કવિ કાગ પારિતોષિક: મર્મીઓનું મોંઘેરું સન્માન
મજાદરની માટીની સુગંધ દાઢીવાળા દુલાના ભાતીગળ સ્વરૂપે જગતમાં પ્રસરી છે. કાવ્યતત્વની સચ્ચાઈ, સરળતા તથા સાદગીને લોકોએ ખોબે અને ધોબે વધાવી છે. આજે પણ ભગતબાપુની રચનાઓ લોકગાયકોને ગાવી તથા લોકસમૂહને સંભાળવી ગમે છે. કવિ કાગની સ્મૃતિને નિરંતર સંકોરવાનું પુણ્યકાર્ય સંપૂર્ણ રીતે નિજાનંદે સંત શ્રી મોરારીબાપુ કરી રહ્યા છે. વ્યાસપીઠની શબ્દરૂપી પાવક પ્રસાદીમાં ભગતબાપુની રચનાઓ પ્રાંસગિક તથા સહજ રીતે મોરારીબાપુના મુખેથી પ્રગટે છે અને હરિભક્તોમાં ઝીલાય છે. ઉપરાંત દર વર્ષે એકવાર કવિ કાગની સ્મૃતિને કળશ ચડાવવામાં આવતો હોય તેમ કવિશ્રીની સ્મૃતિમાં સુયોગ્ય વ્યક્તિઓને એવોર્ડ અર્પણ કરવામાં આવે છે. ભગતબાપુની પુણ્યતિથિ નિમિત્તે આ એવોર્ડ આપવામાં આવે છે. એ કહેવાની ભાગ્યે જ જરૂર છે કે આ એવોર્ડ પૂજ્ય મોરારીબાપુ પ્રેરીત છે. ૨૦૧૪ ના વર્ષમાં પણ ચોથી માર્ચે કાગધામ ખાતે કવિ કાગની સ્મૃતિમાં લોકસાહિત્ય તથા ચારણી સાહિત્યના ક્ષેત્રમાં પ્રદાન કરનારા પાંચ સાહિત્યમર્મીઓને આ નોંધપાત્ર એવોર્ડ મોરારીબાપુના વરદહસ્તે આપવામાં આવ્યા.
અલગ અલગ સમાચારપત્રોના માધ્યમથી તથા કેટલીકવાર નિમંત્રણ પત્રિકાને કારણે સંત શ્રી મોરારીબાપુ પ્રેરીત અનેક એવોર્ડની વાત ઘણાં લોકોને જાણવા મળે છે. સાહિત્ય જગતમાં તેની ચર્ચા પણ થયા કરે છે. વ્યક્તિગત રીતે હેત તથા નિજાનંદના આવરણથી શોભતા આ ગરિમાયુક્ત એવોર્ડઝ અપાય છે. તે સ્વયં એક નોંધપાત્ર ઘટના છે. એક સ્વસ્થ પ્રણાલિ છે. શ્રી હરિશ્ચન્દ્રભાઈ સાથે વાત કરતા જાણવા મળ્યું કે સાહિત્યના અનેક ક્ષેત્રો તથા સ્વરૂપોમાં બાપુ ઉમંગ-ઉત્સાહથી તથા પોતાની ઉપસ્થિતિમાં આ એવોર્ડઝ આપે છે.
કાગ એવોર્ડ જે લોકસાહિત્યના વિવિધ સ્વરૂપોમાં પ્રદાન કરનારા વ્યક્તિ વિશેષોને અપાય છે. ચિત્રકૂટ એવોર્ડઝ પ્રાથમિક શિક્ષણમાં ઉત્તમ કામ કરનારા શિક્ષકોને આપવામાં આવે છે. જાહેર વહીવટના અનુભવમાં સતત એ વાત ધ્યાનમાં આવી છે કે પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા એ શિક્ષણ જગત તથા સમાજ સામેનો મહત્વનો પડકાર છે. સરકારી તંત્ર ઉપરાંત જાગૃત સમાજ પણ તેને પહોંચી વળવાના કામમાં જોડાય તો આ સમસ્યા હળવી થાય. આથી બાપુનો આ દિશાનો સમજપૂર્વકનો પ્રયાસ ઘણો પ્રાસંગિક છે. ઉપરાંત ગુજરાતી કવિતા માટેનો નરસિંહ એવોર્ડ પણ ખૂબ સુયોગ્ય સર્જકોના પોખણાં કરે છે. શિલ્પ, ફોટોગ્રાફ ચિત્ર, જેવી વિદ્યાઓ માટે કૈલાસ લલિતકલા એવોર્ડ અપાય છે. સંસ્કૃતમાં વિદ્દવત જનોના યોગદાન માટે વાચસ્પતિ પુરસ્કાર અપાય છે. અભિનયકળાઓમાં યોગદાન આપનારા વ્યક્તિ વિશેષોને નટરાજ એવોર્ડઝ આપવામાં આવે છે. ભવાઈ-નાટક જેવી આપણી અમૂલ્ય વિદ્યાઓની આ રીતે કદર થાય છે. તેમાં હિન્દી ફિલ્મો કે સુયોગ્ય ટીવી સીરીયલનો પણ તેમાં સમાવેશ થાય છે. ઉપરાંત હનુમંત એવોર્ડઝ રાષ્ટ્રીય કક્ષાએ વાદ્યસંગીત, નૃત્ય, કંઠ્ય સંગીત જેવી કળાઓ માટે આપવામાં આવે છે. ‘‘સંત પરમ હિતકારી’’ એ ઉક્તિને કેન્દ્રમાં રાખીને સંતવાણી એવોર્ડ અપાય છે. સંતવાણીના ઉપાસકો- પ્રસ્તુતિ કરનારા તેમજ મધુર સંગીત પીરસનારા બન્નેને આ પારિતોષિકો અપાય છે. વેદવાણીની પંગતમાં હક્કથી અને નિજ સત્વથી બેસી શકે તેવી સંતવાણીનો પ્રવાહ સદીઓથી આમ આદમીને ભીંજવતો રહેલો છે. આથી તેમાં પ્રદાન કરનારા મર્મીઓનું આ સન્માન છે. રાષ્ટ્રીય કક્ષાએ રામચરિત માનસની સેવા, તેનો પ્રચાર, પ્રસાર કરીને સંસ્કારની દિવેટ સંકોરનાર મહાનુભાવોને તુલસી એવોર્ડઝથી વધાવવામાં આવે છે. ગુજરાતી સુગમ સંગીત એ આપણું ઘરેણું છે. અવિનાશ વ્યાસ જેવા સમર્થ વ્યક્તિત્વને જોડીને સુગમ સંગીતનો આ એવોર્ડ વાસંતી વાયરાઓની શાક્ષીએ અમદાવાદમાં બાપુ પ્રદાન કરે છે. મુબઈમાં હરીન્દ્ર દવે પુરસ્કારમાં પણ હોંકારો તો બાપુનો જ! વ્યક્તિગત રીતે પણ સંસ્થાકીય માળખું કરે તેવા આ યજ્ઞકાર્યને અનેક ગુણીજનોએ વધાવ્યા છે. તેના વિશે અહોભાવ વ્યક્ત કર્યો છે.
બીજુ તો શું કહેવું પરંતુ ભગતબાપુ (કવિકાગ) ના શબ્દો મોરારી બાપુને અર્પણ કરીએ તો જરૂર યોગ્ય ગણાશે.
મનમાં ન મળે મારુ તારું.
અંતરમાં અમીર જી,
સો સો નદિયું ઉર સમાણી,
સાગર જેમ ગંભીર….
જગમાં એનું નામ ફકીરજી.
એનું નામ ફકીર
જેની મેરુ સરખી ધીર….. જગમાં….
કચ્છ કલાધર- દુલેરાય કારાણી
ઘણાં સાહિત્ય રસિકો કારાણીભાઈ ને કચ્છના મેઘાણી કહે છે. આ કથનમાં સહેજ પણ અતિશયોક્તિ નથી. એ બાબત પણ યોગાનુયોગ છે કે મેઘાણીભાઈ અને કારાણીભાઈ બન્નેનો જન્મ ૧૮૯૬ ની સાલમાં થયેલો. આ રીતે બન્ને સમવયસ્ક ગણાય. કુદરતે પણ જાણે સમર્થ સંશોધક તથા સર્જકની લહાણી કરી તો કચ્છ તથા સૌરાષ્ટ્ર બન્નેને એક સાથે કરી! મેઘાણીભાઈ વહેલા ગયા પરંતુ કારાણીબાપા જીવનના નવ નવ દાયકાઓ સુધી સમાજમાં સાહિત્યનો અમીરસ રેલાવતા રહ્યા. પ્રભાવી દેહ અને કચ્છી પાઘડીમાં અલગ તરી આવે તેવું ભાતીગળ વ્યક્તિત્વ! પોતાની વાત પણ તેઓ કેવા નમ્ર થઈને કહે છે:
શિક્ષણજી સેવા કઈ,
સત્તા મેં ન મગરૂર,
નસનસ ધારઈ નમ્રતા,
રખઈ દીનતા દૂર,
લઘુતાગ્રંથી પણ ખરી,
સ્વમાન હદ બેહદ,
શરમ સહજ સંકોચને
કોમળતા અનહદ.
નિર્દોષ ઝરણા જેવું તેમજ પક્ષીઓના કલરવ જેવું મેઘધનુષી જીવન બાપા જીવી ગયા. મૂળ જીવ શિક્ષકનો પણ ભલભલા સંશોધક-ઈતિહાસકાર-સર્જકને નોંધ લેવી પડે તેવું તેમનું સાહિત્યમાં યોગદાન રહ્યું રાજવી મદનસિંહજીને પ્રિય તો સોનગઢવાળા જૈન મુનિ કલ્યાણચન્દ્રજીને એટલા જ વહાલા!
સાહિત્યની દુનિયામાં નવ દસકાના જીવનમાં લગભગ ૮૦ પ્રગટ અપ્રગટ પુસ્તકોની અમૂલ્ય ભેટ તેઓએ સમાજને આપી. સ્વામી આનંદ કહે છે તેમ કચ્છની રેતમાં ગોળના ગાંગડાનું મોણ નાખીને લાપસીનું જમણ પીરસનાર કારાણીબાપાનું સાહિત્ય કાળના ગમે તેવા પ્રવાહમાં ટકી રહે તેવું ભાતીગળ છે. વહાલી માતૃભૂમિને કવિએ કેવા લાડ લડાવ્યા છે!
કરછડો ખેલે બલકમેં,
જીં મહાસાગર મચ્છ,
જિત હિકડો કચ્છી વસે,
ઉતે ડીયાણી કચ્છ.
લોકવિદ્યાઓના માલમી…. જોરાવરસિંહ જાદવ
સમાજમાં કેટલાક એવા ઉજળા દ્રષ્ટાંતો જોવા મળે કે કોઈએ વ્યક્તિગત રીતે તથા નિજાનંદ માટે કળાઓના ભિન્ન સ્વરૂપો તેમજ તેના વાહકો-જાણતલોની માવજત કરી હોય. પરંતુ કોઈ વ્યક્તિ આવા રૂપાળા કામ માટે સંસ્થાગત માળખું ઉભું કરે અને તેને સારા માઠા અનુભવ વચ્ચે જાળવે તેવી ઘટનાઓ ઓછી જોવા મળે. જોરાવરસિંહે આવું મોંઘેરુ કામ પ્રતિબધ્ધતા અને નિષ્ઠાના આયુધોથી મૂંગા મોઢે વર્ષોના વર્ષો સુધી કર્યું અને આજે પણ યુવાનને છાજે તેવી સ્ફુર્તિથી કરી રહ્યા છે તે આશ્ચર્ય તથા અહોભાવ ઉપજાવે તેવા છે. લોકકલા ફાઉન્ડેશનના માધ્યમથી જગતના ચોકમાં તેમણે અનેક નામી-અનામી કળાધરોને રમતા મૂકયા છે. કચ્છના જોડિયાપાવાના કલાકાર હોય, સીદ્દીકભાઈ જત હોય, લૂપ્ત થતી જતી આપણી ભવાઈ કળાના કર્મીઓ હોય કે જોધપુરના ગુલાબો હોય એ તમામમા રહેલી તળ માટીની સુગંધ તેમણે અનેક પ્રયાસોથી પ્રગટાવી છે અને પ્રસરાવી છે. તેમની આ શોધયાત્રા જે ૨૧ વર્ષની ઉમ્મરે શરૂ થઈ છે તે આજે પણ જીવનના સાત-સાડાસાત દાયકા પછી અવિરત રીતે તથા એકજ સરખી સક્રિયતાથી ચાલી રહી છે. આ ધૂળધોયાને શહેરીજીવનની ઝાકઝમાળ વચ્ચે પણ ધૂળની એલર્જી નથી. મરજીવાની જેમ મોતી શોધવાનું કામ તેમના પુરા વ્યક્તિત્વનો એક અતૂટ હિસ્સો છે. જોરાવરસિંહજીને કાગ એવોર્ડ મળે તે ઘટના જ તેમની જીવનસાધનાને, જાણનારા સૌ કોઈ માટે પ્રસન્નતાદાયક છે. ખાબરાળા ભવાઈ મંડળના શ્રી બાબુભાઈ વ્યાસે સરસ શબ્દોમાં જોરાવરસિંહની ઉજળી કર્મગાથા આ લેખી છે.
ચડી પહાડો ચારે દિશા,
ઝીણી નજરથી જોઈ,
કરમી તું થી કોઈ,
જોયો ન નજરે જાદવા…….
પુષ્પાબેન છાયા: લોકસંગીતમાં પાયાનું પ્રદાન
સુગમ સંગીત તથા હવેલી સંગીતમાં જેમની ઊંડી સુઝ તેમજ પ્રસ્તુતિની આગવી પકડ હોવા છતાં બહેન પુષ્પાબહેન છાયા લોકસંગીતની પ્રસ્તુતિમાં પાયાના પથ્થર સમાન બની શક્યા તે સુખદ આશ્ચર્યનો વિષય છે. રાજકોટ રેડિયો સ્ટેશનમાં લગભગ અડધી સદી પહેલા તેમના તથા ગહેકાટ કરતા મોરલાના કંઠનું કામણ ધરાવતાં હેમુ ગઢવીના ડ્યુએટસ આજે પણ સભા ડોલાવે તેવા મધુર છે. પુષ્પાબેન જેમના અર્ધાંગીની છે. તેવા ઉપેન્દ્રભાઈ ત્રિવેદી (મામા) રાજકોટ રેડિયો સ્ટેશનમાં પોતાના અમૂલ્ય યોગદાનથી પોતાનું સ્થાન કાયમ કરતા ગયા છે. ‘‘મન મોર બની થનગાટ કરે’’ જેવા લોકગીતોની મધુરતા હેમુભાઈ તથા પુષ્પાબેનના સ્વરના પ્રતાપે પૂર્ણત: ખીલી ઉઠી છે. રાજકોટ રેડિયો સ્ટેશન તેના ધન્યનામ જેવા ઉપેન્દ્ર ત્રિવેદી (મામા), ચન્દ્રકાન્ત ભટ્ટ, હેમુભાઈ તેમજ પુષ્પાબેન જેવા મર્મીઓ-સાધકોની કળા સાધનથી એક અલગ તથા ભાતીગળ રેડિયો સ્ટેશન તરીકે વિસસી શક્યું છે. ગીત-સંગીતના ક્ષેત્રમાં પુષ્પાબેનના યોગદાનનું એક સવિશેશ મૂલ્ય રહેલું છે. કાગ એવોર્ડ માટે પુષ્પાબેનની પસંદગી સમયસરની તેમજ સુયોગ્ય છે.
પાલુ ભગતની પાવક વાણી
નૈન અમલ કવિતા વિમલ,
હરિહર ભજન હમેશ,
વંદુ પદ વરદાયની,
વિણા ઘરણી વિશેષ.
જેની વાણી વીણા ધારીણીના અંતરના આશિશ મેળવીને પ્રગટે છે તે ચારણ સંત પાલુ ભગત પૂરા ‘‘વચન વિવેકી’’ સર્જક છે. વિનય-વિવેક અને કાવ્યમાં વળોટ તેમને વરેલા છે. એટલે જ કવિની આ કેફિયત વાસ્તવિક છે. પોતે લખે છે.
‘‘કવિતા સત્તરેક વર્ષની ઉમ્મરે સ્ફુરેલી પણ આછું ભણેલો અલગારી અને લાપરવાહીને કારણે તે છપાવવાનું નોતું બનતું… જાહેર ન થવાનો ભાવ પણ ખરો….’’ કવિ ગમે તે કહે પરંતુ તેના સર્જનરૂપી સૂર્યના કિરણો ઢાંક્યા કેમ રહે! ભાઈ કિશોરભાઈ રાણાભાઈ તથા પ્રવિણભા મધુડાની ભાવના અને આઈઓના આશિષ થકી તેમની કાવ્ય પ્રસાદીનો એક મણકો ‘‘શ્રી સુબોધ બાવની’’ સ્વરૂપે સમાજ સમક્ષ પિરસાયો. સંતો-ભક્તો તથા આઈ તત્વના ઉપાસકોને સમગ્ર સૃષ્ટિના ક્રમમાં જોગમાયાના સ્વરૂપના દર્શન થાય છે. ભક્ત કવિ ઈસરદાસજી હોય કવિ શ્રી દુલા ભાયા કાગ હોય કે સંત પાલુ ભગત હોય- આ બાબતમાં સૌ એક જ માળાના મણકા જેવા લાગે.
ઉદય અસ્તને આભમાં તું ઉછાળે,
પડ્યા પાથર્યા દાનવોને પછાડે,
ઘણું રાંધવા જવાળ ચુલો જલાવે,
હસી વાયુના વીંજણાને હલાવે.
આ સંતકવિઓ આપણાં અમૂલ્ય ખજાના સ્વરૂપી શાસ્ત્રોની વાતો સમજાય અને સુવાચ્ય બને તેવી રીતે જનજન સુધી પહોંચાડે છે. શ્લોક અને લોકના અનુસંધાનનું સમાજને હિતકર એવું આ કામ ભક્તકવિઓ સિવાય કોણે કર્યું હોત? પાલુ ભગત લખે છે:
દુનિયામાં જે દુ:ખ
ઈચ્છાઓમાંથી અવતરે,
સંતોષીને સુખ,
પ્રભુ ભરોસો ‘પાલીયા’
‘‘નત્યહમ્ કામયે રાજ્યમ્’’ જેવા શ્લોકનું અનુસંધાન કવિના ઉપરના દોહામાં સહજ-સરળ રીતે થતું હોય તેમ જરૂર લાગે.
કવિનો નિજભાવ તો રામાયણ તથા હરિ રસ તરફ વળેલો છે. સહજ સ્ફૂરેલા કાવ્યોની પ્રસાદી ધરીને આ ભક્તિ સંવાદ નિરંતર અતીતના ઘૂણાની જેમ જવલંત રહે છે. આથી જ પાલુ ભગતને કાગ એવોર્ડ એ ઠાકર મંદિરની સંધ્યા આરતી સમાન છે.
ઓમકારસિંહજી: વિશિષ્ટ વ્યક્તિત્વ:
કાગ એવોર્ડના માધ્યમથી રાજસ્થાનના લોકસાહિત્ય-ચારણી સાહિત્યમાં જેમનું નોંધપાત્ર યોગદાન હોય તેવા સર્જકને પણ સન્માનવામાં આવે છે. ગયા વર્ષે શક્તિદાનજી કવિયાને કાગ એવોર્ડથી વિભૂષિત કરવામાં આવેલા તે સુવિદિત છે. ઓમકારસિંહજી લખાવતનું સાહિત્યના ક્ષેત્રમાં મહત્વનું યોગદાન તો છે જ. ઉપરાંત તેઓ રાજકીય-સામાજિક ક્ષેત્રમાં પણ અગ્રિમ હરોળમાં છે. અજમેર સ્થિત ચારણ સાહિત્ય શોધ સંસ્થાનના એ સ્થાપક પ્રમુખ છે. ભારતની સંસદમાં રાજ્યસભાના સભ્ય તરીકે તેઓએ રાજસ્થાનનું અસરકારક પ્રતિનિધિત્વ કરેલું છે. રાજસ્થાનના ઐતિહાસિક સ્મારકોની જાળવણીમાં તેમજ તેનો વિકાસ કરવામાં તેમનું પ્રદાન નોંધપાત્ર છે. હિંગળાજ શક્તિપીઠ અંગેનું તેમનું પુસ્તક ખૂબજ પ્રમાણભૂત વિગતો સાથે લખાયું છે તથા તેને વ્યપાક સ્વીકૃતિ મળેલી છે. સંસદસભ્ય તરીકે પણ તેઓ પોતાની સક્રિયતાને કારણે પ્રસિધ્ધિને તથા પ્રશંસાને વરેલા છે. ઓમકારસિંહજી ને કાગ એવોર્ડની અર્પણવિધિ કરીને મોરારીબાપુએ સમગ્ર રાજસ્થાનના ભવ્ય અને ભાતીગળ વારસાને પ્રમાણ્યો છે તથા વધાવ્યો છે.
અનેક સમર્થ સર્જકોમાંથી, વાણીના ઉપાસકો તથા આરાધકોમાંથી અમૂકને તારવવાનું પસંદ કરવાનું કામ અઘરું તો છે. પરંતુ વ્યાપાક દ્રષ્ટિકોણ, વિષયની ઊંડી સૂઝ તથા મોરારીબાપુના અવિચળ વિશ્વાસના મજબૂત ટેકાથી શ્રી બળવંતભાઈ જાની તથા શ્રી હરિશ્ચન્દ્રભાઈ જોશી આ યજ્ઞકાર્ય કરી રહ્યા છે તેઓ પણ અભિનંદનને પાત્ર છે. સરસ્વતીના આ પુજન-અર્ચનનું પુણ્યકાર્ય સમગ્ર સમાજની શોભા વધારે એવું નરવું તથા ગરવું છે.
***
Leave a comment