: સંતવાણી સમીપે : ઉજળા આવકારની પરંપરા

આપણા સામાજિક જીવનમાં વ્યક્તિઓ વચ્ચેના સંપર્ક કે સંબંધમાં ઉષ્માભર્યા આવકારનું એક અનોખું સ્થાન છે. અન્ય કોઇપણ વ્યક્તિનું દ્રષ્ટિબિંદુ સમજવા તેની વાત શાંતિથી સાંભળીને શક્ય તેટલા સહાયભૂત થવાનું વલણ આપણા દૈનિક જીવન વ્યવહારમાં ઉમેરાય તો વ્યક્તિઓનું અને સરવાળે સમગ્ર સમાજનું હિત છે તેવા પાયાના મૂલ્યનો આધાર લઇ કવિ શ્રી દુલા ભાયા કાગે એક સુંદર પદની રચના કરી છે. જે પદ ખૂબજ લોકપ્રિય પણ થયું છે. 

તારે આંગણિયે કોઇ આશા કરીને આવે રે, આવકારો મીઠો…આપજે રે જી…

તારે કાને કોઇ સંકટ સંભળાવે રે, બને તો થોડું…કાપજે રે જી…

માનવીની પાસે કોઇ માનવી ન આવે રે…

તારા દિવસની પાસે દુ:ખિયા આવે રે, આવકારો મીઠો… આપજે રે જી…

કેમ તમે આવ્યા છો ? એમ નવ કે જે રે…

એને ધીરે એ ધીરે તું બોલવા દેજે રે, આવકારો મીઠો…આપજે રે જી…

વાત એની સાંભળીને…આડું નવ જોજે રે…

એને માથું એ હલાવી હોંકારો દેજે રે, આવકારો મીઠો…આપજે રે જી…

કાગ એને પાણી પાજે…સાથે બેસી ખાજે રે…

એને ઝાંપા એ સુધી તુ મેલવા જાજે રે, આવકારો મીઠો…આપજે રે જી…

આ ભજનના રચયિતા કવિ દુલા ભાયા કાગ (ભગતબાપુ)ને પૂ.મોરારીબાપુએ ઉંબર થી અંબર સુધીના કવિ તરીકે ઓળખાવ્યા છે તે યથાર્થ છે. કવિ વાસ્તવિકતાની ધરતી સાથે સંપર્ક રાખીને મુક્ત ગગનમાં વિચરણ કરે છે. ‘‘જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડો’’ ની સંતોની વાત અમલમાં મૂકનાર કેટલાયે લોકો અને સ્થાનકો સૌરાષ્ટ્રમાં – કચ્છમાં સૌ આગંતૂકો માટે ભેદભાવ કે અપેક્ષા સિવાય અન્નક્ષેત્રો ચલાવે છે અને તમામને ભાવથી ભોજન કરાવે છે. કવિ પણ આવકારની આ ઉજળી પ્રથાના સમર્થનમાં સૌ માનવીઓને આવકારો આપીને આંગણે આવેલા અતિથિઓને યથાશક્તિ સત્કારવાનું કહે છે. 

ભગતબાપુના આ ભજનની વિશેષતા એ છે કે તેમાં બહુ થોડા શબ્દોમાં એક મહત્વનો સંદેશ સરળ રીતે આપેલો છે. તેથી જ કદાચ કવિ કાગની આ રચના સૌરાષ્ટ્ર – કચ્છમાં ગામડે ગામડે ગવાય છે અને તેના ભાવનું આકર્ષણ લોકસમૂહમાં છે. કવિ કહે છે કે તારા આંગણે કોઇ આગંતૂક આવીને ઉભો રહે તો ઓછામાં ઓછું તેને આવકારવાનું, ઉમળકાથી આવો કહેવાનું ચૂકશો નહિ. જો આંગણે આવનાર વ્યક્તિ તમારામાં વિશ્વાસ મૂકીને પોતાના કોઇ સંકટની, સમસ્યાની વાત કહે તો તેમાં તેને રાહત મળે તેવા, શક્ય હોય તે પ્રયત્ન કરવા પણ કવિ સંદેશો આપે છે. કવિ કહે છે કે એમ માનશો નહિ કે તમારી કોઇ વ્યક્તિગત મહત્તા કે સમૃધ્ધિને ધ્યાને લઇને કોઇ તમારી પાસે આવે છે પરંતુ તમારા દિવસો સારા છે અને તેથી એ સમયની મહત્તા છે. આથી આ સારા દિવસો અનુકૂળ સમય હોવાના કારણે આવનારા મુલાકાતીના કે દુ:ખિયાના સંકટ હળવા કરવાના પ્રયાસ કરવાની કવિ શીખ આપે છે. કવિ એમ પણ શીખવે છે કે આવનારને ‘‘કેમ આવ્યા છો?’’ એમ તરતજ પૂછીને નિરાશ ન કરશો. પોતાની વાત એ આંગણે આવનાર ધીરે ધીરે કહે તો પણ ધીરજ ધરીને શાંતિથી સાંભળજો. માત્ર તમારા સાંભળવાથી પણ આવનારને સાંત્વના મળશે. જ્યારે આવનાર માણસ પોતાની દુર્દશાની, તકલીફોની વાત વિગતે કરે ત્યારે આડી અવળી નજર ફેરવીને આવનારની ઉપેક્ષા કે કંટાળાનો ભાવ પ્રદર્શિત ન કરશો નહિતર એ વ્યક્તિ તેના સ્વમાનના ભોગે, માનવીય ગૌરવના ભોગે પૂરી વાત કરતા અચકાશે. પરંતુ તેની વાત પર સંપૂર્ણ ધ્યાન આપીને સાંભળજો. હોંકારો દેજો કે જેથી તે વ્યક્તિ ખૂલીને વાત કરે. 

આજકાલની આપણી જીવન જીવવાની શૈલિ જોતાં મોટા ભાગના લોકો એવી રીતે ગૂંથાયેલા રહે છે કે એક માનવી બીજા માનવી સાથે વાતના કે સંવાદના સબળ અને સરળ માધ્યમથી જોડાઇ શકતો નથી. સમાજમાં કે કુટુંબમાં સંવાદિતા સ્થાપવાનું પ્રથમ ચરણ સંવાદ સ્થાપવાનું છે. સંવાદનો અભાવ માત્ર સમાજમાં જ નહિ પરંતુ કુટુંબના સભ્યો વચ્ચે તેમજ વડીલો અને બાળકો વચ્ચે પણ દેખાય ત્યારે તે વિશેષ ચિંતાજનક વલણ ગણાવું જોઇએ. માનસશાસ્ત્રના જ્ઞાતાઓ આ સ્થિતિનો ઉલ્લેખ કરીને કહે છે કે આ સ્થિતિ કે વલણ લાંબાગાળે કુટુંબની અને સરવાળે સમાજની સ્વસ્થતા સામે ગંભીર પડકાર ઊભો કરી શકે છે. પશ્ચિમના દેશોમાં બાળકો કે કિશોરોમાં દેખાતી કેટલીક વિકૃતિઓનું એક કારણ માતા-પિતા અને બાળકો વચ્ચેના સંબંધોમાં સંવાદ તથા ઉષ્માનો અભાવ દર્શાવવામાં આવે છે. જેઓ પોતાની દૈનિક પ્રવૃત્તિઓમાં એક એક મીનીટનો હિસાબ રાખતા હતા તેવા ગાંધીજી કદી પણ તક મળે ત્યારે બાળક સાથે સંવાદ સ્થાપવાનું ચૂકતા ન હતા. ગાંધીજીની આ પધ્ધતિ ઘણી સૂચક તથા સાંપ્રત સમયમાં પથદર્શક છે. આ સ્થિતિ જોઇને કવિ શ્રી રતિલાલ ‘‘અનિલ’’ ના વિખ્યાત અને અર્થપૂર્ણ શબ્દો યાદ આવે. 

‘‘ નથી એક માનવી પાસે

બીજો માનવ હજી પહોંચ્યો,

‘‘અનિલ’’ મેં સાંભળ્યું છે, 

ક્યારનો બંધાય છે રસ્તો.’’

આ સુપ્રસિધ્ધ ભજનની છેલ્લી પંક્તિમાં કવિ કાગ સૌથી મહત્વની વાત કરે છે. કવિ કહે છે કે આંગણે આશા કરીને, શ્રધ્ધા રાખીને આવનાર અતિથિને આવકાર આપવા ઉપરાંત તેને પાણી પાવાનો, સાથે બેસી ભોજન કરાવવાનો અને સ્નેહપૂર્વક આવજો કહેવાનો વિવેક જરૂર રાખીએ કે જેથી તમારામાં શ્રધ્ધા રાખીને જે આંગણે આવીને ઊભો છે તેની શ્રધ્ધાનો નાજુક તાંતણો ખંડિત ન થાય. ભગતબાપુની આ રચના કોઇ પણ સમયકાળ માટે પ્રસ્તુત છે. તેથી જ તે હંમેશા લોકપ્રિય-કર્ણપ્રિય રહી છે.

ભાવનગર રાજ્યના પ્રતાપી દીવાન સર પ્રભાશંકર પટ્ટણીની એક ખૂબ જાણીતી રચનાની બે પંક્તિઓ કવિ કાગના આ ભજનના સંદર્ભમાં જરૂર યાદ આવે છે. 

દુ:ખી કે દર્દી કે કોઇ ભૂલેલા માર્ગવાળાને,

વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી.

ગરીબનીદાદ સાંભળવા, અવરના દુ:ખને દળવા,

તમારા કર્ણ નેત્રોની ઉઘાડી રાખજો બારી.

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑