પ્રસંગોના આયોજનમાં પુંજલભાઇ રબારીનો પનો ક્યારેય ટૂંકો પડતો નથી તેવો એકથી વધારે વખત અનુભવ થયો છે. આથી પ્રસંગનું નિમંત્રણ તેમના તરફથી મળે ત્યારે તેમાં હાજરી આપવા મન ખેંચાય. શૈક્ષણિક તેમજ સાહિત્યના ક્ષેત્રમાં તેમનો લગાવ તથા પ્રદાન બન્ને નોંધપાત્ર છે. ભૂજોડી (કચ્છ) ની તેમણે જે શૈક્ષણિક સંસ્થાની કલ્પના કરી હતી તેને વાસ્તવિક સ્વરૂપ આપવાનું મુશ્કેલ કામ પણ તેમણે કચ્છીમાડુઓની હૂંફથી તેમજ આત્મવિશ્વાસથી પૂરું કર્યું. માલધારીઓના બાળકોને શિક્ષણ આપવાનું કામ તેઓ સુયોગ્ય સાથીઓની મદદથી હેતુ સરે તે રીતે કરી રહ્યા છે. આથી સુરેન્દ્રનગરમાં તેઓ તથા અન્ય વિચારશીલ અગ્રણીઓએ કરેલા શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન ગરીમાપૂર્ણ તેમજ પ્રસંગની શોભા વધારે તેવું થયું.
સુરેન્દ્રનગરની જેએનવી વિદ્યાલયના નિવૃત્ત થતા આચાર્ય ભુપતદાન મહેડુ તેમજ સુપ્રસિધ્ધ લોકકલાકાર અભેસિંહ રાઠોડના સન્માન માટેનો સમારંભ તા.૧૧ એપ્રિલ-૨૦૧૪ ના રોજ યોજવામાં આવ્યો હતો. મહત્વની વાત એ હતી કે બન્ને શિક્ષકોના સન્માન માટે સુરેન્દ્રનગરના જાગૃત અને જવાબદાર સમાજે પહેલ કરી હતી. જેમણે આ સુંદર પ્રસંગનું આયોજન કર્યું તેમાં શહેરના જાણીતા તબીબો, નિવૃત્ત અધિકારીઓ તેમજ શૈક્ષણિક કાર્યમાં નોંધપાત્ર યોગદાન આપનારા અગ્રણીઓનો સમાવેશ થતો હતો.
જે સમાજ તેના શિક્ષકોનું સન્માન કરવાનું યજ્ઞકાર્ય કરે તે સમાજ અવશ્ય સ્વસ્થ હોય તેમજ સ્વસ્થ રહે તેમ માની શકાય. આપણા તો શાસ્ત્રોમાં પણ ગુરૂના સ્થાનને એક વિશિષ્ટ દરજ્જો તથા આદર આપવામાં આવ્યા છે. ગુરૂને ગોવિંદથી પણ અધિક ગણવામાં આવ્યા છે. કારણ કે ગુરૂના માધ્યમથી ગોવિંદની પ્રાપ્તિ સરળ તથા ઝડપી થાય છે તેમ વિદ્વાનોનો મત છે. ગુરુ શિષ્યના સંબંધો વિશિષ્ટ રહ્યા છે, વિશ્વાસના રહ્યા છે તેમજ પરસ્પરમાં અખૂટ શ્રધ્ધાના રહ્યા છે. ગુરુ શિષ્યના અનોખા સંબંધ અંગે વિશ્વામિત્ર તથા રામ-લક્ષ્મણની રામાયણની વાત હોય કે સાંદિપની તથા કૃષ્ણ-સુદામાની ભાગવતની વાત હોય ગુરુ શિષ્યના સંબંધોની ગરિમાનું તેમજ પવિત્રતાનું તેમાં દર્શન થાય છે. ગુરુ તરફનો આદર પ્રગટ કરવા એકલવ્યનું સમર્પણ તમામ કથાઓમાં આજે પણ અજોડ અને અદ્વિતીય લાગે છે. જેમના જીવનનો કડીબધ્ધ ઇતિહાસ મળે છે તેવા સમર્થ સ્વામી વિવેકાનંદના જીવનમાં ગુરૂનો પ્રભાવ હમેશા પથદર્શક રહેલો છે. નાનાભાઇ ભટ્ટ અને ગીજુભાઇ બધેકા જેવા સમર્થ શિક્ષકોએ અનેક વિદ્યાર્થીઓની ચેતનાના દિપક સ્નેહ, કાળજી તથા ચોકસાઇથી પ્રગટાવ્યા છે. આથી વિશ્વાસના સંબંધોની આપણી આ ઉજળી પરંપરા છે. તેથીજ સુરેન્દ્રનગરના ગુરુ વંદના- ગુરુ સન્માનનો કાયર્ક્રમ થયો તે આ પરંપરાની એક મજબૂત કડી સમાન છે.
જેમનું સન્માન કરવામાં આવ્યું તે ભૂપતદાન મહેડુએ લગભગ સાડાત્રણ દાયકા સુધી સરખાજ ઉમંગ – ઉત્સાહથી શિક્ષક – મુખ્ય શિક્ષક તરીકે કામ કર્યું. થોડા વર્ષો કેશોદ (જૂનાગઢ જિલ્લો) માં અને ત્યારબાદ લાગલગાટ રર વર્ષ સુધી સુરેન્દ્રનગર જેએનવી વિદ્યાલયના આચાર્ય તરીકે કામ કરીને તેમણે અચાર્યને પદને ખરા અર્થમાં ઉજાળ્યું છે. એમના મૂંગા તથા સમર્પિત કાર્યનું પ્રમાણ શોધવા જવું પડે તેમ ન હતું. સુરેન્દ્રનગરના સી.યુ.શાહ મેડીકલ હોલની ભરચક હાજરી તેનું પ્રમાણ પૂરું પાડતી હતી. હાજર રહેનાર દરેક વ્યક્તિના અંતરનો ભાવ ઉભરાતો જોવા મળ્યો હતો. Respect is communded, not demanded ની ઉક્તિ આ સમારંભમાં સહજ રીતે ચરિતાર્થ થતી જોવા મળતી હતી. શિક્ષણના સ્તર વિશે, શિક્ષકોની કામગીરી બાબત આજે જ્યારે કોઇક જગાએ નિરાશા જન્મે તેવી સ્થિતિ સમાજને દેખાય છે તેવા કપરા કાળમાં દીપક સમાન આવી ઝળહળતી કામગીરી સમાજમાં પુન: શ્રધ્ધાનો સંચાર કરી શકે છે.
એક દીવો છાતી કાઢીને
છડેચોક ઝળહળે
તો એ અંધારાના
સઘળા અહંકારને હરે. (કવિ રમેશ પારેખ)
કોઇ સંસ્થાની શિક્ષણ પધ્ધતિમાં તેમજ તેની દૈનિક વ્યવસ્થાઓમાં ગુણાત્મક પરિવર્તન લાવવા એક શિક્ષકને કેટલી બધી મહેનત કરવી પડતી હશે તે એક કલ્પનનો વિષય છે. નિરાશા ખંખેરવા તેમજ શ્રધ્ધા પ્રગટાવીને શાળાની શૈક્ષણિક કામગીરીને સુદ્રઢ તેમજ પરિણામલક્ષી બનાવવા ભાઇ ભૂપતભાઇએ અનેક પ્રશ્નો તેમજ સમસ્યાઓનો પણ સમાનો કર્યો હશે. ચીલાચાલુ પદ્ધતિ કે કહેવાતી રાબેતા મુજબની સ્થિતિનો સ્વીકાર તેમના અંતરાત્માએ નહિ કર્યો હોય ત્યારેજ પરિણામો મળ્યા હશે. જગત આજે તે પરિણામોને ખોબે અને ધોબે વધાવે છે પરંતુ તે પરિણામો પ્રાપ્ત કરવા પાછળના અથાક તેમજ પ્રમાણિક પ્રયાસોની બહુ ઓછા લોકોને જાણ હશે. સારા સહકર્મીઓનો સહયોગ તેમને જરૂર મળ્યો હશે. કારણ કે કેટલાક કામો મજબૂત ટીમવર્ક સિવાય થતા નથી અને કદાચ થાય તો ટકતા નથી. જે વિદ્યાર્થીઓને આ પ્રક્રિયાના પરિણામનો લાભ થયો હશે અને આજે પણ થતો રહે છે તેઓ પણ દેશના જવાબદાર નાગરિકો બને તેવી શક્યતા વિશેષ છે. શિક્ષકનું કામ તો પેઢીઓના ઘડતરનું છે. આવી ઉત્તમ સમાજ સેવાનો લાભ બીજા કોઇ ક્ષેત્રમાં કામ કરનારને ભાગ્યેજ મળતો હશે. પ્લેટોએ યથાર્થ કહેલું છે :
‘‘ જે સમાજ યોગ્ય શિક્ષણ પાછળ વધારે ખર્ચ કરે છે તેને લશ્કર પાછળ ઓછું ખર્ચ કરવું પડે છે.’’ વિનોબાજીએ એકથી વધારે પ્રસંગોએ પોતાને આજીવન શિક્ષક ગણાવ્યા છે અને તે રીતે શિક્ષણનું તેમણે અદકેરું મૂલ્યાંકન કર્યું છે.
શ્રી ભૂપતદાન સાથે સન્માનિત થનારા બીજા મહાનુભાવ શ્રી અભેસિંહ રાઠોડ હતા. અભેસિંહભાઇને લોક સાહિત્યના સિધ્ધહસ્ત કલાકાર તરીકે તો માત્ર રાજ્યના તથા દેશનાજ નહિ પરંતુ વિદેશોમાં વસેલા ગુજરાતીઓ પણ ઓળખે છે. તેમનો પહાડી અવાજ તથા સુયોગ્ય પ્રસ્તુતિને કારણે લોક સમૂહે તેમને અનેક નાના મોટા કાર્યક્રમોમાં ઉમંગથી વધાવ્યા છે. મેઘાણીભાઇના ગીતો તેમના કંઠેથી સાંભળવા તે એક અનોખો લહાવો છે. લોક સાહિત્યની રજૂઆતની બારીક સૂઝ તથા સૌજન્યશીલ વ્યક્તિત્વને કારણે તેમની એક જુદી છાપ ઊભી થઇ છે. પરંતુ તેઓ પણ મૂળે શિક્ષણ ગોત્રનાજ ! આથી એક સમર્પિત શિક્ષકનું સન્માન શિક્ષણમાં તેમના વિશિષ્ટ પ્રદાન માટે થયું ત્યારે સુરેન્દ્રનગરની સન્માન સમિતિના ભાઇઓને અભેસિંહભાઇનું સન્માન કરવાનો સુંદર વિચાર આવ્યો. અભેસિંહભાઇને લોકસાહિત્યમાં તેમના યોગદાન માટે પૂ. મોરારીબાપુ પ્રેરીત કવિ દુલા ભાયા કાગ એવોર્ડ એનાયત થયો તેનો હરખ કલા જગત તેમજ શિક્ષણ જગત સાથે તાલમેલ ધરાવતા તમામ વર્ગના લોકોને હતો. સુરેન્દ્રનગરના સમાજે હોંશથી આ તક ઝડપી લીધી તથા અભેસિંહભાઇનું લાગણીપૂર્વક સન્માન કર્યું.
આ સન્માન સમારંભની એક વિશિષ્ટ ઘટના એટલે સરસ્વતી પુત્રોને આશીર્વાદ આપવા એક સંત પુરૂષની હાજરી. ભાગવત ભૂષણ પૂજ્ય ભાઇ (રમેશભાઇ ઓઝા) પોતાની કથા છેક ભાવનગર જિલ્લાના કોઇ ગામથી પૂરી કરીને તેમજ લાંબી મુસાફરીની અસુવિધા વેઠીને કાર્યક્રમમાં આવ્યા અને સમગ્ર ઘટનાની ગરિમા વધારી. આપણા આવા સંતો કથા કરવા ઉપરાંત અનેક સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ કાર્યક્ષમ રીતે કરે છે. ખરા અર્થમાં તેઓ લોકશિક્ષણનું કામ કરી સમાજ જીવનને વધારે વિચાર –સમૃધ્ધ બનાવે છે. પૂજ્ય ડોંગરેજી મહારાજની ઉજળી પરંપરા પૂજ્ય ભાઇએ વિશેષ રીતે દીપાવી છે. પૂજ્ય ભાઇએ ખૂબ રસ પડે તેવી શૈલીમાં મહત્વની વાતો હળવાશથી કરી તેમણે એ બાબતમાં સમાજનું ધ્યાન ફરી દોર્યું કે આપણા સૌના જીવનમાં શિક્ષકોનું સ્થાન એટલું મહત્વનું છે કે કાળના સુદીર્ઘ પ્રવાહમાં પણ શિક્ષકના યોગદાનને આપણે ભૂલી શકતા નથી. શાળા છોડ્યાને વર્ષો થયા હોય તો પણ જે શિક્ષકે પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણના સમયે આંગળી ઝાલીને વિદ્યાર્થીને જ્ઞાનપ્રાપ્તિના માર્ગે સ્નેહ અને કાળજીથી દોર્યા હોય તે લોકોના દિલમાં શિક્ષકની છબી માતાની છબીની જેમજ કાયમ રહે છે. પૂજ્ય ભાઇના આ શબ્દોમાં ગૂંથાયેલી લાગણી તથા સંદેશનું ભાથું શિક્ષણ જગતમાં કાર્યરત હોય તેવા સૌ માટે પ્રેરણાદાયક છે. બન્ને સન્માનિત મહાનુભાવોએ પણ શિક્ષણની તેમની સુદીર્ઘ યાત્રામાં થયેલા વિવિધ અનુભવોની વાત અંતરના ઉમળકાથી તેમજ ખૂબ લાગણીશીલ થઇને કરી હતી. બન્નેની શક્તિ શિક્ષણ ઉપરાંત લોકસાહિત્યના અભ્યાસ અને તેની ધારદાર રજૂઆતને કારણે પણ સમાજે પ્રમાણી છે તેમજ વધાવી છે. અભેસિંહભાઇના તો જીવનક્રમમાંજ સાહિત્ય સાધના અભિન્ન રીતે વણાયેલી છે. ભૂપતભાઇનું વલણ ભક્ત કવિ ઇસરદાસજી રચિત હરિરસ તરફ ઢળેલું છે અને તેના સ્વાધ્યાયમાં સક્રિય રીતે તેઓ જોડાયેલા છે. આથી આ પ્રવૃત્તિ આવનારા સમયમાં પણ વિશેષ પ્રમાણમાં થતી રહેશે તેવી ધારણા ચોક્કસ કરી શકાય. સદભાગ્ય હોય તેનું મન જ હરિરસ તરફ ઢળે. હરિરસના પાઠથી તેમજ તેની ભક્તિથી પરમ તત્વની ઉપાસના સહજ તથા સરળ બને છે. ભક્તકવિ ઇસરદાસજીના હરિરસમાં ગૂંથાયેલા શબ્દો તથા તેના ગુઢાર્થમાં જીવનના પાયાના તત્વો શોભે છે. હરિરસ તરફથી ગતિ એ નિશ્ચિત સર્વાધિક ઉન્નતિ તરફથી ગતિ છે.
હરિરસ હરરસ એક હૈ
અનરસ અનરસ માન,
બિન હરિરસ હરિ ભગતિ બીનુ
જનમ વૃથા નર જાન,
સરવ રસાયણમેં સરસ,
હરિરસ સમી ન કોય,
એક ઘડી ઘટમાં રહે,
સબ ઘટ કંચન હોય,
સકળ હરિરસ શોધિકે,
વાણી, અર્થ વિચાર,
શ્રોવણ ફળ પાવે સદા,
બૂઝેગો તત સાર.
સર પ્રભાશંકર પટ્ટણીએ લખ્યું છે તેમ સંત કવિ ઇસરદાસજીની આ અમર રચના જનજનમાં શ્રધ્ધા પ્રગટાવવાની શક્તિ ધરાવે છે અને આ શ્રધ્ધાથીજ નવું બળ, નવું ચેતન તથા નવી દ્રષ્ટિ જરૂર પ્રાપ્ત થશે. ભૂપતભાઇની દ્રષ્ટિ આ ગ્રંથની ઉપાસના તરફજ મંડાયેલી છે તેથી તેમનો હવેનો માર્ગ નિ:સંદેહ આધ્યાત્મિક ઉન્નતિ તરફનો હશે.
દર્શકની જન્મ શતાબ્દીના ઐતિહાસિક વર્ષમાં બે શિક્ષકોનું સન્માન એ સમાજની સ્વસ્થતા તેમજ વિચારશીલતા તરફ ધ્યાન દોરે છે. ઉત્તમ પરંપરામાં પણ કાળક્રમે જે કેટલીક તીરાડો દેખાય છે તેથી મન ક્યારેક વિક્ષુબ્ધ થાય તે સ્વાભાવિક છે. પરંતુ સુરેન્દ્રનગરમાં બનેલી આ ઘટના પુન: શિક્ષણની ગૌરવશાળી પરંપરા તરફની શ્રધ્ધા અને આદરમાં ઉમેરો કરે છે.
શિક્ષક તથા સમાજ વચ્ચે શ્રધ્ધાનો સંબંધ છે. કદાચ કોઇ જગાએ આ સ્થિતિમાં ક્ષતિ દેખાતી હોય તો તેનું નિવારણ કરવાની પવિત્ર જવાબદારી બન્ને પક્ષોની છે. અમેરિકાના પ્રમુખ અબ્રાહય લિંકને તેના પુત્રના શાળા પ્રવેશના સમયે શિક્ષકમાં શ્રધ્ધા રાખીને તેની પાસેથી જે અપેક્ષાઓ રાખી છે તે શબ્દો સમગ્ર વાલી સમાજની અપેક્ષા બને તથા શિક્ષકમાં તેના અમલ માટેની ખેવના પ્રગટે તો સ્વસ્થ – સમૃધ્ધ દેશનું સ્વપ્ન જરૂર વાસ્તવિક્તામાં પરિવર્તીત થાય. પરમ તત્વના આશીર્વાદ આ કાર્યમાં જરૂર મળે. જરૂર છે માત્ર આપણા કાર્યમાં આપણો આત્મા રેડવાની. આ બન્ને શિક્ષકોએ આ દિશામાંજ ડગ માંડવા નમ્ર પ્રયાસો કર્યા છે અને તેનું આ પરિણામ છે. બન્નેના ઉત્તમ પ્રદાનને બિરદાવવા જનાબ સાહિર લુધિઆનવીના શબ્દો જરૂર ટાંકી શકાય.
અબ એક રાત અગર કમ જિયે
તો કમ હી સહી,
યે હી બહોત હૈ કી હમ
મશાલેં જલાકે જિયે.
***

Leave a comment