લોકશાહીનું મહાપર્વ

૮૦ કરોડ મતદારો સાથે વિશ્વની સૌથી મોટા લોકશાહી દેશ ભારતની લોકસભા તથા કેટલીક વિધાનસભાઓની ચૂંટણી તાજેતરમાંજ સંપન્ન થઇ. લોકસભા-૨૦૧૪ ની ચૂંટણી માટે જે મતદાર યાદી તૈયાર કરવામાં આવી તેમાં ૩.૯૧ કરોડ નવા મતદારોની નોંધણી થઇ છે. આ નવા મતદારોમાં ૧.૨૭ કરોડ મતદારો ૧૮ થી ૨૦ વર્ષ વચ્ચેના છે. આથીજ આ યુવા લોકશાહીની ચૂંટણીમાં દુનિયાભરને રસ જાગ્યો છે. સમગ્ર દેશના ખૂણે ખૂણે લગભગ ૯.૫૦ લાખ મતદાન મથકો ઊભા કરીને મતદારોને તેમના રહેવાના સ્થળ નજીક મતદાન કરી શકે તેવી વ્યાપક ગોઠવણ કરવામાં આવે છે. લગભગ ૨૦ લાખ જેટલા ઇલેકટ્રોનીક વોટીંગ મશીન (ઇ.વી.એમ.) સ્થળ પર નિર્ધારીત સમયે પહોંચે તથા તેનો ઉપયોગ થાય તેનું ઝીણવટપૂર્વકનું આયોજન કરવામાં આવે છે. કેટલા પ્રદેશો, કેટલા અલગ અલગ જૂથના લોકો તેમજ કેટલી ભાષા – બોલી બોલતા લોકો એક નક્કી થયેલી વ્યવસ્થાના ભાગ તરીકે ચૂંટણીની પ્રક્રિયામાં હિસ્સો લે છે તે આશ્ચર્ય તથા અહોભાવ ઉપજાવે તેવી બાબત છે. છેલ્લા પાંચ વર્ષમાં થયેલી ચૂંટણીઓના મતદાનના આંકડા જોઇએ તો સતત વધતા રહ્યા છે. આ બાબત પણ મતદારની સક્રિયતા તેમજ જાગૃતિના કારણે શક્ય બની છે તેમ કહી શકાય. ચૂંટણી પંચના તેમજ કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓના સક્રિય પ્રયાસો થકી પણ મતદાનની ટકાવારી વધી છે. મહિલાઓની જાગૃતિને કારણે દેશના કેટલાક રાજ્યોમાં મહિલા મતદારોએ પુરૂષ મતદારો કરતા વધારે મતદાન કર્યું છે એ પણ નોંધપાત્ર છે. 

ઘણીવાર એવું બને છે કે આપણે જે કાર્ય સહજ રીતે કરતા હોઇએ તેના એકંદર મહત્વ વિશે આપણે અજાણ હોઇએ છીએ. આ વાત જ્યારે દૂર બેસીને કોઇ નિરીક્ષણ કરે ત્યારે આ ભગીરથ કાર્યના પરિમાણો વધારે સ્પષ્ટ બને છે. ન્યૂયોર્ક ટાઇમ્સના એક વરિષ્ટ પત્રકાર વી. મીચેલ તરફથી ભારતની લોકસભાની તાજેતરની ચૂંટણીઓના સંદર્ભમાં એક અહેવાલ પ્રસિધ્ધ થયો તે રસ પડે તેવો છે અને ઘટનાનું હેતુલક્ષી મૂલ્યાંકન કરે છે. 

મીચેલ ભારતની ચૂંટણીઓને અનેક રીતે એક અસાધારણ ઘટના ગણાવે છે. આટલી મોટી સંખ્યામાં લોકો એકજ પધ્ધતિમાં રહીને એક પર્વની ઉજવણી જેમ મતદાન કરે તથા તે માટે વ્યવસ્થા ગોઠવાય તે બાબતો તેમને પ્રભાવી લાગી છે. ભારતના પડોશી દેશોની લોકશાહી શાસન વ્યવસ્થા અંગેની સ્થિતિની તુલનામાં ભારતની લોકશાહી તથા ચૂંટણી પ્રક્રિયા તેમને ખૂબ મજબૂત લાગી છે જે સ્વાભાવિક છે. તેમને સમગ્ર વ્યવસ્થા જીવંત તથા ધબકતી લાગી છે. ધર્મ, જાતિ કે પ્રદેશના કોઇપણ ભેદભાવ સિવાય દરેકે દરેક નાગરિકને લોકશાહીની આ પ્રક્રિયામાં ભાગ લેવાનો અધિકાર એ દેશના બંધારણનોજ ભાગ હોય તે પણ નોંધપાત્ર છે. 

કેવી વિકટ પરિસ્થિતિમાં પણ આપણું સમગ્ર તંત્ર લોકોના સહયોગથી આ કામ પુરું કરે છે તે અહોભાવ ઉપજાવે તેવી ઘટના છે. ગુજરાતના એક અધિકારી જે મેઘાલયમાં ચૂંટણી નિરીક્ષક તરીકે ફરજ બજાવવા ગયેલા તેઓ સહેજે વાત કરતા હતા કે તે પ્રદેશના ઘણા વિસ્તારોના ભૌગોલિક સ્થાનને કારણે જ્યારે કોઇ વાહન વ્યવહાર થકી સંપર્ક ન થાય ત્યારે અમુક કિલોમીટરના અંતર સુધી નક્કી કરવામાં આવેલ વ્યક્તિ દોડીને ચૂંટણીના દિવસે મતદાનના આંકડાઓ દર બે કલાકે પહોંચતા કરે છે. જેથી ચૂંટણી પંચને તેનું રીપોર્ટીંગ કરી શકાય. માનવ સાંકળની આ વ્યવસ્થા અસરકારક રીતે કામ પણ કરે છે. આ યુગમાં પણ આવી વ્યવસ્થા કરવી પડે તે આપણા દેશની વિભિન્ન ભૌગોલિક સ્થિતિનો નિર્દેશ કરે છે. ૧૪૫૦૦ ફીટની ઊંચાઇએ આવેલા હિમાલય પ્રદેશનું એક મતદાન મથક વિશ્વનું ઊંચમાં ઊંચું મતદાન મથક છે ! લગભગ ૧૯ કિ.મી.ના સતત ચડાણ અને તે પણ ભાગ્યેજ રસ્તો કહી શકાય તેવા માર્ગે ચડાણ પૂરું કરીએ ત્યારે આ મતદાન મથકના દર્શન થાય ! ગામલોકો કહે છે કે તેમને ત્યાં કોઇપણ રાજકીય પક્ષના ઉમેદવાર તેમનો પ્રચાર  કરવા આવ્યા હોય તેવો પ્રસંગ તેમની સ્મૃતિમાં નથી છતાં મતદાન ૭૦ % આસપાસ નોંધાય છે ! આપણા સિંહ સદન જેવા ગિરમાં બાણેજ મતદાન મથક માત્ર એક મતદાર માટે ઊભું કરવામાં આવે છે જે જાણીતી ઘટના છે. ત્યાંના મતદાર મહંતશ્રી મતદાર કરે એટલે મતદાન ૧૦૦ % પૂરું ! જમ્મુ કાશ્મિરમાં ઉધમપુર વિસ્તારના કેટલાક ઊંડાણના મતદાર વિસ્તારોમાં મતદાનની વ્યવસ્થા માટે ગયેલી સરકારી કર્મચારીઓની ટૂકડીને પાછી લાવવા એરલીફ્ટ કરવી પડે તેવી સ્થિતિ મોસમે મિજાજ બદલતા ઊભી થઇ ! અમૂક સ્થળોએ કેટલાક તત્વોની ચેતવણી – ધમકી હોવા છતાં લોકો કેવી શ્રધ્ધા તથા હિંમતના હથિયાર લઇને મતદાની પવિત્ર ફરજ બજાવવા લાંબી લાઇનોમાં ઊભા રહે છે તે દ્રશ્ય રમણિય તેમજ આત્મવિશ્વાસ પ્રગટાવે તેવું લાગે છે. 

આ ચૂંટણી પર્વમાં હિસ્સેદાર બનવા માટે કે તેમાં કોઇપણ રીતે સહયોગ આપવા માટે એક ભારતીય નાગરિક તરીકે આપણે સૌ ગૌરવની લાગણી ચોક્કસ અનુભવી શકીએ. 

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑