: સંતવાણી સમીપે : તોરલ વાણી : ભક્તિ ખાંડા કેરી ધાર. 

વેદોની જ્ઞાનવાણી, ઉપનિષદોની અનુભવવાણી તેમજ સંતો-ભક્તોની સંતવાણીના ભાતીગળ પ્રવાહોએ આપણાં વ્યક્તિગત તેમજ સામાજિક જીવનને લીલું છમ્મ રાખવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. જ્ઞાનવાણી જે મહદ અંશે સંસ્કૃતમાં વિદ્વાનો સમજી શકે તેવી શૈલિમાં હોય. ભાષાની કે માધ્યમની દૂર્બોધતાને કારણે ઘણીવાર ઉત્તમ બાબતો પણ જન સામાન્ય સુધી પહોંચવી મુશ્કેલ બને છે. સંતવાણીએ આ શ્લોક અને લોક વચ્ચેના અંતરને નોંધપાત્ર રીતે ઘટાડ્યું છે. આથી જ સંતવાણી કે ભજનવાણીની પવિત્ર ધારા કાળના નિરંતર વહી જતા પ્રવાહમાં સ્થિર રહી છે અને સદાકાળ જીવંત રહી છે. અહીં ગુરૂ – શિષ્ય પરંપરામાં ભક્તિમય જ્ઞાનનો પ્રવાહ સુપાત્ર જોઇને વહેતો રહેલો છે. અહીં ગુરૂનો તેથી જ અપાર મહિમા છે. 

ગુરુ કુંભાર શિષ્ય કુંભ હૈ, ઘડી ઘડી કાઢે ખોટ,

અંતર હાથ સંવારદે, બાહર મારે ચોટ.

વાણીની સરળતા તેમજ જીવનના વ્યવહારૂ ઉદાહરણોના સંદર્ભબળને કારણે આ સાહિત્ય લોકભોગ્ય બન્યું છે. સામાન્ય જનને આ વાણી ‘પોતીકી’ લાગી છે. જેસલ અને તોરલના નામો તથા તેમના જીવનની કથા લોકહ્રદયમાં સ્થાન પામી છે. આ પાત્રો સાથે જોડાયેલી ‘ક્વિદંતીઓ’ કે ચમત્કારની વાતો બાજુ પર રાખીએ તો પણ સતી તોરલના રચેલા પદ માનવજીવનના શાશ્વત મૂલ્યોની વાત સહજતાથી તેમજ સરળતાથી કરે છે. 

જેસલ કરી લે વિચાર 

માથે જમ કેરો માર 

સપના જેવો છે સંસાર 

તોળી રાણી કરે છે પોકાર 

આવો જેસલ રાય ! 

આપણ પ્રેમ થકી મળીએ જી 

પૂરા સંત હોય ત્યાં જઇ ભળીએ જી ! 

ગુરૂના ગુણનો નહિ પાર 

ભગતી છે ખાંડાની ધાર 

નુગરા ક્યા જાણે સંસાર

એનો એળે જાય અવતાર 

આવોને જેસલરાય ! આપણ….. 

મોતીડાં એરણમાં ઓરાય 

માથે ધણ કેરા ઘાવ 

ફૂટે તે ફટકિયાં કેવાય 

ખરાની ખળે ખબરું થાય. 

આવોને જેસલરાય ! આપણ…. 

દેખાદેખી કરોને મત ભાઇ ! 

હાથમાં દીવડીયો દરશાય 

અંતરે અજવાળા થાય 

ચાર જુગની વાણી તોરલ ગાય. 

આવોને જેસલરાય ! આપણ….  

જેસલ જે પોતાના કાળમાં નિજકર્મો થકી ઘણા અપયશને પામ્યો હતો તેને સ્નેહથી સમજાવવામાં તોરલે જાણે શાસ્ત્રોની તમામ ઉત્તમ વાતો અને ઠોસ ઉદાહરણોનું અસરકારક મિશ્રણ તૈયાર કર્યું છે. સંતવાણીમાં વાતને કે વિચારને મૂકવાની છટા, સરળતા તેમજ વિચાર પ્રાધાન્યતા દાદ આપવી પડે તેવા હોય છે. આથી જ આ ભજનો કચ્છ–સૌરાષ્ટ્રમાં નારાયણ સ્વામી, યશવંત ભટ્ટ કે મુગટલાલ જોષી જેવા મીઠા અને ઘેઘૂર કંઠથી વહેતા થાય છે ત્યારે રાત ટૂંકી પડે છે ! તોરલ સમજાવે છે કે જીવન અર્થપૂર્ણ રીતે જીવવા માટે પ્રેમથી મળવું અને સંત પુરૂષોથી ભળવું એ મહત્વની બાબત છે. સદગુરૂની પસંદગી અને પસંદગી કર્યા બાદ તે સદગુરૂના વાણી – વિચારને સમજીને જીવનમાં ઉતારવા માટે તોરલ જેને સમજાવવા મુશ્કેલ છે તેવા જેસલને આગ્રહ કરે છે તથા તેને સ્નેહ અને સમજાવટથી જ્ઞાનમાર્ગે દોરે છે. આ વાણીમાં બે વાત મહત્વની છે. એક તો સદગુરૂની યોગ્ય પસંદગી અને ત્યારબાદ તેના વાણી કે વર્તન થકી વહેતા વિચારમાં શ્રધ્ધા ધરાવીને જીવન જીવવા યથાશક્તિ પ્રયાસ કરવો. ગુરૂની પસંદગી જ ઉતાવળા કે અવિચારી રીતે માત્ર દેખાદેખીથી કરીએ તો વિપરિત પરિણામો પણ મળે. સાંપ્રત સમયમાં તો આવા પ્રસંગો આપણને અનેકવાર જોવા-વાંચવા કે સાંભળવા મળે છે. કેવી સરસ વાત કહી છે કે કસોટીની અંતિમ ક્ષણે – ઘણના અસહ્ય ઘા પડતા હોય ત્યારે – પણ જે ટકી રહે, પ્રજ્વલિત રહે તેજ શૂરા ગણાય. ઉદાહરણ કે અનુસરણ એવા લોકોનું જ જીવનમાં હોય તો જીવન સમૃધ્ધ બને જ તે વાત સતીએ સમજાવવાનો પ્રયાસ કર્યો છે. આ વાત અને વિચાર આજે પણ એટલા જ પ્રસ્તુત છે. માત્ર ૧૬ વર્ષની પાકિસ્તાનની કિશોરી મલાલા યુસુફઝાઇએ તાલિબાનોના બળ કે શક્તિથી ડરી જઇને પોતાની સાચી વાત પડતી મૂકી હોત તો દુનિયાને સત્ય માટે મરી ફિટવા તૈયાર હોય તેવી તેજસ્વીનીનું દર્શન ન થયું હોત. પણ ખરે સમયે – કસોટીની ક્ષણે દ્રઢતાથી ટકી રહેનાર લોકો જ કાળના વહેતા પ્રવાહમાં પોતાનું નામ કોતરીને જાય છે. કારણ કે સતી તોરલ કહે છે તેમ આવા લોકો ફટકિયા નથી. તેઓ તો ખરા મોતી છે જે કસોટીમાં ઊણાં ઉતરતા નથી. તોરલે પોતાના જ્ઞાનથી કે અનુભવ વાણીથી જેસલને માધ્યમ બનાવીને જે ડહાપણયુક્ત જ્ઞાનની વાતો સમાજ સમક્ષ વહેતી મૂકી છે તે વિચારો કદી કાલ-બાહ્ય થતા નથી. સમય બદલાય, સ્થિતિ બદલાય તેમ અલગ અલગ સંદર્ભમાં પણ સંતવાણી કે ભજનવાણીના મૂળ વિચારનું તો સાતત્ય રહે જ છે. કારણ કે તે વિચાર શાશ્વત મૂલ્યો અને જીવન જીવવાની ઉત્તમ રીતો સાથે જોડાયેલો છે. સુવર્ણના મૂલ્યની વધ-ઘટ સમય – સંજોગો અનુસાર થાય પરંતુ ચળકાટના તેના મૂળ ગુણને કોઇ expiry date નથી હોતી ! સંતવાણી એ આપણો આવો ઉજ્વળ તથા જીવંત વારસો છે. લોક સાહિત્યમાં સતી તોરલના સંદર્ભમાં એક દુહો વારંવાર બોલાય છે. 

તોરલે ત્રણ નર તારીયા, 

સાસતીયો ને સધીર, 

જેસલ જગનો ચોરટો, 

પળમાં કીધો પીર. 

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑