કવિ જયંત પાઠક (૧૯૨૦-૨૦૦૩) યાદ આવે એટલે તેમના ચિંરજીવી તથા ભાતીગળ સર્જનની નીચેની પંક્તિઓ સ્મૃતિમાં સળવળે છે.
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં,
પહાડોના હાડ મારા પિંડમાં ને,
નાડીમાં નાનેરી નદીઓના નીર,
છાતીમાં બુલબુલનો માળો ને,
આંગળીમાં આદિવાસીનું તીણું તીર,
રોમ મારા ફરકે છે ઘાસમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.
વગડાના શ્વાસની મુડીને તેમજ પ્રકૃતિના સામિપ્યની અનુભૂતિને સાચવીને અર્થસભર જીવન જીવી ગયેલા આ કવિ તેમની અનેક રચનાઓથી આપણી ભાષાની સમૃધ્ધિ અનેકગણી વધારીને ગયા છે. પંચમહાલની અરણ્ય પ્રધાન ધરતીના પનોતા પુત્ર એવા કવિ જયંત પાઠક શિક્ષણક્ષેત્રમાં કામ કરતા હોય કે પત્રકારત્વના સોપાન સર કરતા હોય પરંતુ તેમનું સમર્થ સર્જક તરીકેનું વ્યક્તિત્વ દરેક સ્થળે સહેજે પ્રકાશમાં આવ્યું અને પ્રસિધ્ધિને વર્યું. રણજિતરામ સુવર્ણચન્દ્રક (૧૯૭૬) ના એ સંપૂર્ણ અધિકારી હતા. કવિની વન અને વતન વિશેની રચનાઓ અનહદ આવકાર પામી છે. ગદ્ય તેમજ પદ્ય બન્ને પ્રકારના તેમના સર્જનોથી તેઓ આપણી સ્મૃતિમાં ચિરંજીવી છે. સરળ ભાષામાં તથા ભજનના ઢાળની તેમની એક રચના જયારે વાંચીએ કે સાંભળીએ ત્યારે તાજી લાગે છે.
ચાનક રાખું ને તોય ચૂકું :
ગુરૂજી, કેમ પગલુંહું નિશ્ચેમાં મૂકું !
ચાખી ચાખીને મેં તો ભોજનિયાં કીધાં
ગળણે ગાણીને સાત પાણીડાં પીધાં.
દૂધનો દાઝેલ, છાશ કૂંકું ! ચાનક રાખુ…
અંધારૂ મૂકી હું ચાલુ ઉજાસમાં,
પીછો છોડે ન તોય પડછાયો, પાસમાં
લીલાને સળગાવે સૂકું ! ચાનક રાખુ…
છોડું છેડો તો એક, દૂજો વીંટાતો,
આ પા ઉકેલું દોર અને એ પા ગૂંચાતો,
પડઘા લાંબાને વેણ ટૂંકું ! ચાનક રાખુ…
માનવ જીવનમાં ઉર્ધ્વ ગતિ કે પરમ તત્વની સમીપ પહોંચવાની તત્પરતા સહજ છે, સ્વાભાવિક છે. તે માટે ઉંમરનો કોઇ ગાળો કે જગત જેને સમજણ કે ડહાપણ ગણે છે તેની સાથે કદાચ નિસબત નથી. શિખર પર પહોંચવાની તાલાવેલી અને તેની પરિપૂર્તિમા આવતા અવરોધ સામેના સંઘર્ષનું અસ્તિત્વ માનવ માત્રના જીવનમાં વધતા કે ઓછા અંશે જોવા મળે છે. ચાનક તો રાખીએ તથા તેનો ઉલ્લાસ પણ છે. પરંતુ સામે ચૂકી જવાની સંભાવનાઓનો પડકાર પણ છે. જીવનની આ મૂંઝવણ કે આંટીઘૂંટીનો ઉકેલ શોધવા ગુરૂને શરણે જવું પડે. અધ્યાત્મ યાત્રામાં ગુરૂનો આથી જ અઢળક મહિમા ગવાયો છે. નારાયણ સ્વામી તેમની સંતવાણીની પ્રસ્તુતિમાં ગુરૂ મહિમાની પંક્તિઓ હંમેશા બોલતા.
ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરૂ બિન મીલે ન ભેદ,
ગુરુ બિન સંશય ના મિટે, (ભલે) વાંચીએ ચારે વેદ.
ગુરુનો મહિમા આપણા મધ્યયુગના સાહિત્યમાં પણ ભરચક રીતે ગવાયો છે. અધ્યાત્મ કે ઉન્નતિના પથિકને ગુરુનો મોટો સહારો છે. ગુરુની હુંફ તથા તેમની અમી દ્રષ્ટિથી જ આ ચૂકી જવાની કે રાહ પરથી ચલિત થવાની ભીતિમાંથી મુક્તિ મળી શકે છે તેમજ પામવાની દિશામાં ગતિ મળે છે. જ્ઞાન અને ભક્તિના અનુસંધાનની આ ક્ષણે જ્ઞાની ગુરુનુ મહત્વ અખો પણ અલગ અંદાજથી કહે છે.
જ્ઞાન વિના ભક્તિ નવ થાય,
જયમ ચક્ષુહીણો જયાં ત્યાં અથડાય,
તે માટે જ્ઞાની ગુરુ કરો,
જે હરિ દેખાડે સભરા ભર્યો.
અખો કહે છે કે જ્ઞાનયુક્ત ન હોય તેવી ભક્તિ કરનારને જયાં ત્યાં અથડાવું પડે છે. જ્ઞાનીને સંપૂર્ણ આદર તથા શ્રધ્ધાથી ગુરુ માનો તો તે વ્યાપક બ્રહ્મના દર્શન કરાવશે. અહીં ગુરુની પસંદગીમાં વિવેક જળવાય તે જરૂરી છે. પથિકનું પ્રયાણ સાચી દિશા તરફનું, કલ્યાણમાર્ગ તરફનું હશે તો પણ જીવનના આટાપાટા ઉકેલાતા નથી અને લીલાને સૂકું સળગાવે તેવી અકળાવનારી સ્થિતિનો સામનો જીવનપથના પથિકે કરવો પડે છે. આથી સાત ગળણે ગાળીને જીવતર ગાળવાના પ્રયાસો કરવા છતાં અનેક આટાપાટા કે વ્યાધિ-ઉપાધિનો અનુભવ એ તેની અનુભૂતિ અને અકળામણ છે. આથી અંતે તો વૈરાગ્ય અને ત્યાગના તરાપે જ આ અકળામણને અતિક્રમી સદ્દગુરુની સહાયથી પરમ તત્વની ઓળખ શ્રધ્ધા ટકાવી રાખીને કરવાની છે. જેમના જ્ઞાનના પ્રકાશે મહાત્મા ગાંધી સહિત જગતના અનેક મુમુક્ષોને રાહ બતાવ્યો છે તે શ્રીમદ્દ રાજચન્દ્રના શબ્દો યાદ કરીએ.
જે સ્વરુપ સમજ્યા વિના,
પામ્યો દૂ:ખ અનંત.
સમજાવ્યું તે પદ નમું.
શ્રી સદ્દગુરુ ભગવંત.
કોઇ ક્રિયાજડ થઇ રહ્યા,
શુષ્ક જ્ઞાનમાં કોઇ,
માને મારગ મોક્ષનો,
કરુણા ઉપજે જોઇ
(વી. એસ. ગઢવી)
Leave a comment