વીરરસ તેમજ ભક્તિરસ એ બન્નેમાં મહાત્મા ઇસરદાસજી જેવું સાહિત્ય સર્જન બહુ ઓછા સર્જકોનું હશે. રામનવમીનો પવિત્ર દિવસ નજીકમાં છે. આ પ્રસંગે ભક્તકવિ ઇસરદાસજીની સ્મૃતિ એક વિશાળ વર્ગમાં સહેજે જાગૃત થાય છે. ચારણોના જીવન સંસ્કાર કોઇ કાળે જરૂર એવા રહ્યા હશે કે તેમની કવિતામાં – તેમના શબ્દમાં ઉત્તમ જીવનના સંસ્કારોના પ્રભાવી પડઘા પડતા હશે. ચારણ સર્જિત સાહિત્યમાં પ્રબળ છતાં પાવક દૈવીતત્વ, શૌર્ય પ્રેરક તેમજ રોમાંચક વીરરસ તેમજ ભારોભાર સંવેદનશીલતા તથા કરૂણા પ્રગટ થયા છે. ભક્તકવિ ઇસરદાસ હોય કે નાગદમણના સર્જક સાંયાજી ઝૂલા હોય – આ બધા સર્જકોની વાણી તેથીજ કાળના અવિરત પ્રવાહ સામે આજે પણ ઝળહળતી તેમજ પ્રેરણાના પિયુષ પીવરાવતી ઊભી છે. આજે પણ તેના સત્વને કારણે સમાજમાં તેના વધામણા થાય છે. આથી જ્યારે મૂળીના ભાઇ શ્રી અચળદાનજી બોક્ષા તેમજ તેમના ગુણગ્રાહી સાથીઓએ હરિરસ ગ્રંથની સુરેન્દ્રનગરથી દ્વારકા સુધીની ૩૫૦ કિ.મી.ની ત્રણ દિવસીય ગૌરવપૂર્ણ ગ્રંથયાત્રાનું વર્ષ ૧૯૧૦ માં આયોજન કર્યું ત્યારે સમાજના તમામ વર્ગના લોકોએ તેને હૈયાના ઉમળકાથી વધાવી હતી. આજે પણ હરિરસના તેમજ દેવીયાણના પાઠો અનેક ઘરોમાં નિયમિત રીતે થાય છે. ભક્તિરસનો આ પ્રવાહ ક્ષીણ થાય તેવો નથી. સચાણાના ભાઇ શ્રી ભૂપતદાનભાઇ કહે છે કે દેવીયાણની જે સીડી બનાવી છે તેની પણ વ્યાપક લોક માગણી સતત રહી છે. ઇસરધામ પરિવારવતી ભૂપતભાઇ (સચાણા) તથા હેમુ ગઢવીના સુપુત્ર ભાઇ રાજેન્દ્રની મહેનતને લોકોએ વધાવી છે. દેવીયાણના આ ડિજીટલ સ્વરૂપને લોકોએ માણ્યું છે. ભરતભાઇ યાજ્ઞિક જેવા વાણીના નીવડેલા વાહક પણ તેમની પ્રસ્તુતિમાં ખીલી ઊઠ્યા છે. જેનો સ્વીકાર લોકોમાં થાય તે સાહિત્ય અને તેના સર્જકો અમરત્વને પામે છે. મીરા તથા નરસિંહ એટલે આજે પણ અડીખમ ઊભા છે તથા તેમના વાણી પ્રવાહથી સમાજને ભીંજવે છે. વાણીના સામર્થ્યનો આથી મોટો પુરાવો બીજો કયો હોઇ શકે ?
વાંચો શ્રીમદ્ ભાગવત મોટો ગ્રંથ મહાન,
કે આ હરિરસ નીત પઢો શુભ ફળદાયી સમાન.
જેનો જ્ઞાન વૈભવ પરમ પવિત્ર ગ્રંથ શ્રીમદ્ ભાગવત જોડાજોડ મૂકી શકાય તેવા અનોખા સ્તુતિ ગ્રંથ હરિરસને ઉપરની પંક્તિઓમાં યથાર્થ રીતે બિરદાવવામાં આવેલ છે. મહાભારતના ભીષણ સંગ્રામમાંથી જેમ ભગવતગીતાની ઉત્પતિ સમગ્ર માનવજાતિના કલ્યાણ માટે થઇ તેજ રીતે ભક્ત શિરોમણી ઇસરદાસજીના આદ્યાત્મ ઉન્નતિ પ્રવાસ પથ પર હરિરસનું નિર્માણ લોક કલ્યાણ માટે થયું હોય તેમ જણાય છે. પરમ તત્વની ઉપાસનાનું આટલું અસરકારક અને સચોટ નિરૂપણ ઇસરદાસજી જેવા મહામાનવ જ કરી શકે. આચાર્ય બદ્રીપ્રસાદ સાકરીયાએ લખેલી એ વાત તદ્દન નિર્વિવાદ છે કે હિન્દી સાહિત્યમાં જે સ્થાન ગોસ્વામી તુલસીદાસ કે કૃષ્ણભક્ત સુરદાસનું છે તેવુંજ સ્થાન સૌરાષ્ટ્ર-સિંધ-કચ્છ-થરપારકરના સાહિત્યમાં ઇસરદાસજીનું છે. ‘ઇસરા પરમેસરા’ તરીકેની તેમની ઓળખ તેમણે સર કરેલા અદ્યાત્મના ઉચ્ચ શીખરોને કારણેજ પ્રસ્થાપિત થયેલી છે. મહાત્મા ઇસરદાસજીએ હરિરસ ઉપરાંત વિપુલ સાહિત્યનું સર્જન તેમના જીવનકાળ દરમ્યાન કર્યું. તેમનું સાહિત્ય ગુજરાત તથા રાજસ્થાનની સહિયારી સંપત્તિ છે. હરિરસ ઉપરાંત માતૃ ઉપાસનાનો અમૂલ્ય ગ્રંથ ‘દેવીયાણ’ આજે પણ પ્રચલિત છે અને વ્યક્તિગત તથા સામૂહિક પ્રાર્થનામાં તેનો બહોળો ઉપયોગ થાય છે. મધ્યકાલિન યુગમાં જ્ઞાન, વૈરાગ્ય અને સંસ્કારના ફેલાવા માટે વિવિધ પ્રદેશોમાં થયેલા સંત-ભક્તોએ ખૂબજ મહત્વનો ફાળો આપ્યો છે. લોકો સમજી શકે તેવી સરળ ભાષા અને શૈલીમાં તેમણે સચોટ ઉદાહરણો સાથે વેદો અને ઉપનિષદોમાં પ્રબોધેલું જ્ઞાન લોકો સુધી પહોચતું કર્યું. મેઘાણીભાઇના મત મુજબ આપણાં આ સંતકવિઓ, ભક્તકવિઓએ શ્લોક તથા લોક વચ્ચેનું અસરકારક અનુસંધાન કરેલું છે. રામાયણ કે મહાભારત જેવા આપણા મૂલ્યવાન ગ્રંથોમાં ગ્રંથસ્થ થયેલી વાતો તેમજ તેનું વિચારતત્વ આપણાં સંતકવિઓના માધ્યમને કારણેજ મુખ્યત્વે લોક સુધી પહોચ્યું. આ બધા ભક્તકવિઓએ સંસારમાં રહીને તથા લોકો વચ્ચે ઉજળા જીવન જીવીને સહજ રીતે તથા સરળ ભાષામાં જ્ઞાનનો પ્રવાહ લોક સુધી પહોંચાડ્યો. સંતકવિઓનું સમાજને આ સૌથી મોટું તથા મહત્વનું પ્રદાન છે. આવા લોકકવિઓને મેઘાણીભાઇ ‘‘પચેલા આત્મજ્ઞાનના ઓડકાર ખાનારા’’ કહેતા તે ખૂબ યથાર્થ છે. ઇસરદાસ હોય કે સુરદાસ હોય – તેમની શબદવાણી ગંગાના પ્રવાહ જેવી નિર્મળ તથા પાવક છે.
બેડો હરિરસ બારટે, ઊભો કીધો આણ,
ઇશર જણ જણ આગળે, જગ વેતરણી જાણ.
લોકોનો વ્યાપક પ્રતિસાદ આ સાહિત્યને મળ્યો. ભક્તિ માર્ગને વેગ આપવામાં આ સંતોનો ફાળો ખૂબ મહત્વનો બની રહ્યો. મહાત્મા ઇસરદાસજીએ પણ ભક્તિ અને સમર્પણના નવા ચીલા પાડ્યા અને અમર સાહિત્યનું સર્જન કર્યું. જ્ઞાન અને ભક્તિના આ પ્રવાહમાં કોઇ જાતિ કે વર્ણનો ભેદ ન હતો. કોઇ ચોક્કસ વિધિ-વિધાન કે બાહ્ય ક્રિયાકાંડનું પણ તેમાં વિશેષ મહત્વ ન હતું. નામ સ્મરણનો મહિમા અને પરમ તત્વ તરફની ગતિ એજ તેની ચાવીરૂપ બાબત હતી. મહાત્મા ઇસરદાસજીનું યોગદાન આ કાળના સાહિત્યમાં પ્રકાશપુંજ સમાજ છે. તેમની અનેક સુપ્રસિધ્ધ કૃતિઓમાં હરિરસ, દેવીંયાણ, નિંદાસ્તુતિ તથા હાલાઝાલારા કુંડળીયાનો સમાવેશ થાય છે.
મહાત્મા ઇસરદાસજીનો જન્મ મારવાડના ભાદ્રેશ ગામમાં થયો. તેમના પિતા સુરાજી અને તેમના માતૃશ્રી સરળ સ્વભાવના અને પ્રભુ પરાયણવૃત્તિ ધરાવતા હતા. તેઓ સાદુ અને સંસ્કારી જીવન જીવનારા હતા. સુરાજીના ભાઇ આશાજી લક્ષ્મણજી તરફ અનન્ય શ્રધ્ધા અને ભક્તિ ધરાવતા હતા. સાંસારિક તકલીફોમાં પણ સુરાજી સમતા રાખી શાંત ચિત્તે પ્રભુ સ્મરણ કરતા હતા. એક એવો પ્રસંગ કહેવાય છે કે ખેતરમાં કામ કરતા મજૂરો માટે સુરાજીએ બનાવેલી રસોઇ સુરાજીના પિતરાઇઓની ખટપટને કારણે મજૂરો કામ પર ન આવતા બગડે તેમ હતી. તેજ સમયે મહંત જ્વાલાગીરીજીની જમાત જે જોગાનુજોગ ગામમાં હતી તેમને ભાવપૂર્વક નિમંત્રણ આપીને સુરાજીએ ભોજન કરાવ્યું. સંત જ્વાલાગીરીજીને આ ઘટનાની વિશેષ જાણકારી મળતા તેમના દયાળું સ્વભાવને કારણે સુરાજીના પિતરાઇ ભાઇ ગુમાનદાનજીને સમજાવવા પ્રયાસ કર્યો. ગુમાનદાનજીએ તેમની તામસી પ્રકૃતિને કારણે સંતની વાત કાને ધરી નહિ અને તેમને ખૂબજ અપમાનજનક શબ્દો કહ્યા. તેમણે ઇસરદાસજી અપુત્ર હોવાથી તેમની તમામ મિલ્કત પોતાનેજ મળવાનો હુંકાર પણ કર્યો. એમ કહેવાય છે કે સંત જ્વાલાગીરીજીએ આ સમયે સુરાજીને ત્યાં પુત્ર તરીકે જન્મ લેવાનું નક્કી કર્યું અને તે પ્રમાણે વરદાન સુરાજીને આપી ત્યાંથી પ્રયાણ કર્યું. ઇસરદાસજીનો જન્મ વિક્રમ સંવત ૧૫૧૫ માં શ્રાવણ સુદ બીજના પવિત્ર દિવસે થયો. સુરાજીએ પુત્ર જન્મને ઇશ્વરના આર્શીવાદ તથા સંતનો અનુગ્રહ સમજી તેના નામકરણ સંસ્કાર કર્યા. ઇસરદાસજીના જન્મ પછી તેમના પિતાજીની ઉન્નતિ થવા લાગી. ઇસરદાસજીને કાવ્ય અભ્યાસ કરાવવામાં તેમના કાકા આશાજીનો ઘણો મોટો ફાળો હતો. આશાજી પણ લક્ષ્મણજીના પરમ ઉપાસક હતા અને સાહિત્યમાં તેમની ઊંડી સૂઝ હતી. ઇસરદાસજીના લગ્ન દેવલબાઇ સાથે થયેલા. જેઓ ખૂબજ સંસ્કારી સ્વભાવના હતા. ઇસરદાસજીનો તેમના કાકા આશાજી સાથેનો ગીરનારનો પ્રવાસ એક ઔલોકિક ચમત્કારરૂપ બન્યો હોય એમ કહેવાય છે. લક્ષ્મણજીએ તેમને ગીરનારના દર્શન આપીને ભક્તિ અને જ્ઞાનના ઉચ્ચતમ શીખરોનું દર્શન કરાવ્યું અને આ માર્ગે તેમની સતત ઉન્નતિ થાય તેવા આર્શીવાદ આપ્યા. તેમના જીવનની બીજી એક વાત કે જેના કારણે તેમના જીવનને એક નવો વળાંક મળ્યો તે પણ પ્રચલિત છે. જામ રાવલની કચેરીની ઇસરદાસજીની મુલાકાત વખતે તેમના કાવ્ય વૈભવથી મહારાજા સહિત સૌ દરબારીઓ પ્રસન્ન થયા. પરંતુ એક વિચક્ષણ અને વિદ્વાન ભૂદેવે તેમને સંસારીઓની સંગત છોડી ઇશ્વરનો ગુણાનુરાગ કરવા માટે કલમ ઉપાડવા પ્રેરિત કર્યા. શ્રી પિતાંબર ભટ્ટ નામના આ પવિત્ર તથા સંસ્કારી ભુદેવના અમૂલ્ય ઉપકારનું ઋણ સ્વીકારીને ભક્તકવિએ તેમને ગુરૂપદે સ્થાપેલ છે. પરમતત્વની ઉપાસનાના માર્ગે હવે તેઓ પોતાની કવન શક્તિ વાળે છે. ઇસરદાસજીના જીવન સાથે ઘણી બધી લોકોકિતઓ જોડાયેલી છે. આ બધી કીવદંતીઓને જોઇએ તો એ વાત સ્પષ્ટ થાય છે કે તેમની વ્યક્તિગત પ્રતિભા તથા પ્રખર કાવ્ય શક્તિને તે કાળમાં ઘણો બધો આદર અને અહોભાવ મળ્યા હતા. ક્ષત્રિયો વચ્ચેના બીનજરૂરી સંઘર્ષો ટાળવાના તેમના પ્રયાસો પણ નોંધપાત્ર છે. ઇસરદાસજીના બીજા લગ્ન રાજબાઇ સાથે થયા. જેઓ તેમના પ્રથમ ધર્મપત્નિનો બીજો અવતાર હોવાનું કહેવાય છે. ઇસરદાસજીના વંશજો ઇસરાણી-બારહટ્ટ તરીકે ઓળખાય છે. ભક્તકવિ શ્રી માંડણ ભક્તે રચેલી મહાત્મા ઇસરદાસજીની પ્રચલિત રચનાઓ પણ આ અવતાર પુરૂષના દૈવી વ્યક્તિત્વના અનેક પાસાઓનું દર્શન કરાવે છે. સમગ્ર જીવનકાળ દરમ્યાન તેમણે દરેક પ્રસંગે કરૂણા તથા પરોપકારના ઉત્કટ ભાવ સાથે પોતાનો સઘળો વ્યવહાર કર્યો છે. ભક્તો તથા ભાવિકોના મોટા વર્ગમાં તેઓ ખૂબજ પ્રિતીપાત્ર હતા. અમરેલીના શ્રી વજાજી સરવૈયા સાથેનો તેમનો સ્નેહ તથા બન્નેનો અરસપરસનો વ્યવહાર આજે પણ આનંદ અને ગૌરવનો ભાવ કરાવે તેવા છે. હરિરસની કેટલીક પ્રચલિત પંક્તિઓનું ફરી ફરી પઠન કરવું ગમે તેવું છે.
રસણાં રટે તો રામ રટ,
વેણાં રામ વિચાર,
શ્રવણ રામ ગુણ સાંભળે,
નેણાં રામ નિહાર.
જો જીભે કોઇનું નામ રટવું હોય તો એ રામનુંજ હોય. કોઇના ગુણનું સ્મરણ કરવું હોય તો એ કરૂણા નિધાન રામના ગુણજ હોઇ શકે. રામ તથા રામાયણના મૂળ તત્વો સમાજની મજબૂત આધારશીલા જેવા છે તથા સ્થાયી છે. આથી ભક્તકવિને લાગે છે કે આ એકજ નામનું અવલંબન પૂરતું છે.
સમર સમર તુ શ્રી હરિ,
આળસ મત કર અજાણ,
જિણ પાણીશું પિંડ રચી,
પવન વળું ધ્યો પ્રાણ.
પંચમહાભૂતનું માનવ શરીર જેનું સર્જન છે તેણેજ પવનને પ્રાણ સ્વરૂપે રોકીને કેવી મોટી સૃષ્ટિનું સર્જન કર્યું છે !
સાંયા તુંજ બડો ધણી,
તૂંજસો બડો ન કોય,
તૂં જેના શિર હથ્થ દે,
સોં જુગમેં બડ હોય.
જગતની બધી ગતિવિધિઓ સર્વ શક્તિમાન પરમેશ્વરને આધિન છે. તેનાથી વડેરો કોણ હોય ? જેને સમાજ વડેરા કહીને માન આપે તેના પર ઇશ્વરકૃપા હોય તોજ તેમ બને છે. આથી ગોસ્વામી તુલસીદાસજી પણ આ પરમશક્તિનું સ્વરૂપ એ પ્રકારેજ વર્ણવે છે.
જો ચેતન કહ જડ કરઇ,
જડહિ કરન ચૈતન્ય,
અસ સમર્થ રઘુનાથ કહિ,
ભજહિ જીવ તે ધન્ય.
આઠે પહર આનંદ શું જપ જિહવા જગદીશ,
કેશવ કૃષ્ણ કલ્યાણ કહી, અખિલનાથ કહી ઇશ.
સતત તથા અચિરત સ્મરણનો મહિમા શાસ્ત્રોએ પ્રબોધ્યો છે અને ભક્તકવિઓએ તેનેજ રેલાવ્યો છે. નામ ગમે તે હોય પરંતુ તત્વ તથા સત્વ તો એકજ છે. નામ સ્મરણ એજ સંપદા છે તેમ વિદ્વાનો કહે છે.
વિપદો નૈવ વિપદ:
સંપદો નૈવ સંપદ:
વિપદ્ વિસ્મરણં વિશ્ણો:
સંપદ્ નારાયણ સ્મૃતિ !!
જનાબ નાઝિર દેખૈયાનો એક સુંદર શેર છે.
તમારાથી વધુ અહિયાં
તમારું નામ ચાલે છે
અને એ નામથી મારું
બધુંયે કામ ચાલે છે.
હરિરસનું આચમન – શ્રવણ – પઠન જેમણે પણ કર્યું છે તેમને દિન-પ્રતિદિન તેનું અગાધ જ્ઞાન પ્રાપ્ત થયેલું છે. માંડણભક્તે કહેલા શબ્દો ખૂબ યથાર્થ લાગે.
ઇશાણંદ ઊગા,
ચંદણ ઘર ચારણ તણે,
પૃથવી જસ પૂગા,
સૌરભ રૂપે સુરાઉત.
ઇસર બડા ઓલિયા,
ઇશર બાત અગાધ,
સુરા તણો કીધો સુધા,
પસરો મહાપ્રસાદ.
લીંબડી રાજ્યકવિ તથા વિદ્વતાના સુવર્ણ શિખર સમાન કવિરાજ શંકરદાનજી દેથાના આપણે ઋણી છીએ કે તેમણે લગભગ નવ દાયકા પહેલાં હરિરસનું સંપાદન અનેક મુશ્કેલીઓ હોવા છતાં ઉત્તમ પ્રકારે કર્યું. ભાવનગરના વિચક્ષણ દિવાન તથા સૂર્ય-સમાન યશ અને કીર્તિ પ્રાપ્ત કરનાર સર પ્રભાશંકર પટ્ટણીએ તે સમયે હરિરસ માટે અમૂલ્ય શબ્દચિત્ર આલેખ્યું છે.
‘‘ જેઓ કવિનું દર્શન કેવું હોય તે જાણે છે તેઓ ઇસરદાસજીના દર્શનમાં માનશેજ. ઇસરદાસજીનું મુખ્ય લક્ષણ તેમની શ્રધ્ધા છે. શ્રધ્ધાથીજ તેઓ આટલું મોટું પદ મેળવી શકેલા. શ્રધ્ધાને એક વિદ્વાને અંત:કરણની આંખ કહી છે. જે વાત બુધ્ધિ ન સમજી શકે તે વાત હ્રદય તરત સમજે છે. તેનું કારણ હ્રદયમાં રહેલ શ્રધ્ધા છે. એ શ્રધ્ધા જેનામાં હોય તેઓ સર્વ ઇસરદાસજીને વધારે સારી રીતે સમજી શકશે….. શ્રધ્ધાથી આ પુસ્તક (હરિરસ) વાંચનારને નવી દ્રષ્ટિ, નવું બળ તથા નવું ચેતન મળ્યા વિના રહેશે નહિ. (ડીસેમ્બર-૧૯૨૮)
શ્રધ્ધાનો, વિશ્વાસનો, સુકર્મોની પાવક જ્યોત જનજનમાં પ્રગટ થાય અને ભક્તિના બળે સ્થાયી થાય તેવો સમૃધ્ધ વારસો નરસિંહ – તુકારામ તથા ઇસરદાસ જેવા સંતકવિઓ મૂકીને થયા છે. આ વારસાના વિચારતત્વનું મૂલ્ય આંકીને તેનું અવલંબન લેતો સમાજ સ્વસ્થતાની દિશામાં ડગ માંડી શકે છે.
***
Leave a comment