યા દેવી સર્વ ભૂતેષુ…

Image

ચૈતર માસની નવરાત્રીમાં માતૃતત્વની ઉપાસનાનો વિશેષ મહિમા છે. આ માસમાંજ અંજનિના શુભાશિષથી મર્યાદા પુરૂષોત્તમ રામને પોતાના કાર્યો થકી પ્રિય બનેલા હનુમાનજતીની જયંતી પણ મનાવાય છે. હનુમાનજીની દૈવી શક્તિના સ્ત્રોતમાં મા અંજનિનું એક વિશેષ યોગદાન છે. આથીજ માતૃત્વની ઉપાસના સાથે શક્તિ સ્વરૂપા માનુ સ્મરણ થાય છે.  માનો આ મહિમા કોઇ પંથ કે સંપ્રદાયની મર્યાદામાં નથી. કોઇ ચોક્કસ કર્મકાંડ કે વિધિ-વિધાનમાં પણ માનો મહિમા સંપૂર્ણપણે સમાતો નથી. આ માતૃશક્તિએજ કાલી સ્વરૂપે રામકૃષ્ણ દેવનો પંથ ઉજાળ્યો છે. આ શક્તિએજ ભારતની ઉગમણી દિશાના આ સંતને રામકૃષ્ણમાંથી પરમહંસની પ્રાપ્તી કરાવી છે. શક્તિનું આ તત્વજ કદાચ કસ્તુરબાના સ્વરૂપે ખાદીમાં વિંટળાઇને ગાંધીભાઇને મહાત્મા બનવાની પાવનયાત્રામાં મશાલ લઇને ઊભું છે. વિકટમાં વિકટ કે ક્રુર શાસકો સામે સમાજને આ તત્વએજ દોર્યો છે. પ્રતિકારની શક્તિનું સર્જન કરીને જનજનમાં સિંચન કર્યું છે. એમ ન હોય તો કુમળી વયની કિશોરી મલાલા યુસુફઝાઇ તાલિબાનોની તોપના નાળચા સામે અડગ સ્વરૂપે ઊભી કેમ કરીને રહી શકી હોત ?

જગતના પૂર્વના દેશોમાં શક્તિતત્વની આરાધનાનું એક ખાસ લક્ષણ જોવા મળે છે. શક્તિ સ્વરૂપા જીજાબાઇ જેવી માતાઓએજ બાળ શિવાને હિંચોળતા હિંચોળતા સૃષ્ટિના તમામ કુમળા છોડ સ્વરૂપી બાળકોના વિકાસમાં વૈચારિક તથા વીરતાપૂર્ણ જીવનનું ખાતર પૂરેલું છે. જીજાબાઇનો આ ઐતિહાસિક સંદેશ મેઘાણીભાઇના શબ્દોમાં અમરત્વને પામ્યો છે.

આજ માતાદેતી પાથરી રે

કુણા ફુલડાં કેરી સેજ,

કાલે તારી વીર પથારી,

પાથરશે વીશ ભૂજાળી…

શિવાજીને નિંદરુ નાવે

માતા જીજાબાઇ ઝૂલાવે

ધણણણ ડુંગરા ડોલે…..

માના સ્વરૂપે જીજાબાઇ કહે છે કે કોઇ એક વ્યક્તિની મા નહિ પરંતુ તારા જીવનસંગ્રામમાં સમષ્ટિની મા – વ્યાપક સ્વરૂપે વિકસિત યા વિલસિત જોગમાયા સ્વરૂપે તારી ખેવના રાખવા ખડી હશે. શ્રધ્ધાનું કેવું મોટું તથા ઊંડુ સિંચન દેશની અનેક માતાઓએ બાળહ્રદયમાં કર્યું હશે ! અને તેથીજ માનું સ્વરૂપ સંસ્કૃતિનું ધારક, સંવર્ધક તથા વિસ્તારક બન્યું છે.

નિજ પુત સોતે બાલ પાલને મે

રઘુનાથકે ગાયન ગાવતી થી,

કહી જ્ઞાન ગીતા સમજાવતી થી,

ભય મોતકા દૂર ભગાવતી થી

સમશેર ધરી કર ઝૂઝનેકા

રણદાવકા પાઠ પઢાવતીથી

ઘર અંબિકાથી રણ ચંડિકાથી,

સોઇ હિન્દકી રાજપુતાનિયાંથી.

કવિ શ્રી દુલા ભાયા કાગ (ભગતબાપુ)ના આ ઝમકદાર શબ્દોમાં બાળ ઉછેરના અઘરા છતાં અગત્યના કાર્યમાં માએ આપેલા અમૂલ્ય યોગદાનની વાત કરી છે. કવિ શ્રી બોટાદકરે માની મમતાના આ સાતત્યપૂર્ણ પ્રવાહને વિશિષ્ટ રીતે પોંખેલું છે.

              ગંગાના નીર તો વધે ઘટે રે લોલ…

સરખો એ પ્રેમનો પ્રવાહ રે…

જનનીની જોડ સખી ! નહિ જડે રે લોલ…

ધરતીની દ્રઢતાને શાસ્ત્રોએ પ્રમાણી છે પરંતુ કવિને માતૃશક્તિની દ્રઢતા – અચળતા મૂઠી ઊંચેરી લાગે છે.

ધરતી માતા એ હશે ધ્રુજતી રે લોલ..

અચલા અચૂક એક માતરે…. જનનીની ….

કોઇ સત્તાધારી મહારાજા કે શહેનશાહને નબળી ક્ષણે કોઇ અયોગ્ય વિચાર આવી જાય તો માતૃત્વનું આજ લાગણીભર્યું સ્વરૂપ ચિસ પાડી ઉઠે છે.

રસહીન ધરા થઇ છે,

દયા હીન થયો ન્રુપ,

નહીં તો આવું ના બને,

બોલી માતા ફરી રડી.

કવિ કલાપીની આ ગ્રામ્યમાતા ઓછા પરંતુ અસરકારક શબ્દોમાં રાજવીની બદલાયેલી મનોસ્થિતિનું કેવું સચોટ નિદાન કરે છે !

વેદોમાં શ્રીમદ્ ભાગવત તથા પુરાણોમાં માતૃપૂજાનો મહિમા પથરાયેલો છે. શ્રી દેવી ભાગવત તો માતૃપૂજાનીજ છડી પોકારે છે. માર્કન્ડેય પુરાણની સપ્તશતી (ચંડી પાઠ) માં માતૃપૂજાની સર્વોત્કૃષ્ટ લાગણીઓ ઉત્તમ પ્રકારે ગૂંથી લેવામાં આવી છે. આનંદનો ગરબો જનસાધારણમાં સદૈવ પ્રિય રહ્યો છે. આમ માતૃપૂજાની પરંપરા ગંગામૈયાના પ્રવાહની જેન અવિરત વહેતી રહેલી છે.

 

કચ્છમાં જીવામાની જાતર : ધખીતા ધૂણા.

લોકપ્રિય તથા સુવિખ્યાત સર્જક કવિ ‘દાદ’ કહે છે તેમ પરંપરાની આ ચીનગારી આપણી ભૂમિમાં હજુ પણ જીવંત તથા જાગૃત છે.

સાવ અલગ તાસીર છે આ ભૂમિની,

અહીં મહાભારત વાવો અને ગીતા નીકળે,

જનક જેવા આવી હજી હળને હાંકે

તો હજીએ આ ધરતીમાંથી સીતા નીકળે.

અહીં સોનલમા, અહીં આવડમા, અહીં નાગબાઇમા,

એના ધુણા તપના હજીએ ધખીતા નીકળે.

ચારણોએ માતૃ સ્વરૂપા આ શક્તિતત્વની ઉપાસના મન મૂકીને કરી છે. જનનીના શરણે જવામાં અને જીવવામાં તેમને જીવતરનું શ્રેય દેખાયું છે. ‘‘આઇ તત્વ’’ ના આ સ્વરૂપનું પ્રાગટ્ય ચારણ કવિઓની બળુકી કલમમાં સુપેરે થયું છે. આઇ તત્વનો કે આ શક્તિ સ્વરૂપનો દોર વ્યક્તિગત રીતે અનેક વિભૂષિત માતાજીઓના જીવનમાં વીજળીના ચમકારાની જેમ ઝીલાયો છે. તેથી જગતને તેની પ્રભાવી તથા પ્રતાપી શક્તિમાં વિશ્વાસ બેઠો છે. ત્યાગ, ઉદારતા, શીલ તથા સંયમના ઘેરા રંગોથી આ માતાજીઓના જીવન દૈદિપ્યમાન બનેલા છે.

કચ્છમાં નખત્રાણા પાસે આવેલા લાખીયારવીરા ગામમાં આઇ શ્રી જીવામાના સ્મરણો તથા તેમના ઉજ્વળ બલિદાનને તમામ સમાજના લોકો ચૈતરમાસમાં શ્રધ્ધાના સુમન ભાવથી અર્પણ કરે છે. ચૈત્રી પુનમના પાવનકારી દિવસે આઇ શ્રી જીવામા તથા તેમના પુત્રી દિપામાએ અન્યાયી શાસકને ખાળવા તેમજ ગામ સમસ્તને અભય પ્રદાન કરવા ઐતિહાસિક આત્મસમર્પણ કર્યું હતું. માના સ્વરૂપનો મહિમા, તેમનું પૂજન તથા અર્ચન તમામ વર્ગના લોકો આજે પણ સામુહિક રીતે કરે છે. સમાજની ઢાલ બને અને સમાજને અભય કવચ પૂરું પાડે તેને જનસમૂહ કદી વિસરતો નથી. અહીં ભાવનાનું – ઉપાસનાનું ઘોડાપૂર આપમેળેજ પ્રગટતું દેખાય છે. ગયા વર્ષે (૨૦૧૩ માં) લાખીયારવીરાના વતની ભાઇ શ્રી શાન્તુભાઇ ગઢવીના ઉમળકાભર્યા આગ્રહથી આ પૂજા –અર્ચના પ્રસંગમાં સાક્ષી બનવાનું થયું. આવા વ્યક્તિવિશેષોના ચરિત્રોમાં ઘણીવાર ક્વિદંતીનું તત્વ ભળી જાય તેવું જોવા મળે છે. પરંતુ ભગવતી આઇ જીવામાના કિસ્સામાં સદભાગ્યે તેમ બન્યું નથી. મોરઝર (કચ્છ)ના શ્રી મોરારદાનજી સુરતાણીઆએ કડીબધ્ધ ઐતિહાસિક તથ્યો અભ્યાસપૂર્ણ સંશોધનના આધારે જગત સામે મૂક્યા છે. આઇ જીવામાના ઉજળા અવતારની પ્રભાવી વાતો અગાઉ કચ્છના રાજ્ય કવિ શ્રી શંભુદાનજી અયાચીએ તેમની અભ્યાસુ કલમથી સવિસ્તર રીતે આલેખી છે. ઉપરાંત લોદ્રાણી (વાગડ)ના ઋષિ સમાન વ્યક્તિત્વ તથા જ્ઞાન ધરાવતા પિંગળશીભાઇ યાચકે પણ જીવામાના પ્રસંગની વાતો શબ્દબધ્ધ કરેલી છે.

જે ઐતિહાસિક હકીકતો સંશોધનને કારણે પ્રકાશમાં આવી છે તે પ્રમાણે આઇ શ્રી જીવામાનું પ્રાગટ્ય વાગડ વિસ્તારના જાટાવાડા ગામે થયેલું. જીવામાનું લગ્ન લાખીયારવીરામાં થયેલું હતું. લગ્ન શામળ પરિવારમાં થયેલું હતું. લાખીયારવીરાનું નામ જાણીતું તથા ઐતિહાસિક રીતે મહત્વનું ગણાય છે. કારણે કે લાંબા સમય સુધી તેનો દરજ્જો કચ્છની રાજધાની તરીકે રહેલો હતો. ગામ સમસ્તના આગેવાનોને કચ્છના રાજવી સાથે સંબંધો પણ સુમેળભર્યા હતા. કોઇ એક કથિત ખૂન કેસના હિસાબે રાજ્ય સાથેના ગામના સંબંધો ગેરસમજને કારણે તંગ થયા હતા. કથિત ખૂન કેસના સંદર્ભમાં અમુક લોકોની કાનભંભેરણીથી રાને શંકા હતી કે આ ખૂન કેસમાં લાખીયારવીરા ગામના કેટલાક ચારણ આગેવાનોનો હાથ હતો. આથી રાજવીએ (રા‘ખેંગાર) ગામ પર હુમલો કરી ગામને ઉજ્જડ કરવાની ધમકી આપી તેવો ઇતિહાસ છે. સમજદાર લોકોએ રાને સમજાવ્યા કે આ બાબતમાં કોઇ ગેરસમજ છે. આથી માન્યતાના આધારે તેમજ પુરાવા કે ખાતરીના અભાવે કોઇ ગામ સમસ્તને સજા કરવામાં શાણપણ નથી. પરંતુ શાસકો ઘણા પ્રસંગોએ પૂરતા વિચારના અભાવે શાણી સલાહ ધ્યાને લેતાં નથી તેવો એક સામાન્ય અનુભવ છે. આથી લાખીયારવીરા ગામ સમસ્તના લોકોએ ભગવતી આઇ જીવામાને આ સમસ્યાનો ઉકેલ લાવવા તથા રાને સમજાવવા વિનંતી કરી. માતાજી આમતો તેમના પતિ તથા યુવાન પુત્રના મૃત્યુ બાદ દુનિયાદારી બાબતોમાં કોઇ રસ લેતા ન હતા. જોગમાયાના સતત નામ સ્મરણમાંજ તેઓ વિરક્ત થઇને જીવન વ્યતિત કરતા હતા. આથી આવી કોઇ સાંસારિક બાબતમાં તેમણે શરૂઆતમાં તો રસ લેવા માટે અનિચ્છા દર્શાવી. પરંતુ ગામની વિનવણી તેમજ દિકરીના આગ્રહથી કોઇ ઉપાય કરવા માટે સંમત થયા. માતૃહ્રદય વિશાળ હોય છે અને અનેક સમયે બાળકો માટે – સમાજ માટે કોઇપણ જોખમ વહોરીને પણ સહાય કરવા તત્પર થાય છે. જીવામાની એક અરજમાં રણમલજી શામળે સુંદર શબ્દોમાં આ ચિત્રને શબ્દસ્થ કરેલું છે.

કોઇ જાયને જીવામાને જગાડો

લાખા હોમે વેલેરા પધારો રે જીવામા

વેલા સાદ ધ્યો સાદ ધ્યોને સુરરાયા,

જીવામા વેલા સાદ ધ્યો.

       ગામ સમસ્તના કલ્યાણ માટે તેમજ ખૂનખરાબા રોકવા માટે માતાજી રાને વિનંતી કરે છે. તેના શાસકના ધર્મને યાદ કરી આ વિનાશ રોકવા સમજાવે છે. પરંતુ રાજા રાવણ કે દુર્યોધનથી માંડી અનેક શાસકો ન્યાયની વાત સમજવામાં અનેક સમયે નિષ્ફળ ગયેલા છે. અભિમાન તેમજ સત્તાનો મદ તેમને તેમ કરતા રોકે છે. માતાજી નિરાશ થાય છે. તેમનું મન હવે તો સંસારમાંથી સંપૂર્ણ રીતે ઉઠી જાય છે. આવા કપરા સમયે ચારણ આઇઓ આત્મ સમર્પણ કરતી તેવા અનેક દાખલા આઇ ચરિત્રકારોએ નોંધેલા છે. કવિ શ્રી કાગે લખ્યું છે :

આત્મઅર્પણ તથા પ્રથમ ભૂવ ભારતે

ચારણે કંઠથી સૂર છેડ્યા

લાખના લોહીની ધાર અટકાવવા

ચારણે આપના લોહી રેડ્યા.

સત્ય આગ્રહ તણા ઉપાસક આદિથી

સ્વતંતર જીવનના ગુણ ગાયા

ખોળલે ખેલાવ્યા બાળને માવડી

આજ તરછોડ્યા જોગમાયા.

       આઇશ્રીએ ગામ સમસ્તને દ્રઢતાપૂર્વક જણાવ્યું કે મુંગા મોઢે અન્યાય સહન કરી શકાય નહિ. આવતીકાલેજ જમહરમાં (જીવતા અગ્નિપ્રવેશ) બેસવાનો મારો નિર્ધાર છે. પુત્રી દિપામાએ પણ આત્મ સમર્પણની વેદી ઉપર બલિદાન આપવાનો પોતાનો નિર્ણય જાહેર કર્યો. પુરી રાત લાખીયારવીરા ગામે પ્રાર્થના – સ્તુતિ કરવામાં અખંડ રીતે ગાળી. પ્રસંગની પવિત્રતા, ગંભીરતા તથા આઇની શક્તિનો ગામે અનુભવ કર્યો. બીજાજ દિવસે જમહરમાં બેસવાના નિર્ણયનો વાસ્તવિક અમલ ગગનભેદી જયનાદ વચ્ચે થયો. આઇઓની પવિત્રતાથી અગ્નિશિખાઓની પવિત્રતા વિશેષરૂપે જ્વલંત બની. ‘‘યા દેવી સર્વ ભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા’’ વાળી શાસ્ત્રોક વાત ફરી કચ્છની ઐતિહાસિક ધરતીમાં પુન: પ્રતિષ્ઠિત થઇ. ગામતો બચી ગયું પરંતુ સંશોધકોએ નોંધ્યું છે કે રાનો પણ ખૂબજ ખરાબ સ્થિતિમાં કરૂણ અંજામ આવ્યો. ૩૫૦ વર્ષ પહેલાંની આ ઘટના માનવામાં આવે છે. આજે ત્યાં ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

મહત્વની વાત એ રહી છે કે આઇઓના શીલ તથા સાદગીપૂર્ણ સંસ્કારી જીવન સામાન્ય સંજોગોમાં ભક્તિ પરાયણજ રહેતા. પરંતુ અન્યાયના પ્રતિકારની ઘડી આવે ત્યારે આજ આઇઓનું ચંડિકા સ્વરૂપ ક્ષણમાત્રમાં પ્રગટ થતું જોવા મળતું હતું. દૂર-સુદૂર કલકત્તા રહી કચ્છના વેપારી ખમીરથી સમૃધ્ધ થયેલા જીયાપરના ગ્રામજનો આજે પણ બહારથી વતનમાં આવે ત્યારે માતાજીના દર્શન કરીને પોતાના ઘેર જાય છે. શ્રધ્ધાનો પ્રવાહ અવિરત રહે તેવા કિસ્સા આપણે ત્યાં અજાણ્યાં નથી. ચૈતર માસના નવરાત્રીના મંગળ પર્વે આપણીજ પરંપરાના ઉજળા પાસાને યાદ કરીએ અને તે અનુસાર જીવનક્રમ ગોઠવવાનો પ્રયાસ કરીએ તો આજે પણ જગતજનનીના આશિર્વાદ આપણી સાથે રહે છે જ.

***

Leave a comment

Blog at WordPress.com.

Up ↑