આ યુગની અસર હેઠળ ઉજળું તથા કર્તવ્યપરાયણ જીવન જીવીને કાળને પણ દિશા આપનાર ઠક્કરબાપા તથા રવિશંકર મહારાજ જેવા પાયાનું કામ કરવામાંજ જીવનનું ઇતિશ્રી માનનાર મનિષિઓ થયા. શિક્ષણની સ્થિતિમાં આમૂલ પરિવર્તન સિવાય સમાજની સાર્વત્રિક તથા સર્વાંગી પ્રગતિ શક્ય નથી આ વાતની દ્રઢ પ્રતિતિ સાથે શિક્ષણની નવી તરાહ તરફ સમાજને પોતાના કર્તવ્યના બળ તથા નિષ્ઠાથી દોરનાર દર્શક તથા નાનાભાઇ થયા. જોગાનુજોગ દર્શકની તો આ જન્મ શતાબ્દીનું વર્ષ પણ છે. પૂજ્ય મોરારીબાપુની નિશ્રામાં આ વર્ષમાંજ (૨૦૧૪) થયેલા એક સુંદર તથા સુઆયોજિત શૈક્ષણિક પરિસંવાદના કાર્યક્રમમાં પણ ઘણાં વિદ્વાન વક્તાઓએ કહેલી વાતોનો એક ટૂંકો અહેવાલ મનસુખભાઇ સલ્લાએ મોકલ્યો હતો. આ બધા શિક્ષણ શાસ્ત્રીઓએ આજે દર્શકના શતાબ્દી વર્ષમાં કહેલી વાતો પરથી એવી પ્રતિતિ થાય કે દર્શકે કહેલી શિક્ષણ સુધારણાની કેટલીયે વાતો આજે પણ પ્રાસંગિક છે. આજ કાળમાં સૌરાષ્ટ્રમાં સરદારસિંહ રાણા, કચ્છમાં પંડિત શામજી કૃષ્ણ વર્મા, મેડમ ભીખાઇજી કામા તથા વીર સાવરકર જેવા તેજ-તણખાઓના ફનાગીરીમાંથી પ્રગટેલા ઓજસથી બ્રિટિશ સત્તાધિશો અંજાયા હતા. સુખ-સગવડતાનું જીવન જીવવાની તમામ સંભાવનાઓને ઠોકર મારી પૂર્ણ ન્યોછાવરીના માર્ગે ચાલીને કેશરીયા કરનાર શહીદોનું દર્શન પણ આ કાળખંડમાંજ સવિશેષ થયું. અનેક ઝંઝાવાતો સામે અડગ તથા નિર્ભય બનીને આ વીરોએ માતૃભૂમિને મુક્ત કરવા નિર્ણાયક લડત આપી. મેઘાણીભાઇએ આ લાગણીને વાચા આપી.

નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે,

ખબર છે એટલી કે માતની હાકલ પડી છે

જીવે મા માવડી એ કાજ મરવાની ઘડી છે,

ફીકર શી જ્યાં લગી તારી અમો પર આંખડી છે

પ્રભુજી પ્રેખજો આ છે અમારું યુદ્ધ છેલ્લું,

બતાવો હોય જો કારણ અમારું લેશ મેલું

અમારા આંસુડાને લોહીની ધારે ધૂએલું,

દૂવા માગી રહ્યુ જો સૈન્ય અમ તત્પર ઊભેલું.

     મહદ્ અંશે ગાંધીના માર્ગે ચાલેલી જગતના આ અજોડ મુક્તિ સંગ્રામમાં સામાજિક ચેતના પ્રગટાવવાનું કાર્ય પણ સાથેજ થયું. પ્રત્યેક માનવ ગૌરવ તથા સ્વમાનની લાગણીથી જીવી શકે તેવો ભીષણ પુરુષાર્થ ડૉ. બાબા સાહેબે આ યુગમાં કર્યો. જેના પરિણામો લાંબાગાળાના તેમજ ટકાઉ આવ્યા. વિનોબાજી તેમજ જયપ્રકાશ નારાયણ જેવા લોકોએ ગાંધી વિચારનું આચરણમાં સ્થાપન કરવા માટે તથા જ્યાં વ્યવસ્થાની નબળાઇ ધ્યાને આવી ત્યાં તેને ખુલ્લેખુલ્લા પડકારવાની ગાંધી ચેતનાને ગાંધીજીની વિદાય પછી પણ જ્વલંત રાખી.

લોક સાહિત્યના તેમજ એકંદરે સાહિત્યના ઇતિહાસ માટે પણ અમુક દ્રષ્ટિથી આ કાળ સવિશેષ નોંધપાત્ર બન્યો. લોકસાહિત્ય એ લોકજીવનમાંથી પ્રગટ થતું અને લોક થકીજ સચવાતું સાહિત્ય છે. છતાં કેટલાક પ્રકાશનો એવા થયા કે જેમણે લોકસાહિત્યના સંવર્ધનમાં એક વિશિષ્ટ યોગદાન આપ્યું. ૧૯૫૦ માં ફૂલછાબ સાપ્તાહિકમાંથી દૈનિક બની રાજકોટ આવ્યું. જયમલ્લ પરમાર તેના તંત્રીપદે હોવાથી સ્વાભાવિક રીતેજ લોકસાહિત્ય તરફ તેમનું વિશેષ ધ્યાન રહ્યું. ફૂલછાબ પાસે અમૃતલાલ શેઠના ‘‘સૌરાષ્ટ્ર’’ ની ઉજળી પરંપરાનું ભાથું હતું. મેઘાણીભાઇએ પણ પોતાની શક્તિનો ઉપયોગ સૌરાષ્ટ્ર પત્રને મજબૂત કરવામાં તથા તેના માધ્યમથી જનજાગૃતિ લાવવાનું ઐતિહાસિક કાર્ય કર્યું. આવું જ એક મહત્વનું પ્રકાશન એ માસિક       ‘‘ ઊર્મિ ’’ છે. તેના પ્રકાશનનો પ્રારંભ ૧૯૩૦ માં કરાંચીથી થયો. પ્રો.ડોલરરાય માંકડ તેમજ કવિ ઇન્દુલાલ ગાંધી તેના તંત્રીમંડળના સભ્યો હતા. પ્રકાશનની આવી પ્રવૃત્તિ માત્ર નફાની દ્રષ્ટિએ નહિ પરંતુ સમાજ તથા સાહિત્ય તરફના એક કમિટમેન્ટને કારણે થઇ હતી તેમ સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. પ્રકાશનની પ્રવૃત્તિમાં આવુંજ એક ભાતીગળ અને તે કાળમાં ખૂબજ મહત્વનું નામ ‘‘ભારતી સાહિત્ય સંઘ’’ નું હતું. આ સંસ્થા ૧૯૩૬ માં શરૂ થઇ. ત્યારબાદ ૧૯૪૫ માં તેનું કંપનીમાં રૂપાંતર થયું. દાદા સાહેબ માવળંકર તેના પ્રમુખ થયા તથા ઇશ્વરભાઇ દવે આ પ્રકાશન કંપનીના સક્રિય ડાયરેકટર થયા. ઇશ્વરભાઇ દવે એ તેમની સમગ્ર જીવનયાત્રા ૨૦ સપ્ટેમ્બર, ૧૯૧૩ થી ૨૨ ડીસેમ્બર, ૧૯૭૮  દરમિયાન પ્રકાશન તેમજ સાહિત્યના પ્રચાર-પ્રસાર તથા મિત્રોના આધારસ્થંભ બનીને એક ઝળહળતુ આયખું જીવી ગયા. ભાઇ રાજુલભાઇ સાથે વાત થતા અચાનક જ એ વાતનો ઉલ્લેખ થયો કે, ૨૦૧૩ માં હમણાં જ તેમની જન્મશતાબ્દીનું વર્ષ ગયું. મેઘાણીભાઇ ઉપરાંત લોકસાહિત્યના સંશોધન તેમજ વિકાસમાં તથા સામાજિક ચેતના પ્રજવલિત કરવાના યશકાર્યમાં બાંધવ ત્રિપુટી સમાન ત્રણ નામો અનાયાસે જ સામે આવે છે. ઇશ્વરભાઇ દવે, જયમલ્લ પરમાર તથા નિરંજન વર્મા (નાનભા બારહઠ્ઠ) ની મૈત્રી તે મૈત્રી સબંધોની એક નવી પરિભાષા ઉભી કરે તેવી ભગવદ્દ મૈત્રી હતી. સંસ્કાર, શ્રધ્ધા તથા પરસ્પરના સન્માન માટેની લાગણી ત્રણેના જીવનમાં છેલ્લા શ્વાસ સુધી ટકી રહી.

ઇશ્વરભાઇ દવે : પ્રકાશપુંજ સમી જીવનયાત્રા

     સુરેન્દ્રનગર જિલ્લાના ચરાડવા ગામમાં જન્મ લેનાર આ ભૂદેવ ખરા અર્થમાં વિદ્યાવ્યાસંગી જીવન જીવ્યા અને આજીવન સરસ્વતીની ઉપાસના ધગશ તેમજ નિષ્ઠા અને ચોકસાઇથી કરી. જયમલ્લભાઇ લખે છે તેમ ધીરજ, મીઠપ તથા મધુરતાના એ મહેરામણ હતાં. ‘‘ ભારતી સાહિત્ય સંઘ’’ ના કાર્યનો અલગ ઇતિહાસ લખી શકાય તેવું કાર્ય ઇશ્વરભાઇએ કર્યું. ૧૯૩૮ થી ૧૯૬૫ સુધીના લગભગ ત્રણ દાયકાના સમયગાળામાં થયેલા ૬૦૦ પ્રકાશનોમાં ઇશ્વરભાઇનું યોગદાન હતું તે એક અસામાન્ય ઘટના ગણાય. સબંધોની સાંકળમાં બંધાયેલા કેટલાક મિત્રો  જેમાં જયમલ્લભાઇ-નિરંજન વર્મા – ઇશ્વરભાઇ દવે ઉપરાંત રતુભાઇ અદાણી, મોહનભાઇ મહેતા (સોપાન), મનુભાઇ પંચોળી (દર્શક) જેવા અનેક પુષ્પોથી ઓપતી આ ફુલવાડી હતી. દરેક પુષ્પને પોતાનું આગવું વ્યક્તિત્વ તથા આગવી સુવાસહતી. છતાં સામાજિક કાર્યોમાં તેમના વ્યક્તિગત અહમ કે ગમા-અણગામાનો અણસાર સુધ્ધા ન હતો તે પણ ઇતિહાસનું એક સુવર્ણ પૃષ્ઠ છે.  રાણપુર સત્યાગ્રહની સ્મશાન છાવણી હોય, કુસ્તીનું મેદાન હોય કે જીવનના તમામ રસ અને ઠાઠના સંપૂર્ણ ત્યાગનું પર્વ હોય – ઇશ્વરભાઇનું વ્યક્તિત્વ દરેક પ્રસંગે અલગ રીતે ઝળહળી ઉઠતું હતું. અંજલિ ગ્રંથમાળા કે પછીથી ભારતી સાહિત્ય સંઘ તરફથી ‘‘ઉર્મિ’’  નું પ્રકાશન હોય તેમાં ઇશ્વરભાઇની મહેનત, ધગશ,ધ્યેય તથા ધીરજના ચાર ચાંદ લાગ્યા હતા. સૌજન્યશીલ સ્વભાવ,  અભ્યાસુ વૃત્તિ તથા મિતભાષીતાના ગુણો જાણે ઇશ્વરભાઇના વ્યક્તિત્વમાં તાણાવાણા જેમ ગૂંથાયેલા હતાં. ઇશ્વરભાઇના લગ્ન ૧૯૩૮ માં હળવદમાં થયા. એ સમયના હળવદના સામાજિક વાતાવરણમાં તેમના જીવનસંગીની બનવા નિર્માયેલા વિદ્યાબેન પણ ખાદીના વસ્ત્રો પહેરીને,ઘૂમટો તાણીને નહિ પરંતુ ખુલ્લા મોંએ લગ્નવિધિમાં જોડાય તેવો આગ્રહ આ પરશુરામના વંશજે રાખ્યો અને બરાબર અમલ કરાવ્યો ! લગ્ન કરીને પરત જતા એવી બાબત ધ્યાન ઉપર આવી કે કરિયાવરમાં પણ  કેટલાક મિલના કપડા છે. આથી આ બધા કપડા પણ પરત કર્યા ! આ કાળના માનવીઓના આવા વાસ્તવિક જીવન પ્રસંગો આજની નવી પેઢીના કિશોરો – તરૂણો સમક્ષ મૂકવાનો સુઆયોજિત પ્રયાસ કરવા જેવું લાગે છે. ટીવીના પડદે જેની ભરમાર આજે છે તેના પ્રસંગો સામે આવા પ્રસંગો આજની પેઢી સમક્ષ રજૂ થાય તો પણ તેમની નિર-ક્ષિર તારવવાની વૃત્તિનો વિકાસ થાય. સંકલ્પબળ, સાત્વિક વૃત્તિ તથા માનવ જીવનના પાયાના મૂલ્યોના ઉંડા મૂળ નાખવા માટે કદાચ ગાંધી યુગના આ તારકો સૌથી મહત્વના તથા જીવંત રોલમોડેલ જેવા છે. નિરૂભાઇ (નિરંજનવર્મા)ની કઠીન સારવાર કરવાની હોય કે મિત્રોને કુટુંબની હુંફ પૂરી પાડવાની હોય તે તમામ પ્રસંગે વિદ્યાબેન – ઇશ્વરભાઇના અડીખમ આધારની અનુભૂતિ દરેક સ્નેહીજનને થઇ હતી. જયમલ્લભાઇ પરમાર ઇશ્વરભાઇ દવેના મોટા ગામતરા પછી વેદનાસભર શબ્દોમાં લખે છે કે તેમની સાથેના જીવનના અનેક પ્રસંગો ‘‘  રોવાં, જોવા અને વલોવવાં’’ રહ્યાં. ઇશ્વરભાઇની સ્મૃતિમાં ઉર્મનો ખાસ અંક ૧૯૭૯ માં પ્રગટ કર્યો તેમાં જયમલ્લભાઇએ લોકકવિના યાદગાર શબ્દો ટાંકયાં :

‘‘ કીસે બંધાવું પાળ, સાયર ફાટ્યો સાંખડા ’’

     એક સમર્થ પ્રકાશક તરીકે ઇશ્વરભાઇના કાર્યોનું સર્વગ્રાહી અને તટસ્થ મૂલ્યાંકન થાય તો ખૂબ પ્રભાવી હકીકતો સામે આવી શકે છે. કવિ શ્રી ઉમાશંકર જોષી લખે છે :

‘‘ ભારતી સાહિત્ય સંધનો ભાર મુખ્યત્વે ઇશ્વરલાલ દવેના ખભા ઉપર છે. ઇશ્વરલાલ બહુ વિવેકી, મીઠાબોલા અને સમજદાર. તેઓ માણસને ઓળખે અને સાચવી જાણે. એે જમાનામાં માત્ર સર્જનાત્મક સાહિત્યકૃતિઓ છાપવાની હામ ભીડે એવા બહુ ન હતા. મારી કવિતાના ‘‘પ્રાચીના’’ અને ‘‘આતિથ્ય’’ એ સંગ્રહો ઇશ્વરભાઇએ બહાર પાડેલા. ’’

ઝીણાભાઇ દેસાઇ ‘સ્નેહરશ્મિ’ ઇશ્વરભાઇના કાર્યનું મૂલ્યાંકનકરતા લખે છે કે ઇશ્વરભાઇએ એકલા હાથે ભારતી સાહિત્ય સંઘની પ્રવૃત્તિ દાદાસાહેબ માવળંકરની પ્રેરણાથી વિકસાવી. તેમાંથી ગુજરાતને ૬૦૦ પુસ્તકોની સારસ્વત – સંપત મળી. તદ ઉપરાંત ‘‘ઊર્મિ નવરચના’’ ના માધ્યમથી ઇશ્વરભાઇએ સુરુચિપૂર્ણ વાચનક્ષુધાને સંતોષવાની સુંદર કામગીરી કરી. આ જ રીતે ઇશ્વર પેટલીકર તેમની નવલકથા ‘લખ્યા લેખ’ ની બીજી આવૃત્તિ કરવાની ઇશ્વરભાઇએ સામેથી તૈયારી બતાવી તેનાથી ખૂબ પ્રભાવિત થયા હતા. ઇશ્વરભાઇ પકાશક ઉપરાંત સાહિત્યના સમર્થ જીવ હતા તેમ પન્નાલાલ પટેલે લખ્યું છે. તેનો સચોટ દાખલો આપતાં તેઓ કહે છે કે ઊર્મિ-નવરચનાને આજના કેટલાક પ્રકાશકોના માસિકો સાથે સરખાવી તો જૂઓ ! જનાબ શેખાદમ આબુવાલા તેમના ગદ્યના પ્રકાશનની શરૂઆત ઉર્મિનવચના થકી થઇ તેનો સગર્વ ઉલ્લેખ કરે છે. લાગણી સભર થઇ શેખાદમ લખે છે : કળિયુગમાં આવા જોખમ લેનારા પ્રકાશકો કયાં મળે? ઘાતક અસકસ્માતમાં ઇશ્વરભાઇના મૃત્યુને જોઇને ઘવાયેલા શેખાદમ લખે છે કે, મોતને આવવું જ હતું તો ભલે આવ્યું પરંતુ આ રીતે દુર્જનની જેમ અનજેન્ટલમેનલી આવવું જોઇતું નહતું.

 

ઉર્મિ નવરચના માસિકે પણ અનેક તડકા છાંયા અનુભવ્યા પરંતુ પોતાના માર્ગેથી વિચલિત ન થયું ગુણવત્તા બાબત કદી કોઇ સમાધાન ન કર્યું. મેઘાણીભાઇએ તેમની રચનાઓ માટે આ માસિકને યોગ્ય વાહક ગણ્યું. ‘‘માણસાઇના દીવા’’ પુસ્તકની વાતોમાં રવિશંકર મહારાજના રોમાંચક પ્રસંગો લખવાની બાબતમાં ઇશ્વરભાઇ નિમિત્ત બન્યા હતા તેમ મેઘાણીભાઇએ લખ્યું છે. આ પ્રસંગો પ્રથમ ઉર્મિનવરચનામાં જ પ્રસિધ્ધ થયા. આ પુસ્તકની પ્રસ્તાવના કાકાસાહેબ જેવા મોટા ગજાના માનવી પાસે લખાવનાર પણ ઇશ્વરભાઇ હતા ! ખાસ અંકોમાં મેઘાણી સ્મૃતિ અંક (૧૯૪૭), નિરંજન વર્મા સ્મૃતિ અંક (૧૯૫૧) તેમજ દાદાસાહેબ માવળંકર સ્મૃતિ અંક (૧૯૫૬) ઉર્મિનવરચનાના ઇતિહાસમાં માર્ગસૂચક સ્થંભો ગણાવી શકાય તેવું જયંત પરમારનું વિધાન યથાર્થ છે. પ્રકાશક ઉપરાંત સાહિત્ય તેમજ સંસ્કારની સ્થાયી સુગંધના પ્રસારક તરીકે પણ ઇશ્વરભાઇ સૌને યાદ આવ્યા કરશે. ખરેખર તેઓ જગપ્રવાસી હતા અને ઉમદા સાહિત્યના પ્રસાર માટે કેટલીયે દેશ વિદેશની ખેપો ખેડતા હતા. વિદેશોમાં સ્થાયી થયેલા કેટલાયે ગુજરાતી કુટુમ્બોમાં તેમણે સાહિત્યની સુગંધ રેલાવી. કાનજી ભુટા બારોટ ઇશ્વરભાઇને નવાજતા લખે છે :

ભારતી સંઘ સાહિત્યનો, ઉર્મિનો આતમરામ,

વિદ્યાનો વહાલો ગયો, છોડી સ્નેહ તમામ,

રોઇ શકું કેમ રોઇ, મોકળિયું મેલી કરી,

ઇશ્વર સરખો ઓય, સ્નેહી સાંપડશે નહિ.

     અગાઉ ઉલ્લેખ કર્યો છે તેમ દેશ આઝાદ થયો તે પહેલાના ૧૦૦ વર્ષના કાળમાં કોઇ ગાંધી વિચારની અસર હેઠળ જીવનની નવી તરાહ વિકસાવનારા, કોઇ માતૃભૂમિની મુક્તિની ઝંખનાનું સપનુ તથા સંકલ્પ લઇને ક્રાંતિના પંથે ફનાગીરીના ડગ ભરનારા કે કોઇ સમાજ સુધારણા, સાહિત્ય જેવા વિષયોમાં અસાધારણ યોગદાન માત્ર નિજાનંદ તથા કર્તવ્યનિષ્ઠાથી કરનારા લોકોની એક વણઝાર ચાલી. તેમના કર્તવ્ય તેમજ બલિદાનને કારણે કેટકેટલા લાભ આપણે આજે પ્રાપ્ત કરી શકયા છીએ. આ તેજસ્વી તારલાઓની ઓળખ આપણી યુવાન પેઢીને થાય તે ખૂબ જ ઇચ્છવા યોગ્ય છે કારણ કે આ બધા તેજસ્વી તારકો શુભ કાર્યોની પ્રેરણાના સ્થાયી સ્ત્રોત સમાન છે.

***

Leave a comment

Blog at WordPress.com.

Up ↑