: સંતવાણી સમીપે : ઊડી જાઓ પંખી પાંખુવાળા : 

કવિ શ્રી દુલા ભાયા કાગ (ભગતબાપુ)ના ભજનો છેલ્લી લગભગ અડધી સદીમાં ખૂબજ પ્રસિધ્ધ તેમજ લોકપ્રિય થયેલા ભજન છે. દર વર્ષે કવિ કાગની પુણ્યતિથિ નિમિત્તે પૂ. સંત શ્રી મોરારીબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં કવિ શ્રી કાગના સાહિત્ય બાબતમાં તેમજ તેમના અમૂલ્ય યોગદાન અંગે જાણીતા સાહિત્ય મર્મીઓ વાત કરે છે. સાંજે લોક સાહિત્યના કલાકારો કવિ કાગનું સાહિત્ય રેલાવી સૌને મોજ કરાવે છે. આજે પણ આ કવિ લોક હ્રદયમાં પોતાના સર્જનો થકી જીવંત છે તેની પ્રતિતિ થાય છે. 

કવિ શ્રી કાગનું સાહિત્ય અનેક પ્રકારના કાવ્ય સ્વરૂપોમાં મહોરેલું છે. આમછતાં તેમનું ભજન સાહિત્ય – સંતવાણી – લોકપ્રિયતામાં શિરમોર સમાન રહ્યા છે. ભજન સાહિત્ય આમ પણ આપણાં રાજ્યના લગભગ દરેક હિસ્સામાં અલગ અલગ નામથી વ્યાપક લોક સ્વીકૃતિ પામેલું કાવ્ય સ્વરૂપ છે. ભજન એ મહદ અંશે મૌખિક પરંપરાનું અને ગાવા સાંભળવાનું કાવ્ય સ્વરૂપ છે. ભજન તેના સરળ, પ્રવાહી તથા ગેય સ્વરૂપને કારણે ખૂબજ લોકભોગ્ય બન્યું છે. 

સમગ્ર પ્રકૃતિના વિવિધ અંશો – પછી તે માનવી હોય, પશુ પંખી હોય કે વૃક્ષ-વનરાજી હોય – એકબીજા સાથે અભિન્ન તથા જીવંત નાતો ધરાવે છે. પૃથ્વી સૌની સહિયારી મિલકત છે. કવિ શ્રી ઉમાશંકર જોશીના હમેશા કહેવા તથા સાંભળવા ગમે તેવા શબ્દો યાદ આવે. 

વિશાળ જગ વિસ્તારે નથી એક જ માનવી :

પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ !

પ્રકૃતિમાં રમંતા એ દુભાશે જો દિલે,

શાંતિની સ્વપ્ન છાયાયે કદી માનવને મળે ?

વૃક્ષનું વૃક્ષત્વ પક્ષીઓના કલરવથી જ મહોરી ઉઠે છે. ઘેઘૂર વૃક્ષ તથા રૂપાળા પક્ષીઓના વિશિષ્ટ સંબંધોના માધ્યમથી કવિ શ્રી કાગે એક ખૂબજ ભાવવાહી, સુંદર તથા લોકપ્રિય ભજનની રચના કરી છે. 

વડલો કહે છે વનરાયું સળગી

મૂકી દિયો જૂના માળા… 

ઊડી જાઓ પંખી પાંખુવાળા…જી… 

આભે અડિયા સેન અગનના 

ધખિયા આ દશ ઢાળા 

આ ઘડીએ ચડી ચોટ અમોને 

ઝડપી લેશે જ્વાળા… ઊડી જાઓ… 

બોલ તમારા હૈયામાં બેઠાં 

રૂડાને રસવાળા…જી…

કોક દી આવી ટૌકી જાજો…

મારી રાખ ઉપર રૂપાળા… ઊડી જાઓ… 

પ્રેમી પંખીડા પાછા નહિ મળીએ 

આ વનમાં વિગતાળા 

પડદા આડા મોતાના પડિયા 

તે પર જડિયા તાળા… ઊડી જાઓ… 

આશે તારે ઇંડા ઉછેર્યા 

ફળ ખાધા રસવાળા… જી… 

મરવા વખતે સાથ છોડી દે 

એ મોઢા હોય મશવાળા… ઊડી જાઓ… 

ભેળા મરશું ભેળા જનમશું 

તારે માથે કરશું માળા…જી… 

‘કાગ’ કે આપણે ભેળા બળશું 

ભેળા ભરશું ઉચાળા… 

ઊડી જાઓ પંખી પાંખુવાળા. 

સુષ્ટિના તમામ જીવંત સમુહના પરસ્પરના સંબંધ તથા પરસ્પરના અવલંબનની મનોહર ગાથા સરળ શબ્દોમાં કવિ કાગે ઉપરના પદમાં આલેખી છે. અહીં આ સંબંધોની તથા સ્નેહની પરાકાષ્ટારૂપ સંવાદો વૃક્ષ તથા પંખીઓ વચ્ચે થાય છે. જેમને ઊડવું એ સહજ કર્મ છે તેવા પક્ષીઓને ઊડી જઇને પોતાની સલામતી સાચવવા વડલો સલાહ આપે છે. પરંતુ પક્ષીઓ આ કટોકટીની ક્ષણે જે જવાબ આપે છે તેમાં તેમની આભથી પણ ઊંચા ઉડ્ડયનની ગરિમા છલકાઇ ઉઠે છે. પંખીઓની લીલીછમ લાગણીને વાચા આપીને લોકકવિ કહે છે કે જે વૃક્ષના આશરે અમારી પેઢીઓનું પોષણ થયું તેનો સાથ કપરી વેળાએ કેવી રીતે છોડી શકાય ? અને તેમ કરીએ તો પક્ષીઓ કહે છે કે અમે સૌ અપયશના અધિકારી બનીએ. વૃક્ષની સાથેજ મહાપ્રયાણ કરીને ફરી બીજા જન્મે તેની સાથે સ્નેહના તાણાવાણા જોડવા માટે ફરી જન્મવાના ઓરતા આ મધુર જીવોને છે. જીવનને ઉદાર, અખંડ તથા વ્યાપક દ્રષ્ટિકોણથી વધાવી લેતા આ ભજનની લોકપ્રિયતા કાયમ રહે તે સ્વાભાવિક છે. 

વૃક્ષો તથા તેના પર કિલકારી કરતા પક્ષીઓનો કલરવ માનવ જીવનમાં નવો ઉમંગ તથા આત્મવિશ્વાસ પ્રગટાવી શકે તેમ છે. માત્ર પ્રશ્ન એ છે કે આપણે તેની લઘુતમ જરૂરિયાત પૂરતી પણ Living space આપી શકીએ છીએ કે કેમ ? તેમનો પણ આ ધરતી પર ઉગવાનો તથા મહોરી ઉઠવાનો અધિકાર આપણી જેટલોજ છે. ક્યારેક સમય કાઢીને મહોરેલા આંબાની મંજરીને કે લીમડાના કોળી ઉઠેલા મહોરને ‘હેલ્લો’ કે ‘રામરામ’ કરવાનો મકરંદી મિજાજ રાખવો જોઇએ… 

મુંબઇ શહેરમાં કોઇ આંબો મહોરે તો 

એની મંજરીને રામરામ કેજો 

એના મીઠા ઓવારણા લેજો !

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑